Street No.69 - 24 books and stories free download online pdf in Gujarati

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ -24

સાવી, સોહમને બધી એનાં પાછળનાં ભૂતકાળની વાતો કરી રહી હતી. વરસાદ ધીમો પડેલો...સાવીએ આકાશ તરફ જોઈને કહ્યું “સોહુ વરસી વરસીને મેઘ પણ થાક્યો...પણ મારી વાચા નથી થાકી એવું થાય તને અક્ષરે અક્ષર કહી દઉં કે મારી સાથે શું વીતી અને પછી મેં કેવું સુખ શોધ્યું...”

સોહમે કાંડા ઘડીયાળ તરફ જોઈને કહ્યું “સાવી હજી માંડ અગીયાર વાગ્યા છે... રાત્રી પડતાં મુંબઈગરાને તો જાણે દિવસ ઉગે છે...બધાં પોત પોતાની દોડધામ, થાક ભૂલીને શીતળ રાત માણવા બેબાકળાં થાય છે આતો પાછી વરસાદી રાત...આપણાં જેવાં યુવાન હૈયા તો હવે હીલોળે ચઢશે. આખી દુનિયા ભૂલીને એકમેકમાં પરોવાશે અને ખુબ ખુબ પ્રેમ કરશે...આમેય દિવસ દરમ્યાન ના સમય હોય ના સાથ બધાં પોત પોતાની રોજનીશીમાં રોટલા અને ઓટલાં ભેગા થવાય એનાં માટે દોડાદોડી કરતાં હોય છે. રંક હોય કે રાજા અહીં બધાને પોતાનાં અસ્તિત્વ અને એશોઆરામ સાચવવા કામ કરવું પડે છે.”

“દરેક વ્યક્તિ પોતાનાં નસીબ જેટલું તો લઇ જાય છે. સાવી આજે બસ એવું થાય છે કે આમજ બેસી રહીએ એકબીજાની વાતો સાંભળીએ...સાચું કહું તો સાંભળવા જેવું તારી પાસે ઘણું છે એક નારી હોવાં છતાં તે ખુબ નાનપણથી સંઘર્ષ વેઠ્યો છે એક છોકરી પોતાના જીવન માટે, કુટુંબ માટે કેટલું કરે ? એનો દાખલો તેં બેસાડ્યો છે મારી સાવી લવ યુ...” કહીને ફરીથી ચૂમી લીધી. સાવી એની આંખોથી સોહમની આખોમાં સાચો પ્રેમ, વિશ્વાસ જોઈ રહી હતી માણી રહી હતી.

સોહમે કહ્યું “સાવી પછી એ દિવસે શું થયું ? તારાં પાપાને તેં એ અઘોરી પાસે લઇ જવાં કહ્યું...”

સાવીએ કહ્યું “માં એ ખુબ વિરોધ કરેલો કે આ ધર્મ છે કોઈ વિદ્યા શીખવાની છે સમજું છું માં કાળી મારી દીકરીની બધી રીતે રક્ષા કરશે એવો મજબૂત વિશ્વાસ છે પણ આ એક છોકરી છે એ કેટલું પચાવશે ? સાંભળ્યું છે અઘોરીઓ ભગવાનનું ખુબ નામ લે પણ બધાં સરખા નથી હોતા કોઈ વૈશિ હોય ક્રૂર હોય ન જાણે કેવા કેવા પ્રયોગ કરે...કેવા હવન કરે...મારી ફૂલ જેવી દીકરીએ હજી જીવનમાં કશું જોયું નથી. દુનિયામાં આવે હજી કેટલાં વર્ષ થયાં ? આ સ્વાર્થી અને દયાવિહીન દુનિયામાં એને ત્યાં કોણ સાચવશે ? કોણ રક્ષણ આપશે ?”

અત્યાર સુધી મૌન રહી બધું સાંભળી રહેલી મોટી અન્વીએ સાવી સામે જોયું અને બોલી "સાવી તું સાચેજ નથી ડરતી આવી રીતે એકલી અઘોરી પાસે જવા કે શીખવા ? તું એટલી બહાદુર છે ?” પછી એ મારી સામે ને સામેજ જોઈ રહી હતી.

