Bhed bharam - part 21 books and stories free download online pdf in Gujarati

ભેદ ભરમ - ભાગ 21

ભેદભરમ

 

ભાગ-૨૧

પંખાનો હુક

 

બોપલ પોલીસ સ્ટેશને મગજમાં થયેલા ચમકારાના કારણે હરમને ગાડી સ્પીડમાં ભગાવી અને ધીરજભાઈના બંગલા પાસે આવીને ઉભી રાખી હતી.

હરમનને જમાલે પહેલીવાર આટલો ધૂનમાં જોયો હતો. એ ગાડી માંથી ઉતર્યો અને દરવાજા પાસે જઈ એણે ડોર બેલ વગાડ્યો હતો.

પ્રેયસે દરવાજો ખોલ્યો હતો.

“મારે ધીરજભાઈના રૂમને જોવો છે.” હરમનને પ્રેયસને કહ્યું હતું.

હરમનનાં મોંઢા પર ઉપસી આવેલા ભાવને જોઈને પ્રેયસે કશી પણ દલીલ કર્યા વગર એને ધીરજભાઈના બેડરૂમ તરફ લઈ ગયો હતો.

હરમને ધીરજભાઈના બેડરૂમમાં પ્રવેશતાં જ છત ઉપર જોયું હતું. છત ઉપર પંખો ન હતો. પરંતુ પંખો લગાડવા માટેનું હુક હતું.

“પ્રેયસ, આ રૂમમાં પંખો કેમ નથી?” હરમને પ્રેયસને પૂછ્યું હતું.

“ધીરજકાકાને પંખાથી માથું ચઢી જતું હતું. એટલે બારે મહિના A.C જ વાપરતા હતા. માટે એમના રૂમમાં પંખો લગાડ્યો નથી. પરંતુ અચાનક એવું શું થયું કે તમે આમ ઉતાવળા થઇ રૂમ જોવા માટે આવ્યા?” પ્રેયસે પોતાના મનમાં ઉભો થયેલો સવાલ હરમનને પૂછ્યો હતો.

“મને લાગે છે કે ધીરજભાઈને પગે દોરડાં બાંધી અને બેભાન અવસ્થામાં ખૂની એ ઉંધા લટકાવ્યા હશે. ધીરજભાઈને આ છત ઉપરના પંખાના હુકના સહારે ઉંધા લટકાવવામાં આવ્યા હશે. જેના કારણે શરીરનું બધુજ લોહી એમના માથામાં આવી જવાનાં કારણે માથાની નસો ફાટી ગઈ હશે અને આ રીતે એમનું ખૂન કરવામાં આવ્યું હશે. અને આવું હું ચોક્કસપણે માની રહ્યો છું, એમના ખૂન વિશેની મારી આ થીયરી બિલકુલ બરાબર છે. આ પંખાના હુકના કારણે એટલું તો ચોક્કસ સાબિત થાય છે કે ખૂની ધીરજભાઈના બેડરૂમથી માહિતગાર હતો અને એણે ખુબ વિચારી પહેલેથી પ્લાન બનાવી એમનું ખૂન કર્યું છે. હવે ખૂનની તપાસ અહીંથી અલગ રીતે કરવી પડશે. એવું પણ મારું માનવું છે.” હરમને પ્રેયસ સામે જોઈ કહ્યું હતું.

“પ્રેયસ, હું સુધાબેનને કેટલાક સવાલો પૂછવા માંગું છું. જો એ માનસિક રીતે સ્વસ્થ હોય તો હું કેટલાક સવાલો એમને પૂછી શકું છું? હું એમનો બહુ વખત નહિ લઉં.” હરમને પ્રેયસ સામે જોઈ કહ્યું હતું.

પ્રેયસ સુધાબેન પાસે જઈ એમને પૂછીને પાછો આવ્યો હતો.

“કાકીને કોઈ વાંધો નથી. તમારે જે પૂછવું હોય એ પૂછી શકો છો.” પ્રેયસે હરમનને કહ્યું હતું.

સુધાબેન એમના બેડરૂમમાંથી ડ્રોઈંગરૂમમાં આવ્યા અને હરમનની સામે સોફા પર બેઠા હતા.

“સુધાબેન, મને નવાઈ લાગે છે અને પ્રશ્ન પણ થાય છે કે કોઈ ખૂનીએ ઘરમાં આવીને ધીરજભાઈનું ખૂન કરી નાખ્યું અને તમે બાજુના રૂમમાં હતા, છતાં તમને કંઇ ખબર ના પડી?” હરમને સુધાબેન સામે જોઈ પૂછ્યું હતું.

“મારી ઊંઘ ખુબ ખરાબ છે. હું એકવાર સુઈ જઉં પછી કોઈ ઢોલ નગારા વગાડે તો પણ મને ખબર પડે નહિ. એટલે બાજુના રૂમમાં તમારા કહેવા પ્રમાણે એમનું ખૂન થઇ રહ્યું હશે તે સમયે હું ગાઢ નિંદ્રામાં હોઈશ એટલે મને ખબર નહિ પડી હોય.” સુધાબેને હરમનના સવાલનો જવાબ આપતાં કહ્યું હતું.

“ધીરજભાઈનું મને એવું કહેવું હતું કે તમે રાત્રિના બાર વાગ્યા પહેલા સુતા નથી. તો એ દિવસે તમે જલ્દી સુઈ ગયા હતા?” હરમને ધીરજભાઈનું નામ લઈને ગપ્પું માર્યું હતું.

