book review hasya tetrisi books and stories free download online pdf in Gujarati

પુસ્તક પરિચય હાસ્ય તેત્રીસી

નવું ખરીદેલું પુસ્તક 'હાસ્ય તેત્રીસી' વાંચ્યું. શીર્ષક પરથી બત્રીસી દેખાય તેમ હસાવશે તેવું લાગ્યું. બુકફેરમાં ઘૂસતાં ચોથી કે પાંચમી દુકાનમાંથી કદાચ શીર્ષક જોઈ ખરીદેલું તેનો પસ્તાવો થયો. રિવ્યુ પણ બે ત્રણ વાર અર્ધા પર્ધા લખી ડીલીટ કરી બને તેટલા નરમ શબ્દોમાં લખું છું.


હાસ્ય એટલે ડીડી ગિરનાર પર ગમ્મત ગુલાલ જોઈએ તેવું નહીં પણ સારી હ્યુમર તો અપેક્ષિત હતી. જે લેખકોની રચનાઓનો સમાવેશ છે તેમની ઘણી વધુ સારી રચનાઓ અન્ય જગ્યાઓએ વાંચી છે.


અહીં મોટા ભાગની રચનાઓમાં પ્રકાશકો કે વિવેચકો પર કટાક્ષ અને લેખક કવિઓને લખવાના પૈસા મળતા નથી તેની જ વાતો છે. અલબત્ત, એ સ્થિતિ આજે પણ છે અને ત્યારે પણ હતી કે પ્રકાશકો લેખક પાસેથી પૈસા લઈ પુસ્તક છાપે.


શરૂની અત્યંત પ્રાચીન રચનાઓમાં - ઓથારીયો હડકવા, કાગડાના મંદવાડ.., વિશ્વ સાહિત્યમાં મારુ સ્થાન- ગગનવિહારી મહેતા - આ અને અમુક લેખોમાં ખાસ સમજાયું નહીં અને કંટાળો આવ્યો.


છતાં જે લેખ ગમ્યા તેમાંથી થોડું અત્રે ગમ્યાનો ગુલાલ કરીશ.


સાહિત્ય પરિષદ.. - જ્યોતીન્દ્ર દવે.


તેમની સ્વયં સ્ફુરીત હાસ્ય પીરસવાની બેજોડ શૈલી છે.


"મને, શ્રી.. ને ન ઓળખતા કેટલા છે?"


જવાબ-"ઘણા".


કવિતા કેમ સ્ફુરે?


'પગ તળે સળગતી બીડી ચંપાય , દુકાનમાં ભાવતી મીઠાઈ દેખાઈ સુગંધ આવે, વ. ત્યારે.'


'કવિતાના વિષયો- નાસી ગયેલો રસોયો, ચગદાતો ડોસો, તમાચો ઝીલતો ગાલ..'


'ચાલુ ભાષણે ધ્યાન મૂછ ચાવતા નોકર તરફ ગયા કર્યું..'


'શાક સમાંરતાં ચપ્પુ વાગે તો શાક પર, એ વેચનાર ફેરિયા પર, ખેડૂત પર, તેના બળદ પર ગુસ્સો આવે.'


શ્રી ન.પ્ર. બુચની બનાવટી ફૂલો મેં વાંચી છે. સસ્તું સાહિત્ય ની. તેમાં ઘણા સારા લેખ છે પણ અહીં 'બાલકાવ્ય શાસ્ત્ર પ્રવેશિકા' લેખ છે જે બીજા તે પુસ્તકમાંના લેખો કરતાં નબળો છે. હા, 'ચાંદની રેલે શેઠને ડેલે.. ટાઢ જણાયે ધ્રુજતાં ભસે કૂતરાં, ચોર જો આવે ઢોર જો આવે ઘસતા ભસે કૂતરાં.. કૂતરાં ભસે રે જાણે વિરાટ હસે રે' પંક્તિ મને બાળપણથી યાદ છે તે અહીં જોઈ. ઠીકઠાક લેખ તેમના પ્રમાણમાં.


