Moto delo in Gujarati Short Stories by Sonu dholiya books and stories PDF | મોટો ડેલો

મોટો ડેલો


મોટો ડેલો

શિયાળાની સવાર છે હસમુખ તેના ભત્રીજા મયુરને લઈને નાઘેરના એક ગામડામાં છોકરી જોવા જાય છે મયુર હજી ભણે છે .પણ હવે લગ્ન કરવા માટે તૈયાર છે , કારણકે તેના બંને મોટા ભાઈઓના લગ્ન થઈ ગયા છે અને બંને ખેતરમાં ખેતી કરે છે. આમ તો થોડી ઘણી જમીન છે એની પાસે અને તે બંને ખેડીને ખાય છે , અને મયુરને તેના ભાઈઓએ ભણાવવાનું નક્કી કર્યું હતું , તેના પરિવારમાં કોઈ એક ભણીને આગળ આવે તેવું બંને ભાઈઓએ વિચાર્યું હતું.તેના પરિવારમાં મયુર એક જ કુવારો હતો. તો બંને ભાઈઓએ મયુરનુ સગપણ તેનાં કાકા હસમુખની માંથે નાંખ્યું માટે હસમુખ મયૂરને લઈને છોકરી જોવા જાય છે.

ગામનું પાદર નજીક આવતાં મયુર બોલ્યો " કાકા હવે કેટલું છે મારા પગ થોડાક ' કવે ( કળતર થવી )' છે ". જો હજી છેટુ હોય તો થોડો " પોરો " ( વિશ્રામ કરવું ) ખાઈ લઈએ.અરે બેટા બસ આવી જ ગયા જો પેલુ પીપળાનું ઝાડ દેખાય છે એમ આંગળી ચીંધીને બતાવે છે ત્યાં જવાનું છે તો ઠીક કાકા . તો હવે ત્યાં જ જઈને જ પાણી પીશું તેમ મયુર બોલ્યો .

પીપળાના ઝાડ નજીક પહોંચતા મોટો ડેલો અને ચારે બાજુ મોટો વંડો વારેલું ઘર તરફ જોઈ મયુર ' હેબતાઈ ' ( અચરજ થવું) ગયો.અરે કાકા અહીં થોડું આપણાથી જવાઈ, કાકા આપણી હેસિયત તો જોવી હતી. આવડો મોટો ડેલો તો હું આખું જીવન ભર કામું તો પણ ના બનાવી શકું મારો પગ નથી ઉપડતો હાલો પાછા અહીંયાથી આપણે. આપણે અહીં જઈ ન શકીએ . આ ડેલોતો મારાથી પણ મોટો છે. માટે આપણે પછેડીમાં રહીને જીવવું જોઈએ . અરે ભાઈ આપણે એવું થોડું ધારી લેવાય કે આપણે ક્યારેય અહીં સુધી પહોંચી ન શકીએ કે અમીર ના થઈએ , તું ભણેલો ગણેલો છે તું હોશિયાર છે અને તું આવી વાત કરે ભાઈ . તું તો સાવ ડરપોક નીકળ્યો બેટા , હું છું પછી તારે મુંજાવાની શી જરૂર હસમુખ એમ બોલી ડેલાની અંદર લઈ જાય છે.

મયુર પાસે છોકરી " ચા " લઈને આવે છે અને " ચા " પીતો - પીતો મયુર છોકરી સામે જોતા વિચારે છે, કે ઈશ્વરે સંપત્તિ તો દીધી જ છે પણ સાથે-સાથે જોબન પણ ઘણું દીધું છે . પણ હવે કઈ રીતે કહું , કે આ છોકરી મને ગમે છે કારણ કે ઘરે તો મારે ચિંદડી વાળો ખાટલો છે , તેમાં પણ જોરી નીકળી ગઈ છે. એમ વિચારતો મયુર તે છોકરી ને જોયા જ રાખે છે. અને આ બંનેની વચમાં છોકરીનો બાપ પરબત બોલ્યો " બેટા કેટલા સુધી તમે ભણ્યા છો " ? અત્યારે કોલેજ કરું છું , અને છેલ્લા વર્ષમાં છું તેમ મયુર બોલ્યો .એતો ઠીક બહુ સારું કહેવાય .તમે કેટલા ભાઈ છો ? એમ પરબત બોલ્યો. અમે ત્રણ ભાઈઓ છે અને બે ભાઈઓ ખેતી કરે છે અને હું ભણું છું , તેમ મયુર ધીમા સ્વરે બોલ્યો . તમને કેટલી જમીન છે ? તેમ પ્રશ્ન કરી પરબત બોલ્યો . અમને દસ વીઘા જમીન છે તેમ કોચવાતા અવાજે મયુર બોલ્યો .

જો બેટા હસમુખભાઈ તો મારા મિત્ર છે અને હું એને ઘણા વર્ષોથી જાણું છું. અને એ પણ મને જાણે છે , અને બેટા એ પણ મને ખબર છે , કે દીકરી હોય ત્યાં હજાર માંગા આવે અને કોણ કેવું આવે તેનું દુઃખ ના કરવાનું હોય . પણ બેટા હું તને નથી કહેતો હો ! ( એવા કોમણ અવાજથી )પણ સામા વાળા ને પણ જોવું જોઈએ કે આપણે ક્યાં જવું જોઈએ અને ક્યાં ન જવું જોઈએ.ત્યાર પછી મયુર અને તેના કાકા હસમુખ બંને ત્યાંથી નીકળી જાય છે .

આ વાતને દસ-બાર વર્ષ વીતી જાય છે ચોમાસાનો વરસાદ ધોધમાર વરસતો હતો .શહેરની ગલીઓના પાણી દરિયા તરફ રમતા - રમતા જાતા હતાં . સફેદ લેંઘો અને સફેદ કુરતો પહેરી માથે પાઘડી વાળી લાકડીના ટેકે એક ડોસો વરસાદથી બચીને બેઠો બેઠો વરસાદ રોકાવાની રાહ જોતો હોય છે , ત્યાં પાછળથી એક અવાજ આવે છે બાપા પેલી ઓફિસ વાળા સાહેબ તમને બોલાવે છે . ડોસો તો એકદમ ચકિત થઈ ગયો કે કોણ વળી મને બોલાવતું હશે ? હું તો કોઈને અહીંયા ઓળખતો પણ નથી . જેણે અવાજ કર્યો હતો તેણે છત્રી આપી અને તે ઓફીસ તરફ ડોસાને લઈ આવ્યો . અને તે છોકરો બોલ્યો " સાહેબ " બોલાવી લાવ્યો છું. સાહેબ બોલ્યા " બહુ સારું કર્યું બાપાને ' ચા ' દે " . ડોસાએ ક્યાંક આ " સાહેબ " ને જોયા હોય તેવું લાગ્યું પણ કંઇ ઓળખાણ પડતી ન હતી . સાહેબ બોલ્યા " ઘરે બધાને સારું છે ને બાપા ? હા સાહેબ ઘરમાં તો બધાને સારું છે પણ એ વાક્ય હજી પૂરું નથી થયુ ત્યાં " સાહેબ બોલ્યા " તમારી છોકરીને પછી ક્યાં પરણાવી ? ડોસાએ સાહેબની આંખમાં જોયું અને કંઇક તેને યાદ આવી ગયું હોય તેમ તે ખુરશી ઉપર થી ઉભો થઇ ને ' ચા ' પીધા વગર ઓફિસની બહાર નીકળી વરસાદમાં પલળતો પલળતો આગળ નીકળી ગયો.