Street No.69 - 14 books and stories free download online pdf in Gujarati

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ -14

પ્રકરણ -14

સ્ટ્રીટ નંબર  : 69

 

અઘોરીની પાછળ પાછળ ગુફામાં ગયાં પછી સોહમને ભાન થઇ ગયું હતું કે એ શક્તિશાળી અઘોરીની કેદમાં છે અને આ અઘોરી હવે એનું ધાર્યું કરાવી શકશે. એણે હાથ જોડીને અઘોરીને કહ્યું "આપતો ખુબ વિદ્વાન,પ્રતિભાશાળી સંત છો આપનાં તપ અને ભક્તિથી તમને ઈશ્વરે સિદ્ધિઓ આપી છે આપ સિદ્ધપુરુષ છો હું તો સાવ સામાન્ય મધ્યમવર્ગનો યુવાન છું મારાં માથે ઘરની બધી જવાબદારી છે... હું આ કંપનીમાં નોકરી કરું છું. “

“તમારી શિષ્યા નયનતારાં અઘોરણ છે કે કોણ છે મને કંઈ ખબર નથી મને એમાં રસ પણ નથી હું તો ઓફિસથી ઘરે જતાં એ મને મળ્યાં અને તમારાં આદેશ પ્રમાણે મદદ કરી મેં સામેથી કશું માંગ્યું નથી કોઈ અપેક્ષા નહોતી અરે પ્રભુ હું જાણતોજ નથી તો શું માંગુ શું અપેક્ષા રાખું ?છતાં જાણ્યે અજાણ્યે મારાંથી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરો..” એમ કહી અઘોરીનાં પગમાં પડી ગયો...

અઘોરીનો ક્રોધ શાંત થઇ ગયો એમણે કહ્યું “તારી વાત સાચી છે ... પણ તું મારી પાસે આવવાનો હતો એવી મને ખબર હતી... મારી પાસે બધી વિદ્યાઓ સિદ્ધિઓ છે હું કર્ણ પિશાચીથી માંડી ઘણી સિદ્ધિઓ ધરાવું છું... તારે મારુ શું કામ હતું ? કેમ મળવાનો હતો ? અને નયનતારાએ તને શું શું આપ્યું છે ? શું શું મદદ કરી છે? એણે તારી સાથે શું વાતો કરી  છે?”

અઘોરીએ એક સાથે ઘણાં પ્રશ્નો કરી લીધાં... સોહમે મનમાં વિચાર્યું કે અઘોરીજીને મારાં મનમાં એમને મળવા આવવાનો છું જો એ ખબર પડી જાય તો નયનતારાએ મને શું આપ્યું શું વાતો કરી એ ના ખબર પડે ? એ સમજી મને મારી પરીક્ષા કરવા પ્રશ્ન કરે છે ? એ થોડીવાર ચૂપ રહ્યો...

સોહમે કહ્યું “તમેતો બધુજ જાણો છો બધી સિદ્ધિઓ છે ત્રિકાળજ્ઞાની છો હું પામર માણસ શું કહું ? અમારે તો સંસારમાં અમારાં જીવનમાં અનેક મુશ્કેલી હોય જ્યાં કામ કરું છું ત્યાં હરીફાઈ હોય પોલીટીક્સ હોય “એક સાંધીયે ત્યાં તેર તૂટતાં હોય” અમને નાનકડી મદદ પણ ઘણી મોટી લાગે... નૈનતારાએ મને મારાં પ્રોજેક્ટમાં ઘણી મદદ કરી હતી અને થોડાં પૈસા આપ્યાં હતાં... બાપજી હું તમારી પાસે મદદ લેવા જ આવવાનો હતો મને નોકરીમાં અન્યાય થતો હતો... મારુ ભણવાનું હજી ઓનલાઇન ચાલુ છે ઘરમાં પૈસાની જરૂર પડે છે પિતાજી હવે રિટાયર્ડ થવાનાં આ મુંબઈ શહેરમાં ખર્ચ કરવાનાં... આપતો બાપજી જાણો છો મારાંથી નાની બે બહેનો છે એને ભણાવવાની, પરણાવવાની છે મને એક તિનકા જેટલી પણ મદદ મળે મને ઘણું થઇ જાય.” આમ કહીને સોહમ ચૂપ થઇ ગયો...

અઘોરીજીએ સોહમની સામે જોયું અને બોલ્યાં “તને પ્રશ્ન થયો કે હું બધી સિદ્ધિ ધરાવતો હોઉં તો મને ખબર ના પડી જાય ? તને પૂછવાની શું જરૂર ? મને તારાં મનની બધીજ વાત ખબર છે પણ તું કેટલું સાચું મને કહે છે એની પરીક્ષા કરતો હતો... મને એ વાતની પ્રસન્નતા છે કે તે મને બધુંજ સાચું કહ્યું... તને નયનતારાએ મદદ કરી છે શું કરી શું આપ્યું બધીજ ખબર છે પણ...” પછી એ અટકી ગયાં એમનાં ચહેરાં પર ક્રોધ છવાયો...

