Kshitij - 19 books and stories free download online pdf in Gujarati

ક્ષિતિજ...ગાથા વિરહથી મિલન સુધીની... - ભાગ 19

અનુરાગની જગ્યાએ જ્યોતિને આવેલ જોઈ સુમેરસિંહ પહેલાતો એના ઉપર ગુસ્સે ભરાય છે પણ પછી જ્યોતિને અનુરાગ અને રાશિ વચ્ચે પોતે ઊભી કરેલ ગેરસમજ વિશે બધી હકીકત કહી સંભળાવે છે.

"દીકરી, મારી રાશિ ને બચાવી લે, મને ખબર છે એના તારી સાથે લગ્ન થવાના છે, પણ અનુરાગ અને રાશિ તો ભાગ્યના માર્યા વિખૂટા પડેલ બે પ્રેમીઓ છે. એમને તું આમ અલગ ન થવા દે. નહીતો આગળ જઈ મારી જેમ તને પણ પસ્તાવો થઈ શકે છે", સુમેરસિંહ જ્યોતિને કરગરતા બોલી ઊઠે છે.

એક બાપની આંખોમાં વહેતા દર્દને અને રાશિ lની હાલત જોઈ જ્યોતિનું હૃદય પણ દ્રવી ઊઠે છે.

"જુઓ હું પણ અનુરાગને પ્રેમ કરું છું. રાશિ એનો ભૂતકાળ હતી અને હું એનો વર્તમાન છું. માટે હું આમા કશું કરી શકુ નહિ. હા એકવાર પ્રયત્ન જરૂર કરીશ અનુરાગ સાથે વાત કરવાનો."

અને જ્યોતિ ત્યાંથી નીકળી ગઈ.

જ્યોતિ જ્યારે વિલાસપુર પહોંચી ત્યારે મોડી રાત થઈ ગઈ હોવાથી સવારે અનુરાગને મળવાનું નક્કી કરે છે.

જ્યોતિ ખૂબ કશ્મકશમાં મુકાઈ ગઈ હતી કેમકે એના દિલમાં પોતે કરેલ ખૂબ મોટી ભૂલનો ભાર હતો તે જ્યોતિ સિવાય કોઈ જાણતું નહોતું. એના પૂરા શરીરમાં કઈક અલગ અનુભૂતિ થઈ રહી હતી. ખૂબ બેચેની મહેસૂસ થઇ રહી હતી. પણ થાકના કારણે થઈ રહ્યું છે એમ વિચારી જ્યોતિએ તે વાત ઉપર ધ્યાન આપ્યું નહિ. અને સવાર પડતાજ રાશિ વિશે બધી વાત અનુરાગને કહી પોતે કરેલ મહા ભૂલનો પણ એકરાર કરી લેશે એવુ વિચારતી રહી.

"અનુરાગ...", સવાર પડતાં જ જ્યોતિ દોડીને અનુરાગને મળવા પહોંચી ગઈ.

હજુ અનુરાગ કઈ બોલે તે પહેલાજ જ્યોતિ એને વળગી પડી.

"અરે અરે, આટલો બધો પ્રેમ. અને તું ક્યારે આવી?", અનુરાગ અચાનક જ્યોતિને જોઈ ખુશ થતો બોલે છે.

થોડી ક્ષણો સુધી જ્યોતિ તરફથી કોઈ જવાબ ન મળતાં અનુરાગ એને અળગી કરવા જાય છે ત્યાજ જ્યોતિનું આખું શરીર જાણે ઢગલો થઈ અનુરાગની બાંહોમાં ઢળી પડ્યું. અનુરાગે પાણી છાંટી એને ભાનમા લાવવાની કોશિશ કરી પણ તેની કોઈજ અસર થઈ નહિ.

અનુરાગ એને હોસ્પિટલ લઈ ગયો અને સારવારમાં લાગી ગયો. અનુરાગને તે શરૂઆતમાં મામૂલી બેહોશી લાગી હતી પણ ધીરે ધીરે કોઈ અકથ્ય ફેરફાર એના પૂરા શરીરમાં થઈ રહ્યા હતા. કોઈ અજીબ ઇન્ફેક્શન એના પૂરા શરીરમાં ધીરે ધીરે ઝેરની જેમ ફેલાઈ રહ્યું હતું. અનુરાગે પૂરા પ્રયત્નો કર્યા પણ તે ઇન્ફેક્શનનું કારણ તે જાણી શક્યો નહિ. જ્યોતિના શરીરમાં રહેલ એક પછી એક અંગ કામ કરવાનું બંધ કરી રહ્યા હતા. અનુરાગે જ્યોતિના કેટલાક રીપોર્ટસ કરાવવા શહેરમાં મોકલ્યા.

જ્યોતિ થોડા ભાનમાં આવતા જ અનુરાગ ખુશ થઈ ગયો. જ્યોતિએ હાથના ઇશારાથી એને પાસે બેસાડ્યો. તે કઈક બોલવાની કોશિશ કરી રહી હતી પણ તે બોલી શકી નહિ. અચાનક એનો શ્વાસ ફૂલવા લાગ્યો અને અનુરાગના હાથમાં રહેલ એના હાથની પકડ ઢીલી થઇ રહી હતી. અને અનુરાગ કઈ સમજે તે પહેલાજ એના હાથમાં રહેલ જ્યોતિના હાથ ઠંડા પડી ગયા અને તેની આંખો સામેજ જ્યોતિએ પોતાનો દમ તોડ્યો.

જ્યોતિના મૃત્યુના આઘાતથી અનુરાગ ભાંગી પડ્યો હતો. તે આખો દિવસ પોતાના રૂમમાં ભરાઈ એકલો રહેવા લાગ્યો. તેને ખાવા પીવાનું ભાન પણ રહ્યું નહોતું. હોસ્પિટલની જવાબદારી મનોરથે લઈ લીધી હતી.

પણ આમ ક્યાં સુધી ચાલશે તેમ વિચારી હિંમત ભેગી કરી જ્યોતિના માતાપિતા એકદિવસ અનુરાગને સમજાવવા ગયા.

રૂમમા અંધારું કરી એક ખૂણામાં જ્યોતિનો ફોટો લઈને તે સૂનમૂન બેઠો હતો. રડી રડીને અનુરાગની આંખો લાલ થઇ ગઇ હતી. જાણે કેટલાય દિવસોથી નહાયો પણ ન હોય એવા એના હાલ હતા. તેની આવી હાલત જોઈ જ્યોતિના પિતા પણ રડી પડ્યા.

* ક્રમશ

- ધ્રુતિ મેહતા (અસમંજસ)