Street No.69 - 17 books and stories free download online pdf in Gujarati

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ -17

સ્ટ્રીટ નંબર 69

પ્રકરણ -17

 

      સાવીની ઊંડાણભરી પણ વાસ્તવિક વ્યવહારીક વાતો સાંભળી સોહમે કહ્યું "વિધીની આ પણ વિચિત્રતા છે કે બધું પામી ગઈ હોવા છતાં તું તરસી છે. એક સાચાં સાથની શોધમાં છું... સાવી આવી અઘોર તપશ્ર્યા કર્યા પછી પણ આવી તરસ હોય ? શું તપમાં સંતોષ અને તૃપ્તિની અનુભૂતિ ના હોય ? હાં મને તારું બધું જાણવામાં રસ છે... કારણકે હું પણ તને પસંદ કરું છું એ કબૂલું છું કે પ્રથમવાર તું મારી પાસેથી એકદમજ પસાર થઇ ગઈ હતી છતાં તારો ચહેરો મારામાં અંકાઈ ગયો. હતો એક અજબ પ્રકારનું કુતુહલ મને તારાં માટે હતું.”

“સાવી તેં મને મદદ કરી ત્યારે એક મુગ્ધા નહીં કોઈ અઘોરણજ મારી સામે હતી એવું અનુભવેલું હું એક સુખ અને સફળતા તરસતો જાણે ભીખારી હોઉં એવું લાગેલું મને થાય દરેક મનુષ્ય કોઈનાં કોઈ કારણે કોઈ અપેક્ષાએ ભિખારીજ હોય છે... સંપૂર્ણ સંતોષ ક્યાંય નથી ?”

“તેં કીધું એમ તું પણ મધ્યમવર્ગીય ઘરમાંથી આવે છે તું બંગાળી છું ... બંગાળ કેમ છોડ્યું ? મુંબઈ કેમ આવી ?તારું કુટુંબ ક્યાં છે ? કોણ કોણ છે ? એવી કઈ સ્થિતિ આવી કે તને અઘોરણ થવાનું મન થયું ? અને આ ઘોર અઘોરી બાવા પાસે કેવી રીતે આવી ? અઘોરણ બનવા શું શું ભોગ આપ્યાં ?”

સોહમ પ્રશ્નો પૂછી રહેલો એને સાંભળીને સાવી ખડખડાટ હસી પડી... થોડીવાર સોહમની સામે જોઈ રહી પછી બોલી “ કેટલું સામટું બધું પૂછી લીધું ? હું તને બધું કહીશ... તારાથી અજાણ્યું કે ન જાણેલું કશુંજ નહીં હોય... પરંતુ પહેલાં એટલું ચોક્કસ કહી દઉં કે મેળવી લીધાંથી પુરુ નથી થતું ક્યાંયને ક્યાંક અધૂરપ અને વાસના રહી જાય છે આ માનવ જીવનની વાસ્તવિકતા છે.”

“ઈશ્વરે પણ જન્મ લઈને લીલાઓ કરી છે અને એ જીવન લીલાઓમાં એમનેય સાચા પ્રેમની જરૂર પડી છે એમને પણ આકર્ષણ -તિરસ્કાર જેવી સંવેદનાઓ થઇ છે એમને પણ સોહમ.. વાસનામાંથી પસાર થવું પડ્યું છે કહેવાઈ છે લીલા પણ માનવ જીવનની વાસ્તવિકતા છે”

“ઈશ્વર કરે એ લીલા અને સામાન્ય માનવી કરે તો છીનાળા... આ બધું સ્વીકારવું પડે છે. આપણાં જીવનમાં આવતી જરુરીયાતો... એની પુર્તી કરવાનું સતત ચાલુ રહે છે જે ના થાય એનાં માટે વિષાદ જાગે છે એ કોઈપણ રીતે મેળવી લેવાનું મન થાય છે તું તો મીડલક્લાસ ફેમીલીમાંથી આવે છે તને ક્યાં સમજાવવાની જરૂર છે?”

“સોહમ... મારાં ફાધર આર્ટીસ્ટ છે તેઓ કોઈપણનું આબેહૂબ ચિત્ર દોરી શકે છે... અમે મૂળ કોલકોતા શહેરમાં રહેતાં હતાં મારો જન્મ કોલકોતામાં અમે ત્રણ બહેનો અને મારાં પાપા મમ્મી...મમ્મી કોલકોતામાં સ્ટિચિંગનું કામ કરતી સાવ સામાન્ય સ્થિતિ એક રૂમ -કીચનની ખોલીમાં રહેતાં હતાં ખોલી શબ્દ એટલે વાપર્યો કે એ ઘર કહેવાય એવું નહોતું કોલકોતાની ગીચ વસ્તીમાં એક મોહલ્લામાં રહીએ. મારાં કુટુંબમાં હું બીજા નંબરની છોકરી...મારાંથી મોટી એક બહેન મારાંથી નાની એક બહેન...