એમણે કહ્યું “એ છોકરી સાવી... નૈનતારાનું અસલી નામ... તારી જેમ ભણેલી છે પણ કોઈક કારણ સર મારી પાસે આવી હતી મારાં શરણે આવી મને વિદ્યા શીખવવા વિનંતી કરી હતી... એણે મારી ખુબ સેવા કરી મેં એને અઘોર વિદ્યા શીખવી એ ત્રણ વર્ષ મારી સાથે આ ગુફામાં રહી છે... અહીંથી એ વારે વારે બહાર જતી એને બહાર કોઈને કંઈજ ના કહેવાનો મારો આદેશ હતો એ અહીં અઘોરવિદ્યા અને બહાર એનો વિદ્યાભ્યાસ કરતી અઘોરની કૃપાએ એ બધામાં ઉત્તીર્ણ થતી ક્યાંય હાજરીની જરૂર વિના એનું ભણવાનું પણ પૂરું થયું. “

“અઘોરણ થવા માટે એણે મને ગુરુદક્ષિણા ચુકવવાની હતી... એણે મારી ખુબ સેવા કરી હતી હું એનાં ઉપર પ્રસન્ન હતો મેં અઘોરણ પણ બનાવી દીધી હતી મેં જ આદેશ આપેલો વિધિના અનુસંધાનમાં અને એ તને મળી હતી પણ એણે મારાં એક આદેશની અવજ્ઞા કરી મારાં ક્રોધની શિકાર થઇ છે... તારે હવે મારું એક કામ કરવાનું છે...સાંભળ...”

સોહમ બધું સાંભળી રહેલો... જેમ જેમ સાંભળતો ગયો એમ એમ... એ આશ્ચર્યમાં પડી રહેલો... એને થયું શું ભૂલ થઇ હશે ? મારે અઘોરીનુ શું કામ કરવાનું આવશે ? સોહમે બે હાથ જોડીને કહ્યું “બાપજી હું શું સેવા કરી શકું ? તમે કહેશો એ કરીશ... પણ બાપજી મારી પણ એક પ્રાર્થનાં છે જે મારાં મનમાં ઈચ્છા હતી એ તમે જાણી ચુક્યા હશો. એટલે મારાં પર ...મને આશીર્વાદ આપો. “

અઘોરીએ કહ્યું “મને ખબર છે તારે પણ અઘોર વિદ્યા શીખવી છે...તારે અઘોરી બનવું છે ? એટલું એ સરળ નથી...તારે અઘોરી બનીને બધાં ભૌતિક સુખો મેળવવા છે તારે ઈશ્વર નથી પામવો હું જાણું છું. “

સોહમે કબૂલાત કરતાં કહ્યું “હાં મારે ભૌતિક સુખો પ્રાપ્ત કરવાં છે હું ખુબ મુશ્કેલીઓમાં રહીને ઉછર્યો છું મારે દુનિયાનાં બધાં સુખ પામવાં છે. સફળતા મેળવવી છે મહેનતની સાથે સાથે તંત્રમંત્રમાં પાવરધા થઈને પ્રતિસ્પર્ધાઓને મહાત કરવા છે...દુનિયા જીતવી છે...” એમ કહેતાં કહેતાં એનાં ચહેરા પર એક પ્રકારનાં જોશ આવી ગયો...

આવું સાંભળીને અઘોરીજીને ખડખડાટ હસું આવી ગયું...એમણે હસતાં હસતાં કહ્યું “તારાં જેવા કેટલાય યુવાનો આવી ગયાં...અઘોરવિદ્યા એટલી સરળ છે કે તમે એ શીખી બધાં સુખ પ્રાપ્ત કરી લો ? તું તારાં મનમાં શું સમજે છે? આ વિદ્યા રસ્તા પર પડી છે ? એનાં માટે અનેક યાતના સહેવી પડે પહેલાં તમારું સર્વસ્વં અર્પણ કરવું પડે...સ્લોક ઋચાઓ તંત્ર મંત્ર ભણવાં પડે સમજવા પડે પુરી પવિત્રતા રાખવી પડે દિવસ રાત્રીનો ફરક ભૂલવો પડે...ઘર છોડવું પડે ત્યારે શું કરીશ ? તારાં માં બાપને શું જવાબ આપીશ ? હું કહું એવી મારી સેવા કરવી પડશે મને સમર્પિત થવું પડશે...આવી કાળી -અસલ પરીક્ષાઓમાંથી પસાર થવું પડશે ? તારી તૈયારી છે ? તું જેવો આવ્યો છે એવો પાછો જતો રહે એમ તાંત્રિક કે અઘોરી ના થવાય...નીકળ અહીંથી...”

 

વધુ આવતા અંકે - પ્રકરણ 15