Nehdo - 20 books and stories free download online pdf in Gujarati

નેહડો ( The heart of Gir ) - 20

આજે રાધી અને કનો જંગલમાં આઘેરેક નીકળી ગયા હતા. વાતાવરણ વાદળછાયું હતું. સુરજદાદો વાદળા વચ્ચે સંતાકુકડી રમી રહ્યો હતો. ભેજનું પ્રમાણ વધુ હોવાથી વાતાવરણમાં ઉકળાટ વધુ હતો. ઓતરાદા પવનની લહેરખીઓ આવી રહી હતી. હમણાં ઘણા દિવસોથી વરસાદ પડયો ન હતો. ચોમાસામાં ગીરનું જંગલ લીલુંછમ જ હોય છે, પરંતુ વરસાદની ખેંચને લીધે બપોરનાં તડકામાં ઘાસ લછાવા લાગ્યું હતું. વરસાદની ખૂબ જરૂર હતી. એકાદો વરસાદ પડી જાય તો ગીર ફરી લીલું છમ થઈ ઊઠે તેમ હતું. ધીમે ધીમે દરિયાદેવ પરથી વરસાદ ભરેલી વાદળીઓ આવી અને આકાશમાં જમાવડો કરવા લાગી હતી. આકાશ ગોરંભાય ગયું હતું. કનોને રાધી ટેકરીઓના ઢાળ ચડતા ઉતરતા આજે જંગલ ભણી નીકળી ગયા હતા.
ગીરમાં ઉછરેલા માલધારીનાં સંતાનને જંગલમાં બીક લાગતી નથી.જેમ આગળ વધતાં ગયાં તેમ ધીમે ધીમે જંગલમાં ઝાડની ગીચતા વધતી ગઈ. હવે ગાઢ જંગલ આવી ગયું. કનાએ ઘડીક ઊભા રહી પાછું ફરી જોયું, તેણે રાધીને ટોકી,
"હે.. રાધી આપડે વધું આગળ નીકળી ગ્યા એવું નહિ લાગતું?"
"કેમ કાઠીયાવાડી છળી મર્યો ઈમ કેની!" કહી રાધી ખડખડાટ હસી પડી.
કનાનાં મોઢા પર પોતાની બીક પકડાઈ ગયાનો ભાવ આવી ગયો.પછી તે હિંમત કરી બોલ્યો, " લે...તું બાયું માણાહ થયને નો બીતી હો તો હું તો મરદ માણસ સુ.મને કોની બીક?"એમ કહી કનો આગળ ચાલવા લાગ્યો.
હવે વાત વટ ઉપર આવી ગઈ હતી. રાધી કનાનાં મોઢા સામે જોઈને મરકતી જાય અને ધૂળ ઉડાડે ચાલતી જાય. વાદળામાં જે છાંટાનો વજન વધતો જતો તે છાંટા ધરતી ઉપર ધુબાકા મારવા લાગ્યા. તડકે તપી ગયેલી અને સુકી ભઠ્ઠ ધરા પર કોઈ કોઈ છાંટા પડવા લાગ્યાં. ગરમ ધરતી પર પડતાની સાથે છાંટો સંકોડાઈને ધરતી માં સમાવા લાગ્યા. કોરી ધરતી અને ભીના વરસાદી છાંટાનાં મિલનથી વરસાદી સોડમ ફેલાવા લાગી. ગરમી હતી તેમાં ચાલવાનો શ્રમ ભળ્યો, બંને પરસેવે રેબઝેબ થઈ ગયા. એક સાગનાં ઝાડની નીચે કનો થડિયાનો ટેકો લઈ ઊભો રહ્યો. રાધી પણ ત્યાં ઘડીક થોભી ગઈ. બંનેના શરીરમાંથી પરસેવાની વાસ આવી રહી હતી. તેની સાથે વાતાવરણમાં ભળેલી ધરતીની સોડમ અલગ જ સુગંધ ઉત્તપન્ન કરી રહી હતી.
સાગનાં મોટા મોટા પાંદડા વચ્ચે થઈને છળાઈને આવતો કોઈ કોઈ વરસાદનો છાંટો બંનેનાં ઊકળતા શરીરને થોડી ઠંડક આપી રહ્યો હતો. આજુબાજુ આવેલા ઝાડનાં થડની છાલમાં છુપાઈને તમરા ગાન કરી રહ્યા. વાદળા વધુને વધુ કાળા થતા જતા હતા. ત્રણ ચાર વાગ્યાનો સમય હતો. પરંતુ સાંજ થવા આવી હોય તેવું અંધારું થવા લાગ્યું હતું. એટલામાં પહૂડાનાં ચિત્કારથી શાંત જંગલમાં ભય જાહેર થઈ ગયો. ટીટોડી ટ્રિક... ટ્રીક... ટિટીક... ટ્રૂક.. કરતી આકાશમાં ઊંચે ઊડી પાછી જમીન તરફ ડાયુ મારી ત્યાં જંગલી હિંસક પ્રાણી હોવાનું છતું કરી રહી હતી. દૂરથી તેતરનો કપલક... કપલક...કપિલદેવ...કપિલદેવ... આવતો અવાજ વાતાવરણને વધારે ઘેરો કરી રહ્યો હતો.