સુધાબેન થોડી ક્ષણો માટે થોડા અસહજ થઈ ગયા હતા. પછી એમણે મનમાં જવાબ ગોઠવી હરમનની સામે જોઈ કહ્યું હતું.

“રાત્રે અગિયાર વાગે ડોક્ટર બ્રિજેશ સિતાર વગાડી રહ્યા હતા. એ સમયે હું મારા બેડરૂમનો દરવાજો બંધ કરી મારા બેડરૂમની બારી ખોલી અને સિતારને સાંભળી રહી હતી. સિતાર સાંભળતાં-સાંભળતાં મને ક્યારે ઊંઘ આવી ગઈ એ મને ખબર જ ના પડી. સિતાર સાંભળવામાં મગ્ન હોવાના કારણે મને કદાચ સાડા અગિયાર સુધીમાં ઊંઘ આવી ગઈ હશે.” સુધાબેન ખુબ વિચારી-વિચારીને જવાબ આપી રહ્યા હતા.

“ડોક્ટર બ્રિજેશ સિતાર વગાડી રહ્યા હતા એ તે સાંભળ્યું હતું પ્રેયસ?” હરમને હવે પ્રેયસ સામે જોઈને પૂછ્યું હતું.

‘ડોક્ટર બ્રિજેશભાઈના સિતારનો અવાજ ક્લબ હાઉસ સુધી ખુબ ઓછો આવતો હતો પણ આવતો તો ખરો એ નક્કી છે. રાત્રિના લગભગ સાડા બારથી એક વાગ્યા દરમ્યાન એમના સિતારનો અવાજ બંધ થયો હતો. ત્યારે હું ક્લબ હાઉસમાં મહેશભાઈ અને એમના ધર્મપત્ની સીમાબેન સાથે બેઠો હતો.” પ્રેયસે હરમન સામે જોઈ કહ્યું હતું.

હરમન હજી આગળ કોઈ સવાલ પૂછે એ પહેલા પ્રોફેસર સુનિતા ખત્રી ઘરમાં દાખલ થઇ હતી.

“હું સુધાકાકીને મળવા જ આવી હતી. આપ લોકો વ્યસ્ત હોય તો હું પછી આવી જઈશ.” સુનિતા ખત્રીએ ઘરમાં આવીને કહ્યું હતું.

પ્રેયસ હજી કશો જવાબ આપે એ પહેલા હરમને જવાબ આપ્યો હતો.

“ના આપ અંદર આવો. અમે તો એમ જ વાત કરતાં હતા. સુનિતાબેન તમે આવ્યા છો અને તમને કોઈ વાંધો ના હોય તો હું તમને એક-બે સવાલ પૂછી લઉં?” હરમને તક ઝડપતાં કહ્યું હતું.

“હા ચોક્કસ, તમે મને કોઈપણ સવાલ પૂછી શકો છો. ધીરજકાકાના ખૂનનું રહસ્ય જલ્દી ઉકેલાય એવું હું ઈચ્છું છું.” સુનિતા ખત્રીએ સુધાબેનની બાજુમાં બેસતા કહ્યું હતું.

“સુનિતાબેન, જે રાત્રે ધીરજભાઈનું ખૂન થયું એ રાત્રે ડોક્ટર બ્રિજેશભાઈ સિતાર વગાડી રહ્યા હતા. એ સિતાર તમે સાંભળ્યું હતું? અને મયંક ભરવાડને તમે સોસાયટીમાં દાખલ થતો જોયો હતો?” હરમને સુનિતા ખત્રીને પૂછ્યું હતું.

“એ રાત્રે ડોક્ટર બ્રિજેશભાઈ સિતાર લગભગ રાત્રિના પોણો વાગ્યા સુધી વગાડી રહ્યા હતા. દર શનિવાર અને રવિવાર આ એમનો નિત્યક્રમ છે. હું મારા ઘરના વરંડામાં બેસીને કોફી પીતા-પીતા એમનું સિતાર સાંભળી રહી હતી. મેં ધીરજકાકાને સવા અગિયારથી સાડા અગિયારની વચ્ચે એમના બંગલામાં દાખલ થતા જોયા હતા. એ વખતે એ એકલા જ હતા, પ્રેયસ એમની સાથે ન હતો. પ્રેયસને મેં લગભગ દોઢ વાગ્યાની આસપાસ જયારે હું સુવા જઈ રહી હતી ત્યારે બેડરૂમની બારીમાંથી એને ઘરમાં દાખલ થતો જોયો હતો. મંયક ભરવાડને મેં રાત્રે તો સોસાયટીમાં દાખલ થતા હું જ્યાં સુધી વરંડામાં બેઠી હતી ત્યાં સુધી તો જોયો ન હતો.” પ્રોફેસર સુનિતા ખત્રીએ હરમનને જવાબ આપતાં કહ્યું હતું.

“સુનિતાબેન, પ્રોફેસર રાકેશભાઈ વિશે આપનું શું માનવું છે?” હરમને સુનિતા ખત્રી સામે જોઈ પૂછ્યું હતું.

પ્રોફેસર રાકેશનું નામ સાંભળી સુનિતા ખત્રીનું મોઢું થોડું બગડી ગયું હતું.

 

ક્રમશ: 

(વાચકમિત્રો, ભેદભરમ આ ધારાવાહિક આપને કેવી લાગી રહી છે એ આપના પ્રતિભાવથી જરૂર જણાવશો. જેથી આ વાર્તાને હું વધારે સારી રીતે વળાંક આપી આપના સુધી પહોંચાડી શકું.)

 -   ૐ ગુરુ