Street No.69 - 85 books and stories free download online pdf in Gujarati

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-85. 

સાવી મહાકાળી મંદિરનાં પૂજારીને વિનવી રહી હતી કે “તમે મારી વાત પછી કરજો પહેલાં મારી બહેનને સુરક્ષા કવચ મંત્રી એનાં ગળામાં લોકેટ પહેરાવી આપો. મારી નાની નિર્દોષ બહેન હેરાન થઇ રહી છે અમારાં કુટુંબની લાડકી છે... શાસ્ત્રીજી આ કામ પહેલાં પૂર્ણ કરો.”

શાસ્ત્રીએ સાવી સામે વેધક દ્રષ્ટિ કરીને કહ્યું "તારાં શરીરનો ઓરા ભ્રષ્ટ છે તું કોણ છે ? ને તું અહીંથી આઘી ઉભી રહે આ પવિત્ર વિધીમાં તું સામેલ નહીં થઇ શકે તું...” પછી બોલતાં અટકી ગયાં.

સાવીની માં એ કહ્યું “પૂજારીજી મારી આ નાનકીનું રક્ષણ થાય એવું કવચ કરીને પહેરાવી આપો અમે ખૂબ આશા અને શ્રધ્ધા સાથે અહીં માં નાં શરણમાં આવ્યાં છીએ બે દીકરી ગૂમાવી ચૂકી છું આ નાનકીજ હવે...”

ત્યાં નવલકિશોરે કહ્યું “અત્યારે જે કરવાનું છે એની વાત કરને જે થઇ ગયું છે એ બદલાવાનું નથી” એમણે પૂજારીજીને કહ્યું “ભગવન આપ વિધી કરી આપો.”

સાવીની આંખો ભીંજાઇ ગઇ એનાં ગળે ડૂમો બાઝી ગયો.. એ ત્યાંથી શાસ્ત્રીજીને હાથ જોડીને ત્યાંથી દૂર ગઇ.. શાસ્ત્રીજી એને જતી જોઇ રહ્યાં.

શાસ્ત્રીજીએ કહ્યું “તમે લોકો અહીં પાથરેલાં આસન છે ત્યાં બેસો હું વિધીવત દીકરી માટે રક્ષા કવચ તૈયાર કરી આપું છું એમણે નાનકીને એમની સામે બેસાડી વ્હાલથી માથે હાથ ફેરવીને કહ્યું. "દીકરી આજે તને એવું પવિત્ર રક્ષાકવચ કાળીની કૃપાથી કરી આપું છું કે કોઇ મેલી શક્તિ કે પ્રયોગ તારી આસપાસ ફરકી નહીં શકે”. એમ કહી નાનકીને કંકુનો ચાંલ્લો કર્યો અને સાવી લાવેલી એ કાળુ કપડું બધી સામગ્રી લઇને મંત્રોચ્ચાર સાથે વિધી ચાલુ કરી.

નાનકી આંખ બંધ કરીને શાસ્ત્રીજીની સામે બેઠી હતી મંત્રોચ્ચાર સાંભળી રહી હતી સામે એનાં પાપા મંમી હાથ જોડીને બેઠાં હતાં.

શાસ્ત્રીનાં મંત્રોચ્ચાર ઊગ્ર થતાં જતાં હતાં જાણે કે કોઇ કાળી શક્તિ ફરી રહી હોય એમ ત્યાં વાતાવરણ કંઇક અગોચર બની રહેલું માં કાળીનાં પ્રતાપથી તે નજીક નહોતી આવી શકતી. શાસ્ત્રીજીએ હાથમાં પાણી લઇ મંત્રોચ્ચાર કરી આંખો બંધ કરીને નાનકીનાં માથાં પર પાણી છાંટ્યુ. જેવું માથે પાણી છાંટયું નાનકીએ આંખ ખોલીને શાસ્ત્રીજીને પ્રણામ કર્યા.

શાસ્ત્રીજીએ નાનકીને ઉદ્દેશીને કહ્યું “હવે તને કોઇ પજવી નહીં શકે ના કોઇ તંત્રમંત્ર કરી શકે”. એમ કહીને લાલ કપડામાં કાળી દોરાથી બાંધેલુ સંપુટ એનાં ગળામાં બાંધી આપ્યુ અને હવનની ભસ્મનો એને ચાંદલો કર્યો. એ પ્રેમ લાગણીથી નાનકીને નીરખી રહેલાં. એમણે નાનકીને સફરજન પ્રસાદમાં આપ્યુ. અને કહ્યું “અહીં માં કાળીનાં દર્શને આવતી રહેજે. જ્યારે આવે મને મળજે હું પ્રસાદ આપીશ.”

