Nehdo - 21 books and stories free download online pdf in Gujarati

નેહડો ( The heart of Gir ) - 21

બંને અહીંથી થોડે દૂર જઈને ઊભા રહ્યા. ઉભા રહી શિકાર આરોગી રહેલા શિયાળને જોઈ રહ્યા. શિયાળ ઘડીક શિકાર બાજુ જોવે, તો ઘડીક આ બંને બાજુ જોવા લાગ્યું. તેને એક બાજુ ભૂખ હતી, તો બીજી બાજુ આ બંનેનો ડર હતો. સાથે સાથે હવામાં તે સાવજની ગંધ પણ લેતું જતું હતું. સાવજ કઈ દિશામાં અને કેટલો દૂર છે એ તે હવામાંથી આવતી ગંધ પરથી પારખી શકતું હતું. આકાશમાં ઘનઘોર વાદળો ઘેરાયા હતા, પરંતુ એ હજી વરસતાં ન હતા. આકાશમાંથી કોઈક કોઈક છાંટા પડી રહ્યા હતા. કનાને શિકારને ખાઈ રહેલ શિયાળ જોવાની મજા આવતી હતી. હવે શિયાળને બરાબર ખબર પડી ગઈ કે આ બંનેથી ડરવાની જરૂર નથી. એટલે ફરી તે અડધા ખાધેલા નર હરણનાં પેટમાં મોઢું ખોસીને માંસનાં લોચા કાઢી જેવા તેવા ચાવીને ઝડપથી ગળવા લાગ્યું. ખાતા ખાતા ઘડીકમાં તે ડરી જતું અને હવાની ગંધ લઈ વળી પાછું ખાવામાં વ્યસ્ત થઈ જતું.
કનાએ રાધીને પૂછ્યું, "આ શિયાળવા હાવજ્યુંનો એઠો શિકાર જ ખાતા હસે? આવો શિકાર નો મળે તો ભૂખ્યાં મરી જાય?"
રાધીએ ઘડીક શિયાળની સામે જોયું પછી થોડું હસીને બોલી, "ઈ કોય દાડો નો મરે,ઈને આવાં એઠવાડા મળી જ રે.એવું નો મળે તો વાડિયુમાં જઈ સિભડા, હેરડી, તરબુસ, સાકભાજી પણ દાબી લ્યે. મારાં આતા કેતા'તા કે, કાંટાળો શેળો આવે એને કોઈ જનાવર નો મારી હકે.તને હાંભરે સી? મેં એક દાડો ઓલ્યાં પાણાની બખ્યમાંથી કાઢીને તને દેખાડ્યો તો ઈ, દડા જેવો કાંટાળો શેળો?"
કનાએ માથું હલાવી હા પાડી.
" ઈ શેળાને બીક જેવું લાગે એટલે ગુંડલું વળી જાય. ઈ દડા જેવો થઈ જાય.ફરતે કાંટા હોય એટલે જનાવર ઈને મારવા જાય તો પંજામાં કાંટા ખૂતિ જાય. એટલે એકેય જનાવર ઈને નો મારે.પણ આ શિયાળવા ઈને ય મારીને ખાય જાય!"
કનાને રસ પડ્યો, " શિયાળવા કેમ કરી શેળા ને મારે? ઈને કાંટા નો ખૂતે?"
રાધી હસવા લાગી પછી બોલી, "આ શિયાળવા બવ પાકા હોય.શેળો ગુંડલુ વળી જાય તો ઈની માથે પેશાબ કરે. શેળાની માથે પાણી નાંમો એટલે ઇવડો ઈ મૂંઝાય જાય.એટલે તરત મોઢું બાર કાઢે.મોંઢું કાઢે એવું શીયાળવું ઈને ઝાલી લે ને તરત મારીને કોળિયો કરી જાય.શિયાળવા આવા પાકા હોય.".
કનાને રાધીની વાતમાં ખૂબ રસ પડ્યો. તે રાધીની સામે તાકી રહ્યો. હજી છાંટા પડવાના ચાલુ જ હતા. ધીમે ધીમે પડતા છાંટાથી બંને થોડા થોડા ભીંજાઈ ગયા હતા. બફારામાં ઠંડક સારી લાગતી હતી. રાધીનાં કપાળની બન્ને બાજુ વાળની લટ છુટ્ટી થઈ ગઈ હતી. ભીંજાઈ ગયેલ માથામાંથી પાણીનાં બિંદુઓ આ લટ પર થઈ ગાલ પર ટપકી રહ્યા હતા.
કનાએ રાધીને પૂછ્યું, " આટલાં બધાં ફાસ દોડતાં પહુડાંને હાવજ્યું કેવી રીતે જાલી લેતા હસે?"
