Kshitij - 26 in Gujarati Motivational Stories by Dhruti Mehta અસમંજસ books and stories PDF | ક્ષિતિજ...ગાથા વિરહથી મિલન સુધીની... - ભાગ 26

ક્ષિતિજ...ગાથા વિરહથી મિલન સુધીની... - ભાગ 26

"અરે તમે આ શુ કહો છો, હું સમજી શકુ છુ તમારી પરિસ્થિતિ. મને બધી જાણ છે, કે કયા સંજોગોમાં આ બધુ થયુ હતુ. હું તો રાશિને આજે પણ એટલોજ પ્રેમ કરું છુ અને હજુ પણ એનીજ સાથે લગ્ન કરવા માંગુ છુ. મને ખબર છે તે હવે સ્વસ્થ થઈ ગઈ છે. મને મારી દોસ્ત અને થનાર પત્ની સાથે નહિ મળાવો?" શક્તિસિંહના તે શબ્દો સાથે સુમેરસિંહ અને શક્તિસિંહ બંને જાણે ગયુ ગુજર્યું બધુ વીસરીને એકબીજા સામે હસી પડ્યા.

"દીકરા કદાચ તું જ મારી દીકરી માટે યોગ્ય પતિ છે", સુમેરસિંહ શકિતસિંહને ગળે મળતા બોલ્યા.

થોડીવાર પહેલા જ બહાર વાવાઝોડું વર્ષીને થમી ગયુ હતુ, પણ અનુરાગના દિલમાં ઉઠેલ વાવાઝોડું જાણે થંભવાનું નામ લઈ રહ્યુ નહોતુ.

પ્રેમ અને નફરતના વંટોળમાં ફસાયેલ તેનું સમગ્ર અસ્તિત્વ જાણે પોતાની સાથે જ લડી રહ્યુ હતુ.

"જ્યોતિ, જેણે પોતાને ફરીથી જીવવાનુ શિખવાડ્યું, સુસ્ત પડેલા એના દિલમાં ફરીથી પ્રેમ જગાવ્યો, આમ અધવચ્ચે પોતાને છોડી ચાલી ગઈ. અને જેણે પ્રેમની બારાખડી શિખવાડી તે રાશિ હવે એની સાથે શું રમત રમી રહી હતી તે અનુરાગ સમજી શકતો નહોતો.

એક તરફ જ્યોતિનો પ્રેમ તો બીજી તરફ રાશિ પ્રત્યે પ્રેમ અને નફરતની મિશ્ર લાગણીએ અનુરાગના દિલ અને દિમાગમાં હલચલ મચાવી હતી.

"આખરે તારે શુ કરવુ છે, રાશિ? મને કેમ ખબર પડતી નથી કે તું ઇચ્છે છે શુ?", અજીબ કશ્મકશમા ઘેરાયેલ અનુરાગ પોતાના હાથમાં રહેલ રાશિના લગ્નની કંકોત્રી જોઈ રહ્યો.

***********

જીવનના કયા મોડ ઉપર આવીને ઊભી છુ હું આજે? મને ખબર નહતી કે, પ્રેમ નામનો આ અઢી અક્ષર મારી જીવનની દિશા આ હદે બદલી નાખશે", હાથોમાં રચાયેલ મહેંદી જોતી રાશિ ઝરૂખામાં ઊભી ઊભી નીચે ચાલી રહેલ શક્તિસિંહ સાથે પોતાના લગ્નના આગળના દિવસે યોજાયેલ સંગીતના કાર્યક્રમની ચહલ પહલ જોઈ રહી હતી.

"ખૂબ ખુશ હોઈશ ને તુ આજે રાશિ? તારા લગ્ન કોઈ મોટા ખાનદાનમાં થઈ રહ્યા છે", તે અવાજ સાંભળતા જ રાશિનું હૃદય એક ધબકારો ચૂકી ગયું જાણે.


"મને ખબર હતી અનુરાગ, તુ જરૂર આવીશ. મને આપણા પ્રેમ ઉપર પૂરો ભરોસો હતો", પાછળ ઉભેલા અનુરાગને જોઈ તે એને વળગી ગઈ અને અત્યાર સુધી રોકી રાખેલ આંસુઓની ધાર રાશિની આંખોમાંથી વહી અનુરાગના ખભાને ભીંજવી રહી.


એક ઝાટકા સાથે અનુરાગે એને પોતાનાથી દૂર કરી દીધી.


"બંધ કર તારુ આ નાટક, તેની મારા ઉપર કોઈ અસર નથી થવાની. હું તારા પ્રેમ માટે નહિ, પણ તારા અને તારા પિતાની બેશરમી જોવા આવ્યો છું.


કેવો પ્રેમ છે તારો આ? મે જ્યારે જ્યોતિ સાથેના જીવનની નવી શરૂઆત કરી ત્યારે અચાનક મારા જીવનમાં પાછી આવી અને જ્યોતિને છીનવી લીધી. અને જો તું મને સાચે પ્રેમ કરતી હતી તો પછી આ લગ્ન કેમ કરે છે હવે? જો મારી સાથે લગ્ન કરી મારા જીવનમાં તું પાછી આવવા જ નહોતી માંગતી તો પછી જ્યોતિને કેમ મારી નાંખી તમે લોકોએ?


શું તમે લોકોએ ફક્ત તમારો અહંકાર પોષવા જ્યોતિને મારી નાખી? તારા પિતાની તો મને ખબર નથી પણ તું આટલી સ્વાર્થી નીકળીશ તે જાણતો નહોતો. આજે મને પોતાના ઉપર શરમ આવે છે કે મેં તારા જેવી છોકરીને ક્યારેક પ્રેમ કર્યો હતો."


"બસ અનુરાગ, તારા એક એક શબ્દ મને દઝાડી રહ્યા છે. હા શરમ તો મને આવે છે મારા ઉપર, કે તને મારા પ્રેમનો ભરોસો ન આપવી શકી. પણ એમાં તારો કોઈ વાંક નથી, વાંક મારી તકદીરનો છે જેણે આપણી સાથે આટલી મોટી રમત રમી", એક એક શબ્દ બોલતા રાશિનું હ્રદય ઘવાઈ રહ્યું હતું.

✍️ ધ્રુતિ મેહતા (અસમંજસ)

Rate & Review

Saroj Bhagat

Saroj Bhagat 10 months ago

Vijay

Vijay 1 year ago

Usha Patel

Usha Patel 1 year ago

Khyati Pathak

Khyati Pathak 1 year ago

ashit mehta

ashit mehta 1 year ago

Share