Ikarar - 18 books and stories free download online pdf in Gujarati

ઇકરાર - (ભાગ ૧૮)

રીચાના મોંએથી આદિ નામ સાંભળીને મને આશ્ચર્ય થયું એ એટલા માટે નહીં કે રીચાને એની સાથે કોઈ સંબંધ છે પણ એટલા માટે કે છ મહિનાથી હું રીચાને ઓળખું છું અને હવે તો અમે દોસ્ત પણ હતા છતાં આખા ઘરને ખબર હતી કે આદિ કોણ છે સિવાય મારા.


રીચા પાણી પીધા પછી શાંત થઈ એટલે મેં ફરી એને પૂછ્યું, “કોણ છે આદિ અને શું થયું છે?”


રીચાએ બે સામાન્ય શ્વાસ લઈને પોતાની અંદરના વંટોળને શાંત કરીને કહેવાનું ચાલુ કર્યું, “આદિ મારી સોસાયટીમાં જ રહેતો હતો. અમે બંને નાનપણથી ફ્રેન્ડ્સ છીએ. બાળપણની મિત્રતા જુવાનીમાં બદલાઈ જાય છે, એ મને એ વખતે ખબર ન હતી. અમે એક જ સ્કુલમાં સાથે ભણતા હતા. દસમું ધોરણ પાસ કર્યા પછી મને ધીમે ધીમે અહેસાસ થવા લાગ્યો કે હું એને ચાહું છું. એના ફેમિલીને અને મારા ફેમિલીને પણ સારા સંબંધો હતા એટલે એના ઘરે જવામાં મને કોઈ વાંધો આવતો ન હતો. દસમાં ધોરણમાં મારે એના કરતાં ઓછા ટકા આવ્યા. એણે સાયન્સમાં એડમીશન લીધું અને મને પણ માંડમાંડ એણે જે સ્કુલમાં એડમીશન લીધું હતું તેમાં જ એડમીશન મળી ગયું. એ વખતે જ મને એને ખોવાનો પહેલીવાર ડર લાગવા લાગ્યો હતો. એને હું ખોવા નહોતી માંગતી એટલે મેં એની સાથેને સાથે રહેવા માટે ભણવામાં તનતોડ મહેનત કરવાનું ચાલુ કર્યું. અગિયારમાં ધોરણમાં મારે એના કરતાં પણ વધારે ટકા આવ્યા. મારી ભણવાની ધગશ જોઇને ને મારા માર્ક્સ જોઇને બારમાં ધોરણમાં એ મારી પાસે ટીપ્સ લેવા આવતો. અમે પછી તો સાથે સાથે જ વાંચતા હતા. પ્રિલીમ પરીક્ષા આવવાની હતી એટલે અમે અમારી મહેનત વધારી દીધી. ક્યારેક મારા ઘરે તો કયારેક એના ઘરે મોટેભાગે સાથે જ વાંચતા. એક દિવસ મારા મમ્મી પપ્પા બહાર ગયા હતા અને અમે બંને જીવવિજ્ઞાનની તૈયારી કરતાં હતા. એમાં માનવીય અંગોના અને પ્રજનન વિશેના ચેપ્ટર વિશે એણે મારી પાસે ટીપ્સ માંગી. પહેલાં તો મને એવું લાગ્યું કે એ જાણી જોઇને આવું બધું પૂછે છે. પણ એની નિખાલસતા જોઇને મને લાગ્યું કે કદાચ ખરેખર એને ખબર ન પણ પડી હોય તો પણ પૂછતો હોય. મારા મનમાં પણ એ સ્પષ્ટ હતું કે આખી જિંદગી સાથે રહેવું છે જ તો પછી શરમ રાખવાની જરૂર શું છે અન આમ પણ સ્ત્રી પુરુષ કરતાં વહેલી પરિપક્વ થઈ જાય છે. હું એને જેમ જેમ સમજાવતી જતી હતી એમ એમ મારા શરીરમાં આવેગો ને ઉન્માદ વધતો જતો હતો અને એના અંદર પણ એવો જ કંઈ ફેરફાર થઈ રહ્યો છે તેવું મેં એના હાવભાવ અને વર્તન પરથી નોધ્યું. અમારા વચ્ચે નજરોની આપલે શરીરની આપલેમાં ક્યારે ફેરવાઈ ગઈ, અમને બંનેને એનો હોશ જ ના રહ્યો. અમે એ દિવસે તમામ હદ વટાવીને એકમેકને પામવામાં આતુર થઈ ગયા ને અમારી વચ્ચે પહેલીવાર સમાગમ રચાયો. મારો એ દિવસથી એના પ્રત્યેનો પ્રેમ વધુ પ્રગાઢ બન્યો. સ્ત્રી ફક્ત તન સુધી જ નહીં પણ જે પણ પુરુષને પ્રેમ કરે છે એને મનની ગહનતા સુધી ચાહે છે. હું પણ એને બહુ જ પ્રેમ કરતી હતી. એના સિવાય કોઈ દિવસ મેં કોઈપણ બીજા છોકરા વિષે વિચાર્યું નથી. ત્યાર પછી ઘણીવાર અમારી વચ્ચે શારીરિક સંબંધો બંધાતા. કોલેજમાં પણ અમે એક સાથે એડમીશન લીધું, પણ એ ઓસ્ટ્રેલિયાની તૈયારી કરતો હતો અને એને વિઝા મળી ગયા. આદિએ મને એ ઓસ્ટ્રેલીયા જવાનો છે એ પણ કહ્યું ન હતું. એની મમ્મીએ મારી મમ્મીને કહ્યું અને જયારે મારી મમ્મીએ મને એ કહ્યું ત્યારે મને