Royal Gravy for Paneer Veggies books and stories free download online pdf in Gujarati

પનીરના શાક માટે શાહી ગ્રેવી

દરેક વ્યક્તિને પનીરનું શાક પ્રિય હોય છે. તમે જ્યારે કોઈપણ પાર્ટીમાં જાઓ ત્યારે પનીર ટિક્કા કે પનીર મસાલા અથવા કાજુ પનીર નું શાક તો હોય જ છે.આ શાક આપણ ઘરે બનાવીને ખાઈ શકીએ છીએ, પરંતુ હોટેલ કે પાર્ટી જેવો સ્વાદ નથી આવતો .એટલે હું તમને આજે પનીરના શાક ની શાહી ગ્રેવી ની રેસીપી લઈ ને આવ્યો છું.
તમે ઘરે પનીરની વાનગી બનાવો છો ત્યારે પણ હંમેશા સાદા ભોજનમાં પણ રેસ્ટોરન્ટનો સ્વાદ શોધતા જોવા મળો છો.

તમારા પતિ હોય કે ઘરમાં બાળકો હોય, બધા એમ જ કહે છે કે પેલા રેસ્ટોરન્ટની જેમ પનીરનું શાક બનાવો. રેસ્ટોરન્ટના લોકો તેમના શાકમાં એવું તો શું ખાસ નાખે છે કે તે આટલું સ્વાદિષ્ટ બને છે.
શાકની ગ્રેવી જ શાકનો સ્વાદ વધારે છે. તો જયારે પણ તમે ઘરે પનીરનું શાક બનાવવા જઈ રહ્યા છો, તો જો તમે તેની ગ્રેવીને સ્વાદિષ્ટ બનાવો, પછી તમારું શાક જાતે જ સ્વાદિષ્ટ બની જશે. બધા લોકો ગ્રેવીવાળું શાક ખાતાની સાથે જ દરેક વ્યક્તિ પોતાની આંગળીઓ ચાટવા લાગશે અને તેનો સ્વાદ તેમની ભૂખને વધારશે.

શાહી પનીર ગ્રેવી બનાવવા માટે સામગ્રી :
પનીર 200 ગ્રામ, કાજુ 6-7, ટામેટા 2 પ્યુરી, ડુંગળી 1 ઝીણી સમારેલી, આદુ લસણની પેસ્ટ 1 ચમચી

મસાલા : નાની ઈલાયચી 1, મોટી ઈલાયચી 1, લવિંગ 2, જાવિત્રી 1 નાનો ટુકડો, તજ 1 નાનો ટુકડો, ધાણા પાવડર 1 ચમચી, ગરમ મસાલો કિચન કિંગ મસાલો 1/2 ચમચી, કસૂરી મેથી ક્રશ કરી લેવી, લાલ મરચું પાવડર 1/2 ચમચી અથવા સ્વાદ પ્રમાણે, મીઠું સ્વાદ મુજબ અને તેલ 2 ચમચી
ખાસ નોંધ : ગ્રેવી બનાવતા પહેલા કાજુને અડધા કપ ગરમ પાણીમાં 10 મિનિટ માટે પલાળીને રાખી મુકો. પછી ગરમ પાણીમાંથી પલાળેલા કાજુને બહાર કાઢીને તેને મિક્સરમાં પીસીને તેની પેસ્ટ બનાવી લો.

પનીર ગ્રેવી બનાવવાની રીત : પહેલા એક નોનસ્ટીક પેન લો અને તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં બધા મસાલા (પાવડર સિવાયના) નાખો. જ્યારે તેઓ તેલમાં શેકાવા લાગે ત્યારે તમે તેમની સુગંધથી જાણી શકશો કે તેઓ તૈયાર છે.

હવે તેમાં ડુંગળી ઉમેરીને સારી રીતે શેકી લો, જ્યારે ડુંગળી બ્રાઉન થવા લાગે તો તેમાં આદુ અને લસણની પેસ્ટ નાખીને એકસાથે સાંતળો. જ્યારે આદુ અને લસણ, ડુંગળી સાથે સારી રીતે મિક્સ થવા લાગે ત્યારે તમે તેમાં ટામેટાની પ્યુરી ઉમેરો.

હવે તેમાં મીઠું નાખીને બરાબર પકાવો. જ્યારે આ મિશ્રણ સારી રીતે સંતળાઈ જશે ત્યારે તેલ મિશ્રણમાંથી અલગ થવા લાગશે. પછી તમે તેમાં લાલ મરચું અને ધાણા પાવડર ઉમેરો. તરત જ કાજુની પેસ્ટ ઉમેરો અને તેને 1 મિનિટ વધુ ફ્રાય કરો. જ્યારે કાજુની પેસ્ટ મિશ્રણ સાથે શેકવા લાગે પછી તમે તેમાં પાણી ઉમેરો.

ધ્યાનથી પાણી ઉમેરો જેથી ગ્રેવી વધુ પાતળી ન થઈ જાય. પાણી નાખ્યા પછી તેની ઉપર ગરમ મસાલો કિચન કિંગ મસાલો અને કસૂરી મેથી ઉમેરો. ધ્યાન રાખો કે જ્યારે તમે શાકમાં કસૂરી મેથી નાખો તો તે પહેલા તેને હથેળીમાં રગડીને ઘસો. તેનાથી તેનો પાવડર બનશે અને તેનો સ્વાદ શાકમાં સરસ આવશે.

હવે તેમાં છીણેલા પનીરના 2 ઈંચના ટુકડા ઉમેરો અને તેને ગ્રેવી સાથે 5 મિનિટ સુધી પાકવા દો. તો તમારી ગ્રેવીવાળી પનીરનું શાક તૈયાર છે.

ખાસ ટિપ્સ : જો તમને આ ગ્રેવી પનીર સાથે પસંદ નથી તો તમે બટાકા, મશરૂમ, સોયા કોઈપણમાં મિક્સ કરો તો તે તેનું શાક બની જશે. તમે ગ્રેવીવાળા પનીરને રોટલી, પરાઠા, નાન કે ભાત સાથે પીરસી કરી શકો છો.

જો તમને પણ આ રેસિપી ગમી હોય તો આવી જ બીજી અવનવી રેસિપી અને કિચન ટિપ્સ વિશે માહિતી મેળવવા મઅમારી સાથે જોડાયેલા રહો .