Yours, my Ramlila books and stories free download online pdf in Gujarati

તારી મારી રામલીલા

તારી મારી રામલીલા

કહેવાય છે કે દુશ્મનીનો કોઈ તોડ નથી. જેમ વધારે જૂની તેમ વધારે ને વધારે પાક્કી અને કડવાશભરી બનતી જાય છે. આ વાત છે રામપુર અને સીતાપુર ની. રામપુર અને સીતાપુર આજથી લગભગ પચાસેક વર્ષ પહેલાં એક જ ગામ હતું. અને એનું નામ હતું અયોધ્યાપુર. પણ અયોધ્યા ને લંકા બનતાં ક્યાં વાર લાગે છે જ્યારે રાવણ જેવા પિશાચ એ ધરતી પર જન્મ લે છે.

*

જગ્યા - કોલેજ ઇન્દુમતી કોમર્સ એન્ડ આર્ટ્સ કોલેજ

સાંજ: પુંજ આપણે હવે લગ્ન કરી લેવાં જોઈએ ને?

પુંજ: કરી તો લેવાં જોઈએ પણ કોની સાથે?

સાંજ: હાઉ મીન પુંજ? આપણે બન્ને એ એકબીજાની સાથે. તું મને લઈને ક્યારેય સિરિયસ નથી હોતો. બસ મજાકમાં જ લે છે મને.

પુંજ: ઓહ મારી સંધ્યા રાણી હું તો ખાલી મજાક કરતો હતો. મારું બચ્ચુ ગુસ્સે થઈ ગયું?

સાંજ: બસ પુંજ. હવે કંઇક તો બોલ. આપણે લગ્ન કરીશું ને? તું ઘરે વાત તો કરીશ ને?

પુંજ: હા. ચોક્કસ કરીશ. બસ આપણું એકઝામનું રિસ્લટ આવી જાય પછી વાત કરીશું ઘરમાં.

સાંજ: પુંજ રીઝલ્ટ આવતાં તો ખબર નહીં બીજા ૩ મહિના નીકળી જશે અને તું મારી પરિસ્થતિ જાણે છે ને?

પુંજ: હા. બધું જાણું છું. તને વિશ્વાસ છે મારા પર કે નહીં?

સાંજ: હા વિશ્વાસ છે. પણ કેટલાં દિવસ આમ... અને આજે આપણી એક્ઝામ સાથે કોલેજ પણ પતી ગઈ. હવે તો ઘરે જવું પડશે ને? થોડી હોસ્ટેલમાં રહેવાશે. પુંજ રિસ્લટ આવે ત્યાં સુધી તારા વગર રહી પણ નહીં શકાય.

પુંજ: તું ચિંતા ના કર. હું કંઇક કરું છું ઘરે જઈને. સારો સમય અને મમ્મીનો મૂડ જોઈને હું વાત કરી દઈશ. તને તો ખબર છે ને હું મમ્મીનો લાડકો છું તો મમ્મી મારી વાત જરૂર માનશે. પણ ત્યાં સુધી તું ચિંતા કરીને તબિયત ખરાબ નહીં કરે એનું મને વચન આપ.

સાંજ: પુંજ વચન તો આપું છું પણ તને ખબર છે ને આપણાં પરિવાર વાળા થોડાં અર્થોડોકસ છે. તો ખબર નહીં પ્રેમલગ્ન માટે માનશે કે નહીં.

પુંજ: બચ્ચા જુનવાણી ના કહેવાય બસ એમનાં વિચારો આપણા વિચારોથી અલગ છે. જુનવાણી જ હોત તો આપણને કોલેજ માટે ગામથી આટલે દૂર થોડી મોકલતાં. અને આપણી બધી ઈચ્છાઓ પણ પૂરી થાય જ છે ને? જુનવાણી હોત તો તું ક્યાંક એમની ઈચ્છાથી લગ્ન કરીને રહેતી હોત અને હું ખેતીવાડીમાં જોડાયેલો હોત. પણ એવું નથી ને? તો આપણા પરિવાર માટે સાવ આવું ના બોલ.

