Shamanani shodhama - 30 books and stories free download online pdf in Gujarati

શમણાંની શોધમાં - પ્રકરણ 30

          સવારમાં ચાર્મિએ શ્યામને જગાડ્યો ત્યારે આઠ વાગ્યા હતા.  

          “શ્યામ, હવે ઉઠી જા. ગુરપ્રિત પણ શાળાએ જવા નીકળી ગઈ છે.”

          “હા, ક્યારનોય ઉઠી જ ગયો છું બસ પથારીમાં પડ્યો હતો.” શ્યામે રાતના સપનાને યાદ કરવાનો પ્રયાસ કરતા કહ્યું.

          રાત્રે શ્યામને કોઈ ભયંકર સપનું આવ્યું હતું પણ એને કઈ યાદ નહોતું. પગમાં નજીવો દુખાવો હતો એટલે એણે પેનકિલર લેવાનું ટાળ્યું. ગુરપ્રિત હાજર ન હતી એટલે ફરી તેઓ આયોજન કરવા લાગ્યા.

          “જેને બેહોશ કરવા માટે મેં ફટકો આપ્યો હતો એ પીસ્તાલીશ મિનીટ પછી પણ હોશમાં નહિ આવ્યો હોય. એ મરી ગયો હશે માટે પોલીસે એની ડેડબોડી પર ગોળીઓ ચલાવી એને મુઝરિમ સાબિત કરી દીધો હશે.”

          “લાગે તો એવું જ છે પણ પોસ્ટમોર્ટમ રીપોર્ટ તો સાચું કારણ સામે લાવી જ દેશે ને?”

          “પોસ્ટમોર્ટમ રીપોર્ટ તો એમની જે મરજી હશે એ મુજબનો તૈયાર થઇ જશે.” ચાર્મિએ કહ્યું.

          “પોલીસ એમના સાથે ભેલેલી છે એમાં તો હવે કોઈ બે મત નથી.” એણે કહ્યું.

          “હા, પોલીસ એમની સાથે જ છે - મીડિયા પણ એમની સાથે જ છે - બસ આપણા નશીબ કામ કરી ગયા છે માટે નોટબંધીના સમાચારમાં આપણા ન્યુઝ કોઈના ધ્યાનમાં નથી આવ્યા.”

          “એ લોકો આપણા સ્કેચ બહાર નહિ પાડે?”

          “હા, સ્કેચ તો બહાર પાડશે પણ એ સ્કેચ એવા હશે કે આપણે પોતે પણ આપણો ચહેરો નહિ ઓળખી શકીએ.” ચાર્મિ હસતા હસતા બોલી.

          “કેમ?”

          “કેમકે પોલીસ ખાતાના બધા અધિકારીઓ એમની સાથે મળેલા નહિ જ હોય એ લોકો આપણા સ્કેચ બહાર પાડે તો આખા સ્ટેટની પોલીસ આપણી પાછળ લાગી જાય અને એવું પણ થઇ શકે કે આપણે કોઈ ઈમાનદાર પોલીસ અધિકારીના હાથમાં આવી જઈએ. એ લોકો એવું જોખમ ન જ લે. એ લોકો આપણને અન-ઓફિસીયલી ખતમ કરવામાં જ રસ લેશે એટલે સ્કેચ એ લોકો ખામી વાળા જ જાહેર કરશે.”

          “હવે શું કરીશું?”

          “નોટબંધી અમલમાં મૂકાઈ છે એના લીધે આપણી હાલત વધુ ગંભીર છે.”

          “ગુરપ્રિત પાસેથી કોઈ ઉમ્મીદ રાખી શકાય એમ છે?”

          “ગુરપ્રિત ગરીબ ઘરની છે આપણે એની પાસેથી કોઈ આશા ન રાખી શકીએ. ઉલટા આપણે જતા સમયે એને કઈક આપવું પડશે.”

          “આપણી પાસે હજારેક રૂપિયા છે એમાંથી શું આપીશું?”

          “કંઈક તો કરવું જ પડશે... મારા એકાઉન્ટમાં ચાલીસ હાજર છે પણ ડેબીટ કાર્ડ કીડનેપર પાસે છે.”

          “મારું ડેબીટ કાર્ડ પણ કિડનેપર પાસે છે. મારો મોબાઈલ પણ એમની પાસે જ છે.”

          “હેડથી વાત કરવા સિવાય કોઈ રસ્તો જ નથી..” કહીને ચાર્મિએ ગુરપ્રિતનું લેપટોપ ઓન કર્યું.

