Rajvi - 37 books and stories free download online pdf in Gujarati

રાજવી : પ્રીતની નવી રીત - 37

(૩૭)

(રહનેમિ રાજુલને પોતાની જીવનસંગીની બનાવવા વીનવે છે. હવે આગળ...)

"તમે તમારા ભાઈને સાચા સ્વરૂપમાં સમજ્યા જ નથી. જે રૂપ, ગુણ, વૈભવ તમને આકર્ષે છે. એ એમનું એક નાનું સરખું રુંવાડું પણ ન ફરકાવી શકયા. દેહસૌષ્ઠવ, અવનવી સૌંદર્યછટા એમના અંતરને ન હલાવી શકી. હવે બોલો, એ આત્માની ઉચ્ચતા આપણામાં કયાંય દેખાય છે?"

"તમારા જીવનને એ કેટલું બધું દુઃખદ અને કરુણ બનાવી ગયા? એક નારીના અંતરને તોડી નાંખવાનું પાપ જેવું તેવું ન ગણાય."

"અને એક સામાન્ય કન્યાના આત્માને મુક્તિના ગાન સંભળાવી એને ઉચ્ચ માર્ગે વાળવાનું પુણ્ય પણ નાનું સૂનું તો નથી જ ને?"

રાજુલ કોઈ અલૌકિક ભાવે બોલતી હોય એમ પ્રત્યેક અક્ષર પર ભાર મૂકતી જતી હતી.

"કુમારી, મને સમજો. મારી પ્રાર્થનાને સ્વીકારો. તમારા જીવનને નંદનવન બનાવવાના બદલે ઉજ્જડ રણ જેવું શા માટે થવા દો છો?"

"નંદનવનની તમારી કલ્પના મને સમજાવશો?"

"હા જરૂર... જયાં સંસારવાટિકાનાં પુષ્પો ખીલે, વસંત રેલાય, સ્નેહની મધુરતા અને સુવાસ જણાય. અરે પુરુષ પ્રકૃતિ રમણે ચડે."

"બસ... બસ, મારે આગળ નથી સાંભળવું."

રાજુલ એકદમ બોલી ઊઠી,

"તમને એટલું પણ સમજાતું કે પુરુષ પ્રકૃતિ પણ એકવાર જુદાં પડે છે? રહે છે એકલો માત્ર આત્મા. કોઈ બે આત્માને જોડે જીવ્યા મર્યા જાણ્યા છે?"

"પણ તો તો કોઈ જોડાય જ નહીં. જગત ચાલે જ નહીં. સ્ત્રી પુરુષ પોતાનું કર્તવ્ય પણ અદા ન કરે?"

"સૌ સૌનાં કર્તવ્ય સૌ સમજે. મારે એની સાથે નિસબત નથી."

રાજુલે ઊભા થવા પ્રયાસ કર્યો.

"અરે, બેસો તો ખરાં."

રહનેમિ બોલ્યો.

"હવે કોઈ આવતું હશે. અને આવી વાત કોઈને કાને પડે તો આબરૂ ધૂળધાણી થઈ જાય."

"એમ... યાદવકુળનો એક પુત્ર તમારા હાથની માગણી કરે છે. એને નકારશો?"

રહનેમિ બીજું કંઈ ન સૂઝયું એટલે બોલી ઊઠયો.

"મને માફ કરો, પણ આ વાત વધારે ન લંબાવો."

"પણ તમે મને નિરાશ કરો છો. મારો આત્મા ગૂંગળાઈ જશે."

રાજુલ ઊભી થઈ ગઈ.

"તમારા ભાઈએ જયારે આ પગલું લીધું ત્યારે મને પણ એવું લાગેલું, છતાં આજે એ પગલાંને આવકારી હું એમનો સંદેશો ઝીલું છું. દુઃખ અને કરુણા એમાં ઓગળી ગયાં છે. જો તમને પણ મારા માટે એવી કોઈ લાગણી હોય તો..."

"અરે, શી રીતે દર્શાવું? એના કરતાં પણ અનેક ગણી વધારે લાગણી છે."

"તો તો તમારી ફરજ વધારે આકરી બને છે. મેં તો રડીને, વિલાપ કરીને એમનો માર્ગ ગ્રહણ કર્યો. તમારે તેને વગર આક્રંદે અને ફરિયાદે મારો માર્ગ લેવો પડે."

"એટલે..."

"એટલે એ જ કે જો ખરેખર તમારો આત્મા ગૂંગળાતો હોય તો એ મુક્ત બને, પ્રફુલ્લિત બને, એટલા માટે સંસારના અને મોહનાં બંધનો ફગાવી દો."

અને રાજુલ જવાબની રાહ જોયા વગર જ ત્યાંથી ચાલી ગઈ.

મોહ....