સાંજ: સારું નહીં બોલું. બસ તું ઘરે જલ્દી થી જલ્દી વાત કરજે. અને મારી સાથે પણ રોજ કોલ અને મેસેજથી વાત કરતો રહેજે. આટલા નજીક છીએ છતાં મળીશું કે નહીં એ તો ખબર નહીં.

પુંજ: મળવાનું શું? મારા ઘરે જ તો આવવાનું છે તારે. બસ થોડી રાહ જોઈ લે સાંજ ઉર્ફ મારી સંધ્યા.

સાંજ: હમમમ. ચાલ હવે આપણી બસ નો સમય થઈ ગયો જઈએ?

પુંજ: ત્રાસ છે યાર એક તો આટલાં નજીક રહીએ છીએ છતાં આપણી બસ અલગ અલગ.

*

જગ્યા - રામપુર

સાંજ: મમ્મી તે મને એક વાર પૂછ્યું કે મારી શું ઈચ્છા છે? મારે આગળ ભણવું છે કે નહીં? અરે આ શું? તમે નક્કી કર્યું એટલે મારે ત્યાં લગ્ન કરી લેવાના? અરે હમણાં જ તો હું પછી આવી છું અને તું?

યુક્તિ (સાંજ ની મમ્મી): તો હવે કહું છું ને બેટા, છોકરો સારો છે, વિધાયક છે એનાં પપ્પા. તારા પપ્પાના મિત્ર જ થાય કાળુરામ ભાઈ. છોકરો બી. કોમ ભણ્યો છે. અને ઘર ત્રણ માળનું છે મોટું એ પણ સુખવીર પૂરામાં. ઘરે નોકરચાકર ૨૪ કલાક, ત્રણ તો ગાડીઓ છે બેટા. બીજું શું જોઈએ? એક માં બાપ પોતાની એક ની એક દીકરીની ખુશી ઈચ્છે બીજું શું બેટા? માનુ છું કે તારા પિતા થોડાં કડક સ્વભાવના છે અને તને પૂછ્યા વગર નક્કી કરી દીધું પણ એ તારું ભલું જ ઈચ્છે છે કારણકે તને બહું પ્રેમ કરે છે. અને તને તો ખબર છે કે તારા પિતા અહીં રામપુર ના સરપંચ છે એટલે ગામના કામથી એમને સુખવીર પૂરા આવવા જવાનું થતું રહે છે તો એ બહાને તારા ખબર અંતર પણ જાણવા આવતાં રહેશે. અને ખાસ તો જોશી છે આપણી જાતનાં જ એટલે કોઈ ચિંતા નહીં.

સાંજ: તું એ સૂરજની વાત કરે છે ને જે છેલ્લાં ૫ વર્ષથી આવારગરદી કરે છે. બી.કોમ તો બાપની લાગવગથી કરી લીધું પણ આગળ ક્યાંય એડમિશનના મળ્યું. દિનદહાડે આસપાસથી પસાર થતી છોકરીઓને છેડે છે. એ મારા કરતાં ૬ વર્ષ મોટો પણ છે મમ્મી. એ વર્ણ થી તો બ્રાહ્મણ છે પણ કર્મ શુદ્ર ને પણ ના શોભે તેવા છે. સાંભળ્યું હતું કે ગયા વર્ષે ૩૧ ડિસેમ્બરની પાર્ટીમાં દારૂ પીને ધમાલ કરતાં પકડાઈ ગયો હતો આ મહાન સૂરજ જોશી. એતો બાપ વિધાયક એટલે લાગવગથી વાત સુલટી ગઈ. હા રૂપ પહેલી નજરમાં કોઈને પણ આંજે એવું છે એનો મતલબ એ નથી મમ્મી કે હું અંજાઈને પ્રેમમાં પડી જઈશ અને લગ્ન કરી લઈશ. હું એને મળવા તૈયાર નથી આ મારો અંતિમ નિર્ણય છે કારણકે હું પુંજને પ્રેમ કરું છું. આ મારે તને બહું પહેલાં જણાવી દેવા જેવું હતું તો આજે કદાચ આ સૂરજ જોશીની વાત સાંભળવી પણ ના પડત. પુંજ બહુ જ સારો છોકરો છે મમ્મી અને અને કોલેજમાં સાથે હતાં એકબીજાને ત્રણ વર્ષથી સારી રીતે ઓળખીએ છીએ. મમ્મી તું પપ્પાને સમજાવીશ તો કદાચ ના નહીં પાડે. પ્લીઝ.

