The scent of mogra books and stories free download online pdf in Gujarati

મોગરાની મહેક



વીની સફાળી જાગી ગઈ.આજે પણ એને એ સુવાસ બાજુમાં જ હોય એમ લાગ્યું!મિનેશને મોગરો બહુ ગમતો હતો.બહાર ગાર્ડન એરિયામાં બન્ને બાજુની ક્યારીઓમાં મોગરા જ રોપાવ્યાં હતાં!રૂમ સ્પ્રે,ડિઓ,પરફ્યુમ બધે જ મોગરો...મોગરો!વીની ઘણીવાર ટોકતી..."મિનેશ આ શું ઘેલું છે તને?જ્યાં-ત્યાં મોગરા...એમ લાગે છે કે મારુંનાક પણ એ સુગંધ પ્રુફ થઈ જશે." પણ મિનેશ જેનું નામ વળતો જવાબ આવતો,"હું એમ ન થવા દઉં ને....બાકી મોગરે કી મહેક તો રહેગી હી જબ તક હે જાન!હા... હા.. હા.." "તારાથી તો તોબા ભાઈસાબ" કરતી વીની બે હાથ જોડતી અને કામે લાગી જતી.
વીની અને મિનેશની જિંદગીનો બીજો એક ખૂણો હતો રાજુ,મિનેશ અને વીનીનો ક્લાસમેટ, વીની અને મિનેશનાં પ્રેમલગ્નમાં જામીનગીની મહોર મારનાર!ઘરમાં એ બે સિવાય તો કોઈ હતું નહીં એટલે કોઈ નાનકડી ખુશી પણ હોય કે વીનીએ કોઈક નવી વાનગી ટ્રાય કરી હોય તો પણ રાજુની પધરામણી વગર એ બે ને અધૂરું જ લાગતું હતું.એમ ત્રણે મિત્રો મસ્તીથી રહેતાં હતાં.પણ "અતિ ને ગતિ નહિ"જેવું થયું,થયું એવું કે ધીમે ધીમે વીનીને મિનેશનાં મોગરાપ્રેમથી સખત ઉબ થવા લાગી.એ વાતથી એ બન્ને વચ્ચે સખત ઝગડો થઈ જતો.વીનીને મોગરો જાણે પોતાની જગ્યા લઈ લેતી શોક્ય (સૌતન)જેવો લાગતો હતો.કોઈવાર એ વાતનો ઝગડો ચરમસીમાએ પહોંચી જતો, છૂટાછેડાં સુધીની વાત આવી જતી હતી!રાજુ બન્નેને સમજાવીને શાંત કરતો હતો.રાજુ એક એવો વ્યક્તિ હતો કે બન્ને એનું કહ્યું માનતા હતાં.પણ રાજુ એક બિઝનેસનાં કામ અર્થે જર્મની ગયો એટલે અહીં વાત વણસી.
ધીમે ધીમે વીની મિનેશથી દૂર થતી જતી હતી.આ બધું એકદમ ઝડપથી અજાણતાં જ થઈ રહ્યું હતુ.મિનેશ થોડો ઉદાસ રહેતો હતી પરંતું વીની માટેનો પ્રેમ અને મોગરા માટેનો પ્રેમ પણ જરાય ઓછો નહોતો થતો. થોડાં દિવસથી એ કોઈ અજબ અવઢવમાં જીવી રહ્યો હતો.વીની માટે તરસતો રહેતો હતો એનો સતત સાથ ઝંખતો પણ વીની પોતાની કિટીઝ,સમાજસેવા વગેરેમાં બીઝી રહેતી થઈ ગઈ હતી.મિનેશને ન સમજાય એવી ઘૂટન ગૂંગળાવી રહી હતી.એ વીની સાથે ઘણું શૅર કરવા માંગતો હતો.પણ વીનીએ તો એનાંથી બરાબરનું મોઢું ફેરવી લીધું હતું!એક ઘરમાં હોવાં છતાં એક ચોક્કસ અંતર થઈ ગયું હતું.આ બધું મિનેશ સહન નહોતો કરી શકતો નાની નાની ચડભડ કરી શાંત તો થઈ જતો હતો પરંતુ એનાં મનમાં અજીબ ખાલીપો ઘર કરી ગયો હતો..એ ચૂંથારાએ...એ મૂંઝારાએ હવે મિનેશને મોગરા પ્રેમને છોડવા વિવશ કરી દીધો . એક દિવસ એ ગાર્ડનમાં જઈ મોગરાને હાથ ફેરવતો હતો,મનોમન કહી રહ્યો હતો,"હું હારી ગયો છું દોસ્તો, તમને મૂળસોતાં ઉખેડવા જ પડશે.કેમકે, વીનીનું આવું રૂક્ષ વર્તન મને જીવવા નહિ દે."..ત્યાં જ....ત્યાં જ...અચાનક...એને છાતીમાં સણકો મારી આવ્યો અને...મિનેશનું ગાર્ડનમાં જ હાર્ટએટેકથી મૃત્યુ થયું!
વીનીએ કાળજું ફાટી જાય એવું કલ્પાંત કરી મૂક્યું,"પ્રભુ મારી સાથે જ આવું કેમ?! મિનેશ, હું તો તને મોગરા પ્રેમની અતિશયોક્તિ થી બસ થોડો વિરક્ત કરવાં માંગતી હતી તું તો મારાથી જ વિરક્ત થઈ ગયો..."

