Radha's night books and stories free download online pdf in Gujarati

રાધા ની રાત

એ હાલ...હાલ ..ઝટ...
રાધાની માં એને લગભગ ઢસડીને લઇ જતી હતી,પણ બા ઊભી તો રે!રાધાની આંખમાં આંસુ ધસી આવ્યા.તેના કૂણાં રૂપાળા હાથ પર લોહીના ટશિયા ફૂટી ગયા હતા.

ઉભુ રેવાય એમ નથી,તું હાલ ઝટ કર,અને આ શું!આ હાથ માં શું છે?રાધાની માં એ જોરથી રાધાના હાથને ખંખેર્યા અને તેના હાથમાં રહેલા રંગબેરંગી પાચિકા જમીનદોસ્ત થઈ ગયા,પોતાની કોઈક બેનપણી જોઈ જશે તો તે લઇ લેશે એ આશયથી રાધા પાછું ફરી ફરી ને જોતી રહી અને તેની માં તેનો હાથ ખેંચતી રહી.

હજી તો શેરીના નાકે પહોંચ્યા હશે ત્યાં જ એનો બાપ દેખાયો અને રાધાને આ રીતે જોઈને બોલ્યો,આ છોડીને ભાન નથી પણ તું ય ભાન ભૂલી?એના વેશ તો જો?આમ ને આમ ત્યાં કેમની લઇ જવાય?જરા એના વેશ સરખા કર.

હા...હા...ઉતાવળ માં ઇ તો હું ભૂલી જ ગઈ.અને રાધા ની માં એ પોતાના હાથેથી રાધા ના ખુલ્લા લાંબા રેશમી વાળનો અંબોડો બાંધ્યો,હાથમાં જોર અને મન માં ઉતાવળ અને સામે ઊભેલા રાધાના બાપુની બીક,રાધાનું આખું માથું હલી જાય એમ તેની માં તેનો અંબોડો બાંધતી હતી,પછી રાધાનો ચણિયો સરખો કર્યો,અને તેની ચૂંદડી માથા પર લઈ આંખ ઢંકાય ત્યાં સુધી ઓઢાડી.

અરે પણ !માં..હું હાલું કેમ મને કંઈ દેખાતું નથી!રાધા ચાલતા ચાલતા પગ માં એક બે પત્થર આવતા કણસી ઊઠી.

ચૂપ કર છોડી!તારી મા એ તારો હાથ ઝાલ્યો છે ને!તો તારે શું જોવાનું!ચાલી આવ છાનીમાની..તેના બાપુનો રૂઆબદાર અવાજ સાંભળી રાધા ચૂપ થઈ ગઈ.

રસ્તા માં એક બે ભીંત અને થાંભલા સાથે અથડાતી રાધા છેવટે ત્યાં પહોંચી ગઈ,પોતે ક્યાં છે એ તો ખબર નહતી,પણ ત્યાં જઈ ને એની માં એ રાધાનો હાથ છોડ્યો.
અત્યાર સુધી જકડી રાખેલા હાથ પર લાલ ચંભા થઈ ગયા હતા પોતાના હાથ ને પંપાળતી રાધા હજી કંઈ વિચારે એ પેહલા જ કોઈ એ એને ખેચીને પોતાની નજીક બેસાડી અને તેનું માથું પોતાની છાતી સરસું ચાપી અને બોલવા લાગી.

અરે બુંન ભગવાન આ છોડી સામુ નહિ જોવે!જો જે ને જગા ને કંઈ નહિ થાય.એમ કહી એનું માથું અને મોઢું પોતાની સાથે જાણે ભીંસતિ હોઈ તેવું રાધાને લાગતું હતું,તેનાથી શ્વાસ પણ નહતો લેવાતો.

રાધા પોતાની ચૂંદડી માંથી જોવાનો પ્રયાસ કરતી હતી,કે અચાનક જ કોઈ એ એનો હાથ પકડી ને ઉભી કરી અને કોઈ ભગવાન ના ફોટા પાસે બેસાડી ને પગે લાગવાનું કહ્યું,જાણે રીતસર રાધા નું માથું બળજબરી થી જમીનને અડાડી જ દીધું.

માંડ માંડ તે હજી પોતાને સંભાળે એ પેહલા ત્યાંથી ઉભી કરીને ફરી બીજે બેસાડી દીધી,રાધાનું શરીર જાણે બીજા બધાના હાથ માં હતું,તેને પોતાની માં પાસે જવું હતું પણ તે દૂર બેઠી હતી,તેને હવે પોતાની ચૂંદડી માંથી આછું આછું દેખાવા લાગ્યું હતું,તે પોતાની માં પાસે જવા મથામણ કરતી હતી,ત્યાજ સામે દરવાજા પાસે ગૌરી દેખાઈ!ગૌરી તેની પાકી બેનપણી, તે બીજી બે ત્રણ છોકરી સાથે રાધાને શોધવા આવી હતી,રાધા તો તેને જોઈ ને દોડી ગઈ અને વળી કોઈએ તેનો હાથ ખેચી અને એને નીચે બેસાડી દીધી.

