Bhjiyawadi - 14 books and stories free download online pdf in Gujarati

ભજિયાવાળી - 14

એકવાર પાસપોર્ટના કામથી હું રાજકોટ આવેલો અને ત્યારે એકલો બાઈક લઈને ફર્યો હતો અને હવે ઘણાં સમય પછી આમ બાઈક પર, અને એમાંય ગ્રીષ્મા સાથે તો પહેલીવાર જ ! રાજકોટ શહેરમાં બપોર આથમીને સાંજ ઉગવાની તૈયારીમાં હતી. ચાની હાટડીઓ પર ટોળે વળી ચા પીતા પીતા સાંજનું પેપર વાંચતા માણસો. ચોકે ચોકે ગાંઠિયાની સોડમથી મહેકતું વાતાવરણ. આ બધું જ રાજકોટને વ્યાખ્યાયિત કરતું હતું. ગ્રીષ્માનો દુપટ્ટો હવાના કારણે મારા ખભે આવી જતો અને એ શરમાતી એને પાછો ખેંચી લેતી અને આમ વળવાનું છે એમ કહીને રસ્તો બતાવતી ! અમે લગભગ અડધે રસ્તે પહોંચ્યા હતા ને ત્યારે ભાઈનો કૉલ આવ્યો. 'ગૌરવ ક્યાં છે ?' મેં કહ્યું 'ભાભીની દવાઓ હોસ્પિટલે જ ભુલાઈ ગઈ છે તો હું અને ગ્રીષ્મા લેવા ગયા છીએ.' ભાઈએ કહ્યું, ' સારું તું જલદી લઈને આવી જા એટલે આપણે નીકળીએ, એમ પણ પહોંચતા રાત તો પડી જ જશે અને મમ્મી-પપ્પાએ રાત પહેલાં આવી જવાનું કીધું છે.' મેં બાઈક થોડી ઝડપથી ચલાવ્યું. હોસ્પિટલ પહોંચીને અમે દવાઓ લીધી અને પરત આવવા નીકળ્યા.


સતીશભાઈની બાઈકમાં પેટ્રોલ ઓછું હતું એટલે અમે પેટ્રોલ ભરાવવા રોકાયા અને ત્યારે ગ્રીષ્મા બોલી, 'જો ગૌરવ, આપણી સાથે રમણ ભણતો હતો એનું આ ક્લિનિક છે.' મેં કહ્યું, 'એ ડૉક્ટર બની ગયો? વાહ.' ગ્રીષ્માએ કહ્યું, 'આપણી પાસે ટાઈમ ઓછો છે નહીંતર મળતાં આવત. એ તને જોઈને બહુ ખુશ થાત.' 'ગ્રીષ્મા આપણે એકવાર સ્પેશિયલ મળવા આવીશું અત્યારે તો જલદી જ ઘરે પહોંચવું પડશે, ભાઈ રાહ જુએ છે.' અમે રસ્તામાં હતા ત્યારે ભાઈનો કૉલ આવ્યો. ભાઈએ કહ્યું ' ગૌરવ એક કામ કરજે ને.' 'હા બોલો ને ભાઈ, શું થયું?' ભાઈએ કહ્યું 'અમારે થોડું જલદી નીકળવું પડશે, તારે કેટલીવાર લાગશે?' મેં કહ્યું, 'હજી તો અમે નીકળ્યા છીએ ફઈના ઘર સુધી આવતા આવતા અડધો કલાક થઇ જશે.' ભાઈ થોડા ગભરાયેલા લાગતા હતા એટલે મેં પૂછ્યું, ' શું થયું ભાઈ ? બધું બરાબર છે ને ?' ભાઈએ કહ્યું, 'હા તું એક કામ કર સીધો ગોંડલ ચોકડીએ આવી જાને અમે રિંગ રોડથી આવવા નીકળીએ છીએ.' 'પણ થયું શું છે ભાઈ?' 'તું ગોંડલ ચોકડીએ આવી જા ફટાફટ.' ભાઈએ ફૉન મુક્યો અને મેં ગ્રીષ્માને રસ્તો પૂછ્યો અને રાજકોટના ખૂણે ખાંચરેથી નીકળતા નીકળતા અમે ગોંડલ ચોકડીએ પહોંચ્યા. ગ્રીષ્માએ કહ્યું 'ગૌરવ બોલને શું થયું છે? કેમ આટલો ગભરાયેલો છે?' 