Nehdo - 22 books and stories free download online pdf in Gujarati

નેહડો ( The heart of Gir ) - 22

કનો દોડીને રાધીને બાથ ભીડી ગયો. રાધીને ખબર હતી કે તેનાથી દસ જ ફૂટ દૂર રહેલી સિંહણ પાંચ જ સેકન્ડમાં બંનેને હતા નહોતા કરી નાખશે. આ અણધાર્યા હુમલાથી અંદરથી તો રાધી પણ ધ્રુજી ગઈ. પરંતુ મનમાં તેણે આઇ ખોડીયારનું સ્મરણ કર્યું. તેનાં શરીરમાં શક્તિનો સંચાર થયો. તે જરાક અક્કડ થઈ ગઈ પછી એક હાથે પોતાને બાજી પડેલ કનાને દાબી દીધો. અને બીજા હાથે ડાંગ ઉંચી કરી, ફેફસામાં પૂરો શ્વાસ ભર્યો, એક પણ ડગલું પાછળ હટયા વગર સિંહણની આંખોમાં આંખો પરોવી જોરથી સિંહણ સામે ત્રાડ નાખી., "જો.... મરી ગઈ સે તે! પાસી હ્ટ."રાધીનાં આ બુલંદ હાકલાને લીધે ઝડપથી આવતી સિંહણ પોતાના પગની બ્રેક મારી માંડ માંડ ઉભી રહી.
માત્ર ચાર ફૂટ દૂર ઉભેલ સાક્ષાત મોત હતું. ધીમે ધીમે વરસી રહેલા વરસાદને લીધે માટી ભીની થઈ ગઈ હતી. સિંહ કે સિંહણ જ્યારે ગુસ્સામાં આવી કોઈ પર હુમલો કરે ત્યારે તેના પંજા માં રહેલ ન્હોર બહાર આવી જાય છે. સામાન્ય સ્થિતિમાં પંજામાં મ્યાન રહેતાં ન્હોરની લંબાઈ ત્રણથી ચાર ઇંચ જેટલી હોય છે. જે હાથી કે ભેંસ જેવા જનાવરની જાડી ચામડી ફાડી નાખવા માટે પણ સક્ષમ હોય છે. સિંહણનાં આ ન્હોર ભીની જમીન પર લિસોટા કરી ગયા. તે ઘુરકા કરતી પાછી વળી અને મારેલા શિકાર તરફ ચાલવા લાગી. નાનકડા ત્રણેય બચ્ચા ખૂબ રુપાળા લાગતા હતા. તે ગેલ કરતાં કરતાં હજી કના અને રાધી તરફ આવી રહ્યા હતા.
રાધીએ સમય પારખીને હજી પોતાને વળગી પડેલાં કનાને અળગો કરી તેનો હાથ પકડી પોતાની પાછળ લઇ લીધો. રાધી કનાને લઇ ડાંગ ઉગામી પાછા પગલે ધીમે ધીમે પાછળ હટવા લાગી. તેમની તરફ આવી રહેલા બચ્ચા તેમની સામે જોઈ ઉભા રહી ગયા. હવે સિંહણ અને રાધી વચ્ચે ઘણું અંતર હતું. સિંહણ હજી ગુસ્સામાં જ હતી. એના ઊંચા નીચા અને વળખાતા પૂંછડા પરથી તે તેનો ગુસ્સો પ્રગટ કરી રહી હતી.કના અને રાધીને પોતાના બચ્ચાથી દુર હટાવવા માટે સિંહણ ફરી એકવાર ઘૂર્કીને આ બંને તરફ પોતાનાં બચ્ચા જ્યાં ઊભા હતા ત્યાં સુધી દોડી. રાધી એ ફરી હાંકલો કર્યો, " અલી...હં...હવે... ન્યા જ ઊભી રેજી"આ સાંભળી સિંહણ બચ્ચા પાસે ઊભી રહી ગઈ. તે પાછી ફરી શિકાર કર્યો હતો તે બાજુ ચાલી. આ વખતે ત્રણેય બચ્ચા પણ સિંહણના પગમાં અથડાતા સાથે દોડવા લાગ્યા. ધરાયેલી સિંહણે શિકારની બાજુમાં જ લંબાવ્યું, બે બચ્ચા તેની માને ધાવવા વળગી ગયાં. એક હજી તેની માનાં પૂછડા સાથે રમત કરી રહ્યું હતું.