          ચાર્મિએ મેઈલ એનક્રિપ્ટર ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કર્યું જેથી ઇમેઈલ કોઈ હેક કરી શકે નહી. ચાર્મિએ એના ઇમેલ એકાઉન્ટમાં લોગ-ઈન કર્યું.

To: head.detectivedepartment@dp.org

Encrypted mail from: c31540i@dp.org

I was kidnapped, now I am free and safe but without wallet and cell phone. Need cash - Rs. 10000 in denomination of only Rs. 50 or Rs. 100 and  adhar identity. Such a situation set as Police mustn’t be informed.

 

          ચાર્મિએ મેઈલ સેન્ડ કર્યો. લોગ આઉટ કરી લેપટોપ બંધ કર્યું.

          “અબ હમ રીપ્લાય આને તક ઇન્તઝારકે અલાવા કુછ નહિ કર શકતે..” ચાર્મિએ કહ્યું.

          એને અર્ચનાની યાદ આવતી હતી. પણ એને ખબર હતી કે આ પરિસ્થિતિમાં એનો કોન્ટેક્ટ કરી શકાય એમ હતો નહિ એટલે એણે મનને ડાયવર્ટ કરવા સિગારેટ સળગાવી. સિગારેટના ધુમાડાની સેર વિવિધ આકૃતિઓ રચતી હતી તે એ જોતો હતો. એ આકૃતિઓમાં અલગ અલગ પ્રાણીઓની કલ્પના કરતો હતો. પ્રાણીઓની કલ્પના પરથી એને રાત્રે આવેલ એ ભયંકર સ્વપ્ન યાદ આવી ગયું. સ્વપ્નમાં એ કોઈ વર્ષોથી બંધ કત્લખાનામાં ઉભો હતો. એની ચારે બાજુ મીટ-હુક લટકતા હતા. એની ચારે બાજુની દીવાલો લાલ રંગે રંગેલી હતી કે પશુઓ કાપતી વખતે ઉડતા લોહીના કારણે એ દીવાલો લાલ થઇ ગઈ હશે એ બધું એ નક્કી કરી શકે તેમ હતો નહિ. એના પગ નજીકથી જ લોહી વહેવા માટેની ડ્રેનેજ લાઈન ચાલુ થયેલી હતી. સ્વપ્નનો વિચાર આવતા એ થરથરી ગયો.

          એ ભલે સપનું હતું પણ પ્રતીકાત્મક રીતે વાસ્તવિકતા જ હતી. અત્યારે એ સ્વપ્ન જેમ કત્લખાનામાં જ ઉભો હતો. મૂંગા પશુઓ જેમ એને પણ ક્યાં ખબર હતી કે આ લોકો એને કેમ મારવા માંગે છે? એણે ચાર્મિ સામે જોયું. આ છોકરી ન હોત તો એ હજુ પણ ત્યાજ કેદમાં હોત અને એક દિવસ ગુમનામ રીતે મરી ગયો હોત! ભવિષ્યની એને ખબર ન હતી પણ અત્યારે તો એ સલામત હતો. એને ત્રણ વર્ષથી સતાવી રહેલ એ સ્વપ્ન પણ યાદ આવ્યું. એ જ શબ્દો એ બોલે છે સ્વપ્નમાં, એ જ ચહેરો અને એ જ ચહેરા પરની વેદના. પરંતુ આજ સુધી એ સ્વપ્ન-કન્યાનો ચહેરો સ્પષ્ટ જોઈ શક્યો નથી. ધુમ્મસ અને એના ચહેરા પરની વેદના એને એનો ચહેરો ઓળખવા દેતા હતા નહિ.

          એની નજર રૂમની દીવાલ પર ટીંગાડેલ એક ફોટા પર પડી. એમાં ગુરપ્રિત અને એની સાથે લગભગ એના પિતાજી હતા.

          શ્યામને એના પિતાજીનો ચહેરો એકદમ સૌમ્ય લાગતો હતો. જયારે પિતાજી ફરજીયાત રાતના 10 વાગ્યે એના રૂમની લાઈટ બંધ કરાવતા ત્યારે એને કેટલો ગુસ્સો આવતો? ઊંઘ આવે ત્યારે ઊંઘવાનું અને ઊંઘ ઉડી જાય ત્યારે જાગવાનું હોય તો કેવું સારું એમ ત્યારે એને થતું. શા માટે પિતાજી રાત્રે 10 વાગ્યે ઊંઘી જવું અને સવારના 6 વાગ્યે જાગી જવું એવો આગ્રહ રાખતા હશે.

