Nehdo - 23 books and stories free download online pdf in Gujarati

નેહડો ( The heart of Gir ) - 23

ગીરમાં ટેન્શન ઊભું થઈ ગયું હતું. ટ્રેકર્સ, ગાર્ડ્સ અને ખુદ DFO સાહેબ પણ હાજર હતા.એદણ્યનાં શિકાર પછીની રાતથી સામત સાવજ અને રાજમતી સિંહણ ક્યાંય મળતા ન હતા. પંદરેક ચોરસ કિલોમીટરનો આ વિસ્તાર સામત સાવજનો હતો. છેલ્લા ચારેક વર્ષથી આ વિસ્તાર પર સામતનું શાસન ચાલતું હતું. આ વિસ્તારમાં રહેલી પાંચ છ સિંહણો પર પણ સામતનો કબજો હતો. સામતથી થયેલા બચ્ચાની ફોજ પણ તૈયાર થઇ રહી હતી. પાંચ-સાત બાળ સિંહ હતા. જ્યારે પાંચેક જેવા પાઠડા(બાળ સિંહથી મોટા અને પુખ્તથી નાની ઉંમરના) હતાં. કોઈ પણ નર સિંહ માટે વિસ્તાર પર કબજો કરવો અને તેના પર પોતાનો કબજો જાળવી રાખવો એ ખૂબ સંઘર્ષ પૂર્ણ અને લોહિયાળ હોય છે.
આ વિસ્તાર પર પહેલા કાણીયા નામના સિંહનો કબજો હતો. તેનું નામ કાણીયો એટલે પડ્યું હતું કે એકવાર બીજા નર સિંહ સાથેની લડાઈમાં તેની એક આંખ ફૂટી ગયેલી હતી. કાણીયાએ લગભગ ચાર-પાંચ વર્ષ સુધી પોતાનું શાસન આ વિસ્તાર પર ચલાવ્યું હતું. સમય જતા એક વખત તેના પર CDV વાઇરસનો હુમલો થયો.CDV વાયરસ ખૂબ ગંભીર હોય છે. ગીરના જંગલમાં દરેક સિંહ,સિંહણ અને બચ્ચા રોજેરોજની દેખરેખ નીચે હોય છે. તેની દેખરેખ માટે તેની ઉપર ક્રમશઃ માણસો ગોઠવાયેલા હોય છે. આ માણસો દરેક સિંહ પરિવારની નાની નાની હિલચાલ, તેણે કરેલ શીકાર, તેનો મૂડ, તેનું સ્થળાંતર, તેને થતા રોગ પર બારીકાઈથી નજર રાખીને બેઠા હોય છે. કાણિયા સાવજને બાહ્ય લક્ષણો પરથી તે બિમાર હોવાનું ટ્રેકર્સને માલધારીઓ દ્વારા ખબર પડી. માલધારીઓ માલ ચરાવતા ચરાવતા સાવજ પરિવાર પર પણ નજર રાખતાં હોય છે. સાવજોને માલધારીનો ડર ન હોય અને માલધારીઓને સાવજ નો ડર ના લાગે. આ બન્નેનો સબંધ અનોખો હોય છે. આવી રીતે માનવ વસવાટ અને શિકારી પ્રાણી એકસાથે રહેતા હોય તેવું ફક્ત ગીરનાં જંગલમાં જોવા મળે છે.
કાણીયાને માલધારીઓએ બે-ત્રણ દિવસ ખાધા-પીધા વગર એક કરમદીનાં ઢવામાં સૂતો પડયો જોયો. પહેલા એક-બે દિવસ તો એમ લાગ્યું કે તે શિકાર ખાયને ધરાયને આરામ કરતો હશે. આવી રીતે આરામ કરી રહેલ સિંહ કે સિંહણને માલધારીઓ વિક્ષેપ પાડતા નથી. તેનાથી તેનો માલ દૂર લઈ જઈને ચરાવે છે. ગાય અને ભેંસને સિંહ પરિવારની ગંધ આવી જતી હોય છે. એટલે તેની હાજરી હોય તે તરફ તેને હાંકો તો પણ જતા નથી. બે-ત્રણ દિવસ પછી માલધારીએ ટ્રેકર્સને વાવડ દીધા કે, " કાણીયો ઈ કણે અંધારિયા ગાળામાં કરમદીનાં ઢવા હેઠે બે તણ દાડાથી હૂતો સે.ઈને હેટયે નહિ લાગતું.".
