Chor ane chakori - 51 books and stories free download online pdf in Gujarati

ચોર અને ચકોરી - 51

(કેશવ તારી અગ્નિપરીક્ષા છે. બાપુએ કહ્યું.) હવે આગળ વાંચો...
સોમનાથ અને મંદા સીતાપુર આવી ગયા હતા.અને રમેશે આપેલા ઓરડામાં જીગ્નેશ ની સાથે રહેતા હતા. જીગ્નેશ અને સોમનાથ સવારે નાસ્તો પાણી કરીને રમેશ ની વાડીએ જતા રહેતા.અને રમેશની વાડીમાં કામ કરતા. રમેશમા ઘણો સુધારો આવી ગયો હતો એનામા જે તુમાખી અને અક્કડપણું હતું એને એણે તિલાંજલી આપી દીધી હતી.અને બધા સાથે એ મીઠાશ અને પ્રેમથી વર્તતો હતો.ગામના લોકો રમેશ માં આવેલા આ પરિવર્તનથી ઘણા જ ખુશ હતા.
રમેશ ની દીકરી પૂર્વી.જીગ્નેશની હેવાઈ થઈ ગઈ હતી.નિશાળેથી આવીને એ જીગ્નેશ પાસે આવી જતી. અને સાંજ સુધી જીગ્નેશ ની સાથે રમ્યા કરતી.અને જીગ્નેશને પોતાના નિશાળની વાતો પોતાની કાલીઘેલી ભાષામાં કરતી. જીગ્નેશને પણ પૂર્વી વગર ચેન ના પડતુ.
જીગ્નેશ સવારે વાડીએ આવતો તો પહેલા પોતાના ઘરે જતો. બા ના દર્શન કરતો અને પછી આગળ વધતો. જીગ્નેશને જોઈને બા રાજી રાજી થઈ જતી.એને મનમાં તો ગળા સુધી એમ હતું કે આજ મારો જીગો છે.એ પ્રેમથી ચા બનાવીને જીગ્નેશને પીવડાવતી. જીગ્નેશ જવા માટે ઉઠતો તો બાને જરાય ગમતું નહી.અને કહેતી.
"શુ ઉતાવળ છે? હજી પાંચ મિનિટ પણ થઈ નથી અને જવાનું નામ લે છો. હજુ જરા વાર બેસને બેટા."
જીગ્નેશ કૃષ્ણ જેવું મધુર સ્મિત ફરકાવતા કહેતો.
" આટલો મોહ ન રાખ મારા માટે."
તો બા કહેતી.
"કેમ બેટા?"
"કારણ કે બધા દુઃખોનું કારણ મોહ જ છે."
પુત્ર માને આ રીતે જ્ઞાન આપતો.
જીગ્નેશના બાપુ સવારે મંદિરે ચાલ્યા ગયા હોય.એટલે જીગ્નેશ બાને મળીને પછી સીધો મંદિરે જતો.ગામદેવી માતાના દર્શન કરતો.અને સાથોસાથ પોતાના જનકના પણ દર્શન કરી લેતો. બાપુને મંદિરે જઈને પહેલા અચુક પગે લાગતો.અને પછી મા ગામદેવીને હાથ જોડીને.બંને આંખો બંધ કરીને પ્રાર્થના કરતો કે.
"હે માવડી મને હિંમત આપ.અને મને પગભર કર. જેથી જલ્દીથી જલ્દી હુ મારા માતા-પિતાને ગર્વથી કહી શકુ કે હુ જ તમારો જીગ્નેશ છુ.હવે તમારું ગઢપણ પાળવા જ મને ઈશ્વરે પાછો મોકલ્યો છે."
અને પછી મંદિરેથી એ વાડીએ જતો. આ જીગ્નેશ નો નિત્ય કર્મ થઈ ગયો હતો.આખા ગામમાં તો એણે બતાવેલી બહાદુરી અને ત્યાર પછી મીઠાશ ભર્યા વ્યવહારથી એ લોકપ્રિય થઈ ગયો હતો.રહેમાન અને ચકોરી સિવાય કોઈ આ વાત નહોતુ જાણતું કે જીગ્નેશ ગીતામાં અને કિશોર પૂજારીનો પુત્ર હતો.
"બાપુ અગ્નિ પરીક્ષા?એટલે કેવી અગ્નિ પરીક્ષા હશે?"
ચિંતાતુર સ્વરે કેશવે બાપુ ને પૂછ્યુ. બાપુએ સ્મિત ફરકાવતા પ્રશ્ન કર્યો.
"કા અગ્નિપરીક્ષા ના નામથી ડરી ગયો? તો તું પ્રશ્ચાતાપ કઈ રીતે કરી શકીશ કેશવ.?"
"બાપુ તમારા સાનિધ્યે મને એવું બળ આપ્યું છે કે મારી અંદરનો ડર સાવ નેસ્તાનાબૂત થઈ ગયો છે.મને ખબર છે બાપુ.કે જીવનમા મે.પાપો અને ખોટા કાર્યો સિવાય કંઈ નથી કર્યું.અને હવે એ પ્રાશ્ચાતાપના બદલે જો મૃત્યુ પણ આવે તો મને કોઈ રંજ નથી પણ.."
કેશવ શ્વાસ લેવા થંભ્યો.
"પણ શુ?"
મહાત્માએ એ જ મધુર સ્મિત ફરકાવતા પૂછ્યુ.
"તમે તો ત્રિકાળ જ્ઞાની છો બાપુ.અને તમે કહ્યું ને કે ત્યાં મારી અગ્નિ પરીક્ષા છે.તો મેં ડરના કારણે નહીં પણ જિજ્ઞાસા ખાતર પૂછ્યું કે એ કેવી અગ્નિપરીક્ષા હશે?"
"કેશવ કદાચ તારુ મૃત્યુ પણ થાય આ અગ્નિપરીક્ષામા"
મહાત્માના શબ્દો સાંભળીને કેશવ મક્કમતાથી બોલ્યો.
"જો મારે મારા પ્રાશ્ચાતાપની કિંમત મારા મૃત્યુ તરીકે આપવી પડે તો પણ બાપુ હું પાછી પાની નહીં કરું."
"તો જા કેશવ.મારા આશીર્વાદ તારી સાથે છે."
અને કેશવ બાપુના ચરણ સ્પર્શ કરી સીતાપુર જવા રવાના થયો.
વધુ આવતા અંકે...