Rajvi - 41 books and stories free download online pdf in Gujarati

રાજવી : પ્રીતની નવી રીત - 41

(૪૧)

(નેમકુમાર પોતાની સંપત્તિ લોકોમાં વહેચવા માંડી. સત્યભામા રાજુલને છેલ્લીવાર સમજાવવાનો પ્રયાસ કરવા જાય છે. હવે આગળ...)

જેમ નૌકા દરેકને તારે... તેમ જ નેમકુમારે રાજુલને માર્ગ બતાવ્યો અને રાજુલે રહનેમિને.

"અમારા વાજાં...."

"હા, તમારા વળી. એમને પણ હવે દિવસે ને દિવસે વિરક્તિનો રંગ ચડતો જાય છે."

સત્યભામાએ રાજુલને થોડો ગુસ્સામાં કહ્યું.

"નવાઈની વાત આ તો..."

રાજુલ આટલું બોલી અને સત્યભામા વધારે ચીડાઈ.

"બોલ્યાં, નવાઈની વાત... પોતે જ તો આ બધું કર્યું છે. અને પાછી અજાણી થાય છે. તું તો મને લાગે છે કે તારું ચાલે તો આખા યાદવકુળનું નામોનિશાન મટાડી દે."

"મારા માથે આવો આક્ષેપ?"

"સાચી વાત છે. બધા સાધુ થઈ જાય એટલે વંશની તો નાબૂદી જ ને."

"તમે પણ ગાંડા થયાં લાગો છો, એમ જગત આખું સાધુ ન થાય. મનુષ્ય તો મનુષ્ય જ રહેવાનો."

"તો પછી તમારે કેમ મનુષ્ય મટવું પડયું છે?"

"કોણ કહે છે કે અમે મનુષ્ય મટી ગયાં છીએ? ભેદ માત્ર એટલો જ છે કે સંસારલગ્ન અમે ન સ્વીકાર્યું."

"અને જોગ સ્વીકાર્યો, કેમ."

"ના, આ જોગ પણ નથી. આત્મકલ્યાણ માટેની એક સાધના છે."

"મારે તારી જ્ઞાનવાતો નથી સાંભળવી. હવે તારે લગ્નની હા પાડવી છે કે નહીં?"

"પણ બીજી વાર.."

રાજુલે હળવાશથી જ વાતને આગળ વધારી.

"હે ઈશ્વર, આને કોણ સદ્બુધ્ધિ આપશે?"

સત્યભામાએ નિઃશ્વાસ નાંખતા બોલી.

"જુઓ, આમ નિસાસા ન નાંખો. લગ્ન એટલે બે આત્માની એકતા. બેનો એક જ માર્ગ, સહચાર... નેમકુમારના પંથને મેં મારો પંથ બનાવ્યો છે... હવે હું એમની સહધર્મચારિણી ગણાઉં કે નહીં? જયાં આત્મા દોરાય ત્યાં જ પ્રેમ થાય ને. અને આત્મા જેની સાથે તાલ મિલાવે એની તરફ જ વળવું જોઈએ ને... હવે તો હું બીજે લગ્ન કયું તો તો વ્યભિચારનું પાપ મારા માથે આવે."

સત્યભામાએ જવાબ ન આપ્યો. રાજુલે આગળ ચલાવ્યું.

"હવે બોલો, તમારે મારે માથે એ પાપ નાંખવું છે?"

"ના...."

સત્યભામા અજાણતાં જ બોલી હોય એમ સહજભાવે બોલી ગઈ.

"હવે તો તમને સંતોષ થયો ને?"

"સંતોષ નથી થયો. પણ મારે આગળ દલીલ નથી કરવી. તારી ઈચ્છામાં આવે એમ કર."

"જુઓ પાછા છણકાયાં!"

રાજુલે એમનું મોં પોતાના તરફ ફેરવતાં કહ્યું.

"સમજે છતાં ન સમજવાનો ડોળ કરે એ માણસ કેવું કહેવાય?"

"નથી કહેવું જા...."

અને ખરેખર સત્યભામા થોડી વાર તો રડવા જેવી થઈને જ બેસી રહી.

અંતે જયારે એનો જવાનો સમય થયો ત્યારે એને ધારિણીને કહ્યું,

"રાજુલને હવે વધારે કહેવું નકામું છે. એનો આત્મા નેમકુમારની આત્મામાં ભળી ગયો છે અને એ હવે માને એમ નથી."

"એટલે જ અમે પણ હવે એને કંઈ કહેતાં નથી."

ધારિણીરાણીએ જવાબમાં કહ્યું.

પણ સત્યભામાનો ખરો રોષ તો એ જયારે કૃષ્ણ મહારાજ પાસે ગઈ ત્યારે દેખાયો.

"તોબા... આ તમારા ભાઈથી... પોતે તો મૂંડાયા. પણ સાથે રાજુલ જેવી કોમળ કળીને પણ મૂંડવા માંગે છે."

