Repent books and stories free download online pdf in Gujarati

પસ્તાવો


' નિજ ' રચિત એક સુંદર વાર્તા

' પસ્તાવો '

' સટ્ટાક ' દઈને અવાજ આવ્યો, અવાજ સાંભળી રોડ પર લોકો થંભી ગયા, ​જોયું તો એક ' જાણીતો ' ચહેરો બુટલેગર, ગુંડો ભૈરવનો હતો, અને સામે એક યુવતી હતી, મામલો એક્સિડન્ટનો લાગતો હતો, ભૈરવથી આમ પણ બધા ગભરાતા, ભૂલેચૂકે ય કોઈ એના રસ્તામાં આવતું નહીં, એણે વળી આજે કોનો વારો કાઢ્યો?
બધા અવાજ આવ્યો એ તરફ જોવા માંડ્યા, ભૈરવની ઓડી ગાડી અને પેલી યુવતીના સ્કૂટર વચ્ચે એક્સિડન્ટ થયો હતો, ભૈરવ ગાડીમાંથી બહાર નીકળીને તરત જ પેલી છોકરીને તમાચો જ મારી દીધો,
' તારી જાતને, મારી ઓડી તને દેખાતી નથી? (ગાળ, ગાળ) '
' નહીં સર, વાંક આપનો હતો, આપે એકદમ ગાડી ટર્ન કરી ને એમાં મારું સ્કુટર ટચ થઈ ગયું, તો પણ સોરી સર,એક્સ્ટ્રીમલી વેરી સોરી '
' હવે સોરી ની બચ્ચી, એક બીજી આપીશ હમણાં ડાબા હાથે, આ ઘસરકાનો ખર્ચો કોણ આપશે, તારો...,.,,?
' સોરી સર, પાકીટ માં ત્રણ હજાર જ છે, મારી બેબીની કેજી ની ફી ભરવાની છે એના છે '
' એ ગમે તે હોય ' આમ કહી ભૈરવે પર્સ ઝૂંટવી લીધું અને રોફભેર ઓડીમાં બેસી જતો રહ્યો,
પેલી યુવતી પણ રડતી આંખે સ્કુટર લઈને નીકળી ગઈ, તમાશો પતી ગયો એટલે લોકોય વેરાઈ ગયા,...
ભૈરવ હજુ તો થોડે જ દૂર ગયો હશે ને એક ડમ્પર સાથે ભયંકર એક્સિડન્ટ થઈ ગયો, ઓડીના કુચ્ચે કુચ્ચા નીકળી ગયા, લોકોએ કચ્ચરઘાણ થયેલી ઓડીમાંથી અર્ધબેભાન ભૈરવને બેરેબેરે બહાર કાઢ્યો ને નજીક ની હોસ્પિટલમાં લઈ ગયા, ગાડીમાંથી એનો સામાન પણ કાઢી લીધો ને હોસ્પિટલ બેડની બાજુના ટેબલ પર મૂકી દીધો, મલ્ટીપલ ફ્રેકચર, ઇન્ટરનલ ઇન્જરી, તરત જ ટ્રીટમેન્ટ ચાલુ થઈ ગઈ,
ભૈરવ એટલે શહેર નો ' જાણીતો ' ચહેરો, એટલે ટ્રીટમેન્ટ પણ સ્પેશિયલ, એની સેવામાં એક સિસ્ટર કાયમ માટે , એમ ભાન તો આવી જ ગયું હતું, પણ હજી ઘણા કામ બેડ પર જ પતાવવા પડે એમ હતા,
બહુ ખંતથી સેવા કરતી હતી એ નર્સ, માસ્ક પહેરીને સવારે આવે ત્યારે સૌ પ્રથમ પહેલા બ્રશ કરાવે, ત્યાર બાદ આખા શરીરે સ્પંજ, શરીરના દરેક જોઇન્ટ પર ટેલકમ પાવડર, પોતાના જ ભાઈની સેવા કરતી હોય તેમ સેવા કરે રાખે, ડોક્ટરે ચલાવવાનું કહ્યું હતું એટલે હાથ પકડીને ધીમે ધીમે ચલાવે, પોઝિટિવ વાતો કરે રાખે,
રજાનો દિવસ આવી ગયો,
ભૈરવને લેવા માટે પુષ્કળ લોક ભેગુ થઈ ગયું, પેલી નર્સ હાથ પકડીને ધીમે ધીમે ભૈરવને બહાર લઈ આવી, બહાર વ્હીલચેર પર ભૈરવને બેસાડીને અંદર વોર્ડ માં જવા ગઈ ને ભૈરવે હાથ પકડી લીધો, બધાની સામે રડવા માંડ્યો,
' સિસ્ટર, આ તમારૂ પર્સ, એની અંદર તમારી બેબીની કૉલેજ સુધીની ફી મુકેલી છે, ના ન પાડશો, તમે સ્વમાની છો એ મને ખબર છે, પણ આજથી મને તમારો ભાઈ માનજો, પેલા એક્સિડન્ટમાં મારો વાંક હોવા છતાં મેં તમને તમાચો મારેલો, અને તેમ છતાં તમે મારી સેવા કરી, ભલે તમે ચહેરા પર માસ્ક પહેરેલું પણ હું તમને ઓળખી ગયો હતો,આઇ એમ વેરી વેરી સોરી ' કહી ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો,
( આજે આંતરરાષ્ટ્રીય નર્સિંગ ડે છે, જે ફ્લોરેન્સ નાઇટીંગેલની જન્મજયંતિની ઉજવણી કરે છે ,જેઓ નર્સિંગ ક્ષેત્રે અગ્રણી વ્યક્તિ હતા. ફ્લોરેન્સ નાઇટીંગેલનો જન્મ 12 મે, 1820 ના રોજ ઇટાલીમાં થયો હતો.નર્સિસ વગર દરેક હોસ્પિટલ, દરેક નર્સિંગ હોમ અધૂરા છે, ઓછા પગારમાં પણ આ લોકો જે ચીવટથી ,જે ખંતથી દર્દીઓની સુશ્રુષા કરે છે એ કાબિલેદાદ છે)
.
.
જતીન ભટ્ટ (નિજ)
94268 61995