ખરેખર આઘાત લાગ્યો હતો. એ મને ઇન્ડિયામાં જ છોડીને ઓસ્ટ્રેલીયા જતો રહેશે તો મારું શું થશે એ વિચારે હું એટલી ભાંગી પડી હતી કે છ મહિના સુધી બીમાર રહી હતી. મેં માંડ માંડ મારી જાતને સંભાળી હતી. મને આત્મહત્યા કરવાનો પણ વિચાર આવતો હતો. એના ઓસ્ટ્રેલીયા ગયા પછી મેં એને ક્યારેય જોયો નથી ફક્ત એની વાતો જ એની મમ્મીના મોંએ સાંભળી હતી. એનો પરિવાર એના ઓસ્ટ્રેલીયા ગયા પછી દોઢ વર્ષ પછી ઘર બદલીને બીજે રહેવા જતો રહ્યો હતો. મેં એને ફેસબુકમાં રીક્વેસ્ટ મોકલી અને એની સાથે વાતચીત શરૂ કરી. મને ઘણીવાર થતું કે એને પૂછી લઉં કે હવે આપણે ક્યારે લગ્ન કરવા છે, પણ મને ડર લાગતો કે કદાચ ના કહેશે તો. મેં બધું સમય પર છોડી દેવાનું વિચારી પૂછવાનું માંડી વાળ્યું. થોડા સમય પછી તો એણે મારી સાથે ફેસબુક પર વાત કરવાનું બંધ જ કરી દીધું. એ મારી અવગણના કરે છે એમ માનવાને બદલે મને એની એ વાતે ચિંતા થતી કે એને કંઈ થઈ ગયું તો નહીં હોય ને. એ ફેસબુક પર કોઈ અપડેટ પણ મુકતો ન હતો. હું એક દિવસ એના ખબર અંતર જાણવા એના ઘરે પણ જઈ આવી. એની મમ્મીએ કહ્યું કે એ તો હમણાં જ આવીને પાછો ગયો. આ વાત સાંભળીને મને ધક્કો લાગ્યો. એ અહીં આવીને ગયો અને મને મળ્યો પણ નહીં. મન તો થયું કે એને ફરી કોઈવાર યાદ જ ન કરું, પણ એની યાદો મારો પીછો જ છોડતી નહતી. મેં ઓસ્ટ્રેલીયા આવવાનો નિર્ણય કર્યો, પણ ખર્ચો જાણીને મારા હોશ ઉડી ગયા. પણ એ વખતે તેં મારી સામે ઓફર મૂકી કોન્ટ્રાક્ટ મેરેજની અને મારી આશા ફરી જીવંત બની. મને એવો પણ વિચાર આવ્યો હતો કે તું કેવો માણસ હોઈશ. મને એવો પણ ડર હતો કે કદાચ કંઈક અજુગતું તો નહીં બને ને, પણ રિસ્ક લેવાનો નિર્ધાર કરીને મેં તને હા કહી દીધી. અહીં આવીને મેં એને બે મહિના સુધી શોધ્યો અને એનો કંઈ પત્તો ન લાગ્યો ત્યારે મને એવું પણ લાગ્યું કે કદાચ એ બીજી સિટીમાં મુવ થઈ ગયો હશે. મારા મગજમાં એક વિચાર ઝબકયો. મેં એની મમ્મી પાસેથી ફોન કરીને આદિનું એડ્રેસ લીધું. હું એનું એડ્રેસ શોધતી શોધતી એના ઘરે ગઈ, પણ ઘર બંધ હતું. મેં ખાસ્સી વાર સુધી એની રાહ જોઈ. એ દિવસે બહુ મોડું થઈ ગયું અને રાત પડી ગઈ એટલે દિવ્યાનો ફોન આવ્યો. મને પણ થયું કે એ લોકો નાહકની ચિંતા કરશે એટલે હું ઘરે જતી રહી. પછી તો રોજ હું એના ઘરે જતી પણ એ ત્યાં હતો જ નહીં. ફરી મારા હાથ ખાલી થઈ ગયા અથવા તો કદાચ કુદરતનો સંકેત હતો કે હું એને ભૂલી જાઉં. પણ મારું મન માનતું જ નહતું. એક દિવસ તો એની સાથે મુલકાત થઈ ગઈ. એ ત્યાં કોઈ છોકરી સાથે રહે છે અને એ તેની પ્રેમિકા છે એ જાણીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મને એવું લાગ્યું કે જાણે હું હમણાં બેભાન થઈને પડી જઈશ, પણ મેં મારી જાતને સાચવી. એના ઘરે હું વધુ રોકવા ન હતી માંગતી છતાં એના આગ્રહવશ એના ઘરે થોડો સમય રોકાઈ. એણે મને એના ત્યાં આવવાનું કારણ પૂછ્યું. મને સમજાતું નહતું કે એને હું શું કહું અને એ એટલું પણ સમજ્યો નહીં કે હું એના માટે અહીં સુધી આવી છું. હું ઘરે આવીને મારા રૂમમાં બહુ રડી. મારા તમામ સપના ચકનાચૂર થઈ ગયા. મેં કેટલા અરમાન સેવ્યા હતા એની સાથે જીવવાના, પણ બધું ખતમ થઈ ગયું.” એ ધ્રુસકે ધ્રુસકે રડી પડી. એણે રડતાં રડતાં ઉમેર્યું, “એને ફક્ત મારા શરીરમાં જ રસ હતો.” એની આંખોમાં આંસુ જોઇને મારી આંખો પણ ભરાઈ આવી. એનું દર્દ હું મહેસુસ કરી શકતો હતો.


