Revenge - The Perfect Revenge books and stories free download online pdf in Gujarati

બદલો - The Perfect Revenge

આ વાર્તા સંપૂર્ણપણે કાલ્પનિક છે એને કોઈ જીવીત કે મૃત વ્યક્તિ સાથે કોઈ સંબંધ નથી અને જો એવું કાંઈ હોય તો એ એક સંજોગ હશે. આ વાર્તાના સંપૂર્ણ હક્ક લેખકને આધીન છે એનો કોઈપણ પ્રકારના ઑડિયો -વિઝ્યુલ માધ્યમમાં ઉપયોગ કરતાં પહેલા લેખકની પરવાનગી લેવી અનિવાર્ય છે પરવાનગી વગર જો ઉપયોગ કરવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
SWA Membership No : 032928

નિનાદ અને ભૂમિકા બંને જણા આજે બે વર્ષ પછી એમની જૂની સોસાયટીમાં ઉતરાયણ કરવા આવ્યા હતા. જેવા એ લોકો ધાબે પહોંચ્યા કે બળવંત એ બંનેને જોઈને ગુસ્સે થઈ ગયો અને કહેવા લાગ્યો કે -
" આ લોકોને કોણે બોલાવ્યા છે? જે લોકો સોસાયટી છોડીને જતા રહ્યા હોય એ લોકોએ અહીં આવવું નહીં. કહી દો આને જતો રહે અહીંથી."
સોસાયટીના લોકો બડા બાટલીનો એટલે કે બળવંતનો , બળવંતનુ બીજું નામ બડા બાટલી હતું. એણે બાટલી મારીને એક જણનું ખૂન કરી નાખ્યું ત્યારથી બધા એને બડા બાટલી કહેવા લાગ્યા , એના એ કારનામાને કારણે કોઈ એનો વિરોધ કરી શકે એમ નહોતું કારણ કે બડા બાટલી એટલે કે બળવંત એક ગુંડો હતો.
બધા નિનાદને પાછા જતાં રહેવા સમજાવવા લાગ્યા. નિનાદે બધાને શાંતિથી કહ્યું બળવંતભાઈ સાથે હું વાત કરી લઉં ? હું એમની સાથે વાત કરવા માગું છું, વાત કરીને જો એ કહેશે તો જતો રહીશ. બધાએ ના પાડી કે " રહેવા દો " પણ નિનાદે બધાને કહ્યું કે ચિંતા નહિ કરો કાંઈ નહીં થાય મને એમની સાથે વાત કરવા દો.
નિનાદ બળવંતસિંહ પાસે ગયો અને કહ્યું આપણે થોડીવાર વાત કરી શકીએ ? બહુ મહત્વની વાત કરવી છે, તમારા ફાયદાની વાત છે. બળવંતસિંહે હા પાડી એટલે નિનાદ અને બળવંતસિંહ બંને જણા સાઈડ પર જવા લાગ્યા તો સોસાયટીના બે ત્રણ જણા પણ એમની સાથે જવા લાગ્યા. નિનાદે કહ્યું કે ના હું એકલામાં એમની સાથે વાત કરવા માગું છું. નિનાદ અને બળવંતસિંહ ધાબાની એક બાજુ પર જઈને વાત કરવા લાગ્યા. બધા દૂરથી એમને જોઈ રહ્યા હતા અને મનોમન પ્રાર્થના કરી રહ્યા હતા કે બંને વચ્ચે કાંઈ મારામારી ન થાય અને બળવંતસિંહના હાથે નિનાદના હાડકા ખોખરા ના થાય, ત્યાં જ એ લોકોનું અનુમાન સાચું પડ્યું થોડી જ વારમાં બળવંત ઉર્ફે બડા બાટલીએ નિનાદનું ગળું પકડી લીધું.
બધા વિચારતા હતા કે હવે નિનાદના હાડકા ખોખરા થઈ જશે, ભૂમિકાને પણ ચિંતા થવા લાગી.

ભૂમિકાએ બૂમ પાડી " નિનાદ.... "

નિનાદે ખાલી હાથ ઉપર કરી એને રોકી લીધી અને સોસાયટી વાળાને પણ રોકી લીધા. નિનાદે બળવંતને કાનમાં કશુંક કહ્યું, શું ક્હ્યું? એ કોઈને ખબર ન પડી કોઈને સંભળાયું પણ નહીં પણ બળવંતે એટલે કે બડા બાટલીએ એનું ગળું છોડી દીધું.

