Ikarar - 14 books and stories free download online pdf in Gujarati

ઇકરાર - (ભાગ ૧૪)

તમે પ્રેમમાં હોવ એટલે તમને તમારી આસપાસ શું થાય છે એનું પણ ભાન રહેતું નથી. તમને ફક્ત એક જ વ્યક્તિ દેખાય છે અને એ પણ એ કે જેના ગળાડૂબ પ્રેમમાં તમે હોવ. દિવસો ક્યાં પસાર થઈ જાય છે એની ગતાગમ રહેતી નથી. મારી હાલત પણ એવીજ થઈ ગઈ હતી. હું એલીસથી છૂટો પડુને મને થતું કે કયારે ફરી એને મળીશ, પણ મને ખબર ન હતી કે મારી આ ખુશી કેટલો સમય ટકશે.

જેમ જેમ દિવસો વિતતા જતા હતા તેમ તેમ મારો એલીસ પ્રત્યેનો પ્રેમ વધારે ગાઢ બનતો જતો હતો. અમે વિકેન્ડ સાથે ગાળવા લાગ્યા હતા, એવી કોઈ જગ્યા બાકી નહતી રાખી કે જ્યાં અમે પ્રેમ ન કર્યો હોય. એક દિવસ હું અને એલીસ વહેલા આવી ગયા હતા અને અમે ચેન્જીગ રૂમમાં એકબીજામાં ઓતપ્રોત હતા, ત્યાં જ બારણું ખખડ્યું. બહાર અનીકા રૂમની બહાર નીકળવાની અમારી રાહ જોઈ રહી હતી એ પણ અમને ખબર ન રહી એટલો સમય અમે અંદર રહ્યા હતા.

શનિવારની રાત્રે ક્લબમાં જવું, ડાન્સ કરવો, બીચ પર ક્યાંય સુધી નિવસ્ત્ર પડ્યા રહેવું અને કંઈક કેટલુંય અમારા નિત્યક્રમમાં સમાવિષ્ટ થઈ ગયું હતું. મેં ઓસ્ટ્રેલીયા આવ્યાને ત્રીજા મહીને મર્સીડીઝની સી ક્લાસ કાર ખરીદી લીધી હતી. પછી તો કાર લઈને લોંગ ડ્રાઈવ પર નીકળી જતા. બબ્બે જોબ અને એલીસ સાથે સમય વિતાવવામાં શરીર થાકી પણ જતું, પણ એલીસ એટલો પ્રેમથી તરબોળ કરી નાંખતી કે થાક ગાયબ થઈ જતો. મન તો થયું કે પંજાબ ફૂડ ઇન્ડિયન રેસ્ટોરન્ટવાળી જોબ છોડી દઉં, પણ છતાં કેમ જાણે એ છોડવાનું પણ મન થતું ન હતું.

લગભગ અમારા રિલેશનશીપમાં આવ્યાને ચાર મહિના પછી હું એલીસ સાથે લગ્નગ્રંથીથી જોડાવાનો નિર્ધાર કરી એને ડીનર માટે બીચને લગોલગ આવેલી એક રેસ્ટોરન્ટમાં લઈ ગયો. હું જાણે કે સગાઈ કરવા જઈ રહ્યો હોઉં એમ ફોર્મલ બ્લેક પેન્ટ અને પિંક શર્ટમાં સજ્જ થઈ ઘરેથી નીકળ્યો ત્યારે પહેલાં રીચાએ અને પછી દિવ્યાએ પણ કોમેન્ટ કરી કે કોઈ સ્પેશીયલને મળવાનો પ્લાન છે કે શું. મનમાં તો આવ્યું કે કહી દઉં કે હું એલીસ સાથે ડેટ પર જાઉં છું, પણ જ્યાં સુધી બધું પાકા પાયે નક્કી ન થઈ જાય ત્યાં સુધી કંઈ ન કહેવાનું નક્કી કરી રાખ્યું.

મેક્સિકન રેસ્ટોરન્ટમાં મેક્સિકન કોર્ન સૂપ અને ટાકોઝ જમ્યા પછી અમે બંને બીચ પર આઈસ્ક્રીમની મજા માણી રહ્યા હતા, ત્યાં જ મેં આઈસ્ક્રીમ પત્યા પછી એના સામે ઘૂંટણ પર બેસીને તેની સામે લગ્નનો પ્રસ્તાવ મુક્યો. એ એકીટશે મારી સામે જોઈ રહી અને પછી શાંતચિત્તે મને ના કહી. મને જબરદસ્ત આંચકો લાગ્યો ખરો પણ તરત જ મને ખયાલ આવ્યો કે કદાચ તે મજાક કરતી હશે. પરંતુ એણે ખરેખર મારો પ્રસ્તાવ અસ્વીકાર કર્યો હતો અને એના નકાર પાછળનું કારણ આપતા એણે જે કહ્યું તે મારી સમજમાં જ નહતું બેસતું. તેણે કહ્યું કે એ લગ્નસંબંધમાં કોઈની પણ સાથે બંધાવા માંગતી નથી. એને જેની સાથે સમય વિતાવવો ગમે છે તેની સાથે એ સમય વિતાવે છે. અત્યારે મારી સાથે એને સમય વિતાવવો ગમે છે એટલે એ મારી સાથે છે, પણ કોઈની સાથે જિંદગીભર રહેવું એ કલ્પના પણ તેને હચમચાવી મુકે છે. તે હંમેશા આઝાદ રહેવા માંગે છે.