ઉમાશંકર જોશી લિખિત 'મંગલાષ્ટક લિમિટેડ' માં મંગલાષ્ટક લખી આપવાના ઓર્ડર લેતી સાહિત્યકારની કંપનીની મઝા પડે તેવી વાત છે. કોણ લેખક લખે તો શું લખે તેનું ટૂંકમાં વર્ણન છે. જેમ કે કવિ ખબરદાર લખે તો કુર્યાત સદા.. ને બદલે વરકન્યા ખબરદાર..' લખે.


એ લગ્ન છુટાછેડામાં પરીણમે તો ભંગાષ્ટક, પુત્ર આવે તો પુત્ર જન્માષ્ટક, વિરહ થાય તો વિરહાષ્ટક રચી આપીશું.. વર કન્યાનાં નામ ફ્રી માં અને બીજાં સગાનાં નામ દીઠ ચાર્જ.. વગેરે વાંચવાની મઝા પડી પણ ખાસ રમુજી કે હ્યુમરસ લાગ્યું નહીં.


ચિનુ પટવા નો લેખ 'પોતાની જાતને શોકાંજલી' ફક્ત ને ફક્ત આત્મશ્લાઘા લાગી. પોતે ખૂબ જીવી જાય છે અને તેની મરણાંજલી પ્રેસવાળાઓએ તૈયાર કરી હોય છે તેને બદલે વખાણ લખવાં પડે છે અને પોતે એ જુએ છે. એમાં પોતે 90 વર્ષના થાય ત્યારે કોઈ 71 વર્ષની નવી કન્યા પરણાવે એ વિચાર જ ન ગમ્યો. લેખકનું મનોરાજ્ય. આવું વિચારવું જોઈએ નહીં. મેં તેમને એક બે નાટક સિવાય વાંચ્યા નથી.


મૂળરાજ અંજારીયા લિખિત 'સ્વર્ગીય અભિપ્રાયો' અલગ અલગ જાણીતાં પાત્રો પોતાની રીતે પુસ્તક વિશે અભિપ્રાય આપે છે. ભદ્રંભદ્ર 'પઠન કરતાં હું નિંદ્રાભિભૂત થયો' કહે તો 'હવેથી કોઈને સ્વેચ્છાએ હાસ્ય વિશે લખવાનો અધિકાર નથી' ગાંધીજી કહે. (ગુજરાતી જોડણી પર તેમણે કહેલ વાક્ય પર થી).


મીરાં 'આ પુસ્તક મેં તો ગિરધર કે સંગ વાંચુંગી' કહે.


શ્રી. રઘુવીર ચૌધરી લિખિત 'સ્નેહરશ્મિ વિશે' હાસ્યલેખો વચ્ચે સંસ્મરણ ક્યાંથી આવી ગયું તે સવાલ ઉઠ્યો. પણ સ્નેહરશ્મિ વિશે ઘણું જાણવા મળ્યું. તેમનો લખેલો ઇતિહાસ ધો.9 માં ભણેલો અને તેમનાં કાવ્યો ભણેલો. નવી પેઢીને તેમના વિશે ખાસ માહિતી નહીં હોય. સારો લેખ પણ હાસ્યની પુસ્તિકામાં કેમ?


'વિવેચક વિચક્ષણ ન્યાયાધીશ'- રતિલાલ 'અનિલ'- વિવેચકો અને પ્રકાશકો પર કટાક્ષ કરે છે. પુસ્તકમાં ઘણા ખરા લેખોનું વિષયવસ્તુ એ જ છે.


સર્વોપયોગી સાહિત્ય- નરોત્તમ વાળંદ. એ કંકોતરીની વિવિધતાઓ રમુજી રીતે સમજાવતો સારો લેખ. 'લાગતા વળગતા ઇસમોને જણાવીએ છીએ કે .. નાં લગ્ન … સાથે મુકરર કરેલ છે. આ નોટિસ લાવવામાં કસુર કરશો તો પ્રવેશ નહીં મળે', 'ચાંલ્લો ફરજીયાત છે. બારી પર ભરી પ્રવેશ મેળવવો' વગેરે ગમ્યું.