યુક્તિ: સરસ. મેં તારા બાપને પહેલાં જ ના પાડી હતી કે તને પરણાવી દે પણ એમને બહું હતું કે છોકરીની ઈચ્છા છે તો છો જતી ભણવા કોલેજ. ને કોલેજ જઈને છોકરી કાંડ કરીને આવી.

સાંજ: પ્રેમ કરવો એ કાંડ છે તો હા મેં કાંડ કર્યું છે બસ?

યુગ (સાંજના પિતા પાછળથી આવતાં): ના તે કોઈ કાંડ નથી કર્યું પ્રેમ જ થયો છે ને તારા લગ્ન અમે કરાવીશું. બોલ કોણ છે એ ક્યાં રહે છે?

સાંજ (ડરતા): પુંજ દેસાઈ પપ્પા. મારી સાથે જ ભણતો હતો અને સીતાપુર...

યુગ: સીતાપુર? સીતાપુર શું?

સાંજ બેટા જો એ સીતાપુર નો હોય.... ઓહ પુંજ દેસાઈ એટલે સીતાપુર ના સચિવનો દીકરો?

(સાંજ માથું ધુણાવીને હા નો ઈશારો કરે છે.)

યુગ: વાહ બેટા. તને પ્રેમલીલા રચાવવા માટે દુશ્મન જ મળ્યા? યુક્તિ તમે ધ્યાન થી સાંભળી લો આજ પછી સાંજનું ગામની બહાર તો દૂર આ ઘરની ચાર દીવાલોની બહાર નીકળવું બંધ. એટલું જ નહીં સાંજનો ફોન પણ લઈ લો. આજ પછી તારા અને પુંજ બન્ને માટે એજ સારું રહેશે કે તમે બન્ને એકબીજાને ભૂલી જાઓ. નહીં તો હું ભૂલી જઈશ કે તું મારી દીકરી છે.

(યુગ વાક્ય પતાવી ત્યાંથી ચાલ્યા જાય છે પણ સાંજ એમને રોકતાં કહે છે.)

સાંજ: તો ભૂલી જાઓ પપ્પા કે હું તમારી દીકરી છું કારણકે હું તો પુંજને નહીં ભૂલી શકું. પુંજ માત્ર મારો પ્રેમ જ નહીંપણ અમારા થવા વાળા બાળકનો પિતા પણ છે.

યુગ (ગુસ્સામાં હાથ ઉપાડે છે પણ યુક્તિ રોકી લે છે.): યુક્તિ આ છોકરીએ તો મને બદનામ કરી નાખ્યો. મારી શું ઈજ્જત રહેશે સમાજમાં? આવું પગલું ભરતા એક વાર વિચાર પણ ના કર્યો આ બાપ નો કે બાપની શાખનો? ધિક્કાર છે તને. તે કે કરવું હતું એ તે કર્યું હવે હું એ કરીશ જે એક બાપ તરીકે મારે કરવું જોઈએ.

યુક્તિ કાલે ડોક્ટર ચીનમયીના ત્યાં સાંજનું ગર્ભપાત કરાવવા તારે એને લઈને જવાની છે. અને કાનોકાન આ વાતની કોઈને ભનક ના થાય એ ધ્યાન રાખજે. પછી આજ મહિને સૂરજ સાથે સાંજને પરણાવી દઈશું એટલે આપણે આ કલંકથી મુક્ત થઈ શકીએ.

(સાંજ ખૂબ રડે છે પણ એની મમ્મી એને રૂમમાં બંધ કરીને જતી રહે છે. સાંજ તરત પુંજને ફોન કરીને જણાવી દે છે જે કંઈ બન્યું એ એને પુંજ વચન આપે છે કે એ ગર્ભપાત નહીં થવા દે.)