પપ્પા પાસે આર્ટ હતી પણ એની કદર નહોતી...તેઓ પેઈંટીંગ્સ કરીને ઘર ચલાવતાં કામ મળે ત્યારે દિવાળી બાકી હોળી...મમ્મી કામ કરતી તેથી રોટલાં ભેગાં થતાં હું સ્કૂલમાં હતીને મારાં પપ્પાએ કહ્યું મારો એક મિત્ર મુંબઈ શીફ્ટ થયો છે કોઈ સ્ટુડીયોમાં કામ કરે છે કેમેરામેનનાં આસિસ્ટન્ટ તરીકે...તું અહીં આવીજા અહીં ફીલ્મોમાં પોસ્ટર બનાવજે સારાં પૈસા મળશે.

પાપાએ નિર્ણય લઇ લીધો હતો મારાંથી મોટી બેન 11માં માં હતી પછી બોર્ડની એક્ઝામ હતી મારી નાની બહેન પાંચમાં સ્ટાન્ડર્ડમાં...મમ્મીનું કશું ચાલતું નહીં મમ્મીએ કહ્યું આટલું મોટું શહેર કોઈ ઓળખાણ સગા વ્હાલા નહીં ત્યાં કેવી રીતે રહીશું ? શું કરીશું ?”

“પાપાએ કહ્યું ચિંતા ના કર ત્યાં અચ્યુત ગયો છે એ હવે સેટ થઈ ગયો છે એણે કહ્યું છે ગોરેગાંવ આવી જાવ અહીં રૂમની વ્યવસ્થા કરી દઉં છું સારી વસ્તી છે હું પણ ત્યાંજ રહું છું ખાસ તો તને કામ મળી રહેશે અને અચ્યુંત અંકલ સાથે ઘણાં વર્ષોથી દોસ્તી હતી. અને એક દિવસ અમે એ ખોલીને લોક મારી જેટલો જરૂરી સામાન હતો લઈને આવી ગયાં. મોટીએ ભણવાનું છોડી દીધું... મારે ભણવું હતું એટલે અચ્યુંત અંકલે ત્યાં સ્કૂલમાં એડમીશન કરાવ્યું થોડાં સમયમાં એ વસ્તી અને એ રૂમમાં સેટ થઇ ગયાં. નાની મને ખુબ વ્હાલી હતી એને હું સ્કૂલે સાથે લઇ જતી સાથે લાવતી. મોટી ઘરમાં કામ કરતી અને માં નાં સ્ટિચીંગનાં કામમાં મદદ કરતી.”

“સોહમ કોલકતા કરતાં અહીં ઘણું સારું થયું ધીમે ધીમે માં ને અને મોટીને સ્ટુડીયોમાંજ કામ મળી ગયું પાપાને પોસ્ટર-સેટ વગેરે પેઈન્ટીંગ કરવા કામ મળી ગયું અને ધીમે ધીમે જીવન અહીં સેટ થઇ ગયું મારી અને નાનીની સ્કૂલ ચાલુ થઇ ગઈ હતી. બીજાં ઘરોમાં જેમ બધાં જીવે એમ અમે જીવતાં થઇ ગયાં હતાં...”

સાવી હવે શ્વાસ ખાવા રોકાઈ એણે સોહમની સામે જોયું થોડીવાર એ ચૂપ થઇ ગઈ. સોહમ સમજી ગયો કે એ બોલી બોલીને થાકી છે. સોહમને એની વાતમાં રસ પડ્યો હતો. એણે કહ્યું બધું સમજી ગયો પણ બધાંનાં નામ તો કહે...બહેનોને મોટી...નાની કહે છે...મમ્મી પાપાનું નામ ?

સાવી હસી પડી એનાં ચહેરાં પરથી ગંભીરતા દૂર થઇ ગઈ એણે હસીને કહ્યું માં કમલા...પાપા નવલકિશોર મોટી બહેન અન્વી,હું સાવી અને નાની તન્વી...હું એવું નહીં કહું કે નામ મેં ક્યા રખા હૈ ? નામમાં ઘણું બધું હોય છે એટલે તો ભગવાનનાં નામનું રટણ કરીએ છીએ ...જીવનમાં બધું હોવા સાથે સાચો પ્રેમ અને સાચો સાથી હોવો જોઈએ જેનાં મળવાથી બીજા કશાની કદી ખોટ જ ના વર્તાય. જેને બધુંજ નિઃસંકોચ કહી શકાય...સાંભળી શકાય...

ભલેને એ બોલે... લઢે... ગમે તે કરે...પણ ખુબ પ્રેમ કરે...સાચો પ્રેમ કરે વિશ્વાસને જીતે અને જીતાડે..”.એમ બોલતાં બોલતાં આંખમાં પાણી આવી ગયાં.

સોહમે કહ્યું “આમ કહેતાં કહેતાં પાછી આંખો તારી ભીંજવાઇ ગઈ..”.સાવી કહે “હું જીવીજ એવું છું શું કહું ?તને મારી આખી વાત આખી જેટલી ગઈ છે એટલી જીવની કહીશ તો તારી આંખોય ભીંજાઈ જશે...એમજ કોઈ છોકરી અઘોરણ બની બધી સિદ્ધિઓ મેળવીને ઓરતા પુરા કરવા નથી મથથી...તું આજે બસ આટલું...”

 

વધુ આવતા અંકે -પ્રકરણ 18