Believe touch books and stories free download online pdf in Gujarati

માનો સ્પર્શ


"સ્પર્શ....માનો સ્પર્શ. હા! હવે આ જ એક ઉકેલ છે, જે બંનેને બચાવી શકશે.”

જ્યારે બીજા બધા ઈલાજના પ્રયત્નો નિષ્ફળ ગયા, ત્યારે ગાયનેકોલોજિસ્ટ ડૉક્ટર નિશાએ છેલ્લો ઉપાય ઉચ્ચાર્યો. પ્રિમેચ્યોર બાળકમાં કોઈ સુધાર નહોતો દેખાઈ રહ્યો, અન્ય સ્વાસ્થ્ય સંકટોની સાથે તેને શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ રહી હતી. બિચારો ઇન્ક્યુબેટરમાં, જીવિત રહેવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો.

નિશાનો સાથીદાર, એક અસંવેદનશીલ ડૉક્ટર, તેની સૂચન પર ઠાવકાઈથી હસ્યો. “ડૉક્ટર નિશા, તું ગાંડી થઈ ગઈ છે? આ છોકરો પંદર દિવસથી ઇન્ક્યુબેટરમાં છે. તેનો જન્મ ૩૭ અઠવાડિયામાં થયો હતો અને તેનું વજન ચાર પાઉંદથી ઓછું હતું. જ્યારે આપણી બધી દવાઓ અને સુવિધાઓ તેની મદદ ન કરી શકી, તો તેની માનો સ્પર્શ શું ચમત્કાર બતાવશે? મને લાગે છે કે તારે પરિવારને જાણ કરી દેવી જોઈએ, કે કોઈ ખોટી આશા ન રાખે."

"બિલકુલ નહીં!" આ ડૉક્ટર નિશાની તાત્કાલિક, ગુસ્સો ભરેલી પ્રતિક્રિયા હતી, પરંતુ તેના અજ્ઞાન સાથીદારને સ્પષ્ટ દલીલો આપતા પહેલા, નિશા ઝડપથી પોતાની જાતને સંયમમાં લાવી. “ડૉક્ટર, સાફ દેખાય છે કે તમે 'કે.એમ.સી' વિશે નથી સાંભળ્યું; 'કાંગારૂ મધર કેર'. માના પ્રેમ જેટલું શક્તિશાળી બીજું કંઈ નથી. સતત બાળકની ત્વચાથી, માની ચામડીનો સંપર્ક અને માતાનું દૂધ બાળક માટે શ્રેષ્ઠ સારવાર છે. એમ પણ, જો તમે બધી આશા છોડી દીધી હોય, તો 'કે.એમ.સી' ને અજમાવવામાં કોઈ નુકસાન નથી, બરાબર?"

ભાવનગર નજીકના એક નાનકડા ગામમાં, અપર્યાપ્ત હોસ્પિટલમાં આ દુર્દશા સર્જાઈ હતી. આ અકાળ શિશુની સત્તર વર્ષની યુવાન માતા જિયા, ગામની અન્ય ઘણી કમનસીબ દીકરીઓની જેમ બાળલગ્નનો ભોગ બની હતી. તે બાજુના જનરલ વોર્ડમાં, ભયભીત, નબળી અને ખૂબ પીડામાં સૂતી હતી. એનો એટલો જ જુવાન અને બેચેન પતિ જેસલ, એની બાજુમાં બેઠો હતો અને જીયાએ ગભરાટમાં તેનો હાથ પકડ્યો, “કેમ છે મારો દીકરો? ક્યાં છે? હું તેને જોવા માંગુ છું. હવે બે અઠવાડિયા થઈ ગયા છે. પ્લીઝ જેસલ, કંઈક કર!"
પોતાનો ડર દર્શાવ્યા વિના, જેસલે તેની ઉશ્કેરાયેલી પત્નીને સાંત્વના આપવાનો પ્રયાસ કર્યો, “જિયા, ધીરજ રાખ. ડોકટરો આપણા બાળકને બચાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે."
જેસલના શબ્દો જીયાને કોઈ દિલાસો ન આપી શક્યા. “અહીં બેસીને રાહ જોવા કરતા, મહેરબાની કરીને જઈને જો કે શું થઈ રહ્યું છે.”