આ સમાચાર તરત પાસ કરવામાં આવે છે. સમાચાર મળતા જ ગાર્ડને ટ્રેકર્સ સાથેની ટીમ, ગીરમાં નિમણૂક પામેલા સિંહ સ્પેશિયાલિસ્ટ વેટરનરી ડોક્ટર સાથે હાજર થઈ ગયા. કાણિયા સાવજના બાહ્ય નિરીક્ષણથી વેટરનરી ડૉક્ટરે સાવજ બિમાર હોવાનું પ્રાથમિક તારણ કાઢ્યું. તેની સારવાર માટે તેને બેહોશ કરવો જરૂરી હોય છે. દૂરથી ઇંજેક્ટર ગનથી કાણિયાને ટ્રેનકોલાઈઝરની દવાનું ઇન્જેક્શન આપવામાં આવ્યું. દવાની અસરથી કાણીયો થોડી મિનિટોમાં બેહોશ થઈ ગયો. ડૉક્ટર સાહેબે અને ટીમે નજીક જઈ તેની તપાસ કરી. સિંહના બ્લડના નમૂના અને તેની લાળનાં નમૂના લઇ તાત્કાલિક રિપોર્ટ કરવામાં આવ્યા. આ રિપોર્ટ પરથી કાણીયા સાવજને CDVવાઇરસ જન્ય રોગ હોવાનું માલુમ પડયું. ડોક્ટર સાહેબે જરૂરી એન્ટિબાયોટિક્સ ઇન્જેક્શન આપી દીધા. બધી ટ્રીટમેન્ટ પૂરી કર્યા બાદ સિંહનું ઘેન પાછું વાળવાનું ઇન્જેક્શન આપી ટીમ દૂર જઈને નિરીક્ષણ કરી રહી હતી. થોડા સમયે કાણીયો ભાનમાં આવ્યો પણ આ દવાની અસર એકાદો દિવસ રહેશે તેવું ડૉક્ટર સાહેબે જણાવ્યું. તેનું ધ્યાન રાખવા બે માણસો ત્યાં રાખી બાકીની ટીમ પરત ફરી.
બીજા દિવસથી કાણિયાની રિકવરીના સમાચાર આવવા લાગ્યા. ત્રીજા દિવસે તો સામે મૂકેલું મારણ પણ થોડું ખાધું ને આરામાં જઈ પાણી પણ પીય આવ્યો. માંદગીમાંથી ઉભો થયેલો કાણીયો પહેલા જેટલો શક્તિશાળી ન રહ્યો. તે તેના ગ્રુપમાં પાછો તો ફર્યો પણ ઢીલો ઢીલો હતો. જંગલમાં ઘાયલ કે બિમાર રહેવું ખૂબ ખતરા વાળું કહેવાય છે. સિંહણને પામવા બીજા યુવાન નર કે જે યુવાન થતાં તેના ગ્રુપમાંથી હાંકી કાઢવામાં આવ્યા હોય, તે બીજા ગ્રુપ પર કબજો જમાવવા માટે નજર રાખીને બેઠા હોય છે. જ્યાં સુધી ગ્રુપનો નર શક્તિશાળી હોય અને તેની ગર્જનાથી આખો વિસ્તાર ગજાવતો હોય ત્યાં સુધી આવા નવા આગંતુકો ત્યાં પહોંચવાની ચેષ્ટા કરતા નથી. કાણિયાની બીમારીને લીધે નબળી પડેલી નેતાગીરીનો લાભ તરત જ સામતે લઇ લીધો.