હવે રાજુ પણ એની બિઝનેસ ટૂરથી પરત આવી ગયો હતો.એ બિઝનેસ ડિલમાં એને લાખો નું નુકસાન થયું હતું. વીની રાજુને અને રાજુ વીણીને યોગ્ય સધિયારો આપતાં હતાં.કહેવાય છે કે "દુઃખના ઓસડ દહાડા" એમ ધીમે ધીમે જીંદગી પાટે ચડી રહી હતી.
બીજી એક અજબ વાત થઈ,મિનેશનાં જવા સાથે મોગરાનાં છોડ પણ સૂકાઈ રહ્યાં હતાં.વીનીએ એ મોગરાઓની દેખરેખ માટે માળી રોક્યો હતો છતાંય એ મુરઝાઈ રહ્યાં હતાં!એ મુરઝાયેલો બગીચો વીનીને ખૂબ જ નકારાત્મક ઉર્જા આપતો હતો,એણે ઉદાસીનો અંચળો ઓઢી લીધો હતો. એની એવી દશા જોઈ રાજુ ચિંતિત હતો.એક દિવસ એણે મોકો જોઈ વીની પાસે લગ્નનો પ્રસ્તાવ મુક્યો અને નવા શહેરમાં નવેસરથી જિંદગીની નવી શરૂઆત કરીશું એમ કહી માંડ સમજાવી.
બન્નેએ લગ્ન કર્યા, સામાન્ય લગ્નજીવન શરૂ કરવામાં તકલીફ થતી હતી.વીની રાજુને પૂર્ણ પણે સમર્પિત નહોતી થઈ શકતી.રાજુ એ કહ્યું,"ટેક યોર ટાઈમ વીની, પણ તારો ઈલાજ હવે જરૂરી થઈ ગયો છે.મને લાગે છે તું ડિપ્રેશન તરફ જઈ રહી છે." અને એ પછી વીનીને રોજ કોઈ દવા આપતો કહેતો,"ડાર્લિંગ, આ તારી ડિપ્રેશનની દવા છે તું આ લઈશ તો જલ્દી પહેલાં જેવી તરોતાજા થઈ જઈશ." વીની મનોમન રાજુને મેળવીને પોતાને ભાગ્યશાળી માનતી હતી.પણ ખબર નહિ કેમ એ ધીમે ધીમે એ ઓગળી જતી હોય એમ એનું શરીર કથળતું જતું હતું!
એક દિવસ વીનીનો ફોન રણક્યો અવાજ આવ્યો,"મિસિસ વીની,તમે હમણાં ને હમણાં કે ઇ એમ હોસ્પિટલમાં આવી જાઓ આપનાં હસબન્ડનો એક્સિડન્ટ થયો છે."એ હાંફળી ફાંફળી દોડી ત્યાં પહોંચે એ પહેલાં રાજુનું મૃત્યુ થઈ ચૂક્યું હતું!એનું શબ લઈ જતી વખતે એક સખત સુગંધ વીનીની નજીકથી પસાર થઈ હોય એમ લાગ્યું...એ જ..એ જ...મોગરાની મહેંક!
થોડાં સમયથી વીનીને ઊંઘ નહોતી આવતી બહુ બેચેન રહેતી અને કથળતી તબિયત બતાવવા ડૉક્ટર પાસે ગઈ.ડોક્ટરને એ જે દવા લેતી હતી એ બતાવી,ડોક્ટરે જણાવ્યું કે એ દવા ડિપ્રેશનની નથી..પણ...એ જે દવા લે છે એ એને મૃત્યુ તરફ ધકેલી રહી છે,તો એ બંધ કરવી.એ ચોંકી ગઈ! એને થયું એવું તો ક્યુ કારણ હશે કે રાજુએ એની સાથે આવું કર્યું! એવું વિચારતાં અચાનક ઘરે આવીને રાજુનું કબાટ ખોલી પેપર્સ જોયા,એણે મિનેશની પ્રોપર્ટી પોતાને નામે કરવાની પ્રોસીજર શરૂ કરી હતી!વીની પળવારમાં બધું સમજી ગઈ.ખૂબ રડી, ચોધાર આંસુએ રડી પછી મન એકદમ હળવું ફુલ થઈ ગયું હોય એમ લાગ્યું.
એ મિનેશને યાદ કરતી કરતી એનો ફોટો લઈ ઘણાં વખતે આજે નિરાંતે સૂતી.સવારમાં ક્યારે નવ વાગી ગયાં ખબર ન રહી,એ તો હજી સૂતી રહેતે પણ સવારે માથે કોઈનો હાથ પડ્યો હોય એવું અનુભવતાં આંખ ખુલી ગઈ અને ચમકીને જાગી કેમકે એક તીવ્ર સુગંધે નસકોરાં ભરી દીધાં હતાં પણ આજે એ ગમતી હતી. એજ..હતી એ...જ...મોગરાની મહેક!

કુંતલ ભટ્ટ
સુરત.