રાધી ગીર ફોરેસ્ટનાં મોટા સંશોધક હોય તેમ કનાને તબક્કાવાર શિકારની ઘટના સમજાવવા લાગી, " સિંહણ્યું પહૂડાનાં ટોળાની વાહે પવનની અવળી દિશામાં હંતાઈને બેહી જાય. એક શીણ્ય(સિંહણ) ટોળા ઉપર હુમલો કરી બધાને ધોડાવે. પહૂડા હંતાય ગયેલ સિંહણ્યુંથી અજાણ્યા હોય એટલે ઈ બાજુ ધોડે નજીક આવે એટલે સિંહણ્યું હુમલો કરી દે, પહૂડાને લઢીયે બાઝી જાય.એટલામાં બીજી સિંહણ્યું ય આવીને ઘડીકમાં શિકારને મારી નાખે.જાજા ભાગે સિંહણ્યું જ હિકાર કરે.ખાવાનો પેલો વારો હાવજયનો આવે.જનાવરમાંય માણાની જેમ જ અસતરી(સ્ત્રી) ઉપર માણહ જોર હકવે.".
રાધીની આ વાતનાં લીધે કનાને તેની મા યાદ આવી ગઈ. તેનો બાપ તેની મા પર જે જુલમ ગુજારતો હતો તે બધું યાદ આવવા લાગ્યું. કનો ઉદાસ થઈ ગયો. રાધીને કનાનું મોઢું જોઈ આ વાત સમજાઈ ગઈ. તેણે કનાને રાજી રાખવા ફરીવાર વાત ચાલુ કરી,
" હાંભળ્ય કાઠીયાવાડી, મારા અમુઆતા કેતા'તા કે આપડી એદણ્યને મારી ઈવડો ઈ સામત હાવજ બહું પાક્કો સે.હાવજ્યું માલનો હિકાર વગડે કરે પણ કોઈ દાડો વાડામાં નો પડે.કિમ ખબર?, ઈને વાડાની વાડ ઠેકવી અઘરી પડે. કદાસ વાડય ઠેકી માલિકોર્ય વયો જાય પણ પસે વાડય ઠેકી હિકાર પકડી બાર્યે કેમ નિહર્યે?એટલે વાડામાં હિકાર કરવાં ઓસુ કરે.પણ આ હામતો હૂ કરતો તન ખબર હે?".
કનો વિચારમાં ખોવાઈ ગયો હતો તેમાંથી બહાર આવી બોલ્યો "ના"
" ઈ મારો હાળો વાડાની વાડ્ય ઠેકી એકાદું નબળું ગાવડું હોય ઈને ઝાલીને મારી નાખે.પશે મરેલાં ગાવડાને વાડામાં મેલીને વાડય ઠેકી ભાગી જાય.ન્યાંથી બવ આઘો નો જાય વાડાની આજુબાજુ ઝાડીમાં લપાયને બેહી રયે. માલધારી હવારે જાગી જોવે તો મરેલી ગાય હોય. હવે માલધારી બસારા સુ કરે.મરેલી ગાયને ઢહડી નજીકની ઝાડીમાં નાખી આવે. બસ સામતને તો એની જ વાટ હોય.તે હુંકવા માંડે, એટલે ઈની સિંહણ્યું આવી જાય.પેલાં સામત ધરાઈને ખાઈ લે.વધે ઈમાં સિંહણ્યુંને ખાવાનું. સિંહણ્યુંને ખાતાં વધે ઈ શિકાર શિયાળવાને કાગડાને ભાગમાં આવે. આવો આઝાદય સે ઈ હામતો!"
બંને આવી વાતોમાં મશગુલ હતા. એટલામાં તેની એકદમ નજીક સળવળાટ થયો. શિકાર ખાઈ રહેલું શિયાળવું હવામાં આવતી ગંધ પારખીને શિકાર છોડી નાસી ગયું. કરમદીનાં ઢુવામાંથી બંને બાળ ગોઠિયાથી દસેક ફૂટ દૂર એક સિંહણ ધસી આવી. સિંહણની પાછળ પાછળ છએક મહિનાનાં ત્રણ બચ્ચા પણ એકબીજા સાથે ગેલ કરતાં નીકળ્યા. સિંહણ અને આ બંને બાળગોવાળિયા સામે થઈ ગયા. સિંહણ તેની સામું જોઈ ઘુરકી, પૂછડું ઊંચું નીચું કરી ચેતવણી આપી. આજે ખાલી ચેતવણી આપી અટકી ન ગઈ. તે ફરી ઘૂરકી, પછી બાળ ગોવાળિયા પર હુમલો કરવા દોટ કાઢી. ગીર જંગલનાં ઓછા અનુભવવાળો કનો, રાધી તેનાંથી થોડી દૂર ઊભી હતી એ તરફ ભાગ્યો.ગીરમાં આવી પરિસ્થિતિમાં પીઠ દેખાડવી એટલે મોતને નોતરવા બરાબર થાય..
ક્રમશઃ...
(સિંહણનાં હુમલામાં કનો બચી જશે? જાણવાં માટે વાંચતાં રહો.."નેહડો (The heart of Gir" )
લેખક: અશોકસિંહ એ. ટાંક
wts up no.9428810621