Kshitij - 23 books and stories free download online pdf in Gujarati

ક્ષિતિજ...ગાથા વિરહથી મિલન સુધીની... - ભાગ 23

પણ એક દિવસ તે લોકોએ ચાંદને શરાબનો ચિક્કાર નશો કરાવી એની ગેરહાજરીમાં સરોજને પકડી અડપલાં કરવાનું શરૂ કર્યું. સરોજ જેમતેમ કરી ખુદને છોડાવી ચાંદ પાસે ફરિયાદ કરવા પહોંચી પણ ત્યારે તે નશામાં ધૂત હતો. પોતાના મિત્રોની વિરુદ્ધ તે કઈ સાંભળવા તૈયાર નહોતો.

એના મિત્રોએ સરોજ પ્રત્યે વધારી ચડાવીને ખરી ખોટી વાતો ચાંદના મગજમાં એવી રીતે ઠોસી હતી કે પોતાના અમીર શહેરી મિત્રો સામે પોતાના વર્ષો જૂના ભાઈ બહેનના સંબંધને ભૂલી તેણે બધા વચ્ચે સરોજનું અપમાન કરી એની ગરીબીની મજાક ઉડાવી અને એના ચરિત્ર ઉપર પણ આક્ષેપ કર્યા, અને ગુસ્સામાંને ગુસ્સામાં તેને હવેલી છોડી ચાલ્યા જવા કહી દીધું.

ખુદ્દાર સરોજ અને એના માતા પિતા પોતાની આબરૂ ઉપર લાગેલા ખોટા આક્ષેપ સહન ન થતા રાતો રાત ગામ છોડી નીકળી ગયા. પોતાના માનેલા ભાઈના આવા વર્તનથી સરોજ ખુબજ ભાંગી પડી હતી જેથી એના સ્વાસ્થ્ય ઉપર અસર થઈ અને રસ્તામાં જ એની તબિયત ખરાબ થતાં એને શહેરમાં આવેલ દવાખાને લઈ જવામાં આવી.

ત્યાં સરોજની સારવાર કરવામાં આવી. હોસ્પિટલમાં રહેલ ડોક્ટર ખુબજ ભલા હતા, ડોક્ટરના મિત્ર જેમને કોઈ સંતાન નહતુ તે ગરીબોની સારવાર પોતાના ખર્ચે કરાવીને સામાજિક કાર્ય કરતા હતા.

તે ડોક્ટરને આ ગરીબ પણ ખુદ્દાર પરિવાર ખૂબ ભલુ લાગતા એમણે પોતાના મિત્રને ત્યાં કામ ઉપર રાખવાની ભલામણ કરી. તેથી સરોજનુ પરિવાર તે સમાજસેવા કાર્ય કરતા દંપત્તિના ઘરે ગયું.

તે લોકો ગામના મોટા જાગીરદાર હતા. પણ તેમને કોઈ સંતાન નહોતુ માટે પોતાનું જીવન સમાજ કલ્યાણના કામમાં વિતાવતા અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરતા. ધીમે ધીમે સરોજ અને એના માતા પિતા એમની સાથે પરિવારની જેમ ભળી ગયા અને વ્હાલી લાગતી સરોજને તેમણે કાયમ માટે દત્તક લઈ પોતાની વારસદાર બનાવી દીધી. સમય જતાં સરોજના માતા પિતા મૃત્યુ પામે છે અને એના પાલક માતાપિતા એને યોગ્ય સમયે સારો યુવક પસંદ કરી તેની સાથે લગ્ન કરાવી દે છે. પણ સરોજને કાયમ ચાંદની ખૂબ યાદ આવતી રહેતી. જેને ભાઈ માન્યો હતો તેણે બીજા લોકો ઉપર વિશ્વાસ મૂકી પોતાનો વિશ્વાસ અને સાથ તોડ્યો હતો, તે વાતનો રંજ એને કાયમ સતાવતો રહેતો અને ખૂબ સુખી હોવા છતા તે અંદરને અંદર દુઃખી રહેતી. જેનાથી ધીમે ધીમે તે શરીરથી અશક્ત અને બીમાર રહેવા લાગી.અને.....

હવે આનાથી આગળ તે ડાયરી વાંચી ન શક્યો. એની કરડાકી આંખોમાં જાણે લોહી ધસી આવ્યુ અને કપાળે ઉપસી આવેલ કરચલીઓમાં ત્યા લગાવેલ તિલક પણ જાણે પ્રસરી રહ્યુ હતુ. કેટલાય વર્ષોથી આ ડાયરીના એક એક અક્ષરને જીવતો તે રોજ રોજ સરોજની વ્યથાને અનુભવતો હતો અને ચાંદ પ્રત્યે એની ધૃણા દિવસેને દિવસે વધતી જતી હતી.

***********

"તમને બંનેને આવડી અમથી વાત જાણવામાં આટલો સમય કેમ લાગી રહ્યો છે? જો મને ૨ દિવસમા બધી જાણકારી નહિ મળે તો તમે બંને જીવતા નહિ રહો" પોતાના માણસને ફોન ઉપર ખખડાવી સુમેરસિંહે હાથમાં રહેલો ફોન છુટ્ટો ફેંક્યો. તે ફોન સીધો જઈને સામે આવતી રાશિના પગ પાસે જઈને પડ્યો.


"પિતાજી, શું થયુ? કેમ તમે આટલા ગુસ્સે છો?" પિતાના ગુસ્સાને જાણતી રાશિ સુમેરસિંહના મનમાં ચાલતી વાત જાણવા મથી રહી.


"કઈ નહિ દીકરી એતો બીઝનેસમાં આ બધુ ચાલતુ રહે. તુ ચિંતા ન કર. અને આમ સફેદ કપડામાં તૈયાર થઈ કયા જઈ રહી છે? રાશિને જોઈ સુમેરસિંહ બોલ્યા.


"હું જ્યોતિના માતા પિતાને મળવા જાઉં છુ. એને છેલ્લે મળી તો શકી નહિ, એના માતા પિતાને એક વાર મળી આવુ", દુઃખ સાથે રાશિ બોલી.


"હા દીકરા એક સંતાનથી અલગ થવાનું દુઃખ હું મહેસૂસ કરી શકુ છું, અને એમણે તો એકની એક હોનહાર સંતાન ગુમાવી છે", સુમેરસિંહ પણ સહેજ દુઃખી થઇ ગયા.


✍️ધ્રુતિ મેહતા (અસમંજસ)