રહનેમિ વિચારમાં પડી ગયો. ભોજન લેતી વખતે એને પીરસતી રાજુલ જાણે કોઈ દેવબાળા હોય એમ જ એને લાગવા માંડયું. એનું દેહસૌંદર્ય એની દ્રષ્ટિને આંજીને ધરાઈ ગયું હોય એમ જ એને લાગ્યું. એનો આત્મા એમાંથી બહાર નીકળી નીકળીને એને એની પામરતાનું ભાન કરાવતો હતો.

કુળપ્રતિષ્ઠા...

ગૌરવ એ જ વૈભવ...

એ બધું એની આત્મસમૃધ્ધિ આગળ તો તુચ્છ ભાસતું હતું. એ અનંત અને શાશ્વત તત્ત્વ આગળ પોતે શા માટે ક્ષુદ્ર અને ક્ષણજીવી વાતો કરી. પોતાની જાતની એટલી બધી અવનિત શા માટે થવા દીધી.

તે જમી ન શકયો. હાથ મોં આગળ જ અટકી જતો હતો.

"કેમ આમ, કંઈ ઓછું જ નથી થતું થાળમાંથી?"

ઉગ્રસેને રહનેમિને પૂછ્યું.

"મને ભૂખ જ નથી. અને મારી તબિયત પણ જરા અસ્વસ્થ છે."

"તો પછી ઉપાય કેમ ન કર્યો? રાજુલ, દિકરી... અતિથિની આવી સેવા થાય?"

ઉગ્રસેને મીઠો ઠપકો રાજુલને આપ્યો.

"નહીં, નહીં. એમનો વાંક નથી. અમસ્તુ જ છે. એ તો હમણાં મટી જશે."

અને ખરેખર રાજુલના નયનોની કરુણતા જોઈ એ અસ્વસ્થતા અદ્રશ્ય થઈ ગઈ હોય એમ એને જમવા માંડયું.

રાજુલે મારી ઘણી સેવા કરી. એમનો અતિથિસત્કાર તો અમૂલ્ય જ ગણાય. માયાજાળ ભેદીને જે સત્યદર્શન કરાવે એ તો ગુરુ ગણાય. એમને વંદન કરું?

રહનેમિના મનમાં એ વિચાર આવતાં જ એણે થોડે દૂર ઊભેલી રાજુલને મનોમન વંદન કરી લીધા. જતી વેળા ક્ષમા માંગી લઈશ એ નિર્ણય પણ એ જ પળે લઈ લીધો.

જમી રહ્યા પછી મુખવાસ આપતી રાજુલને એને નિહાળી. એના ચહેરા પર સૌમ્ય તેજ પથરાયેલું હતું. ચાંદનીની શીતળતા એમાંથી વરસતી હતી. રાજુલ એની નજીક આવી એટલે એ બોલ્યો,

"મને ક્ષમા આપશોને?"

એ ગણગણાયેલા શબ્દો રાજુલના કર્ણપદે અથડાયા અને એના હોઠ પર સ્મિતથી મલકી રહ્યા. ક્ષણભર એ વિજયોન્મત્ત બની ગઈ. બીજી જ ક્ષણે શાંત સુધા સમી બનીને આગળ વધી. કૃષ્ણ મહારાજ પાસે આવી એટલે તેમને કહ્યું,

"તારી બહેન તારી પર ઘણી રોષે ભરાઈ છે. એને મનાવવા કયારે આવવું છે?"

"વિના કારણ રોષે ભરાય એને મનાવવાનું કેવું?"

રાજુલ હસતાં હસતાં બોલી તો ઉગ્રસેન અને ધારિણી પણ પુત્રીના કૌશલ્ય પર હસી પડ્યા.

"તું એને ઓળખે તો છે. સત્યભામા નામ પ્રમાણે સત્ય બોલે છે. પણ સાથે સામાને જે સત્ય લાગે એ સ્વીકારવા તૈયાર નથી થતી."

કૃષ્ણે મજાકમાં કહ્યું.

"એ તો એની મેળે સ્વીકારશે."

રાજુલના સ્વરની દ્રઢતા વાતાવરણમાં રણકી રહી. જતાં જતાં રહનેમિએ ધીમેથી રાજુલને કહ્યું,

"વંદન કરું છું."

અને પછી જરા મોટેથી બોલ્યા કે,

"તમને બધાને મળી ઘણો ઉપકૃત થયો છું. ફરી કયારે એવી ધન્યતા અનુભવીશ?"

ઉગ્રસેન તથા ધારિણીએ સૌના આભાર માન્યો, અને ધારિણીએ રહનેમિ સાથે સંદેશો મોકલ્યો.

"રહનેમિકુમાર, શિવાદેવીને મારા વતી ખાસ કહેજો કે મનમાં જરા પણ દુઃખ ન લગાડે. થયું ન થયું થવાનું નથી. પણ એથી બે કુટુંબો વચ્ચેની ઘનિષ્ઠતા જરા પણ ઓછી થવાની નથી."

રહનેમિએ સંતોષનો શ્વાસ ખેંચ્યો. જતાં જતાં રથમાં પણ એના વિચારો રાજુલની આસપાસ જ ભમતા રહ્યા.