એક દિવસ સાંજના સમયે કાણીયો, રાજમતી અને બીજી સિંહણોનું ટોળું હિરણને કાંઠે પાણી પીને આરામ ફરમાવતું હતું. બચ્ચા નદીની રેતીમાં એકબીજા સાથે ગેલ કરવામાં મગ્ન હતા. સાવજ પરિવારને જોઈ ને કાંઠે ટીટોડી અને કાગડા કાળો દેકારો કરી રહ્યા હતા. તેનો સંદેશો ઝીલી જંગલમાં દૂર સુધી પહોંચાડવા વાંદરા નદી કાંઠે વડવાઈ પાથરી જટાળા જોગી જેમ ઉભેલા વડલાની એક ડાળીથી બીજી ડાળે કૂદાકૂદ કરતાં ચીસો પાડી રહ્યા હતા. હિરણના વહેતા પાણીમાં છીછરા કાંઠે માછલીની વાટે એક પગે તપ કરી રહેલ બે બગલાનું ધ્યાન પણ આ સિંહ પરિવાર ઉપર હતું. હજી હમણાં જ ડુંગર પાછળ ડૂબેલા સુરજદાદા હજી પોતાનો પ્રભાવ બતાવી અંધારાને ડારવા મથી રહ્યા હતા. આખા દિવસના રઝળપાટને અંતે પોતાના કાયમી ઠેકાણાના ઝાડની ડાળીઓમાં બેસી ગયેલ ચકલીઓ ચી...ચી...ચી.. નાં અવાજથી વાતાવરણ ગજવી રહી હતી.
એટલામાં સામે કાંઠે એક નવયુવાન સાવજ, જેની કેશવાળી પીળા કથ્થાઈ રંગના ધાબાવાળી હતી, તેણે ડણક દીધી. તેની ડણકમાં ભારોભાર આત્મવિશ્વાસ છલકતો હતો. ડણક સાંભળી કાણીયો તરત ઊભો થઈ ગયો. ગ્રુપની સિંહણો પણ પ્રતિ હુમલાની પોઝીશનમાં આવી ગઈ. ગ્રુપની સિંહણો પોતાના ગ્રુપના માલિક, નરસિંહને વફાદાર રહે છે. તેના પર બીજો નર હુમલો કરે તો તે તેના સિંહની ભેરે રહે છે. તેનું કારણ એવું છે કે જ્યારે ગ્રુપ પર બીજો નર સાવજ વર્ચસ્વ જમાવે અને જૂના નરને ભગાડે અથવા મારી પણ નાખે ત્યારે આ નવો નાયક જુના સિંહથી થયેલા સિંહના બચ્ચાને મારી નાખે છે. આવું કરવાથી પોતાની તાકાતનો પરિચય સિંહણોને તે અપાવતો હોય છે. બીજું કારણ બચ્ચા મરી જવાથી સિંહણ મેટિંગ માટે જલ્દી તૈયાર થઈ જાય છે. તેથી પોતાના બચ્ચાને બચાવવા અને પોતાના ભવિષ્ય માટે થઈ સિંહણો પોતાના સમૂહના રાજા સાવજ ને સપોર્ટ આપે છે.
સામત હુંકતો હુંક્તો નદીનો કિનારો ઊતરી રહ્યો હતો. સામે કાણીયો હુમલાનો જવાબ દેવા ઉભો થઇ સામે ત્રાડો દઈ રહ્યો હતો. થોડા સમય પહેલાં જ બીમારીમાંથી ઉભા થયેલા કાણીયાની ત્રાડો પહેલા જેવી તાકાત ભરેલી ન હતી. પરંતુ ગમે તેમ કરી તે સામતને ડારવા મથી રહ્યો હતો. સામતની હિંમત વધતી જતી હતી. તે નદીનો કાંઠો ઉતરી રેતીમાં પગલા પાડતો આગળ વધ્યો. સિંહણો કાણીયાની પાછળ સંતાઈને ઘુરકી રહી હતી. ભયાનક લડાઇનો અંદેશો આવી જતાં બચ્ચા બાજુમાં આવેલી ઝાડીમાં ભરાઈ ગયા હતા. હવે કાણીયો અને સામત એક બીજાની સામે આવી ગયા. બંને પૂછડા ઊંચા કરી એકબીજા સામે જોઈ દાંત દેખાડતા હુમલાની ટાપમાં ગોળગોળ ફરી રહ્યા હતા...
ક્રમશઃ...
(સામત અને કાણીયાનું યુદ્ધ નિહાળવા વાંચતા રહો "નેહડો (The heart of Gir)"

લેખક: અશોકસિંહ એ. ટાંક
wts up no.9428810621