Bhed bharam Part 13 books and stories free download online pdf in Gujarati

ભેદ ભરમ - ભાગ 13

ભેદભરમ

ભાગ-13

કુદરતી મૃત્યુ કે ખૂન?

પ્રેયસના ખુલાસાને સાંભળ્યા બાદ અને ધીરજભાઇએ લખેલા પત્રને વાંચીને ઇન્સ્પેક્ટર પરમાર થોડા ગુંચવાયા હતાં. આ જોઇ હરમને ડો. જાની સામે જોઇ કહ્યું હતું.

"ડો. જાની સાહેબ, તમે ધીરજભાઇના પગના મોજા થોડા નીચે ઉતારીને જુઓને. કદાચ કશુંક જાણવા મળે." હરમને ડો. જાની સામે જોઇ કહ્યું હતું.

હરમનની વાતને સાંભળી ડોક્ટર જાનીએ હાથના મોજા ફરીવાર પહેરીને ધીરજભાઇના પગમાં પહેરેલા મોજા એમણે ઉતારી કાઢ્યા હતાં. ધીરજભાઇના પગના મોજા ઉતર્યા એટલે એમના પગના બંન્ને એન્કલ પર ગોળ બંગળી આકારથી લોહી જામી ગયેલું દેખાયું હતું.

"ડો. જાની, એમના બંન્ને પગમાં લોહી કેમ જામી ગયું છે?" હરમને આસપાસ નજર કરતા ડો. જાનીને પૂછ્યું હતું.

"ડાયાબિટીસ અને બ્લડપ્રેશરના દર્દીઓને ઘણીવાર આવા લાલ ચકામા પડી જતા હોય છે. પરંતુ ધીરજભાઇને પડે છે કે નહિ એ ડો. બ્રિજેશને ખબર હશે." ડો. જાનીએ વાત ડો. બ્રિજેશ તરફ સરકાવી હતી.

"કાયમ તો નહિ પરંતુ ઘણીવાર મેં ધીરજભાઇના શરીર પર આવા ચકામા નોંધ્યા છે. પરંતુ ડાયાબિટીસ અને બ્લડપ્રેશરના દર્દીઓમાં આ વાત સામાન્ય હોય છે. ડો. જાનીની વાત સાથે હું સંમત છું." ડો. બ્રિજેશે પણ ડો. જાનીની વાતમાં સંમતિ પુરાવતા કહ્યું હતું.

"ઇન્સ્પેક્ટર પરમાર, આવા ગોળ બંગળી આકારના ચકામા લોહી જામી ગયું હોય એવા મેં પહેલા કોઇ પેશન્ટમાં જોયા નથી અને એટલે જ શંકા-કુશંકાના માહોલમાં હું એમનું કુદરતી મૃત્યુ થયું છે એવું લખાણ મારા લેટર પેડ પર આપી શકું નહિ." ડો. જાનીએ પોતાની બેગ બંધ કરતા કરતા ઇન્સ્પેક્ટર પરમારને કહ્યું હતું.

"ઇન્સ્પેક્ટર પરમાર, મારા કાકા ધીરજભાઇએ મને લખીને આપેલ પત્ર પરથી સ્પષ્ટ થઇ જાય છે કે એમનું મૃત્યુ કુદરતી રીતે થાય કે અકુદરતી રીતે થાય પરંતુ પોસ્ટમોર્ટમ તો થવું અનિવાર્ય છે. માટે હું તમને મારા કાકાના પાર્થિવ દેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવા વિનંતી કરું છું. જેથી આપણને ખબર પડે કે આ મૃત્યુ કુદરતી છે કે પછી ખૂન છે." પ્રેયસે ઇન્સ્પેક્ટર પરમાર સામે જોઇ કહ્યું હતું.

ઇન્સ્પેક્ટર પરમારે ફોરેન્સીક એક્સપર્ટને ફોન કરી ઘટનાસ્થળે બોલાવી લીધા હતાં અને બધાંને રૂમમાંથી બહાર કાઢી અને બેડરૂમના દરવાજા પર પીળા કલરની પટ્ટી લગાડી દીધી હતી અને એક હવાલદારને ત્યાં બેડરૂમની બહાર ઊભો રાખી દીધો હતો.

હવાલદાર જોરાવરે બધાંના બયાન તેમજ નામ, સરનામા અને મોબાઇલ નંબર લઇ ઘરના સદસ્ય સિવાય બીજા બધાંને પોતપોતાના ઘરે જવાની સૂચના આપી દીધી હતી.

"હા તો મીસ્ટર હરમન, અત્યાર સુધી તમે આ કેસમાં ખૂબ મદદ કરી છે. હવે આ કેસ હું મારી રીતે સંભાળીશ. વાસણોના રહસ્ય માટે આપને બોલાવવામાં આવ્યા હતાં પરંતુ જેમણે તમને બોલાવ્યા હતાં એ વ્યક્તિ હવે આ દુનિયામાં રહી નથી માટે હવે આ કેસમાં તમારી કોઇ ભૂમિકા મને દેખાતી નથી અને જ્યાં સુધી મને દેખાય છે ત્યાં સુધી પોસ્ટમોર્ટમના રીપોર્ટમાં પણ આ મૃત્યુ કુદરતી રીતે થયું છે એવું જ આવશે એવું મારું માનવું છે. માટે અત્યારે તમે તમારું બયાન લખાવીને જઇ શકો છો." ઇન્સ્પેક્ટર પરમારે થોડી ઉદ્ધતાઇથી હરમનને કહ્યું હતું, જે હરમન અને જમાલ બંન્નેને ગમ્યું ન હતું.

