Me Too books and stories free download online pdf in Gujarati

Me Too

આ વાર્તા સંપૂર્ણપણે કાલ્પનિક છે એને કોઈ જીવીત કે મૃત વ્યક્તિ સાથે કોઈ સંબંધ નથી અને જો એવું કાંઈ હોય તો એ એક સંજોગ હશે. આ વાર્તાના સંપૂર્ણ હક્ક લેખકને આધીન છે કોઇપણ ઓડિયો વિઝ્યુઅલ માધ્યમમાં લેખકની પરવાનગી વગર ઉપયોગ કરવો નહીં. જો એમ જણાશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આભાર.

છેલ્લા કેટલાક દિવસોથી નિમેષ ભટ્ટ ફિલ્મ ડિરેક્ટર ઉપર ચાલી રહેલા "Me too" કેસનો આજે ચુકાદો આવવાનો હતો. અદાલતની બહાર અને અંદર લોકોનો મેળાવડો જામેલો હતો કારણ કે ઘણી બધી જાણીતી હિરોઈનો ત્યાં કોર્ટમાં હાજર રહેવાની હતી. ચુકાદો સાંભળવા કરતાં લોકોને હિરોઈનોની બ્યુટી જોવામાં વધારે રસ હતો. જજ મેવાવાલા ચુકાદો આપે એ પહેલા જેમ ફિલ્મોમાં થતું હોય છે એમ અચાનક જ એક સ્ત્રીનો અવાજ આવ્યો. જજ સાહેબ ચુકાદો આપતા પહેલા મારી વાત પણ સાંભળી લેવા વિનંતી છે. બધાએ કોર્ટના દરવાજા તરફ જોયું તો એક સામાન્ય સાડી પહેરેલી વિખરાયેલા વાળ વાળી એક સામાન્ય સ્ત્રી દરવાજે ઉભી હતી. એને જોઈને બધાને એવું લાગ્યું કે આ પણ ફિલ્મ ડિરેક્ટર નિમેષ ભટ્ટની વાસનાનો શિકાર બનેલી સ્ત્રી હશે. કેટલાંક લોકોને એવું પણ લાગ્યું કે નિમેષ ભટ્ટે આમાં શું જોયું હશે એણે એક કામવાળી જેવી લાગતી બાઈને પણ ન છોડી ? જજ મેવાવાલાએ પેલી સ્ત્રીને સામે આવીને પોતાની વાત કહેવા આદેશ કર્યો.

એ સ્ત્રી આવી અને એણે પોતાની વાત રજૂ કરી.

બીજે દિવસે છાપામાં નિમેષ ભટ્ટનો એ સ્ત્રીની સામે હાથ જોડીને ઉભેલો ફોટો હતો અને નીચે હેડ લાઈન હતી. પ્રખ્યાત ડિરેક્ટર નિમેષ ભટ્ટને " Me Too " કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવે છે. બધાને નવાઈ લાગી એ સ્ત્રીએ કોર્ટમાં આવીને એવું તો શું કહ્યું હતું? એણે એવી તો કઈ વાત કરી? એનાથી જજનો આખો ચુકાદો બદલાઈ ગયો.

ચા પીતા પીતા જસ્ટિસ મેવાવાલાના વાઈફે જ્યારે છાપામાં આ સમાચાર વાંચ્યા ત્યારે એમને પણ નવાઈ લાગી એમણે જસ્ટીસ મેવાવાલાને પૂછ્યું કે આ ચુકાદો આપવા પાછળનું કારણ? શું આ યોગ્ય ચુકાદો છે?ત્યારે પાલડીવાળાએ કોર્ટમાં એ સ્ત્રીના આવ્યા પછી બનેલી આખી ઘટનાનું વર્ણન કર્યું .

