Prem - Nafrat - 33 books and stories free download online pdf in Gujarati

પ્રેમ - નફરત - ૩૩

પ્રેમ-નફરત

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૩૩

'મા, મેં લાંબું વિચારીને જ આ નિર્ણય લીધો છે...' રચના મક્કમ સ્વરે બોલી.

મીતાબેનને લખમલભાઇનું નામ સાંભળ્યા પછી ભૂતકાળ યાદ આવી રહ્યો હતો. દીકરી લખમલભાઇના પરિવારની વહુ બનવા જઇ રહી છે એ વાત પહેલાં તો એમના માન્યામાં જ આવતી ન હતી. જ્યારે એ વાત મન સ્વીકારી રહ્યું ત્યારે રચના એક મોટું જોખમ લઇ રહી હોવાનો ખ્યાલ આવી રહ્યો હતો. રચનાનો નિર્ણય જાણીને તેના મનમાં વર્ષોથી કોઇ યોજના આકાર લઇ રહી હોય એવું મીતાબેનને સમજાતું હતું. તેમનું મન એક બાજુ કહેતું હતું કે દીકરી હવે એક દીકરાનો ધર્મ નીભાવવા જઇ રહી છે ત્યારે બીજી તરફ તેની ચિંતા કોરી રહી હતી. એ સમય પર લખમલભાઇનું બહુ પ્રભુત્વ હતું. આજે એનાથી અનેકગણું હશે. રચના એમના સુધી કેવી રીતે પહોંચી ગઇ હશે? અને લખમલભાઇ રચનાને પોતાના પરિવારની વહુ બનાવવા તૈયાર થશે? ક્યાં લખમલભાઇ અને ક્યાં અમે? જમીન-આસમાનનો ફરક છે.

મીતાબેનને વિચારતાં જોઇ રચનાને થયું કે એમને આ બધું અપેક્ષિત ન હતું. એમણે કલ્પના પણ કરી નહીં હોય કે જેમની સાથે વર્ષો પહેલાં કોઇ સંબંધ હતો એ પાછા સામે આવી જશે.

'બેટા, તું એમને ઓળખતી નથી...' મીતાબેન એને ચેતવતા હોય એમ બોલ્યા.

'મા, હવે હું જેટલા એમને ઓળખી ગઇ છું એટલા તું કે પપ્પા ઓળખતા ન હતા. અને જ્યારે યુધ્ધના મેદાનમાં ઉતર્યા હોઇએ ત્યારે સામે કોઇ વ્યક્તિ ગમે એટલી કદાવર હોય, શક્તિશાળી હોય પણ જો આપણાને આપણી શક્તિમાં દ્રઢ વિશ્વાસ હોય તો પછી જીત થાય છે. અને કદાચ હાર થાય તો પણ સામનો કર્યો ન હતો એવો અફસોસ રહેતો નથી. એટલું જ નહીં સામેવાળાને અહેસાસ થાય છે કે મને પણ કોઇ ટક્કર આપી શકે છે...' રચના આત્મવિશ્વાસ સાથે બોલતી હતી.'

'બેટા, જ્યારે એમને તારા વિશે જાણ થશે ત્યારે શું થશે? એ વિચારીને મને અત્યારે જ કંપારી છૂટી રહી છે. તું કોઇ કારણથી એમના પુત્ર સાથે લગ્ન કરી રહી છે ત્યારે એની સાથેનું તારું લગ્નજીવન કેવું રહેશે? અને લખમલભાઇએ જે કર્યું હોય એમાં એના દીકરાનો કોઇ દોષ ના ગણાયને? એને અન્યાય નહીં થાય?' મીતાબેન વિચાર કરીને પ્રશ્ન પૂછી રહ્યા હતા.

'મા, આપણાને જે અન્યાય થયો એ જોને...સાચું કહું તો મેં અલગ કારણથી જ આરવ સાથે દોસ્તી કરી હતી. મારે લખમલભાઇની 'ઓલ ઇન વન મોબાઇલ' કંપનીમાં પ્રવેશ મેળવવો હતો. મને ખબર ન હતી કે આરવ મારા માટે નિસરણી બની જશે. બધું એટલું ઝડપથી બની ગયું કે મારી ગણતરી કરતાં હું વધારે ઝડપથી મારા ધ્યેયમાં આગળ વધી રહી છું. લખમલભાઇ માટે એક નફરત જે મારા મનમાં છે એને મિટાવી શકું એમ નથી. તેમ છતાં આરવ વિશે સાચું કહું તો એને મનોમન પ્રેમ કરવા લાગી છું. પ્રેમ અને નફરત વચ્ચે મારું મન ઝુલી રહ્યું છે. મને લાગે છે કે આ પ્રેમના રસ્તે જ હું મારી નફરતનો પરિચય એમને આપી શકીશ. આરવ સાથે મારું લગ્નજીવન સામાન્ય રીતે જ પ્રેમભર્યું ચાલશે. પણ મારા મનમાં જે નફરતની આગ છે એ એમના પરિવારને દઝાડતી રહેશે...' રચના બોલી ત્યારે એની આંખોમાં હળવી લાલાશ ધસી આવી હતી. તે પોતાની ભવિષ્યની યોજનાઓની રેખાઓને મનોમન ઘૂંટી રહી હતી.

'બેટા, તું એક એકલી, અબળા છોકરી છે. એમની સામે કેવી રીતે ઝીંક ઝીલી શકીશ? હું તો કહું છું કે તું રહેવા દે આ બધું...આપણે શાંતિથી જીવીશું...' મીતાબેનના મનમાં વર્ષો જૂનો ડર ફરી ઊભો થયો.

'મા, ક્યાં છે શાંતિ? તું એ સમયને ભૂલી શકી છે? તારા મનમાં એ દિવસો હજુ પણ ઉથલપાથલ મચાવતા હશે. ભલે તું એ બધું ભૂલી ગઇ હોવાનો ડોળ કરતી હશે પણ હું તારા ચહેરા અને આંખોને વાંચી શકું છું. હું નાની હતી ત્યારે તું એક વખત બોલી ગઇ હતી કે કાશ મારે એક છોકરો પણ હોત તો હું એને હથિયાર બનાવી શકી હોત. મા, તે દિવસથી મેં પ્રણ લીધું હતું કે હું મોટી થઇને તારો એ અજન્મો દીકરો સાબિત થઇશ...' બોલતાં બોલતાં રચનાની આંખો ભીની થઇ ગઇ.

મીતાબેનની આંખમાંથી પણ આંસુ ટપકી પડ્યા. એમણે ઘરમાં રાખેલી લોખંડની એક પેટી હોલી અને એમાં કાપડમાં કાળજીથી મૂકેલી ફોટોફ્રેમ કાઢીને એમાંની તસવીર પર હાથ ફેરવ્યો.

ક્રમશ: