Thirst to win in Gujarati Anything by Mrs. Snehal Rajan Jani books and stories PDF | જીતની તરસ

જીતની તરસ

વાર્તા:- જીતની તરસ
લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની



વિરાજ - એક અત્યંત મહત્વાકાંક્ષી છોકરો. ભણવામાં, રમતમાં, અન્ય પ્રવૃત્તિમાં હંમેશા આગળ રહેતો. પરંતુ
એની જ્ઞાન મેળવવાની અને નંબર લાવવાની એની તરસ ક્યારેય છિપાતી ન્હોતી. શરૂઆતમાં તો વાંધો નહીં આવ્યો પરંતુ એની હંમેશા પહેલો નંબર લાવવાની તરસ એટલી હદે વધી ગઈ કે હવે એને સારા નરસાનું ભાન ભૂલાવા લાગ્યું. એની સાથે સ્પર્ધામાં ઊતરેલ તમામને એ તુચ્છ નજરથી જોવા લાગ્યો. એનાં વર્ગમાં ભણતાં પરંતુ અભ્યાસમાં નબળા વિદ્યાર્થીઓને તો એ ગણકારતો જ ન હતો. એની આ તરસ એને અભિમાન તરફ લઈ ગઈ.



એક દિવસ એવું બન્યું કે બેડમિન્ટનની સ્પર્ધા હતી અને વિરાજને થોડો તાવ આવતો હતો. એટલે એ દિવસે સ્પર્ધામાં એનો ત્રીજો નંબર આવ્યો. એને ખૂબ લાગી આવ્યું. એ બધું છોડીને ક્યાંક જતા રહેવાનું વિચારવા લાગ્યો. અને આખરે એ તો આત્મહત્યા કરવા માટે નદીનાં પુલ ઉપર જઈ ચડ્યો. પરંતુ એનાં પિતા વિરાજનાં સ્વભાવથી ખૂબ સારી રીતે પરિચિત હતાં. આ હાર પછી તેઓ સતત એનો પીછો કરતાં રહેતાં, અને તેથી જ તેમણે વિરાજને પુલ ઉપર જ પકડી લીધો.



બંન્ને બાપ દિકરા પુલની નજીક એક પાળી પર બેઠા. વિરાજનાં પિતાએ બોલવાનું શરુ કર્યું. "તુ કદાચ ભૂલી ગયો હશે, આજે હું તને યાદ કરાવી દઉં. તુ નાનો હતો ત્યારે કોઈ પણ પ્રવૃત્તિમાં ભાગ લેવાથી ગભરાતો હતો. ક્યારેય કોઈની સામે તુ બોલી પણ ન શકતો હતો. આ વાત મેં અને તારી મમ્મીએ નોંધી હતી. આટલો હોશિયાર છોકરો આવો હોય તે તો કેમ ચાલે? એટલે પછી અમે બંનેએ તને બધી સ્પર્ધાઓમાં તારી મરજી વિરૂદ્ધ ભાગ લેવડાવવાનું શરુ કર્યું.



બધાનાં આશ્ચર્ય વચ્ચે તુ દરેક સ્પર્ધામાં હંમેશા પ્રથમ કે દ્વિતીય સ્થાને જ રહેતો. ધીમે ધીમે તને પોતાને પણ લાગવા માંડ્યું કે તુ આ કરી શકે છે. પછી તો તુ જાતે જ તારું નામ લખાવવા માંડ્યો. ભણવામાં, રમતગમતમાં બધે જ તેં ભાગ લેવાનું શરૂ કર્યું. હવે તારો એક જ ધ્યેય હતો, અને તે એ કે તારો પહેલો નંબર જ આવવો જોઈએ."




"અમે પણ ખુશ હતાં. પરંતુ અમે નોંધ્યું કે તારામાં આ વાતનું અભિમાન આવવા માંડ્યું. અમે એક બે વાર તને સમજાવવાનો પ્રયત્ન કરી જોયો, પણ તુ ન માન્યો. અમે પણ પછી તો નક્કી જ કર્યું કે ભલે, આવુ જ ચાલવા દો. પડશે તેવા દેવાશે. આખરે આજે એ દિવસ આવી ગયો."




"વિરાજ, દિકરા તને એક જ તકલીફ હેરાન કરી રહી છે અને તે છે તારું અભિમાન. દરેક વખતે જીત જ મળે એ જરુરી નથી. આપણને બધાને તરસ હોય છે પોતાને જીતતા જોવાની. પણ દિકરા, ક્યારેક હાર મળે તો એને પચાવતા શીખીએ. એ હારથી શીખીએ કે આપણે ક્યાં વધુ મહેનતની જરુર છે. આવી રીતે નાસીપાસ થવાની જરૂર નથી."




"ચાલ, ઊભો થા. ઘરે ચાલ. ફરીથી મહેનત કર. નક્કી કર કે પોતાનાથી ઊતરતાંને તુ તુચ્છ નજરે જોવાને બદલે એમને આગળ લાવવામાં મદદ કરશે. એમની સાથે જે કંઈ કર્યું એની માફી માંગી લેજે. નિરાશા ખંખેરી નાંખ." વિરાજનાં ગળે પપ્પાની વાત ઊતરી ગઈ અને એણે એમની માફી માંગી લીધી. એને પોતે લીધેલ નિર્ણય પ્રત્યે પસ્તાવો થયો. હવે એક નવો વિરાજ જન્મ લઈ ચુક્યો હતો.



અંતે હું એક જ વાત કહેવા માંગુ છું કે દરેકને તરસ હોય છે પોતાને આગળ વધતા જોવાની, પરંતુ એનો અર્થ એ નથી કે આપણે આપણી મર્યાદા ભૂલી જઈએ.




વાંચવા બદલ આભાર🙏
જય શ્રી કૃષ્ણ
સ્નેહલ જાની

Rate & Review

Vipul Petigara

Vipul Petigara 9 months ago

Mrs. Snehal Rajan Jani

પ્રેરણાદાયક

Om Vaja

Om Vaja 9 months ago