રાતે:

યુક્તિ: લે આ જમી લે જે. અને હા તારો ફોન લેવાનો ભૂલી ગઈ હતી. લાવ.

સાંજ: મમ્મી શું કામ આમ કરો છો? પુંજ બહું જ સારો છોકરો છે હું એની સાથે જ ખુશ રહીશ મમ્મી. ક્યાં સુધી આ દુશ્મની લઈને આગળ વધવાનું. પ્રેમનું ફૂલ આજે નહીં તો કાલે ખીલશે જ. આજે આ સાંજ અને પુંજ એક નહીં થાય તો કાલે બીજા સાંજ અને પુંજ જન્મશે પણ આ કડવાહટ નો કોઈ તો અંત હશે ને?

યુક્તિ: તને બસ એટલી ખબર છે કે ને ગામ વચ્ચે કડવાહટ છે. પણ કેમ છે? ત્યાંથી કોઈ વસ્તુ, ત્યાંનું પાણી, ત્યાંનું વાહન કે ત્યાંના માણસો અહીં કેમ નથી આવતાં કે અહીંથી ત્યાં કેમ નથી જતાં એની તને ક્યાં પિછાણ છે? મહેરબાની કરીને ખાવું હોય તો ખાઈ લેજે નહીં તો રાધે રાધે.

*

જગ્યા - સીતાપુર

પુંજ(ચિંતિત): મમ્મી મારે તને એક ખાસ વાત કરવી છે અત્યારે જ.

ધારા (પુંજની મમ્મી): હા બેટા બોલને. તારી એક નહીં સો વાત સાંભળીશ. બોલ શું કહેવું છે.

પુંજ: મમ્મી મારી પાસે વધારે સમય નથી એટલે હું વાત સીધી જ કરવા માંગુ છું. મમ્મી રામપુર...

ધારા: રામપુર શું બેટા?

પુંજ: રામપુરમાં હીરાલાલ કાકા છે ને જે ત્યાંના સરપંચ છે. એમની દીકરી સાંજ અને હું કોલેજમાં સાથે ભણતા હતાં અને અમે એકબીજાને પ્રેમ કરીએ છીએ.

ધારા(ગુસ્સામાં બારણું બંધ કરતાં): પુંજ... આ શું બોલે છે તું? મગજ તો ઠેકાણે છે ને? તને ખબર છે ને કે રામપુર સાથે આપણા કોઈ સંબંધ તો દૂર ત્યાંનું પાંદડું પણ અહીંયા નથી આવતું ના અહીંથી ત્યાં જાય છે અને તું ત્યાંની દીકરી એ પણ સરપંચ હીરાલાલની દીકરીને અહીંયા લાવવાની વાત કરે છે? એ નહીં થાય પુંજ બેટા. ભૂલી જા.

પુંજ: કેમ ભૂલી જાઉં મમ્મી? આજ સુધી આ ઘરમાં નાની પેન પેન્સિલ હોય કે, ઘરની દીવાલોના રંગ હોય કે પછી ગાડી હોય. બધું મારી પસંદનું આવ્યું છે. નાની થી લઈને મોટી વસ્તુ બધામાં મારી પસંદનું થઈ શકતું હોય તો લગ્ન તું ઈચ્છે છે કે હું કોઈની પણ સાથે કરી લઉં અને મારો પ્રેમ ભૂલી જઉં? કેમ?

કેમ તમને બધાને રામપુર ગામ સાથે અને ત્યાંના લોકો સાથે આટલી નફરત છે. હું ઓળખું છું સાંજને એતો બહુ જ સારી છે. તો ત્યાંના લોકોથી આટલી નફરત કેમ મમ્મી? તને મારા સોગંદ છે. મારા માટે સાચું જાણવું બહુ જ જરૂરી છે અને આજે તારે તારી ચુપ્પી તોડીને મને વાત બદલ્યા વગર કે વાત પતાવ્યા વગર પૂરી હકીકત જણાવવી જ ઘટે. મારા માટે જાણવું ખૂબ જરૂરી છે મમ્મી. પ્લીઝ.