હરમનને પણ હવે અહીંયા ઊભા રહેવાનું કોઇ ખાસ કારણ જણાતું ન હતું, કારણકે ધીરજભાઇએ જ એને અપોઇન્ટ કર્યો હતો અને ધીરજભાઇ હવે પોતે જ આ દુનિયામાં રહ્યા નથી. માટે વાસણોના રહસ્યની વાત જે કાલ સુધી મહત્વની વાત લાગતી હતી એ આજે ગૌણ બની ગઇ હતી.

હરમન અને જમાલ હજી ઘરના દરવાજા પાસે જાય એ પહેલા પાછળથી પ્રેયસ બોલ્યો હતો.

"મી. હરમન, હું ઇચ્છું છું કે જો મારા કાકાનું મૃત્યુ કુદરતી રીતે ના થયું હોય તો એમનું ખૂન કોણે કર્યું છે એની તપાસ તમે કરો. કાલે તમારું કામકાજ જોઇ હું ખૂબ પ્રભાવિત થયો છું. માટે જો મારા કાકાનું ખૂન થયું હોય તો ખૂની પકડાવો જ જોઇએ એવું હું ઇચ્છું છું." પ્રેયસે હરમનને રોકતા કહ્યું હતું.

"મી. પ્રેયસ, તમારા કાકા ધીરજભાઇનું જો ખૂન થયું હોય તો ખૂનીને શોધવાની જવાબદારી પોલીસની છે." ઇન્સ્પેક્ટર પરમારે અકળાઇને પ્રેયસને કહ્યું હતું.

"ઇન્સ્પેક્ટર પરમાર, મારા કાકાનું જો ખૂન થયું હોય તો એની તપાસ પોલીસ પોતાની રીતે તો કરશે એની મને ખાતરી છે. પરંતુ પોલીસની સાથે-સાથે મીસ્ટર હરમન કરે એવી હું ઇચ્છા ધરાવું છું કારણકે મારા કાકા માણસ ઓળખવામાં હોંશિયાર હતાં. એ મીસ્ટર હરમનને અહીં વાસણોનું રહસ્ય ઉકેલવા માટે લાવ્યા હોય તો સમજી વિચારીને જ લાવ્યા હશે અને રહી વાત પોલીસ તપાસની, તો મારા કાકા પોલીસમાં રહી ચૂક્યા છે. એટલે પોલીસની કામ કરવાની પદ્ધતિથી હું વાકેફ છું અને એના આધારે હું તમને ચોક્કસ કહી શકું કે પોલીસ પર મને એક ટકાનો પણ વિશ્વાસ નથી. મને અધિકાર છે કે મારા કાકાનું જો ખૂન થયું હોય તો મારી રીતે એ ખૂનની તપાસ કરવા માટે ડીટેક્ટીવ નિયુક્ત કરી શકું અને મીસ્ટર હરમન પોલીસને મદદ જ કરશે. પોલીસના કામમાં આડા નહિ આવે એનો મને વિશ્વાસ છે." પ્રેયસે હોંશિયારીથી પોતાની વાત ઇન્સ્પેક્ટર પરમાર સામે મુકી હતી.

ઇન્સ્પેક્ટર પરમાર પ્રેયસની વાત સાંભળી એની સામે ગુસ્સાથી જોઇ રહ્યા હતાં. પરંતુ એમના ચહેરાના હાવભાવની અસર પ્રેયસ પર પડતી હોય એવું લાગતું ન હતું.

"સારું, પોસ્ટમોર્ટમનો રીપોર્ટ આવી જાય ત્યારબાદ આગળ શું કાર્યવાહી કરવી એ નક્કી કરીશું. જો ખૂન હશે તો જાસૂસ હરમન અને હું જોડે ધીરજભાઇના ખૂનની તપાસ કરીશું. પરંતુ આવી નોબત આવે એવું મને લાગતું નથી." ઇન્સ્પેક્ટર પરમારે પોતાના ગુસ્સાને પીને પોતાની વાત શાંતિથી કહી હતી.

"બોસ, આ પ્રેયસ આપણને ઓળખતો પણ નથી છતાં ઇન્સ્પેક્ટર પરમાર સામે દલીલ કરીને આપણને એપોઇન્ટ કેમ કરી રહ્યો છે એ મને સમજાતું નથી." જમાલે હરમનને ખૂબ ધીમા સ્વરે પૂછ્યું હતું.

"પ્રેયસને પાકી ખાતરી છે કે ધીરજભાઇનું ખૂન જ થયું છે અને માટે એ મને તપાસ માટે રોકી રહ્યો છે. એનો મતલબ એવો છે કે પ્રેયસ એવું કશુંક જાણે છે કે જે અત્યારે એ જ્યાં સુધી પોસ્ટમોર્ટમનો રીપોર્ટ આવી જાય ત્યાં સુધી કશું બોલવા માંગતો નથી અને જ્યારથી આ બધું ચાલી રહ્યું છે ત્યારથી અત્યાર સુધી પ્રેયસ ચાર થી પાંચ વખત પ્રોફેસર રાકેશ સામે ગુસ્સાથી જોઇ ચૂક્યો છે." હરમને જમાલના કાનમાં કહ્યું હતું.

ક્રમશઃ

(વાચકમિત્રો, ભેદભરમ આ ધારાવાહિક આપને કેવી લાગી રહી છે એ આપના પ્રતિભાવથી જરૂર જણાવશો. જેથી આ વાર્તાને હું વધારે સારી રીતે વળાંક આપી આપના સુધી પહોંચાડી શકું.)