Gossip books and stories free download online pdf in Gujarati

ગપશપ

પ્રિય સખી ડાયરી,
આજ હું મારા અનુભવો વિષે વિચારી રહી હતી. વિચારીને હું તને જણાવું નહીં એ કેમ બને? તો ચાલ તું પણ મારો આ અનુભવ લેવા તૈયાર થઈ જા..

હું સાંજના સમયે ચાલવા માટે જોગર્સપાર્ક જતી હતી. ચાલી લીધા બાદ ઘરે જાઉં તે પહેલા થોડી વાર બાંકડે બેસતી એ મારો રોજનો નિત્યક્રમ પણ આજ ખબર નહીં પણ ચાલવાનું મન ન હતું તો હું સીધી બાંકડે જઈને જ બેસી ગઈ અને શાંતિથી વિતાવેલ દિવસને વાગોળવા લાગી. દિવસ શાંતિથી જ પસાર કર્યો હતો પણ મન બેચેન હતું એને ચેન મળે એ હેતુથી હું બાંકડે બેસી ગઈ હતી.

મારી થોડે દૂર અમુક સ્ત્રીઓનું જૂથ બેઠું હતું. ખુબ હસી રહ્યા હતા એ લોકો આથી એમના હાસ્યથી આકર્ષાઈને હું એમની ચર્ચામાં અજાણતાં જ જોડાઈ ગઈ હતી. અચાનક એક આધેડ વય કરતા થોડી વધુ ઉંમરના બેન પાર્કમાં આવી રહી એ મહિલાને જોઈને બોલ્યા, 'અલી આટલી ગરમીમાં પણ પેલી સાડીનો છેડો મોં ઢકાય એમ ઓઢીને આવી રહી છે!' એ આખું જૂથ એ મહિલાને જોવા લાગ્યું.. બસ પછી તો એ મહિલા જ ચર્ચાનો વિષય બની ગઈ હતી.

એક બેન કે જેમણે સાદો કોટનનો ડ્રેસ પહેર્યો હતો એ બોલ્યા, 'હા સાચે જ બહુ ગરમી છે એમાં માથે ઓઢ્યું છે તો બિચારીને કેટલી ગરમી થતી હશે, મને તો ખરેખર દયા આવી ગઈ!'

બીજા બેન કુર્તી પહેરેલા હતા એ બોલ્યા, 'ના રે! શું દયા આવે? આજકાલની વહુઓને તો અંકુશમાં જ રાખવી જોઈએ નહીતો પછી એ ધીરે ધીરે પોતાની હદ વટાવી ને આપણને ગુલામી જેવી જિંદગી ગાળવા મજબુર કરી દે છે.'

જેવું એ બહેનનું વાક્ય પત્યું કે એક ચહેરા પરથી સંસ્કારી અને પહેરવેશથી મોર્ડન દેખાઈ રહ્યા હતા એવા બહેને એમને તરત જ કહ્યું, 'તમારી વાત સાચી પણ જો એ વાત તમારી વહુ ને જ નહીં પણ દીકરીને પણ તમે કહેતા હોવ તો... કારણ કે વહુ હોય કે દીકરી બંને થી જ તો સંસ્કારી કુટુંબ ઓળખાય છે, જો દીકરીની પાસે તમે એવી આશા રાખો તો જ વહુને એ હુકમ કરાય, નહીતો તમે ખાલી વહુ દીકરી સમાન બોલવા ખાતર જ બોલો છો એવું છતું થાય! અને પહેરવેશ કદાચ પ્રાચીન ન પણ હોય તો શું એ વ્યક્તિનું વ્યક્તિત્વ સારું ન હોય? તમે જ આજ કુર્તી પહેરીને આવ્યા છો તો શું તમે તમારા વડીલોનું માન જાળવતા નહોતા? આજ હું પણ તમારી વચ્ચે છું તો શું મારુ વ્યક્તિત્વ તમે મારા કપડાથી આંકો છો? અને હા, તો આજ તમે મારી સાથે આટલા વર્ષોનો સબંધ જે રાખો છો એ શું કામ રાખ્યો? હું તો અર્વાચીન કપડાં જ પહેરું છું, પણ મન ચોખ્ખું જ છે. મને એ કપડામાં વધુ ફાવટ લાગે તો પહેરું છું પણ ચરિત્ર તો મારુ પણ તમારા લોકો જેવું જ છે એટલે જ તો આજ બધા સાથે બેઠી છું. ખરેખર કપડાં કોઈ પણ પહેર્યા હોય એ જે તે વ્યક્તિની પસંદ હોય પણ એના થકી એ વ્યક્તિનું વ્યક્તિત્વ આંકવું એ ક્યાંથી યોગ્ય કહેવાય? એમ જોવા જઈએ તો પુરુષનો પહેરવેશ ઝભ્ભો અને ધોતિયું છે, આજ બોલો તમારા બધાના ઘરમાંથી કેટલા પુરુષો એ પહેરે છે? નહીંને જીન્સટીશર્ટ કે પેન્ટશર્ટ જ પહેરે છે ને? પણ એમના માટે તો કોઈ વ્યક્તિત્વ કપડાં પરથી અંકાતું નથી, તો સ્ત્રીઓ માટે જ કેમ? કારણ કે, સ્ત્રીઓ જ સ્ત્રીઓની દુશ્મન બની છે, એક બોલે તો વિચાર્યા વગર બીજું પણ બોલવા લાગે.. પણ ખરેખર તો તમે જેટલું દીકરીને સમજો એટલું જ વહુને સમજો ને તો ઘર ખરેખર મંદિર સમાન જ બની જાય છે. નવી આવનાર વહુ તો બધી જ રીતે પરિવારને સમર્પિત થઈ જાય છે પણ પરિવાર જ ભેદ રાખી પુરા મનથી અપનાવતું નથી. બોલો તમે જ સાચું કહું છું કે નહીં?'

આખા જૂથની બધી જ મહિલાઓ બોલી ઉઠી સાચી વાત છે તમારી.

પેલા બેન પણ બોલ્યા જેમને વહુ માટે ટિપ્પણી કરી હતી કે,'સાચી વાત છે, આજ તમારી વાતે મારી આંખ ઉઘાડી. મારા મનમાં જે લઘુતાગ્રંથિ હતી, એ દૂર થઈ.'

આ વાત પછી ફરી બધા હસવા લાગ્યા.. અને હું મારા મનના મનોમંથનમાં પડી ગઈ હતી. સાચે જ મિત્રો સારા તો જીવન સારું એ હું અનુભવવા લાગી હતી. અજાણતાં છતાં આપણી માનસિકતા મિત્રવતુળને અનુરૂપ થવા જ લાગે છે એ ક્યારેક સાંભળેલ વાક્ય આજ મને સાર્થક લાગ્યું હતું.

કેમ સખી ડાયરી.. તું પણ મારા આ અનુભવે થોડું મારુ વ્યક્તિત્વ પણ આંકવા લાગીને?? હા, દોસ્ત તું ને હું બંને સરખા.. ચાલ હવે કાલે ફરી મળશું બહુ મોડું થાય છે. બાય બાય..