'મને પણ કંઈ વધારે ખબર નથી ગ્રીષ્મા, ભાઈ ગભરાયેલા લાગતા હતા અને ખબર નહીં અહીંયાં કેમ બોલાવ્યા હશે.' થોડીવાર અમે રાહ જોઈ અને ચિરાગની કાર દેખાઈ.' ચિરાગ ડ્રાઈવ કરતો હતો અને ભાઈ બાજુમાં અને પાછળ ભાભી બેઠાં હતાં. ભાઈએ કાર સાઈડમાં પાર્ક કરી અને કહ્યું, 'ગૌરવ..' ભાઈ બોલે એ પહેલાં મેં કહ્યું, 'શું થયું ભાઈ, કેમ આમ ભાગતાં ભાગતાં આવ્યા. બધું બરાબર તો છે ને ? ચિરાગ પણ કારમાંથી ઉતર્યો અને ભાઈએ કહ્યું,'હા બધું જ બરાબર છે ગૌરવ.' તો આમ ઉતાવળ કેમ કરી?' ભાઈ મલકાતા બોલ્યા, 'તને સરપ્રાઈઝ આપતી હતી!' 'શેની સરપ્રાઈઝ?' મેં આતુરતા સાથે મૂંઝવણપૂર્વક કહ્યું. ભાઈ, ભાભી અને ચિરાગ એકબીજાને જોઈને સ્માઈલ કરવા લાગ્યા.' ભાઈ બોલ્યા, 'છોકરીવાળા જોવા આવે છે!' જેમ કોઈથી આગળ થવાના દર્દમાં ફાળ પડે એમ હું હેબતાઈ ગયો! ગ્રીષ્માએ પોતાની આંખો નીચેની તરફ ઝુકાવી લીધી. શું બોલવું એ જ ખબર નહોતી પડતી. ભાભી બોલ્યાં, 'કેમ આમ મોઢું પડી ગયું? તારે તો તારા મિત્ર માટે ખુશ હોવું જોઈએ.' 'મિત્ર માટે?' મેં કહ્યું. ભાઈ બોલ્યા, 'ચિરાગને છોકરીવાળા જોવા આવે છે અને એ પણ ત્રણ કલાકમાં. એટલે જ અમે ફટાફટ નીકળ્યા.' ગરમીમાં તપ્યા બાદ એ.સીવાળા રૂમમાં જઈએ એવો હાશકારો મને થયો. હું ચિરાગ પાસે ગયો અને કહ્યું, 'કોન્ગ્રેચૂલેશન ભાઈ' એ બોલ્યો, ઑલ ધ બેસ્ટ ગૌરવ, મસ્ત ટાઈમ મળશે તને.' ચિરાગની આ વાતથી મને કંઈ સમજાયું નહીં. મેં ભાઈને કહ્યું, 'આવી વાત હતી તો ફઈના ઘરેથી જ આપણે સાથે નીકળતા ને. હવે આ સતીશભાઈની બાઈકને ક્યાં મુકવી?' ભાઈએ કહ્યું, જો તારે અહીંયાં જ રોકાવું પડશે ગૌરવ, કેમ કે મારી કાર બે કલાકમાં ઠીક થઈ જશે અને પછી તું આરામથી આવી જજે ને. અત્યારે તું બાઈક લઈને ફઈના ઘરે પહોંચ પછી જમીને રાત્રે નીકળી જજે ને! એમ પણ હવે તે ઇન્ડિયામાં ડ્રાઈવ કરવાનું તો શીખી જ લીધું છે ને.' હું કંઈ બોલું એ પહેલાં ભાભી બોલ્યાં, 'એક કામ કર ગ્રીષ્મા તું પણ ગૌરવ સાથે અહીંયાં જ રહી જા અને તમે બંને જમીને મોડી રાત્રે નીકળી જજો' 'પણ...' ગ્રીષ્મા કંઈક બોલવા જતી હતી ને ભાભી ફરીથી વચ્ચે બોલ્યાં, 'ચિંતા ના કર હું તારા મમ્મી સાથે વાત કરી લઈશ. ગૌરવ મારી દવા લાવ.' ભાભીને મેં દવા આપી અને એ લોકો નીકળ્યાં.