'મંગલ મંદિર ખોલો, પિક્ચર જોઈ દ્વાર ઉભો પતિ ભોળો.. પતિ સહ પ્રેમે બોલો' બોલી પત્ની પાસે રાત્રે દ્વાર ઉઘડાવતો પતિ, સવારે ઉઠી 'જાગીને જોઉં તો જગત દીસે નહીં, બંગલો મોટર ચાકર સહુ દૂર નાસે' સ્વપ્ન તૂટતાં પરણેલો બોલે. એ વાંચવાની મઝા આવી.


મહાકવિ સાથે મુકાબલો- રતિલાલ બોરીસાગર.


બસસ્ટેન્ડ પર કવિ મળી જાય છે જે કવિતા સંભળાવે છે, બસ ન આવતાં રીક્ષા પકડે તો તેમાં સાથે બેસી રિક્ષાવાળાને પણ કાવ્ય સંભળાવે છે અને આખરે કવિનો સાથ છોડી એ ભાઈ કોઈ મિત્ર સિગ્નલ પર દેખાતાં રિક્ષાના પૈસા આપી દઈ 'ભગાવ જલ્દી' કહે છે.


વાચકો લખે છે- અશોક દવે.


વચ્ચે વચ્ચે વાચકો તરીકે સુપ્રસિદ્ધ વ્યક્તિઓનાં નામ મૂકે તે મઝા આવી. અર્નેસ્ટ હેમીગ્વે, જ્યોર્જ બર્નાર્ડ શૉ, એડોલ્ફ હિટલર, મો.ક. ગાંધી, અગાથા ક્રિસ્ટીને વાચકો તરીકે લીધા છે!


'ફેરિયો વરસાદમાં પલળેલું મેગેઝીન 'બકવાસ' નાખી ગયા તેથી છત્રી લઈ વાંચવું પડ્યું..'


'સફેદીનો ચમકાર જાહેરાતની બાજુમાં જ જગજીવનરામનો ફોટો'


'ગઝલમાં ગતાગમ ન પડે તોયે ડોકું ધુણાવવું જ પડે. પછી ડોકું દુઃખવા આવ્યું એટલે બંધ કર્યું'


આવી હ્યુમરથી હસી ન પડાય તો જ નવાઈ.'


પુસ્તકાલયમાં-નિર્મિશ ઠાકર.


પ્રથમ વખત પુસ્તકાલયમાં જતા ભાઈને બહાર બીલ્લો આપતા જોડે ઝગડો થાય, અનુસંધાન વાળું પાનું લેવા પડાપડી, બાલ સાહિત્ય વિભાગના રાખેવલની ભય પમાડતી મુખમુદ્રા જોઈ એક પણ બાળક નથી, પોતે ભૂલથી ત્યાં ઘુસી જાય છે, સંસ્કૃત સાહિત્યના સુમસામ વિભાગમાં કબાટમાંથી 'મને કાઢો' સંભળાય- કોઈનું પુસ્તક ગોતવા લાયબ્રેરીયન કબાટમાં ઘૂસે તો પેલો બહારથી બંધ કરી જતો રહ્યો હોય છે..


મુનશીની બુકનાં પૂંઠા વચ્ચે ગુલશન નંદા તો વિનોદ ભટ્ટ ના પૂંઠા વચ્ચે હરડેના ઉપાયો નીકળે..


આવી હાસ્ય પમાડતી વાતો.


અમુક ઉપર વર્ણવ્યા તે 5-7 લેખો સિવાય પુસ્તકમાં ખાસ વિનોદી લાગ્યું નહીં.


લાયબ્રેરીમાં મળે તો અને રિવ્યુ પરથી ગમે તો વાંચવી. મારી દ્રષ્ટિએ ખરીદવા ને વસાવવા જેવી નહીં .


હાસ્યલેખકોની સંમતિ લઈ ઘણા સારા લેખો સંપાદિત થઈ શક્યા હોત.


રિવ્યુ મેં મારી દ્રષ્ટિએ લખ્યો છે.


સુનીલ અંજારીયા