પછી નવલકિશોર સામે જોઇને કહ્યું "આ દિકરીનું રક્ષણ ખુદ માં કાળી કરશે હવે નિશ્ચિંત રહેજે” બહેન તેં બે દીકરીઓ ખોઇ છે.. પણ આ દિકરી. સુરક્ષિત રહેશે તમને ઘણું સુખ આપશે.”

“જે દિકરી તમારી..” ત્યાં સાવીની માં એ ખોળો પાથરી પ્રાર્થના કરી કે “મહારાજ આપનાં આશીર્વાદથી અમે ધન્ય છે જે જીવનમાં બની ગયું બની ગયુ હવે આ નાનકી પરજ આશ છે આપની દક્ષિણા…” કહીને પર્સમાંથી પૈસા કાઢવા લાગી ત્યારે શાસત્રીજીએ કહ્યું “પૈસા તમારાં પર્સમાંજ રાખો. આ દિકરી મારી દીકરી બરાબર છે તમારે મને દક્ષિણાજ આપવી છે ને ? તો દક્ષિણા સામે એક કામ આપું છું એ કરશો એટલે દક્ષિણા મળી ગઇ સમજીશ. પણ આ દીકરીને અહીં દર્શને લાવજો. બની શકે તો પૂનમની સાંજે આવજો આરતીમાં હાજર રહી માં નાં દર્શન કરજો”.

નવલકિશોર કહ્યું “ભગવન આપની કૃપા અને અમારી યથાશક્તિ આપને દક્ષિણા આપવા માંગીએ છીએ. અને આપે કહ્યું એ સેવા પણ દક્ષિણારૃપે કરવા તૈયાર છીએ.”

શાસત્રીજીએ કહ્યું “પૈસા કાળી પાસે ઘણાં છે તમે તમારી પાસે રાખો તમને જરૂર છે. રહી વાત દક્ષિણાની તો મારે લેવીજ પડશે નહીંતર વિધીનું ફળ દીકરીને નહીં મળે. મારી દક્ષિણા એજ છે કે મંદિરની ગૌશાળામાં જઇને આખી ગૌશાળા તમે બંન્ને જણાં સાફ કરી આપો. એમાં ગાયનાં જે છાંણ પોદરા પડયા છે ઉપાડીને એકબાજુ સંગ્રહ કરી આપો.” એમ કહીને વેધક હાસ્ય કર્યું.

સાવીનાં માતાપિતા એકબીજા સામે જોઇ રહ્યાં. પછી આશ્ચર્ય દબાવીને કહ્યું “આપ જે આજ્ઞા કરો એ હમણાંજ કરી દઇએ”. શાસ્ત્રીજીએ કહ્યું “હું સેવકને સાથે મોકલું છું તમને યજ્ઞશાળા બતાવશે આ નાનકી ત્યાં સુધી એની બહેન સાથે રહેશે.” એમ કહીને સાવીને દૂરથી બૂમ પાડી.

સાવી આનંદથી દોડી આવી એણે હાથ જોડીને કહ્યું “શાસ્ત્રીજી નાનકીને કવચ પહેરાવી દીધુ ને ? તમારો ખૂબ ખૂબ આભાર.” એમ કહી એમનાં ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લેવા નીચે નમી.

શાસ્ત્રીજીએ બે કદમ પાછા લઇને કહ્યું “મારાં તને આશીર્વાદ છે તારાં માતા પિતા ગૌશાળામાં ગયાં છે આ નાનકી હવે સંપૂર્ણ સુરક્ષિત છે કવચ એનાં ગળામાં છે” એમ કહીને નાનકીને એની પાસે મોકલી.

નાનકી સાવી પાસે દોડી ગઇ એને વળગી ગઇ. નાનકી એને વળગી પણ સાવીને જાણે કરંટ જેવો ઝાટકો લાગ્યો. નાનકી એનાંથી અળગી થઇ ગઇ.

સાવી આશ્ચર્યથી મહારાજ ને જોઇ રહી શાસત્રીજી (મહારાજ) મૌનમાં હાસ્યથી એની સામે જોઇ રહેલાં પછી બોલ્યાં “આ જે માદળિયું ગળામાં કાળી માંનું પહેરાવ્યુ છે એનો પ્રતાપ છે અને મને જે વ્હેમ હતો એ સાબિત થઇ ગયો. તું પણ મેલી છે પ્રેત છે.. આ શરીર કોઇ બીજીનું છે એનું તું પહેલાં ઋણ ચૂકવી દેજો. તારી બહેન સુરક્ષિત છે તું..”. શાસ્ત્રીજી આગળ બોલે પહેલાં....





વધુ આવતા અંકે ---- પ્રકરણ-86