આ રંગીલા શહેરમાં હવે હું અને ગ્રીષ્મા એકલા હતા. ગ્રીષ્માએ મારી સામે જોયું અને પછી એણે નજર નીચે ઝુકાવી લીધી. 'ગ્રીષ્મા, આપણી પાસે પાંચથી છ કલાક છે અને હું ઘણાં સમય પછી રાજકોટ આવ્યો છું તો ચાલને રાજકોટ ફરીએ.' મારી વાત સાંભળતા જ ગ્રીષ્માનો ચહેરો ખીલી ગયો. 'પહેલાં કાલાવડ રોડ, પછી રિંગરોડ પછી જામનગર રોડ...કેટલું બધું ફરવા માટે છે. તારે ક્યાં જઉં છે?' મેં કહ્યું, ' તું જ્યાં લઈ જાય ત્યાં !' ગ્રીષ્માના ચહેરા પર બ્લશ નરી આંખે જોઈ શકાતું હતું. ઢળતી સાંજમાં અમે બંને રંગીલા રાજકોટમાં ફરતાં હતા. હાઇવે પર એક કેફેમાં હું અને ગ્રીષ્મા બેઠાં. કૉફી પીતાં પીતાં મેં ગ્રીષ્માને પૂછ્યું, 'ગ્રીષ્મા..શું પ્લાન છે લાઈફમાં?' 'શું હોય...ગામ અને ભજિયાં..!' એ સહજતાથી બોલી. મેં કહ્યું, 'તું શા માટે ભજિયાં પાછળ જ રહે છે? દુનિયા ઘણી મોટી છે, કેટલી બધી ઑપર્ચ્યુનીટીસ્ છે. તું ચાહે એ કરી શકે છે.' ગ્રીષ્માએ વિસ્મય ભર્યું સ્મિત આપ્યું અને બોલી, 'આ ભજિયાં જ તો છે જેણે અમને સાચવી રાખ્યા છે, અને તું આ બધી ઑપર્ચ્યુનીટીસ્ અને સપનાંઓની વાત કરે છે એ તમારાં લંડન અને અમેરિકામાં હશે. અહીંયાં તો આ ગામડું અને ભજિયાં જ છે.' હું કંઈ બોલવા જઉં એ પહેલાં એણે કહ્યું, 'હવે તો સપનાંઓથી પણ ડર લાગે છે..!' અને ગ્રીષ્મા ખળખળ વહેતા ઝરણાંમાંથી તળાવની જેમ શાંત થઈ ગઈ. મને મનમાં અફસોસ હતો, કેમ કે જયારે જ્યારે હું ગ્રીષ્માને સમજવા માટે તેની સાથે ખૂલીને વાત કરતો ત્યારે ગ્રીષ્માનો મૂડ સ્પોઈલ થઈ જતો. ભલે હું પાંચ-છ વર્ષથી પરદેશ રહું છું પણ હું એ જ ગામનો છું. ગ્રીષ્મા પહેલાં આવી નહોતી. બધાં એને બોલકી જ કહેતા. ગ્રીષ્માના પપ્પા એટલે કે ભગતકાકા અમારા ગામનું નાક કહેવાતા. દૂર દૂરથી લોકો એમના ભજિયાં ખાવા આવતા. મને હજી યાદ છે એ દિવસ જ્યારે મારી લંડન માટેની ફ્લાઇટ બુક થઈ ગઈ હતી અને છેલ્લા દિવસે જ્યારે હું ગ્રીષ્માને મળ્યો ત્યારે પણ એનો મૂડ કંઈક આવો જ હતો. ત્યારબાદ તો ભગતકાકાનું અવસાન અને કેટકેટલી મુશ્કેલીઓમાંથી ગ્રીષ્મા પસાર થઈ હશે. ગ્રીષ્માએ મારી આંખો સામે હાથ ફેરવ્યો, 'ગૌરવ, શું વિચારે છે ? ટાઈમ જો છ વાગી ગયા છે અને આપણે નીકળવાનું પણ છે.' મેં કહ્યું, 'હા..' અમે બંને કેફેમાંથી બહાર નીકળ્યા. હું સતત વિચારતો હતો કે કેવી રીતે ગ્રીષ્માને ખુશ કરું? મેં કહ્યું, 'ગ્રીષ્મા ચાલ રમણને ત્યાં જઈને સરપ્રાઈઝ આપીએ.' 'હા જઈએ પણ આપણને લેટ નહીં થાય ને?' મેં કહ્યું, 'ના ના એક કલાક બેસીને નીકળી જઈશું.' અમે બંને રમણના ક્લિનિક જવા માટે નીકળ્યા.' ત્રણ રૂમવાળા રમણના ક્લિનિકમાં પાંચથી છ લોકો બહાર રીસેપ્શન એરિયામાં બેઠા હતા. કૂચડ કૂચડ અવાજ કરતો પંખો અને મોઢામાં કાઠિયાવાડી માવો ભરીને ધીમા અવાજે બોલતો રીસેપ્શનીસ્ટ. રમણના પપ્પા પણ ડૉક્ટર હતા એટલે રમણ પણ એ જ લાઇનમાં ગયો હશે. મારા માટે આજનો દિવસ સરપ્રાઈઝથી ભરેલો હતો એટલે નક્કી કર્યું કે રમણને પણ સરપ્રાઈઝ આપીશું. મેં અને ગ્રીષ્માએ પેશન્ટ તરીકે જ નામ લખાવ્યું. રીસેપ્શનીસ્ટ માવો થૂંકીને બોલ્યો, 'તમારો છેલ્લો નંબર છે, કલાક પછી નંબર આવશે.' અમે બાંકડા પર બેઠાં અને એ દિવસનો બધો હિસાબ કરવા લાગ્યો.