માત્ર પત્નીને શાંત પાડવા જેસલ પૂછપરછ કરવા ઊભો થયો. બે ડગલાં ચાલ્યો, કે તેણે ડૉક્ટર નિશાને, હાથમાં બાળક લઈને તેમની તરફ આવતા જોયા. તેનું પાતળું અને નાજુક શરીર બનુસમાં લપેટાયેલું હતું. નિશાએ નવજાત શિશુને જીયાના પડખામાં સુવડાવ્યો. તરત જ જિયાએ એના દીકરાને તેની હૂંફમાં સમાવી લીધો અને ડોક્ટર સામે મૂંઝવણથી જોયું. નિશા સમજાવવા લાગી, “જિયા, જેસલ, તમે બંને જાણો છો કે તમારું બાળક સમય પહેલા જન્મ્યું હતું અને તે ખૂબ જ નબળું છે. દુર્ભાગ્યવશ, અમારી સારવારનો તેના પર કોઈ અસર નથી થઈ રહ્યો. પરંતુ વૈજ્ઞાનિક રીતે સાબિત થયું છે કે માતાનો સ્પર્શ બાળક માટે રૂઝનું કામ કરી શકે. તેથી દવાની સાથે, અમે ઈચ્છીએ છીએ કે તમે તમારા બાળકને તમારી નજીક રાખો. નર્સો પૂરો સહયોગ આપશે, પરંતુ જીયા, તું મુખ્ય ભૂમિકા ભજવીશ. તેને તારું દૂધ પીવડાવવાનો પ્રયત્ન કર, તારા બાળક સાથે વાતો કર, તેને ગળે લગાડ અને ખૂબ જ કોમળ પ્રેમાળ દેખભાળ કર. આશા છે કે તેની તબિયત સુધરશે. આ કરવાથી તારી પીડા પણ ઓછી થશે. સમજી?"

પહેલા તો જીયા અને જેસલને નિશાની વાત પર વિશ્વાસ ન થયો. પરંતુ તેમની પાસે બીજો શું વિકલ્પ હતો? તેથી તેઓએ ડૉક્ટરના સૂચવ્યા મુજબ બધું કરવાનું શરૂ કર્યું. જિયાએ તેના દીકરાને તેની છાતી પર રાખ્યો, જ્યાં તેઓ બંને એકબીજાના ધબકારા સાંભળી શકે. હ્રુદય લાગણીઓથી અને આંસુઓથી ભરેલી આંખો સાથે અભિભૂત થઈને, જીયાએ અત્યંત કોમળ અને નમ્ર અવાજમાં, તેના બાળકના કાનમાં પ્રેમાળ શબ્દો રેડવાનું શરૂ કર્યું. “બબ્બુ, તું અમારું પહેલું બાળક છે. અમે તારું નામ જીવન રાખ્યું છે. શું તને તારું નામ ગમ્યું? તું અમારો જીવ છે બબ્બુ. અમે તને ખૂબ પ્રેમ કરીએ છીએ. અમે તારી સાથે ઘણું બધું કરવા માંગીએ છીએ અને તને ઘણું બધું બતાવવું છે. જલ્દી સ્વસ્થ થઈજા બચ્ચા, પછી આપણે ઘરે જઈશું!”
જેસલ તેનું અનુસરણ કરતો, પરંતુ તે પત્ની અને પુત્ર બંનેની સુખાકારી માટે પ્રાર્થના વધુ કરતો.

ચમત્કારની પ્રથમ નિશાની બે દિવસ પછી જોવા મળી, જ્યારે જીવન જિયાની છાતી પર હતો. જિયાએ તેનો પાતળો હાથ પકડી રાખ્યો હતો અને અચાનક જીવનની નાની આંગળીયો જીયાની આંગળીની આસપાસ બંધ થઈ અને તેણે ધીમે ધીમે તેની નાજુક આંખો ખોલી. આનંદના આંસુએ દંપતીને ભીંજવી નાખ્યા, તેઓએ પોતાની નજરની સામે ચમત્કાર થતાં જોયો.

ત્યાર બાદ પાછળ ફરીને જોવાની જરૂર ન પડી. વિકાસ ભલે ધીમો હતો, પરંતુ તે ચોક્કસ પ્રગતિ હતી. ધીરે ધીરે જીવનની તબિયત સુધરતી ગઈ. ૨૫ દિવસ પછી, જિયા અને જેસલ તેમના પુત્રને ઘરે લઈ ગયા. બધી આશાઓ ગુમાવી બેઠેલું દંપતી, ડૉક્ટર નિશાનો આભાર માનતા નહોતા થાકતા. તેઓ સમજી ગયા કે માતાના સ્પર્શનું મૂલ્ય શું છે અને તે બાળકના જીવનને પુનર્જીવિત કરવામાં કેટલું મહત્વપૂર્ણ હોય શકે છે.

શમીમ મર્ચન્ટ, મુંબઈ.
_______________________________________

Shades Of Simplicity

This is my page on Facebook. I request you to please share it with your friends and family. Thank you so much

https://www.facebook.com/Shades-of-Simplicity-104816031686438/

Follow me on instagram

https://instagram.com/shades_of_simplicity?igshid=YmMyMTA2M2Y=