રાધીનાં મોઢા પર ચિંતા દેખાણી, "કના સાવધાન થઈ જાજે, હામે ટીટોડી પડે સે. પહૂડા ચિત્કાર્યા એટલે જનાવર હોવું જોવે. જો જનાવર હામે આવી જાય તો ઈને વાહો નો દેખાડો તો. હાથમાં ડાંગ લયને પાસા વળતા પગે આપણે નીકળી જાહું. જો જનાવર સીધું સીધું નીકળી જાય તો આપડે ઊભા રહી જાહુ. ઈ ઈને રસ્તે વયું જાહે." કનાનાં ચહેરા પર ભયની રેખાઓ ખેંચાઈ આવી. " હાવજ હહે?"
રાધી એ કહ્યું, "ઈ તો જોયા પસે ખબર પડે!"
ઘણીવાર સુધી આ દેકારો ચાલ્યો પરંતુ કોઈ પ્રાણી દેખાયું નહીં. કનોને રાધી એ અવાજ તરફ ધ્યાન રાખી ઊભા હતા. પવનની ઠંડી લેરખીને લીધે બંનેનો પરસેવો થોડોક સુકાયો. રાધીએ કહ્યું, " હાલ્ય ઇન્કોર્ય હામાં હાલવી.હાવજ કે દિપડો હહે તો જોવા મળહે."
કનાનાં મોઢાં પર ફરી ભય દેખાઈ રહ્યો હતો." નહિ જાવું હાલ્ય પાસા વળી જાવી." " બસ ને, મપાય ગ્યું તમારું કાઠીયાવાડ નું પાણી."
મેણુ ખાઈને કનામાં હિંમત વધી, " એવું નહિ હો,હું કાય બિય નહિ ગ્યો.તો હાલ્ય તમતારે એનીકોર્ય જાવી."
બંને જ્યાં ટીટોડી દેકારો કરતી હતી તે બાજુ ધીમે ધીમે ચારે બાજુ જોતા જોતા આગળ વધ્યાં. રાધીએ ચાલતા ફાવે એટલે ચણિયો થોડો કમરમાં ખોસીને ઊંચો રાખેલો હતો. તે મક્કમ ડગલાં ભરતી આગળ જઈ રહી હતી. તેણે પગમાં જંગલનાં રસ્તાને અનુરૂપ ચામડાની મોજડી પહેરેલી હતી. પાછળ પાછળ કનો પણ અંદરથી લાગતો ભય મોઢા સુધી ન આવી જાય તેનો ખ્યાલ રાખી આગળ વધી રહ્યો હતો. જેમ જેમ આગળ ચાલતા જતા તેમ તેમ ટીટોડીનો અવાજ વધુ તીવ્ર થતો જતો હતો. હવે તે બન્ને એકદમ તે જ જગ્યા પર પહોંચી ગયા. ઝાડી ઝાંખરા વચ્ચેથી ભૂખરા પીળા રંગનાં જનાવરનો ડેબો દેખાતો હતો. જનાવર શિકાર ખાવામાં મશગૂલ હતું. રાધીએ પાછળ જોયા વગર કનાને એક હાથે પાછળ ઈશારો કરી ધીમે ચાલવાનો સંકેત આપ્યો. બંને બિલ્લી પગે ચાલી કરમદાના ઢુંવા (ઝાળા) પાછળથી જોવા લાગ્યાં.જોઈ ને રાધી હસી પડી.
"અરે રામ... આ તો શિયાળવું સે. મારાં બેટે આપણને હાવજ જેટલાં બિવારાવી દીધાં."
કનનાં શ્વાસ હજી ઝડપથી ચાલતા હતા. રાધીનો અવાજ સાંભળી શિયાળ ડરી ગયું.તે શિકાર ખાવાનું છોડી દૂર ભાગી ગયું.પછી ત્યાં ઊભાં ઊભાં ઉં..વાવ.. ઉ..જેવો અવાજ કરવાં લાગ્યું.જેમાં તેનો ભય મિશ્રિત ગુસ્સો છતો થતો હતો. કનાને હવે બોલવાની હિંમત આવી.
" આ હણીયું શિયાળવે મારી લાખ્યું હહે?" રાધી હસી પડી,
" અરે કાઠીયાવાડી...શિયાળવા હિકાર કરસી તો હાવજ્યું ક્યાં જાહે? ઇતો હાવજ્યું ધરાય ને આઘા પાસા ગ્યાં હહે એટલે લાગ ગોતી આ ભય ઈનું પેટ ભરી લેહે. બસારું ભલે ખાતું હાલ્ય આપડે આઘા વયા જાવી.ઈને માંડ આટલો વખત મળ્યો હહે ત્યાં આપડે પુગ્યા.ને ઘડીકમાં હાવજ્યું ય પુગશે..."
ક્રમશઃ.....
(ગીરની મજા માણવા માટે વાંચતા રહો "નેહડો (The heart of Gir)")
લેખક: અશોકસિંહ એ. ટાંક
wts up no. 9428810621