લગભગ દોઢ કલાક પછી અમારો નંબર આવ્યો. કેબીનનો દરવાજો ખોલ્યો ત્યારે રમણ કંઈક લખતાં લખતાં બોલ્યો, 'જે પેશન્ટ હોય એ ચેર પર બેસી જાઓ અને બીજા સામે સોફા પર બેસે!' હું અને ગ્રીષ્મા એકબીજાને જોઈ હસવા લાગ્યા. ગ્રીષ્માએ રમણને કહ્યું, 'અમે બંને પેશન્ટ છીએ.' રમણે ઊંચું જોયું અને ગ્રીષ્માને જોઈ બોલ્યો, 'ગ્રીષ્મા... તું કેમ છે?' 'મને છોડ આ જો..' ગ્રીષ્માએ મારી તરફ ઈશારો કર્યો. રમણ એક સમય માટે તો મને ધ્યાનથી જોતો રહ્યો અને ઊભો થઈને મારી પાસે આવી બોલ્યો, 'ગૌરવ...' અંર ભેટી પડ્યો. બહુ બધી વાતો કરી. સ્કૂલથી લઈ અત્યાર સુધી શું કર્યું એ બધી ચર્ચા થઈ અને મેં ગ્રીષ્માને નીકળવા માટે ઈશારો કર્યો. 'રમણ તો હવે અમે નીકળીએ? અમારે હજી ડ્રાઇવ કરી ગામડે પણ પહોંચવાનું છે! રમણે કહ્યું, 'ના એમ તો ના જ જવાય ને.તમારે જમીને જ જવાનું છે અને મેં દિશાને (રમણની પત્ની) પણ કહી દીધું છે અને પપ્પા પણ તમારી રાહ જુએ છે.' મેં રમણને આખી ઘટના કહી તો પણ એ માન્યો નહીં. 'તમારે નીકળવું છે ને તો જમીને જ નીકળી જજો ને. એકાદ કલાક મોડા નીકળજો, પણ આજે જ ઘરે તો આવું જ પડશે અને ગૌરવ તું તો હવે આવવાનો નથી.' મેં કહ્યું, 'તો તું ફરવા અમેરિકા આવી જજે ને.' ગ્રીષ્માએ મારી સામે જોયું, મેં સતીશને કૉલ કરીને કહ્યું અને કારને શહેરની અંદર લઈ આવવા કહ્યું. રમણ બોલ્યો, 'જો ગ્રીષ્મા, આને કહેવાય મિત્ર. એક જ વારમાં પોતાના પ્લાન કેન્સલ કરી માની જાય. તો ચાલો હવે નીકળીએ.' અમે બહાર નીકળ્યા અને રમણ ચાલતો જ જવા લાગ્યો. મેં કહ્યું, 'રમણ કઈ બાજુ જાય છે ?' એ બોલ્યો, 'જો અહીંયાંથી ત્રીજી શેરીમાં આપણું ઘર. તું બાઇક અહીંયાં જ રાખ.' અને અમે આમ ચાલતાં ચાલતાં રમણના ઘરે ગયા.
(ક્રમશઃ)

- પ્રદિપ પ્રજાપતિ