મારા હોંઠ ફફડી ઉઠ્યા, “બધે સરખું છે?” મેં એના હાથમાંથી બોટલ લઈને પાણી પીધું અને એનો હાથ પકડતા કહ્યું, “ચાલ, ઊભી થા.” રીચાએ અસમંજસ સહ મારી સામે જોયું. મેં એને રીતસર ખેંચતા ઉમેર્યું, “આજે તો ફેંસલો કરી નાંખીએ.” એ મારી સાથે તણાઈ.


અમે મારી કારમાં આદિના ઘર આગળ આવીને ઊભા રહ્યા. મેં એનો હાથ પકડીને આદિના ઘર તરફ દોરી, પણ એણે મારો હાથ ખેંચીને કહ્યું, “નથી જવું.”


મનમાં તો થયું કે ‘મેલું પાટું જાય ગડથોલું ખાતી, આટલે આવ્યા પછી હવે ના પાડે છે.’ પણ મને પેલો અવાજ સંભળાયો, “ક્ષમા વીરસ્ય ભૂષણમ.” એની આંખમાં આંસુ આવી ગયા. એ હથેળીથી આંખો લૂછતાં બોલી, “એને એનો પ્રેમ મુબારક. જબરદસ્તીથી કરેલો પ્રેમ એ પ્રેમ નહીં પણ બળાત્કાર બને એ મને નહીં ફાવે. એની ખુશીમાં જ મારી ખુશી છે. નથી જવું એની પાસે મારે.”


મારા મોંમાંથી આપોઆપ શબ્દો સરી પડ્યા, “તું પણ રજનીકાકાને ત્યાં જ વાળ કપાવવા જાય છે?”


એણે ચોંકીને કહ્યું, “શું?” પછી અચાનક યાદ આવ્યું હોય કે એ રજનીકાકાને ક્યાંથી ઓળખતી હોય એમ માની મેં ફક્ત ‘કંઈ નહિ’ કહ્યું. અમે ઘરે આવવા પાછા વળ્યા.


એણે જાણે નોટીસ કર્યું હોય એમ મને પૂછ્યું, “તું એમ કેમ બોલ્યો હતો કે બધે સરખું જ છે?” અને કારમાં મેં એને મારા અને એલીસ વિશે વિસ્તારથી કહ્યું.