ધારા: કેમ જાણવું છે પુંજ? વીતેલી ક્ષણો અને વીતેલા ઘાવ યાદ કરોને તો વિસરાયેલું દુઃખ ફરી તાજું જ થાય. એનાં પર મલમ ના લાગે બેટા. હજી તો એ દાઝ્યાના ડામ રૂઝાયા જ છે અને તું નવું દર્દ ત્યાં જ ખુરેદવા માંગે છે બેટા ત્યાં જ ફરી દાજાડી ને. ના બેટા રેહવા દે. મારાથી નહીં કહેવાય.

પુંજ: મમ્મી તને મારા સોગંદ છે હવે કહેવું ના કહેવું એ તારા હાથમાં છે.

(પુંજ રૂમની બહાર જવા દરવાજો ખોલતો હોય છે એને જતાં રોકતા ધારા કહેવાનું શરૂ કરે છે. )

ધારા: અયોધ્યાપુર ગામ. આ માત્ર એક ગામ ન હતું પણ અહીંયા લોકો એક પરિવારની જેમ હળીમળીને રહેતાં હતાં. આશરે પચાસ વર્ષ પહેલાંની આ વાત છે. ગામની ત્યારે રોનક જ કંઇક અનેરી હતી. હર્યુંભર્યું ગામ હતું ખબર નહીં કોની નજર લાગી ગઇ હતી. પશાકાકા એટલે કે સાંજના દાદા અને તારા રતિદાદાએ સમયનાં સરપંચ હતાં. બન્ને વચ્ચે મિત્રતા સારી હતી એટલે બન્ને એ નક્કી કર્યું કે પશાકાકાની મોટી દીકરી પૃથ્વી અને તારા મોટા કાકા આકાશના લગ્ન લેવાનું નક્કી કર્યું. બધું બરાબર ચાલતું હતું. આખા ગામમાં કોઈને કાનોકાન ભનક પણ ન હતી કે દૂરથી ગામ નજીક કેટલું મોટું વાવાઝોડું આવી રહ્યું હતું. લગ્નની આગલી રાતે ખબર પડી કે પૃથ્વીબેન કોઈ સાગરના પ્રેમમાં હતાં અને એમની સાથે ભાગી ગયા. વધું માહિતી કઢાવતાં જાણવા મળ્યું કે એ સાગર બીજું કોઈ નહીં પણ શહેરથી દર મહિને ગામમાં માલ પહોચાડનાર હીરાલાલ નો દીકરો સાગર હતો. હીરાલાલ ખૂબ મોટા વેપારી હતા. ખબર નહીં એ સમયે પૃથ્વી બહેને પૈસાથી અંજાઈને પગલું ભર્યું હતું કે શું? પણ એમને જાણ ન હતી કે એમની પાછળ શું શું થવાનું હતું.