"કેમ... ગઈ હતી તો ઘણા ઉત્સાહમાં... આવી ત્યારે હું જ માત્ર હાથમાં આવ્યો આ બધા પ્રહારો ખાવા..."

કૃષ્ણ મહારાજે હસતાં હસતાં કહ્યું.

"આ તમે પુરુષો પણ કેવા, એક ભાઈએ વગર પરણે પણ પેલીને ગાંડી કરી મૂકી અને તમે આટઆટલા વર્ષો થયાં તો પણ મને તમારા આકર્ષણ અને તમારા માટે લાગેલી ઘલેછામાંથી છૂટવા નથી દેતા."

"કોણ ના પાડે છે? આ પળથી જ છૂટી..."

"એ જ દુઃખ છે ને. મન પાછું ત્યાંનું ત્યાં જ વળવાનું."

"એમાં અમારો દોષ? અરે, પણ કહે તો ખરી કે શું કરી આવી?"

"શું કરે? બસ... એ તો નેમના નામનો જાપ જપે છે. અને આખા જગતમાં એના સિવાય હવે કોઈ એના મનમાં વસતું જ નથી."

"સાચે સાચ... રાજુલ બ્રહ્માચારિણી જ રહેશે?"

"હા, હા... ને હા, અને તે પણ તમારા જેવાની નિર્બળતાને લીધે."

સત્યભામાના મગજનો પારો ચઠતો જ જતો હતો.

"અમારી નિર્બળતા...."

"ત્યારે વળી બીજું શું? રુક્મિણીબહેન પણ ઠંડા છે. નહીં તો અમે બે મળીને નેમકુમારને ઠેકાણે લાવી દેત."

"હજી એ કયાં વહાણાં વ્હાઈ ગયાં છે?"

કૃષ્ણ મહારાજે એને વધારે ઉશ્કેરી.

"હવે તો શું બાકી રહ્યું છે? બાકી હતું તે પાછું દાન દેવા માંડયું... દુનિયાની દયા બધી એમનામાં જ આવીને ભરાઈ ગઈ લાગે છે."

"તારે જો આ બધો ઊભરો ઠાલવવો હોય તો આપણે એને અહીં બોલાવીએ."

"બોલાવોને, હું કંઈ એમનાથી ગભરાવાની નથી."

કૃષ્ણ મહારાજ તો થોડી વાર તો હસ્યા જ કર્યું. આ જોઈને સત્યભામા ગુસ્સે થઈ ગઈ. અને તે તો છાનીમાની સૂઈ જ રહી હતી.

છતાં કૃષ્ણ મહારાજના અંતરમાં ગડમથલ ચાલતી રહી કે મહાન કોણ, નેમકુમાર કે રાજુલ? રાજુલને વગર વાંકે વિધાતાએ આવી શિક્ષા કરી. આટઆટલી વૈભવ સમૃદ્ધિ પોતે ન ભોગવી અને એ બિચારી ઊગીને ઊભી થતી કોમળ શી બાળાને પણ ન ભોગવવા દીધી. સ્ત્રીજાતિ એના જેવી ત્યાગી આત્માઓ થી ઉન્નત અને વંદનીય બની રહે છે.

પણ નેમ... એ પણ ખરો નીકળ્યો. આટઆટલી સમૃદ્ધિ, સત્તા એમાંથી એને કંઈ પણ આકર્ષી નહીં શકયું હોય? એ કયા સંસ્કારબળો એ ઘડાયો હશે? એને પૂછવું તો પડશે જ. વયે નાનો છે, એટલે એનો માર્ગ આવકારવો પણ થોડો કઠિન તો લાગે જ છે.

રુક્મિણી આ બાબતમાં કદાચ વધારે સારું માર્ગદર્શન આપી શકાશે. કૃષ્ણ મહારાજ શયનાલયની બહાર નીકળ્યા અને રુક્મિણીના આવાસ બાજુ વળ્યા. રુક્મિણી હજી હમણાં જ આડે પડખે થઈ હતી. અચાનક કૃષ્ણ મહારાજનું આગમન કેમ થયું હશે. પણ એ વિચારનું સમાધાન થાય ત્યાં તો કૃષ્ણ એના મસ્તક પાસે ગોઠવાઈ ગયા.

"દેવી, હજી ઊંઘ આવે છે?"

તેમને એના ભાલપ્રદેશ પર પથરાયેલી લટોને પંપાળતા પૂછ્યું.

"અત્યારે કયાંથી, આર્યપુત્ર?"

"આશ્ચર્ય થાય છે?"

કૃષ્ણ મહારાજે કહ્યું.

"થાય જ ને... કંઈ ખાસ કામ પડયું છે? ગંભીર કેમ છો?"

"ગંભીર તો નથી, પણ થોડા વિચારમાં તો છું જ. સત્યભામા આવીને વધારે રોષે ભરાઈ છે.  એ તો કહે છે કે આપણે બધાં નબળા એટલે જ રાજુલનો ભવ બગડયો."