પોતે બે વાર કરેલી નિષ્ફળ કોશિશ પછી રાધા ઉભીના થઈ શકી,તેને પોતાના માં બાપુ પાસે જવું હતું,પોતાના ઘરે જવું હતું.પણ અહીંયા કોઈ એને સાંભળનારું નહતું.

ધીમે ધીમે રાત પડી ગઈ,હજી પણ બધા ત્યાં જ બેઠા હતા,એને ક્યારનું પાણી પણ નહતું પીધું,તેના હોઠ સુકાઈ ગયા હતા,તેની સામે જ તેના જેવડા બેઠેલા બે છોકરા લીલો પોક ખાતા હતા રાધાને પણ મન થયું. પોતાની બાજુ માં બેઠેલી સ્ત્રી ઊભી થઈ જાણી રાધા તેની માં પાસે જવા લાગી,તેની માં તેની સામેની તરફ ગામની બીજી સ્ત્રીઓની સાથે બેઠી હતી,રસ્તા માં એક બે વાર કોઈ સાથે અથડાતિ રાધા તેની માં પાસે પહોંચી.અને તેની પાસે જઈને બેસી ગઈ અને ધીમેથી કોઈ સાંભળે નહિ તેમ બોલી.

માં...માં...રાધા ધીમેથી બોલી.

હા છોડી બોલ શું છે!તેની માં એ પણ ખૂબ જ ધીરેથી જવાબ આપ્યો.

માં મને બવ ભૂખ લાયગી છે,કઇક ખાવાનું આલ ને!

અટાને કંઈ ખવાતું હશે!ના ખવાય અને ખાવાનું બોલાય ય નહિ.જા પાછી સામે બેસી જા.તેની માં એ તેને પાછી ત્યાં ધકેલી દીધી.

પ..ણ..પણ પેલા તો ખાય છે,તો મારે કા ના ખવાય?રાધા એ હઠ કરી ને પૂછ્યું.

તેની માં એ તેની સામે આંખો કાઢી અને પાછી સામે મોકલી દીધી.
રાત ધીમે ધીમે જામતી હતી,ભૂખ અને તરસ ને લીધે રાધા ની આંખ માં આંસુ આવી ગયા હતા.પણ અહી તો સગી માં પણ સાંભળતી નહતી,થોડીવાર માં રાધા ત્યાં જ સુઈ ગઈ.

હજી તો માંડ તેને ઝોકું ચડ્યું હશે કે કોઈ જોરજોરથી રાડો પાડવા લાગ્યું, પાપણ પર રહેલો અધમણનો ભાર ખંખેરી રાધાએ ઊંચું જોયું તો તેની બાજુમાં બેઠી હતી તે અને તેની માં બંને જોરજોરથી રડતા હતા!માં કેમ આમ રડતી હશે!!રાધા હજી વિચાર જ કરતી હતી ત્યાં તો કોઈ એ આવી ને તેને કપાળ માં કરેલી લાલ ટીલી ભૂસી નાખી, આંખો નું આંજણ લેપી નાખ્યું અને તેના હાથને તો જમીન સાથે એવા પછાડ્યા કે તેના હાથ માં રહેલી કાચની લાલ બંગડી તૂટીને ચૂરો થઈ ગઇ,અને તે રાધાના હાથ માં વાગતા તેમાંથી લોહી નીકળ્યું,રાધા તો આ બધું જોઈને મૂંઝાઈ ગઈ તે જોરજોરથી રડવા લાગી,તો તેની બાજુ માં બેઠેલી સ્ત્રીએ તેને ધક્કો માર્યો અને બોલવા લાગી,

હવે અહીંયા તારું શું કામ છે,જા તારા બાપના ઘરે જઈને રો.અને તે પોતે જગા જગા કરતી રડવા લાગી.

તો બીજી તરફ તેની માં બોલવા લાગી,અરે હું આને ક્યાં સાચવું,અમારે તો આ પારકું ધન.હે મારા રામ તમે આ છોડી સામુ ય ના જોયું,હવે ઇ આવડું આયખું કેમ કાઢસે!!અને તે છાતી પીટતિ રોવા લાગી

કોઈ રાધાને કરમ ફૂટલી કહેતું,કોઈ અભાગની કહેતું, કોઇ બિચારી કહેતું, આખી રાત ની ભૂખી અને તરસી એ બાર વર્ષ ની બાળાને એ જ ખબર નહતી કે થયું છે શું??એતો ઘડીક એની માંને ને ઘડીક ગામની બધી સ્ત્રીઓને પોતાની અજુગતી આંખે જોયા કરતી હતી.અને થોડીવાર માં તે ચક્કર ખાઈ ને પડી ગઈ,તેના એક હાથ માંથી લોહી વહી રહ્યું હતું,અને બીજા હાથ માં તેની માં અને બેનપણી થી છુપાવેલા પચીકા હાથ માંથી છૂટી ને પડ્યા હતા....

✍️ આરતી ગેરિયા...