પશાકાકાએ જેવી અમને જાણ કરી તારા કાકાને એ વાતનો બહુ જ આઘાત લાગ્યો એમને અઠવાડિયું ખૂબ જ તાવ આવ્યો અને તાવ મગજ પર ચઢી જતાં એમનું માનસિક સંતુલન બગડી ગયું. આકાશભાઈ તારા રતિ દાદાના ખૂબ જ લાડકા દીકરા હતાં એટલે એમને ખૂબ દુઃખ થયું અને ગામમાં એમનો મોભો પણ હતો. ઉપર થી આકાશભાઇ ગામનાં લોકો ને મદદ કરવા હમેશાં તૈયાર રહેતાં. બધા રોષે ભરાયા હતા. તારા દાદાએ એલાન કરી દીધું કે આજ થી ચબુતરો છે એ આગળ ની સીમા પશો સાંભળશે અને અહીં થી કૂવા સુધીની જમીન આપણી. એ ગામનો એક વ્યક્તિ અહીં ના જોઈએ અને અહીંથી કોઈ ત્યાં નહીં જાય. આ મારો નિર્ણય છે અને મારું શાસન પણ આજ પ્રમાણે ચાલશે જેને વાંધો હોય એ ગામ છોડી શકે છે. પણ બધા એ એમનો હુકુમ માની લીધો એ પછી ટૂંક સમયમાં જ જાણવા મળ્યું કે પૃથ્વી બેન પાછા આવ્યા છે. એમના લગ્ન જે સાગર સાથે થયાં હતાં એને તો પૃથ્વી બેનનું જોબન માળવા લગ્ન કર્યા હતાં. એ રાવણે દુષ્ટ કર્મ કરીને પૃથ્વી બેન ને તરછોડી દીધા. આ જાણીને તો તારા દાદા રાજીના રેડ થઈ ગયા. ગામમાં જશ્ન રાખ્યું. એ પછી પશાકાકા એ એલાન કર્યું કે આજથી આપણા ગામનું નામ રામપુર અને પેલા રતિડાના ગામનું નામ સીતાપુર. અને હવે ત્યાંની એક પણ વ્યક્તિ સાથે સંબંધ એટલે એના મૃત્યુ ને આમંત્રણ. આમ બન્ને ગામ અલગ થઈ ગયા. એ પછી એકવાર આજ ગામનાં એક ચમનભાઈની દીકરી પૂજા ને રામપુરમાં રહેતાં લાલાભાઇના દીકરા સાથે પ્રેમ થઈ ગયો હતો. તો બન્ને ગામમાં સરપંચે નિર્ણય લીધો કે ક્યાં તો ગામ છોડો નહિતર પ્રેમ. અને એ લોકો રાતોરાત ગામ છોડીને જતાં રહ્યાં.

એ પછી કોઈએ હિમ્મત નતી કરી એવી ભૂલની. અને બેટા હવે તું? તું ભૂલી જા એ શક્ય નહીં થાય. એ સમજી જા.

પુંજ: મમ્મી એ ૫૦ વર્ષ પહેલાંની વાત છે હવે એને વાગોળીને અમારા પ્રેમની બલી કેમ? જે થયું એ એક ભૂલ હતી. અમારો તો સાચો પ્રેમ છે.

ધારા: પ્રેમની બલી નહીં ચઢે તો તારી ચઢશે એનાં કરતાં વાત મુક. તારો બાપ છોડશે નહીં તને સમજ્યો. હવે ચાલ જલ્દી તારા પપ્પા આવી ગયા છે. ભૂલી જા તે મને કંઈ કીધું અને મેં તને કંઈ. સમજ્યો. ચાલ.

પુંજ: પણ મમ્મી હજી મારે કંઇક કહેવું છે. હું બાપ...

ધારા: શું? શું બોલ્યો તું?

*

બન્ને ગામમાં સાંજ ને પૂંજની રાત તો ચિંતામાં ને ચિંતામાં પસાર થઈ. અને સવાર પણ પડી ગઈ.

*

જગ્યા: રામપુર

યુક્તિ: ચાલો સાંજ. સમય થઈ ગયો છે.

સાંજ: મમ્મી પ્લીઝ. તું તો સમજ. તમારા બે ગામ વચ્ચે ના કોઈ જૂના ઝઘડામાં અમારો પ્રેમ કેમ સપડાય?

યુક્તિ: હવે કંઈ સમજવા કે સમજાવવાનો સમય રહ્યો નથી. મોડું થાય છે ચાલ જલ્દી.

યુક્તિ: કહું છું સાંભળો છો. તમે હસો તો રસ્તામાં એમને સારું પડશે. તમને તો ખબર છે ડોક્ટર ચિન્મયીનું દવાખાનું સીતાપુરના રસ્તેથી જ આગળ છે. તો...

યુગ: જાણું છું. હું સાથે આવવાનો જ છું. તું ચિંતા કર માં. ગાડીમાં બેસો હું પશલા ને લઇ લઉં જરૂર પડે કામ આવશે.

યુગ યુક્તિ સાંજ અને એમનો વિશ્વાસુ માણસ પશાલો ઉર્ફ પશુરામ. દવાખાને જવા નીકળે છે અને રસ્તામાં સામે પુંજ આવીને ઊભો રહી જાય છે.

