Prem - Nafrat - 37 books and stories free download online pdf in Gujarati

પ્રેમ - નફરત - ૩૭

પ્રેમ-નફરત

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૩૭

આરવ વચ્ચેનો રસ્તો કાઢતો હોય એમ બોલ્યો:'આપણે મારી ઓફિસ પર જઇએ અને ત્યાં શાંતિથી વાત કરીએ. સંજનાએ અમારી કંપની જોઇ નથી. એ ચાહે તો અમારી કંપનીમાં જોડાઇ શકે છે!'

રચનાને થયું કે આરવે તેની વાત કરવાને બદલે સમય લઇ લીધો છે. શું એ કોઇ વાત મારાથી છુપાવી રહ્યો હશે? તેના ચહેરા પર ગંભીરતા જોઇ સંજના હસીને કહે:'રચના, તું ના ઇચ્છતી હોય તો હું ના આવું!'

'હં...ના-ના, હું તને શા માટે ના પાડું? મારા કરતાં પહેલાં આરવની એ કંપની છે. એણે તને આમંત્રણ આપ્યું છે. તારે આવવું જ પડશે...'

'હું ચોક્કસ આવી રહી છું. પણ આરવજી, તમારી કંપનીમાં નોકરી કરવાનો આગ્રહ કરતાં નહીં. મારે આગળ ભણવું છે.'

'જેવી તારી મરજી...આ કંપની આવી ગઇ... બોલ સંજના, તારા માટે શું મંગાવું? રચના, તારી પણ કોઇ ખાસ ફરમાઇશ કે ઇચ્છા હોય તો બોલજે!' આરવે જીપને પાર્ક કરતાં કહ્યું.

'મારી ઇચ્છા તો તારી વાત સાંભળવાની છે...' એમ બોલવાનું રચનાને મન થઇ ગયું. એ શબ્દોને ગળીને બોલી:'જેવી તમારી ઇચ્છા...'

'ઓકે...' કહી આરવે ફોન પર જ ચા-નાસ્તાની સૂચના આપીને પોતાની ઓફિસ તરફ દોરી લઇ જતાં બોલ્યો:'ભાવિ પત્ની અને સાળીનું હાર્દિક સ્વાગત છે...'

ત્રણેય જણ હિરેન અને કિરણની ઓફિસ પાસેથી પસાર થયા ત્યારે એ બંનેની નજર સીસીટીવી કેમેરા પર ગઇ. બંનેને એકસરખો જ વિચાર આવ્યો:'આ બીજી આફત કોણ છે?'

આરવે જીપમાંથી ઓફિસ સુધી આવતાં સુધીમાં નક્કી કરી લીધું હતું કે તે શિવાનીનો કિસ્સો છુપાવશે નહીં.

આરવે પોતાની ખુરશી પર સ્થાન લેતાં કહ્યું:'ચા- નાસ્તો આવે ત્યાં સુધીમાં હું શિવાનીની વાત તમને કરી દઉં...'

'શિવાની?' રચના અને સંજના એકસાથે આશ્ચર્ય સાથે પૂછી બેઠા.

આરવને એ પરથી ખ્યાલ આવી ગયો કે કોઇ 'બીજી અજાણી સ્ત્રી' ની વાત સાંભળીને પુરુષને શંકા સાથે કેવા પ્રત્યાઘાત મળતાં હોય છે!

'હા શિવાની, સંજનાને મેં શિવાની ધારી લીધી હતી. અસલમાં શિવાની મારી સાથે કોલેજમાં હતી. એ પછી અમે ક્યારેય મળ્યા નથી કે એનો સંપર્ક થયો નથી. કોલેજમાં એ શરારતી પ્રકારની છોકરી હતી. ખૂબ ખુલ્લા દિલની હતી. કંઇ મનમાં રાખતી ન હતી. એક દિવસ એ બીજી છોકરીને ભેટી પડી હતી અને કહ્યું હતું કે તું મને બહુ ગમે છે. કાશ હું છોકરો હોત તો તને જ પરણી જાત!'

'ઓહ!' રચના નવાઇથી બોલી.

'એણે એક વખત એવું કર્યું કે બધાના મોંમાંથી 'આહ!' નીકળી ગઇ હતી. અમે બધાં મિત્રો કેન્ટિનમાં બેઠા હતા. એમાં શિવાની સાથે બીજી બે છોકરી પણ હતી. કોઇ બાબતે વાત ચાલતી હતી. કદાચ બાળકના નાનપણમાં ગાલ સરસ હોય છે એની જ હતી. ત્યારે મારી બાજુમાં બેઠેલી શિવાનીએ અચાનક મારા ગાલ પર હળવેથી બચકું ભરી લીધું હતું. અને એની સેલ્ફી ખેંચી લીધી હતી. હું અવાક થઇ ગયો હતો. કોલેજના સમયમાં કોઇ છોકરી છોકરાને ગાલ પર બચકું ભરે એ 'ચુંબન' લેવા જેવું જ દેખાતું હતું. બધાં જ એની આ હરકતથી નવાઇ પામ્યા હતા. મેં સહેજ શરમાઇને એને પૂછ્યું:'શિવાની, આ શું કરે છે...?' ત્યારે નાની છોકરીની જેમ એ બોલી કે મારો ભાઇ નાનો હતો ત્યારે એના આવા જ નરમ અને લાલાશ પડતા ગાલ હતા. મને એના એ ગાલ પર બચકું ભરવાનું આદત હતી! એ ઘણા વર્ષોથી ભણવા માટે વિદેશ ચાલ્યો ગયો છે. અત્યારે મને એના ગાલની યાદ આવી ગઇ એટલે હું ભાવુક થઇ ગઇ હતી...તેની આંખમાં ખરેખર આંસુ આવી ગયા હતા. સંજના, તું મોં પર ઓઢણી બાંધીને મળી ત્યારે એના ચહેરાનો આકાર અને શારીરિક બાંધો મને શિવાનીની યાદ અપાવી ગયો હતો. મને એમ કે રચનાની સામે તું ગાલ પર બચકું ભરેલું એ સેલ્ફી બતાવવા મોબાઇલ ખોલી રહી છે...રચનાને એ કારણે કોઇ ગેરસમજ ના થાય અને શિવાની કોઇ શરારત નહીં કરે ને? એ વિચારથી હું ગભરાયો હતો!' આરવે કંઇ પણ છુપાવવાને બદલે સ્પષ્ટતા કરતાં કહ્યું.