બંનેએ થોડી વાતચીત કર્યા બાદ , બડા બાટલી ઉર્ફે બળવંત ભૂમિકા પાસે ગયો અને "બેન મને માફ કરી દો" એમ કહી ચૂપચાપ પોતાની જગ્યાએ જઈને બેસી ગયો.

નિનાદે એવું તો શું કહ્યું હતું કે બડા બાટલીના મોં પર બુચ વાગી ગયું બધાને નવાઈ લાગી.

નિનાદ અને ભૂમિકા અહીં એમની જૂની સોસાયટીમાં આવ્યા એના એક કલાક પહેલાની વાત છે.

નિનાદ એની પત્ની ભૂમિકા સામે ઊભો હતો અને કહી રહ્યો હતો મેં તને કહ્યું હતું કે -
"હું તારા અપમાનનો બદલો લઈશ પછી જ તને લેવા આવીશ તો આજે એ દિવસ આવી ગયો છે ચાલ મારી સાથે."

ભીમે દુ:શાસનનો વધ કર્યા પછી જે ચમક દ્રૌપદીની આંખોમાં હતી એવી ચમક ભૂમિકાની આંખોમાં આવી ગઈ.
નિનાદ અને ભૂમિકા બંનેને છૂટા પડે આજે બે વર્ષ થઈ ગયા હતા અને બે વર્ષ પછી બંને જણા મળી રહ્યા હતા. એમના છૂટા પડવાનું કારણ હતું બળવંતસિંહ ઉર્ફે બડા બાટલી.નિનાદ ને ભૂમિકા જે કારણે છુટા પડ્યા એ દિવસે જે બન્યું હતું એ માત્ર નિનાદ ભૂમિકા અને બડા બાટલી એટલે કે બળવંતસિંહ સિવાય કોઈ જાણતું નહોતું.

આજથી બે વર્ષ પહેલાં ભૂમિકાએ જ્યારે ઘરે આવીને નિનાદને કહ્યું હતું કે "બડા બાટલી બળવંતસિંહે પીધેલી હાલતમાં એની સાથે લિફ્ટમાં છેડતી કરવાની કોશિશ કરી " ત્યારે નિનાદને ખૂબ ગુસ્સો આવ્યો હતો ને બડા બાટલી ને મારવા માટે તૈયાર થઈ ગયો હતો. હાથમાં છરો લઈને ઘરમાંથી નીકળવા જતો હતો પણ ભૂમિકાએ એને રોકી લીધો કારણ કે ભૂમિકા ને નિનાદ બંને જણા જાણતા હતા કે બંને બડા બાટલીને પહોંચી નહીં વળે. નિનાદને રાત દિવસ ભૂમિકાની બળવંત દ્વારા કરાયેલી છેડતીની વાત કોરી ખાતી હતી અને એટલે જ આ ઘટનાનાં મહિના પછી નિનાદ ભૂમિકાને લઈને એના પિયર ગયો અને ભૂમિકાને કહ્યું " આજથી તુ અહીં જ રહીશ અને જે દિવસે હું તારા અપમાનનો બદલો લઈશ તે દિવસે હું તને લેવા આવીશ ". આજે એક્ઝેટ એક વર્ષ અને દસ મહિના પછી ઉતરાયણના દિવસે નિનાદ ભૂમિકાને લેવા આવ્યો હતો.

કમુરતા પૂરા થયા હતા.

નિનાદ અને ભૂમિકા જ્યારે ધાબા ઉપર પહોંચ્યા ત્યારે બધા એને જોઈને ખુશ થઈ ગયા હતા એક જણ તો એવું પણ બોલ્યું હતું
" નિનાદભાઈ તમને ખૂબ યાદ કરતા હતા પણ તમને ભૂલ્યા નહોતા કારણ કે જ્યારે પણ બળવંતસિંહના આરવને જોતાને ત્યારે તમે યાદ આવી જતા તમારા જેવો જ દેખાય છે".
બસ આ વાક્ય સાંભળીને જ બળવંતસિંહ ગુસ્સે થયો હતો જ્યારે નિનાદ અને ભૂમિકા ધાબા ઉપર પહોંચ્યા હતાં.
ભૂમિકાએ નિનાદને પૂછ્યું કે બળવંતને એણે એવું તો શું કહ્યું કે એણે એનું ગળું પકડી લીધું. નિનાદે ભૂમિકાને કહ્યું કે મેં એને ક્હ્યું કે-
"બળવંત તારા ઘરે ત્રણ ત્રણ દીકરીઓ આવી તેના પછી આવેલો આ છોકરો છે આરવ. તારે છોકરો જ જોઈતો હતો ને ? એ મેં તને આપ્યો છે , ને એ મારો બદલો છે."