તેણે મને ઊભો કરવા અને મોડું થઈ ગયું છે અને હવે ઘરે જવું જોઈએ એવા ઈરાદેથી મારી સામે હાથ લાંબો કર્યો, પણ હું જે આઘાતમાં હતો તેની કલ્પના પણ તે કરી શકે તેમ ન હતી. જેની સાથે જિંદગી જીવવાનું અને જેની સાથે અંતિમ શ્વાસ સાથે લેવાનું મન બનાવી લીધું હોય ને જેની સાથે તનના સ્તરેથી મનના જોડાણ સુધી આત્મીયતા સંધાઈ ગઈ હોય, એ જો સાથે જ ન રહેવાની હોય એ ખબર પડે ત્યારે જે માનસિક અવસ્થા થાય છે એ એજ જાણી શકે જેણે એ અવસ્થા અનુભવી હોય. મગજ કામ કરતુ બંધ થઈ ગયું હતું.

મારા હોઠ ફફડી ઉઠ્યા, “મને એકલો છોડી દે.” આ શબ્દો અનાયાસે સરી પડ્યા હતા પણ એ મારા હૃદયમાંથી એટલે ઊંડેથી ઉઠ્યા હતા કે એનો શું અર્થ સામો પક્ષ સમજે છે એ એની ઉપર હતું. એ ત્યાંથી નીકળી ગઈ ને હું ક્યાંય સુધી ત્યાં નિસ્તેજ બની બેસી રહ્યો. મારા માનસપટ પર અમે વિતાવેલી એક એક ક્ષણ વારંવાર ઉભરાઈ આવતી હતી.

થોડીવાર એમ જ બેસી રહ્યા પછી હું ઉભો થઈ બીચ પરના એક બારમાં પ્રવેશ્યો. મેં રમની એક બોટલ લીધી અને બીચ પર પાછો આવ્યો. બોટલ ખોલી જેવો એક ઘૂંટ ભર્યો કે મારા રોમરોમમાં ઝટકો લાગ્યો હોય એમ મગજ સુધી અસર થઈ. મેં પહેલીવાર આલ્કોહોલનો ઘૂંટ ભર્યો હતો, પણ જેમ જેમ એક એક ઘૂંટ ભરતો ગયો તેમ તેમ તેનો સ્વાદ જીભે લાગતો ગયો. થોડીવાર પછી મારી આંખો સામે અંધારા છવાતા લાગ્યા.

મેં પરાણે આંખો ખોલી. માથું એટલું ભારે જણાતું હતું કે જાણે કોઈ વજનદાર ચીઝ માથા પર મૂકી હોય અને હું એનો બોજ ઉઠાવવા અસમર્થ હોઉં એમ ફરી મેં આંખો બંધ કરી દીધી. કેટલો સમય વીત્યો એ તો મને જાણ ન હતી રહી પણ જયારે ફરી મેં આંખો ખોલી ત્યારે સામે કોઈ સ્ત્રીને બેઠેલી જોઈ. આંખોની ઝાંખપ દૂર થઈ ત્યારે મને દેખાયું કે મારી સામે રીચા બેઠી છે.

મેં એને લથડતા અવાજે કહ્યું, “ગુડ મોર્નિંગ.” એણે કંઈ જ જવાબ આપ્યો નહીં. મને લાગ્યું કે હું સપનું તો નથી જોતોને એટલે મેં માથાને હળવો ઝટકો આપ્યો, પણ હજી એ સામે જ બેઠી હતી.

મેં એને પૂછ્યું, “કોણ લાવ્યું મને અહીં?” મેં ઉભા થવાની કોશિશ કરી, પણ મારું સંતુલન ડગમગી ગયું. રીચાએ મારો હાથ બાવડેથી પકડી લઈ મને સંભાળી લીધો. તેના સહારે હું પલંગમાં બેઠો થયો ત્યારે મને અહેસાસ થયો કે હું મારા જ ઘરમાં બેઠો છું.