કનો અને રાધી જેમ તેમ કરી આ જગ્યાં છોડી આગળ ચાલવા લાગ્યા. કનાનાં મોઢા ઉપર હજી ભય દેખાઈ રહ્યો હતો. તેના શ્વાસ જોરથી ચાલી રહ્યા હતા. રાધીએ તેનું બાવડું ઝાલીને કહ્યું, "ટાઢો પડ્ય કાઠીયાવાડી. કે દાડાનો કેતો'તો હાવજ્યું જોવા.આજ ભેટો થય ગ્યો ને? શીણને(સિંહણ) જોય લીધી ને ધરાઈ ની? ઈ તારી હગલી બસા(બચ્ચાં) વાળી હતી. બસાવાળી સિંહણથી હમેશ સાવધાન રેવું. ઈ ગમે તિયારી હુમલો કરી નાખે.ઈને ઈમ થાય કે આવડા આ મારાં બસા લઈ જાહી.ને બાકી હતું તે તું વાહો દેખાડી ભાગ્યો.આયા ગીરમાં સાતી ભલે હિરાય જાય પણ વાહો ક્યારેય નય દેખાડવાનો આ નીમ લખી લીજે. થોડોક ફેર પડ્યો નકર આપડે બેય ઈ શીણનો કોળીયો થઈ જ્યાં હોત. આઈ ખોડલનાં રખોપા હોય ન્યા ઉની આસ નો આવે.અમી ગર્યનાં માણહ માવડી ઉપર ભરોહો રાખી ને રેવિ.".
રાધી ક્નાને ગીરનાં પાઠ ભણાવતી જતી હતી અને બંને રસ્તો કાપતા જતા હતા. બંને બાળ ભેરુ પરત જઈ રહ્યા હતા. વરસાદ આજે જેવો અંધારયો એવો વરસ્યો નહીં. નહિતર આજે તેના રંગ રૂપ જોઈ એવું લાગતું હતું કે હમણાં સાંબેલા ધારે વરસી પડશે. અને નદીમાં પૂર આવી જશે. આજની વરસણી ટપ... ટપ.. છાંટે હતી.છતાં પશુ-પંખીને ગરમીમાં ઠંડક મળવાથી તે ગેલમાં આવી ગયા હતા. રસ્તામાં એક ઝાડ પર ઘણા કાગડા બેઠા હતા. વરસાદથી પલળીને તેના પીછા અસ્તવ્યસ્ત થઇ ગયા હતા. એટલામાં તેઉડાઉડ કરતા હતા. કાગડાની ઉડવાની રીત આમેય કઢંગી હોય છે. તેમાં પલળેલો કાગડો ઉડે તે જોઈને હસવું આવે છે. કદાચ તેના પરથી જ કહેવત પડી હશે કે "પલળેલા કાગડા જેવો થઈ ગયો." બંને બાળ ગોઠિયા આગળ ચાલી રહ્યા હતા. તેણે જોયું કે આ કાગડાનું ટોળું કોઈ હિંસક પ્રાણીઓએ મારેલા રોજડાને ખાઈ લીધા પછી વધેલા હાડપિંજરમાંથી માસના અવશેષો ખેંચીને ખાતું હતું. રાધીએ કહ્યું,
" ગરયમાં બધાંને ખાવાનું ભગવાન આપી દયે સે. મોટું જનાવર નાના જનાવરને મારે અને પોતાનું પેટ ભરે. બાકી વધે ઈમા ઝરખાં અને શિયાળવા ખાય.ઈને ખાતાં વધે પસે હાડપિંજરને કાગડા ઠોલી ખાય. વધેલા હાડક્યા જમીનમાં ભળી ખાતર થાય. ઈ ખાતર ઝાડવા અને ઘાસ ખાય. ઈ ઘાસને હરણા અને રોજડા ખાય. ઈ હરણાં, રોજડા ને હાવજયું, દિપડા ખાય.આ સક્કર ગોળ ગોળ ફર્યા કરે."
કનાને આ વાત સાંભળી ખૂબ નવાઈ લાગી." જંગલ ની હંધિય વસ્તુ જંગલનાં કામમાં જ આવી જાય ઈમ ને?"
" હા, આ બધું ઉપર વાળાએ નીરમાવેલું હોય.ઈમાં કોયનું કાયનો હાલે."
અચાનક કનાને પ્રશ્ન થયો, " હે રાધી! આ સિંહણ સામત હાવજય હારયે હતી ઈ રાજમતી તો નતી ને?"