પશલો: કાકા ગાડી સામે કોઈ છોકરો ઊભો છે રસ્તો નથી આપતો.

યુગ: સાંજ આજ પુંજ છે?

સાંજ: હા.

યુગ ગાડીની બહાર નીકળે છે અને પૂંજને ધમકાવે છે. પણ પુંજ સામે જવાબ આપે છે. અને યુગ પુંજ પર હાથ ઉપાડે છે. આ દ્રશ્ય સીતાપુર ગામનો ગગો મગન જોઈ જાય છે અને જઈને સીધો બંસીકાકાને જઈને કહે છે.અને ગાડી લઈને બંસીકાકા તરત ત્યાં આવી જાય છે. બન્ને પરિવાર આમને સામને બન્ને ગામની સરહદ પર ઊભા હોય છે.

યુગ: બંસી તારા દીકરાને કહી દે મને જવા માટે રસ્તો આપે.

પુંજ: તમે સાંજને મારી પાસે મોકલી દો પછી જ્યાં જવું હોય ત્યાં જઇ શકો છો.

બંસી: સાંજ કોણ છે પુંજ?

ધારા પાછળથી દોડતી આવે છે એને ગામમાં સમાચાર મળ્યા એટલે અને એ બધી વાત બંસીને કરે છે. બંસી ત્યાંજ પુંજને લાફો મારીને કહે છે તને આજ મળી હતી?

પુંજ: બસ પપ્પા ક્યાં સુધી એમ તમારી દુશ્મની નો શિકાર અમે બનતાં રહીશું. આજે આ દુશ્મની પતાવી દો અને એમને બન્ને ને એક કરી દો. હું મારી સાંજ ને લેવા જઉં છું.

સાંજ: હા પપ્પા પુંજ બરાબર કહે છે. અમને અમારી જીંદગી જીવવાનો હક નથી? પ્લીઝ પપ્પા. મને મારા પુંજ અને મારા થવા વાળા બાળકથી અલગ ના કરો હું નહીં જીવી શકું પ્લીઝ.

પુંજ અને સાંજ બન્ને એકબીજાને મળવા આગળ વધે છે. બન્નેને યુગ અને બંસી બહું રોકે છે પણ સાંભળતા નથી. અને બધાની વચ્ચે એકબીજાને ભેટી પડે છે અને ખૂબ રડે છે.

સાંજ: પુંજ આજે જે ફેસલો થાય પણ આપણે જુદા નહીં પડીએ. જીવીશું પણ સાથે અને...

હજી સાંજ આગળ બોલે e પહેલાં પશલાએ યુગના ઇશારે બંદૂક ચલાઈ અને યુગને વિંધતી સાંજની આરપાર ગોળી ભાર નીકળી ગઈ. બન્ને જમીન પર ઢળી પડ્યા. બન્ને ના માતાપિતા આ કરુણ દૃશ્ય જોઈને ખૂબ રડ્યાં અને બન્ને ને તાત્કાલિક દવાખાને લઇ ગયા. બન્ને ઓપરેશન થીયેટરમાં હતાં ત્યારે યુગ બંસીના ખભે અને ધારા યુક્તિનો હાથ પકડીને ખૂબ રડી. અને બન્ને પરિવારોએ મનોમન નક્કી કર્યું કે બાળકોની ખુશીમાં જ આપણી ખુશી છે. આપણો જૂનો બૈર ભાવ ભૂલીને આપણે એમનાં લગ્ન કરાવી આપીશું.

સાંજ અને પુંજ તો બચી ગયા પણ બાળક નહીં. પણ બન્ને ને ખુશી પણ હતી કે આખરે એ બન્નેનાં કારણે આટલા વર્ષે બન્ને પરિવાર એને બન્ને ગામ એક થઈ ગયા. અને બન્નેનાં લગ્ન ધૂમધામથી કરાવ્યા. ગામવાળાઓ પણ ખૂબ ખુશ હતાં પચાસ વર્ષ પછીની આ મૈત્રીથી.

***