એમણે કહ્યું કે એ સ્ત્રી આવી અને મારી સામે ઊભી રહી અને એણે કહ્યું કે સાહેબ આમની સામે જે પણ કોઈ હિરોઈનોએ આરોપો મૂક્યા છે એ બધી હિરોઈનોના આરોપો ખોટા છે કારણકે હું આ વ્યક્તિને બહુ જ સારી રીતે ઓળખું છું. આ એવી વ્યક્તિ છે કે જે તમને પૂછ્યા વગર તમારી મરજી વગર હાથ પણ ન લગાડે. તો એ આ હિરોઈનો સાથે બળજબરી કેવી રીતે કરે? અને આ હિરોઈનો એવી તો કોઈ નાની કીકલીઓ છે નહીં કે આમણે એને કીધું હશે તું આવ મારા ઘરે મારા ઘરે કોઈ નથી ને આ એમના ઘરે ચા સૉરી કોફી આ બધી ચા નહીં કોફી પીવે છે. કોફી પીવા ગઈ હશે જ્યારે આ બધી જાણે છે કે એમના ઘરે કોઈ જ નથી હોતું એ એકલા જ રહે છે તો પછી એ હિરોઈનો શા માટે એમની સાથે એમના ઘરે ગઈ હતી જ્યારે એમને ખબર હતી એમના ઘરે કોઈ નથી હોતું અને આમાંની કોઈ એટલી બધી નાની કે નાસમજ પણ નથી કે રાત્રે 12 વાગ્યે કોઈના ઘરે કોફી પીવા જવાનો અર્થ ના સમજતી હોય કે બેડરૂમમાં સુવા માટે જવાનો અર્થ ન સમજતી હોય. આ બધી હિરોઈનોએ ક્યાંક ને ક્યાંક પોતાને બ્રેક મળે , સારો રોલ મળે એટલા માટે પોતાનું શરીર એક ગિફ્ટ રૂપે એમને ધર્યું હતું અને નિમેષ ભટ્ટ એક પુરુષ છે એમણે સામેથી આ જે ઓફરો આવી હતી એને સ્વીકારી એમાં એમણે કશું ખોટું નથી કર્યું. જો આ હીરોઈનો એવું કહેતી હોય કે અમે નાદાન હતાં અમને ખબર નહોતી ને અમારો એમણે ઉપયોગ કર્યો છે અને અમને આવી રીતે ફસાવવામાં આવી છે અથવા તો અમારું આવી રીતે શોષણ કરવામાં આવ્યું છે તો એ બહુ જ ખોટી વાત છે સાહેબ કારણ કે આ બધી હિરોઇનો સમજદાર છે અને બધી હિરોઈનો એ પોતાનું શોષણ જાતે કરાવ્યું છે કારણ કે એમને કોઈકને કોઈક રીતે બ્રેક જોઈતો હતો. જેસ્ટીસે કહ્યું મેં જ્યારે એને પૂછ્યું કે તમે આવું કઈ રીતે કહી શકો ત્યારે કહ્યું કે સાહેબ આ જે અહીંયા બેઠા છે ને એ પ્રખ્યાત હિરોઈન એમની સાથે હતા જ્યારે નિમેષ ભટ્ટ એમની કાર લઈને જતા હતા. હું રોડ ઉપર ઉભી હતી અમારા બેયની નજર એક થઈ મારી લાચારી એમની અનુભવી આંખોએ વાંચી લીધી. નિમેષ ભટ્ટની ગાડી આગળ જઈ ઉભી રહી , પાછી આવી એમણે મારી સામે જોયું અને પૂછ્યું " શું થયું કંઈ તકલીફ છે? " મેં એમને કહ્યું કે સાહેબ થોડા રૂપિયાની જરૂર છે તમે કહેતા હોય તો આજની રાત તમારી સાથે ગાળી શકું એમ છું બસ ખાલી રૂપિયાની મદદ કરો અને આ જ નિમેષ ભટ્ટે સામેથી મે આપેલી ઓફરને નકારી હતી અને એ જ સમયે એમણે મારો ફોન નંબર લીધો અને થોડી જ વારમાં મારા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થઈ ગયા હતા. એક પણ આંગળી અડાડયા વિના. જો આમણે ઈચ્છયું હોત તો એ દિવસે મારો - મારી મજબૂરીનો લાભ લઇ શક્યા હોત , પણ નહીં ,એમણે મારી નજરમાં જે મજબૂરી જોઈ હતી એની એમણે ઈજ્જત કરી ને મારી ઇજ્જત સાચવી અને આજે હું એમની ઇજ્જત સાચવવા આવી છું. પછી એ સ્ત્રીએ જે કહ્યું એણે આખો મારો ચુકાદો બદલી નાખ્યો એણે ખૂબ જ ધારદાર શબ્દોમાં કહ્યું કે સાહેબ સ્ત્રીઓ માટે બનેલા કાયદાઓ ઉપર ફરી એકવાર વિચાર કરવા જેવો છે કારણ કે સ્ત્રીઓ કાયદાને પોતાની ઢાલ બનાવી પુરુષોને કેટલીક વખત હેરાન કરતી હોય છે. તમારી પાસે ઘણા કેસ આવતા હશે. સ્ત્રી એવું કહેતી હોય છે કે બે વર્ષ ત્રણ વર્ષ સુધી આ પુરુષે મારું શોષણ કર્યું. મને તો ખબર જ નહોતી એણે મારી સાથે શારીરિક સંબંધો રાખ્યા મારું શોષણ કર્યું અને પછી મને છોડી દીધી. તો બેન બે વર્ષ સુધી તમને ખબર જ નહોતી કે અને શારીરિક સંબંધો કોને કહેવાય? કે પછી બે-બે વર્ષ સુધી તમારી મરજી વિના તમે એની સાથે ગયા હતા રોજ રાતે એની પથારીમાં? પોતાની મરજી મુજબનું થતું હતું ત્યાં સુધી કોઈ તકલીફ ન હતી જેવું કંઈક વાંકુ પડયું એટલે શોષણ થઈ ગયું? એટલે જ સાહેબ અમુક જે કાયદાઓ બન્યા છે સ્ત્રીઓ માટે એની ફેર વિચારણા કરવા જેવી લાગે છે મને. હું તમને એ જ કાયદાઓની સોગંદ આપીને એ જ કાયદાઓને ફરી ધ્યાનમાં રાખીને અને આ જે હિરોઈનોએ આમની ઉપર આક્ષેપ કર્યા છે એને પણ ફરી ધ્યાનમાં લઈને તમારો ચુકાદો આપવાનું કહીશ. એ સ્ત્રીની દલીલ સામે કોઈ કાંઈ બોલી શક્યું નહી આખી કોર્ટમાં નિરવ શાંતિ છવાઈ ગઈ.

જસ્ટીસ મેવાવાલાની પત્ની એક સ્ત્રી દ્વારા કરવામાં આવેલા આ નિવેદનને સમજતી હતી ને વિચારતી હતી ત્યાં જસ્ટીસ મેવાવાલાએ ક્હ્યું મેં એક સ્ત્રી દ્વારા એક પુરુષને બચાવવાના પ્રયત્નને અને એક સ્ત્રી દ્વારા ન્યાયતંત્રએ સ્ત્રી માટે બનાવેલા જે પણ કોઈ કાયદા છે એની ફરી સમીક્ષા કરી અને નિમેષ ભટ્ટને મેં નિર્દોષ જાહેર કરતો ચુકાદો આપ્યો.
-જીગર બુંદેલા