રાધી એ કહ્યું, " નારે.. ના. આ તો બસ્સાવાળી હતી. રાજમતીને કપાળે આસુ પીળું તિલક સે. એટલે જ ઈનું નામ રાજમતી પડ્યું સે.આને કપાળે એવું ક્યાં કાય હતું? આ તો બીજા વિસ્તારની હહે.આયા ફરતી ફરતી આવી હહે. બસ્સા નાના હોય ઈ ટાણે સિહણ્યું ઈના ટોળાથી થોડાક દાડા જુદી પડી જાય.ઈના બસ્સાને હંતાડી રાખે. પસે જીયારે બસ્સાની આંખ્યું ઊઘડેને હડિયું(દોડા દોડી કરતાં) કાઢતાં થાય એટલે પાસી ઈના ટોળામાં ભળી જાહે."
કનાએ પ્રશ્ન કર્યો, " રાજમતી સિંહણ કેમ બસ્સા દેતી નહિ?"
" ગાંડા ઈમ થોડી બસ્સા આભથી પડે સે તે દય દે!" રાધી ચાલતાં ચાલતાં હસી પડી. કનાનાં મોઢા પર પ્રશ્ન રેખા ઉપસી આવી." તો બસ્સા કેમ દે?"
રાધીએ ઠાવકુ મોઢું કર્યું. તે કનાની સામે જોઈ રહી. તે જાણી રહી હતી કે કનાને ખરેખર ખબર નથી કે તે કાલો થાય છે? કનાનાં મોઢા પર ભોળપ બરકરાર હતી.તેનો પ્રશ્ન હજુ વણ ઉકલ્યો હતો. રાધી શરમાઈ ગઈ. તેના મોઢા પર લાલાશ આવી ગઈ.
"તું મોટો થા એટલે તની ખબર પડી જાહે કે રાજમતિ બસ્સા ક્યારે દેહે?"
રાધીનાં આ જવાબથી પણ કનાનો પ્રશ્ન હજી ઊભો હતો. તે ફરી કઈ પૂછે તે પહેલા રાધી અને કનાનાં નામની બૂમ સંભળાઈ. રાધી અવાજ ઓળખી ગઈ.
"મારા આપા હાકરે (બોલાવે) સે ઉતાવળો હાલ્ય."
બંનેને જોઈ નનાભાઈને નિરાંત થઈ, " બવ આઘે નિહરી ગ્યાં' તા કે હૂ? "
રાધી મોઢે અને માથે પડેલા વરસાદનાં છાંટા બંને હાથ વડે નીતારતા મોઢું કોરું કરતા બોલી, "કાઠીયાવાડી કે દાડાનો હાવજ્યુ જોવાનું કેતો ' તો ને! આજ ઈને ભેટો કરાવ્યો."
" હામતો હતો?" નનાભાઇએ અધીરા થઈ પૂછ્યું.
" ના આપા બસ્સા વાળી અજાણી શીણ્ચ હતી. મારણ કરેલું હતું.કના માથે ઝપટ કરી પણ મેં હાકલો દીધો ઈમા પાસી વળી ગઈ." " હમણે આવી સોમાહાની સીઝનમાં એકલાં આઘું નો જાવું. અટાણે હાવજ્યુ ભુરાયા થેલા હોય."
આજે વરસાદી માહોલ હોવાથી વહેલી સાંજ પડી ગઈ. માલધારીએ પોતાના પશુ ઘર તરફ વાળ્યા. રાધી નનાભાઈને અને કનો ગેલા મામાને આજે જંગલમાં જે બન્યું તે વાત કરી રહ્યા હતા. વરસાદના છાંટા હજી ધીમે ધીમે આકાશમાંથી વરસી રહ્યા હતા. ભેંસોને આવું ભીનું વાતાવરણ ખૂબ ગમે. તે રસ્તામાં ચાલતાં ચાલતાં પણ મોઢા ભરતી જતી હતી. ગોવાળિયા ટમ. .. ટમ વરસતા વરસાદમાં આખા પલળી ગયા હતા. પગમાં પહેરેલા જોડા અને ચોરણો ગોઠણ સુધી કીચડ વાળા બગડેલાં હતા.
ક્રમશઃ...
(ગીરને માણવા વાંચતાં રહો.. "નેહડો (The heart of Gir)"
લેખક: અશોકસિંહ એ. ટાંક
wts up no.9428810621