મેં અન્વીને કહ્યું "મોટી...ક્યાંક તો કંઈક કરવું પડશે આમ ગરીબીમાં મોસમી જીવાતની જેમ જીવીને મરી નથી જવું જીવન અને દુનિયા કેવી છે જોવી છે સમજવી છે મારાં માટે જોખમ શું છે? મારુ શિયળ ? મારી લાજ ? હું એનાં માટે મારો જીવ આપી દઈશ કદી કોઈને વશ નહીં થઉં પણ આ પેટનો ખાડો પુરવા તથા આટલી નાની વયે જોયેલાં મોટાં મોટાં સપનાં પુરા કરવા છે ભગવાને વિચારવા મગજ આપ્યું મગજમાં એણે અમર્યાદીત કલ્પનાઓ અને મહત્વકાંક્ષા આપી જો આ થઇ શકતું હોય તો પૂરું કરવા પ્રયત્ન કરવો જોઈએ આપણું કુટુંબ અને હેસિયત જોઈને એ કામ કરે મળે એવું નથી એનાં માટે આવી ખાસ વિદ્યા શીખવી પડશે એજ મને માત્ર રસ્તો દેખાય છે.”

આ બધી વાતો નાનકી તન્વી સાંભળી રહી હતી એને કંઈ ખબર નહોતી પડી રહી પણ નિર્દોષતાથી હસી રહી હતી એ અચાનક મારાં ખોળામાં આવી ગઈ અને બોલી “દીદી તમે મારાં માટે શું લાવશો ? તમે ક્યાં જવાનાં ? મને પેલી ડોલ ખુબ ગમી હતી મેં તમને બતાવી હતીને ? ક્યારે લાવી આપશો ?”

“સોહમ હું એ નિર્દોષની કાલી ભાષામાં એ જે માંગી રહી હતી એટલું સામાન્ય રમકડું એ ડોલ લાવી શકું એમ નહોતી એની નિર્દોષ આંખોમાં એને મારાં માટે આશા હતી મેં મક્કમ નિર્ણય કર્યો અને માં ને કહ્યું માં હું જઈશ શીખીશજ.”

સોહમે કહ્યું “તારી વાત સાચી છે સાવી...મારી નાની બહેનોની આંખમાં હું ઘણીવાર આવી મનોરથ પૂરાં થવાની પીપાષા જોઉં છું ત્યારે મને થાય હું શું કરું કે હું મારી નાની બહેનોની બધીજ ઈચ્છાઓ પુરી કરું...”

“મારાં બાબા, આઈ બંન્નેની ઉંમર થઇ રહી છે બાબાતો થોડાંક વર્ષોમાં રિટાયર્ડ થઇ જશે એમની આથમી રહેલી આંખોમાં ઘણીવાર પસ્તાવો, અફસોસ અને એક પ્રકારની ગીલ્ટ જોઉં છું સમજુ છું એમને એવું થાય છે કે હું મારી છોકરીઓને જે જોઈએ એ પૂરું નથી પાડી રહ્યો.”

“સમાજમાં જે બીજા ભોગવે છે હું મારી દીકરીઓને નથી આપી શકતો... ઘણીવાર તેઓ મારી આંખમાં એમનાં સ્વપ્ન,ઈચ્છાઓ આંજી દે છે...મારે પણ ઘરમાં બધાને સુખ આપવું છે મને પણ મન થયેલું કે એવો કયો ટૂંકો રસ્તો શોધું જેમાં અમારું દળદર ફીટી જાય ?"

“ટ્રેઈનમાં પ્રવાસ કરતાં કરતાં...હું રોજ અપ ડાઉન કરું અને એમાં દાદરથી બધું ટોળું ચઢે એમાં આપણાં વિસ્તારનાં ઘણાં હોય બધાની વાતો હું રોજ સાંભળતો એમાં એક દિવાકર છે એ એની ઓફિસની ઘરની અને આ અઘોરીબાબાની વાતો કરતો એ ઘણીવાર એમને મળવા જતો એમાંથી મને વિચાર આવેલો...”

સાવીએ કહ્યું “સોહમ તારી વાત સાચી છે અને હું એ બધુંજ જાણું છું એ સહયાત્રી તારો દિવાકર ભાઉ તાંત્રિક પાસે આવેલો છે એણે પ્રયોગ પણ કરાવ્યાં છે એનાં પરિણામ પણ એને મળેલાં છે તો તારે અઘોર વિદ્યા શીખવા કરતાં...તાંત્રિક બાબા પાસે આવીને માંગણી કરવાની હતી વિધિ કરાવવાની હતી એમાં વિદ્યા શીખવાનો વિચાર કેમ આવ્યો ?”

સોહમ સાવીની સામે જોઈ રહ્યો પછી બોલ્યો “એકતો મારી નોકરી નવી નવી પગાર ઓછો એમાંય મારો બોસ મને... તાંત્રિક પૈસા માંગે હું ક્યાંથી લાવું ? આતો પૈસાજ બગાડ્યા વિના હું... “


વધુ આવતા અંકે પ્રકરણ-25