રીચાએ મને બેસાડતા કહ્યું, “સંદીપભાઈએ કહ્યું કે તમે એમને બેભાનાવસ્થામાં મળ્યા હતા. શું થયું હતું તમને?” એના બોલવા પરથી મેં અનુમાન લગાવ્યું કે સંદીપે કોઈને કહ્યું નથી કે હું બેહોશ વધુ પડતો દારૂ પીવાને લીધે થયો હતો.

“તમે દારૂ પીધો?” રીચા બોલી અને મને લાગ્યું કે મારું અનુમાન ખોટું છે. મેં એમ વિચારીને માથું નમાવી દીધું કે એ મારા વિશે શું વિચારતી હશે. મારા ચેહરાના હાવભાવ જોઇને એણે ઉમેર્યું, “હજી સુધી વાસ આવે છે એટલે મેં પૂછ્યું.”

મેં વાત અટકાવવાના ઈરાદે એને પૂછ્યું, “સંદીપ અને દિવ્યા ક્યાં છે?”

રીચાએ હું હવે યોગ્ય રીતે બેઠો છું એ જાણીને મારો હાથ છોડતાં કહ્યું, “શિખાની સ્કુલમાં કોઈ ફંકશનમાં ગયા છે. તમારે કંઈ જોઈએ છે.” મારા હૃદયમાં ઊંડો ભાવ ઉઠયો કે હા જોઈએ છે પ્રેમ અને હુંફ, પણ એને કહેવાનો કોઈ ફાયદો નથી એમ મારી જાતને મનાવી મેં નકારમાં માથું હલાવ્યું. એણે કહ્યું કે જો કંઈ જરૂર હોય તો મને કહેજો અને તે મારા રૂમમાંથી બહાર નીકળી ગઈ.

હું થોડીવાર એમ જ બેસી રહ્યો અને પછી બાથરૂમમાં જઈને નાહીને ફ્રેશ થયો છતાં હજી મારા શરીરમાં થાક વરતાતો હતો. મોબાઈલમાં હળવું મુઝીક ચાલુ કરીને હું ફરી સુઈ ગયો.

સંદીપે મને જયારે જગાડ્યો ત્યારે મને ખબર પડી કે હું બહુ લાંબા સમયથી સુતો હતો. એણે મને કહ્યું કે ચાલ નીચે, જમી લે. મારું મન કોઈ વાતમાં લાગતું ન હતું, છતાં હું એને ના ન કહી શક્યો.

જમ્યા પછી સંદીપના આગ્રહવશ થઈ હું એની સાથે બહાર નીકળ્યો. ચાલતા ચાલતાં એણે મને કહ્યું કે કોઈ અજાણી વ્યક્તિએ મને જાણ કરી કે તું બીચ પર નશામાં ધુત થઈને પડ્યો છે. એ તો સારું થયું કે તને કોઈ ભારતીય વ્યક્તિએ જોયો અને કંઈ અજુગતું ન બન્યું. ૨૪ કલાકથી વધારે સમયથી તું સુતો હતો. મેં એને સોરી કહ્યું. અમે એક બેંચ પર બેઠા.

થોડીવાર અમારી વચ્ચે ખામોશી છવાયેલી રહી. સંદીપને જાણે કે મારી સામે કોઈ ફરિયાદ જ ન હોય એમ ખામોશી તોડતા બોલ્યો, “સોરી કહેવાની જરૂર નથી અને તું દારૂ પીવે એની સામે પણ મને કંઈ વાંધો નથી, પણ એટલીસ્ટ આગળથી હવે મને જાણ કરી દેજે.” હું એને નાના છોકરાની જેમ વળગીને રડવા લાગ્યો.

એણે મને બાથમાં લઈ લીધો. જેની મારે સૌથી વધુ જરૂર હતી એ હુંફ મને એના થકી જ મળશે એમ માની મેં એને આખી ઘટનાની હકીકતથી વાકેફ કરી દીધો.

એણે મારી પીઠ અને માથામાં એક બાપની જેમ હાથ ફેરવતા કહ્યું, “તું તો નાના છોકરાની જેમ રડે છે. કોઈના પ્રેમમાં એટલા પણ ગળાડૂબ ન થવું કે એના વગર જીવી ન શકાય, એની આસક્તિ ન થાય એ ધ્યાન રાખવું.”

મેં એનાથી અળગા થતાં માફી માંગતા કહ્યું, “હવે ફરી કોઈ દિવસ આવું નહીં થાય. હવે ફરી પ્રેમમાં પડવું જ નથી, છેટા જ રહેવું છે.” એણે ફક્ત ‘જોઈએ’ એવી રીતે કહ્યું જાણે એ મારી રગેરગથી વાકેફ હોય.