'ઓહ! તો આ વાત હતી!' કહીને રચનાએ નજીક જઇ આરવના ગાલ પર હાથ ફેરવી કહ્યું:'હજુ એવા જ નાજુક ગાલ છે!'

'જીજાજી! દીદીને બચકું ભરવા દેશોને?!' સંજના હસીને બોલી.

'તમે હવે મજાક છોડો... આ ચા આવી ગઇ છે...' કહી આરવ ગંભીર થઇ ગયો.

કંપનીનો પિયુન ચા- નાસ્તો મૂકીને ગયો.

થોડીવાર પછી સંજના હસતાં- હસતાં રજા લેતાં બોલી:'સર! તમારો ઘણો સમય બગાડ્યો છે! હવે રજા આપશો!'

'ઓકે...' આરવે એને રજા આપી.

આરવે કોમ્પ્યુટરમાં ઇ મેઇલ ચેક કરી કહ્યું:'રચના, પહેલાં એ કહી દઉં કે આજે તારે મારી સાથે ઘરે પરિવારને મળવા આવવાનું છે...'

'પણ...' રચના બોલવા ગઇ.

'પણ-બણ કંઇ ચાલશે નહીં. આ મારો નહીં કંપનીના સ્થાપક અને તારા ભાવિ સસરા લખમલભાઇનો આદેશ છે!' આરવે હસીને કહ્યું.

'ઓકે, પણ આજથી જ અને અત્યારે જ આપણે નવા મોબાઇલ પર કામ શરૂ કરી દઇએ...' રચનાએ પોતાનો વાયદો યાદ કર્યો.

'હા, જેટલો વહેલો મોબાઇલ લોન્ચ થશે એટલા જલદી આપણા લગ્ન થશે ખરું ને?' આરવે ખુશી વ્યક્ત કરતાં કહ્યું.

'હા, હવે મારો નવા મોબાઇલ માટેનો વિચાર સાંભળી લો. પછી કંપનીના ડિરેક્ટરો સાથે ચર્ચા કરી લો એટલે આગળ વધી શકીએ...' રચનાએ હાથમાંનો મોબાઇલ ખોલી એમાં જોતાં જોતાં પોતાના નવા ફોનના આયોજનના વિચારો રજૂ કર્યા.

એક કલાક પછી જ્યારે આરવે પિતા, બંને ભાઇઓ અને બીજા ડિરેક્ટરો સાથે રચનાના નવા ફોનના ફિચર સાથે એની કિંમત બતાવી ત્યારે કિરણ અને હિરેન ઊભા થઇ ગયા. હિરેન બોલી ઊઠ્યો:'આ છોકરી આપણી કંપનીને બરબાદ કરી દેશે...'

પહેલી વખત લખમલભાઇ પણ બોલી ઊઠ્યા:'આરવ, આપણે વીસ હજાર સુધીના ફોન બનાવ્યા છે. અને આ ચાળીસ હજારનો ફોન થશે. આખી કંપની દાવ પર લાગી જશે...'

'મને તો લાગે છે કે એ કંપનીને જ નહીં આપણા આખા પરિવારને દાવ પર લગાવી રહી છે...' એમ મનમાં જ બબડતો હિરેન બોલ્યો:'આપણે આ ફોન પર ચોકડી મારી દેવી જોઇએ...'

'પ્લીઝ, એક મિનિટ...' કહી આરવે ફોનમાં એક મેસેજ ટાઇપ કર્યો અને બધાંની તરફ એક નજર નાખી કહ્યું:'આપણે રચનાની વાત સાંભળી લેવી જોઇએ એમ લાગતું નથી?'

'ભાઇ, જે ગામ જવું જ ના હોય એની વાત કરવાનો કોઇ અર્થ ખરો?' કિરણે એને અટકાવવા કહ્યું.

'સર! હું અંદર આવી શકું?' રચનાએ દરવાજો ખોલીને પૂછ્યું.

રચનાને જોઇ બધાં ચોંકી ગયા. કિરણ હિરેનના કાનમાં બબડ્યો:'ડિરેક્ટરોની મીટીંગમાં આવવાનો હક અત્યારથી જ મેળવવા લાગી?'

લખમલભાઇને પણ રચનાનું આમ આવવું ગમ્યું નહીં. એ જોઇ હિરેન અને કિરણ મનોમન ખુશ થયા.

ક્રમશ: