2 Short Stories books and stories free download online pdf in Gujarati

2 Short Stories


આ વાર્તાઓ સંપૂર્ણપણે કાલ્પનિક છે એને કોઈ જીવીત કે મૃત વ્યક્તિ સાથે કોઈ સંબંધ નથી અને જો એવું કાંઈ હોય તો એ એક સંજોગ હશે. આ વાર્તાઓના સંપૂર્ણ હક્ક લેખકને આધીન છે એનો કોઈપણ પ્રકારના ઑડિયો -વિઝ્યુલ માધ્યમમાં ઉપયોગ કરતાં પહેલા લેખકની પરવાનગી લેવી અનિવાર્ય છે પરવાનગી વગર જો ઉપયોગ કરવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
SWA Membership No : 032938

વાર્તા: બિંદી

સવારના પાંચવાગે માધુપૂરા માર્કેટમાં ખુલી રહેલી કરીયાણાની દુકાન પાસે એક બાઇક આવી ને ઉભુ રહ્યું. બાઇક સવારે પુછ્યું બિંદી છે ? પેલાને સવાર સવારમાં આવેલા આ પહેલા ઘરાકે જે વસ્તુ માંગી હતી તેના પર નવાઈ લાગી એ એને જોઇ રહ્યો. પેલા બાઇક સવારે કહ્યું, " બિંદી - ચાંલ્લો ચાંલ્લાનું પેકેટ છે ? પેલાને હવે કાંઇ ખબર પડી એણે ના કહ્યું.
કાળૂપુર સ્ટેશન પરથી ડબલ ડેકર ટ્રેન ઉપડી. અસાઇલની સીટમાં એટલે કે ડબલ ડેકરમાં પેસેજમાં એક ટેબલ જેવું વચ્ચે આવે જયાં બન્ને તરફની સીટો સામસામે મળે એટલે બેઠેલા વ્યક્તિઓ સામસામે આવે. એ સીટમાં એક છોકરો ને એક છોકરી બેઠા હતાં. છોકરીને સામે બેઠેલા ભાઈને કારણે જરા બેસવામાં તકલીફ થતી હોય એમ લાગતું હતુ એટલે છોકરો ઉભો થયો ને એણે બે સીટ છોડીને બેઠેલા ભાઈઓને રીકવેસ્ટ કરી ને સીટ એક્સચેંજ કરી. આ બધુ જોઇ રહેલી પન્નાએ એ છોકરો ને છોકરી જેવા ઉભા થઈ એમની રો માં ડબલવાળી સીટમાં આવીને બેઠા એટલે ઝોકા ખાતા રાજીવને ઠુંસો માર્યો. બન્નેને થયું હવે આ બન્ને વચ્ચે થતો રોમાન્સ જોવા મળશે બન્ને એકબીજાના હાથ હાથમાં લઇને બકુ ને ચકુ કરશે, છોકરી છોકરીના ખભે માથું નાખી દેશે કે પછી અત્યારની નવી પેઢી બિંદાસ છે એમ કદાચ પપ્પી ઝપ્પી પણ જોવા મલશે ને સફર સરસ રીતે કપાઈ જશે.
એ છોકરો ને છોકરી બેઠા. એ લોકો બેઠા બેઠા અલક મલકની વાતો કરતાં હતાં. વાતો પરથી લાગ્યું કે સાહિત્યનાં સ્ટુડન્ટ હશે. એમની વાતો ધ્રુવ ભટ્ટની " રેવાથી" શરૂ થઈ નર્મદા ઘાટની સફર કરતી "લવલી પાન હાઉસ" પર પહોંચી પાન જેવી રસસભર વાતો લઇ મરીઝની ગઝલો "ઇસ્મત ચુગતાઈનાં" સમયના લોકોની માનસિકતાથી લઇ "મન્ટૉની" અશ્લીલ કહેવાતી વાર્તાઓનો આંટો મારી ચન્દ્રકાન્ત બક્ષીની "આકાર" "પેરેલિસિસ" "બક્ષીનામા" ને હાલ મા ચાલતી વેબસિરિઝો પર આવી ને અટકી..........નહીં.

એ બન્નેની વાતો પરથી પન્ના ને રાજીવને એમનાં નામ જુહી ને જીમિત છે એમ ખબર પડી.

રાજીવ ને પન્ના આ બન્નેની વાતો ક્યારના સાંભળી રહયા હતાં. જેવું એમણે વિચાર્યું હતું એવું કાંઇ જોવા કે સાંભળવા મળ્યું નહીં. બન્નેની આંખોમાં પ્રેમ હતો પણ એકવાર પણ I Love You સાંભળવા મળ્યું નહીં.

સ્ટેશન આવી ગયું ને બધા ઉતરવા લાગ્યા. રાજીવથી ના રહેવાયું એટલે એણે કહ્યું તમે દુનિયાભરની વાતો કરી પણ એકબીજાને જે કહેવાનું હતું એ તો કહ્યું નહીં.

જીમિતે રાજીવને સ્માઈલ આપી ને જુહી સાથેનો વાતનો દોર સાધતા કહ્યું હું કાલે ભૂલી ગયો ને સવારે આવતાં લેવા ગયો પણ મળી નહીં.

જુહીએ પન્નાબેનને પુછ્યું તમારી પાસે બિંદી છે?
પન્નાબેને હા કહી.
બિંદી આપી.
જુહીએ બિંદી લગાવી દીધી.
જીમિતે રાજીવને કહ્યું " કહેવાઈ ગયું."

બન્ને જણાં સ્ટેશનની બહાર નીકળતી ભીડમાં ખોવાઈ ગયા.



વાર્તા : છૂટેલાં સંબંધ

ઘણા દિવસથી ઉકળાટ હતો. આકાશ ગોરંભાયેલું હતું . વાદળો વરસ્યા વગર વિખેરાઈ જતા. નીલય એના રાઈટિંગ ટેબલ પાસે બેઠો બારીની બહાર લીલોતરી જોઈ રહ્યો હતો. રાઈટિંગ ટેબલ પર પેન ને પેડ પડ્યા હતા. નિલય કંઈક લખવા જ બેઠો હતો. તેણે આદુવાળી મસ્ત ગરમ ચાની ચૂસકી મારી અને લખવાનું શરૂ કર્યું. બે પંક્તિ લખી


" છુટેલા સંબંધ બ્લેક કોફી જેવા હોય છે
એમા લીંબુ નાખો કે મધ
પણ
એની કડવાશ જતી નથી."

પેન રોકાઈ ને એણે કાગળનો ડૂચો મારી dustbin માં નાખ્યો. ત્યાં ઓલરેડી એક કાગળનો ડૂચો ડસ્ટબીન પાસે જમીન પર પહેલેથી જ પડેલો હતો.
ફરી અણે લખવાનું શરૂ કર્યું.

"છુટેલા સંબંધ સોફ્ટડ્રીંકની બોટલ જેવા હોય છે
ગમે તેટલી વાર ઢાંકણું ખોલો
પણ
પહેલા જેવો ઉભરો આવતો નથી."

ફરી અટકી ગયો ને કાગળનો ડૂચો કરી કાગળ ડસ્ટબીનમાં નાખ્યો.

ગોરંભાયેલું આકાશ ને ગોરંભાયેલો નિલય બંને વરસવા માંગતા હતા. ફરી વીજળી ચમકી અને મગજમાં ચમકારો થતાં શ્રાવણની ઝરમર ઝરમર વર્ષા શરુ થઈ.
નિલયે ફરી કંઇક પેપર પર ઉતાર્યું .

"વહેતા પાણી જેવા હોય જો સંબંધ
ગમે ત્યારે પીવો
પણ
તરસ છીપાવે ને તાજગી આપે."

ને પાછો અટકી ગયો ને પાછું એ જ કાગળનો ડુચો કર્યો અને dustbin ભેગો કર્યો.

કંઇ મજા નહોતી પડી રહી એ થોડી વાર એમ જ બેસી રહ્યો, બારીની બહાર વરસતા વરસાદને જોતો.

આમને આમ કલાક નીકળી ગયો ત્યાં મૉબ આવ્યો નામ બ્લીંક થયું " નિયતિ " એને ભાન આવ્યું કે એ કંઈક લખવા બેઠો હતો. એણે મૉબ ઉપાડ્યો સામે છેડેથી નિયતિ નો અવાજ આવ્યો, કેમ છે તું?
નીલયે કહ્યું, મજામાં.
નિયતિએ કહ્યું, હું અમદાવાદ આવી છું મળીએ?
નિલયે કહ્યું, ના આજે મેળ નહી પડે. હું કામમાં છું ફરી ક્યારેક.

થોડી ઘણી ઔપચારિક વાત થઈ અને ફોન મુકાઈ ગયો.

નિલયે જોયું તો ચા ઠંડી થઈ ગઈ હતી એ ઊભો થયો કિચનમાં ગયો. એ જ "ચા"ને ફરી ગરમ કરી અને ફરી પાછો કપ લઈ રાઈટિંગ ટેબલ પર આવી બેસી ગયો કંઈક લખવા.

ચાની ચૂસકી મારી ને એણે સૌથી પહેલા ફેંકેલા dustbin ના કાગળ તરફ જોયું.

સ્હેજ હસ્યો.

કાગળ હાથમાં લીધો અને એમાં લખેલું વાંચ્યું.

" છુટેલા સંબંધ છુટી ગયેલી ચા જેવા હોય છે
એને ફરી ગરમ કરી પી શકાય
પણ
એમા પહેલા જેવો ટેસ્ટ ન હોય."

કેટલું સાચું હતું.

- જીગર બુંદેલા