what? ભૂમિકાની આંખો પહોળી થઇ ગઈ.
ને તરત જ બીજો સવાલ કર્યો , તો પછી તને છોડી કેમ દીધો ? નિનાદે ભૂમિકાને કહ્યું કે જ્યારે બડા બાટલી એટલે કે બળવંતે મારું ગળું પકડ્યું ત્યારે મેં ખાલી એટલું જ કહ્યું કે
"આ સોસાયટીમાં આરવને લોકો મારો ડુપ્લીકેટ કહે છે સોસાયટીવાળાને કહી દઉં કે આરવ મારો ડુપ્લીકેટ નહીં ઓરીજનલ કોપી છે "

ને હા તારી જેમ મેં છેડતી નથી કરી.

તારી પત્નીની મરજીથી મેં એમને બાળક આપ્યું છે.

યાદ કર આજથી 1 વર્ષ 10 મહિના ને 15 દિવસ પહેલા તું અઠવાડિયા માટે જેલમાં ગયો હતો. મારા બદલાના બીજને આજે એક વર્ષ અને નવ મહિના થયા છે. આજે આરવને જન્મે એક વર્ષ થયું .આજે એનો બર્થ ડે છે. તું તારી પત્નીને દીકરો નહોતો થતો એટલે દીકરાના જન્મ માટે મારતો હતો , એની મને ખબર છે એટલે જ મેં બે જણને પીડામાંથી મુક્ત કર્યાં. મારી પત્ની ને તારી પત્ની.

બળવંત એટલે વૃષભ રાશી ને વૃષભનું ચિન્હ છે બળદ અને બળદ કદી બાપ ના બને અને હું નિનાદ વૃશ્ચિક રાશિ એટલે વીંછી. વીંછીનો ડંખ માણસને ના મરવા દે ના જીવવા દે, એવી પીડા આપે. આરવનો નાદ સાંભળીને તું આખી જિંદગી એ જ પીડા અનુભવીશ અને કદી કોઈની છેડતી કરવાનું વિચારીશ પણ નહીં ના પીધેલીમાં ના સાદામાં.

મે એના ખભે હાથ મૂકીને કહ્યું કે હવે બધાની સામે ભૂમિકાને હાથ જોડીને કે "બેન મને માફ કરી દો" અને પછી ચૂપચાપ જગ્યાએ જઈને બેસી જા નહીં તો બધાની શંકાનું સમાધાન કરી દઈશ ને બડા બાટલી ચૂપચાપ આવીને બેસી ગયો હતો

એટલે આરવ તારો? ભૂમિકા આટલું બોલી અટકી ગઈ.

નિનાદે ક્હ્યું " ના."

બળવંત જ્યારે જેલમાં ગયો હતો ત્યારે એની પત્ની મને લિફ્ટમાં મળી હતી પ્રેગનન્ટ હતી ને મે એમને ક્હ્યું હતું કે "તમારે જેનાં જેવું બાળક જોઈતું હોય એનો ફોટો સાથે રાખો ને ફોટો જુઓ. એ જ વ્યક્તિનાં વિચારો કરો તો ગર્ભ સંસ્કાર મુજબ તમારું આવનારું બાળક એ વ્યક્તિ જેવું જ આવશે ને એમણે , મારો ફોટો માંગ્યો."
હું જો બળવંત જેવું જ કરું તો મારામાં ને એનામાં શું ફર્ક રે ?
ભૂમિકાએ ગર્વથી નિનાદ સામે જોયું.

નિનાદે પેચ કાપ્યો ને બળવંત તરફ જોઇ બૂમ પાડી એ ઘચર ઘચર કાડા , કાપ્યો છે.

બળવંતની હાલત કાપો તો લોહી ના નીકળે એવી હતી.

નિનાદનો એ નાદ બળવંતસિંહના કાનમાં આરવની કિલકારી બનીને ગુંજી રહ્યો હતો.

નિનાદે બળવંત સામે જોયું ને એક સ્માઈલ આપી એ સ્માઈલમાં અનેક રહસ્યો છુપાયેલા હતાં.

- જીગર બુંદેલા