          કિડનેપ થયા પછી એનું એ સપનું પૂરું તો થયું - ઊંઘ આવે ત્યારે ઊંઘવાનું અને ઊંઘ ઉડે ત્યારે જાગવાનું - પણ એ ઊંઘ કરતા અનિચ્છાએ પિતાજીના નિયમોનું પાલન કરીને લીધેલ ઊંઘ હવે એને સારી લાગતી હતી. પિતાજી કોઈ યજમાનના ઘરે રાત્રે સત્યનારાયણની કથા કરાવવા ગયા હોય ત્યારે એ અને અનિરુદ્ધ રાતના બાર એક વાગ્યા સુધી મુવી કે નેટ પર ચોટીને કેટલા ખુશ થતા હતા!

          ‘રાતના 10 વાગી ગયા છે હજુ લાઈટ કેમ ચાલુ છે તારા રૂમની? સુઈ જા’ પિતાજીના એ શબ્દો સાંભળીને તેઓ એટલા ડરી જતા કે તરત લાઈટ બંધ કરીને સુઈ જતા. બે માળનું એમનું ઘર. ભાડાનું ઘર. નીચેના માળે બે રૂમ, હોલ અને કિચન. એક રૂમ પપ્પાનો બેડરૂમ. બીજો રૂમ મોટાભાઈ સત્યમ અને એનાથી નાના કલ્પેશનો બેડરૂમ કમ સ્ટડીરૂમ. સૌથી નાનો અનિરુદ્ધ હોલને જ પોતાનો બેડરૂમ, સ્ટડીરૂમ કે જે કહો તે કહી શકે.

          શ્યામે જાણી જોઈને ઉપરનો માળ પસંદ કર્યો હતો. પિતાજીથી જેટલા દુર એટલા સલામત એ નિયમ એણે બાળપણથી જ પ્રયોગોના આધારે સ્વીકારી લીધેલ. ઉપર એક મોટો રૂમ હતો. એ રૂમમાં એ ઊંઘતો, ભણતો અને ભણાવતો.

          એની આંખો સમક્ષ પિતાજી ઉભરી આવ્યા. પિતાજી કરતાં રામેશ્વર પંડિત કહીએ તો વધુ યથાર્થ રહેશે. એક પ્રતિષ્ટાવાન પંડિત. છ ફીટ હાઇટ. મસ્તક પર લાલ રંગની અંદર સફેદ ટપકાંવાળી પાઘડી, ભરાવદાર ચહેરો, મોટી મૂછો, મોટી આંખો અને અભિમાની ચહેરો. હમેંશા ગુસ્સામાં હોય એવું લાગે.

          કોઈ ફોટામાં પણ શ્યામે એમને હસતા જોયેલા હોય એવું એ યાદ કરી શકે તેમ નહોતો! એમનો એક જ પોષાક- સફેદ પહેરણ, પહેરણને રીંગ બટન જ નાખેલ હોય, બાંયો લાંબી પણ એ બાંયોને ગડીવાળીને કોણીથી ઉપર સુધી ચડાવીને જ રાખે. સફેદ ધોતી અને ગળામાં લાલ રૂમાલ. બધા શાસ્ત્રી કે મહારાજ કહીને બોલાવે એટલે અભિમાનથી આંખોથી હસતા, હોઠો પર તો સ્મિત કયારેય ન જ આવે. સંસ્કૃતમય ગુજરાતી ભાષા અને શિસ્તના આગ્રહી. ઘરમાં બધા એમનાથી ડરે.

          અનિરુદ્ધ સૌથી નાનો એટલે એના ઉપર પિતાજી ગુસ્સો કરતા નહી અને એ એમની સાથે વાતો કરી લેતો પણ શ્યામ અને પિતાજી વચ્ચે યુ.એસ.એ.- રશિયાના રાષ્ટ્રપ્રમુખો વચ્ચે હોટ લાઈન પર વાતો થાય એવા ટૂંકા સંવાદો થતા.

          શ્યામ વિચારોમાંથી બહાર આવ્યો. ચાર્મિ લેપટોપ ઓન કરી રહી હતી. એણીએ નેટ કનેક્ટ થતા જ મેઈલ ચેક કર્યા.

          “થેંક ગોડ, રીપ્લાય આવી ગયો.”

          “કેમ? આટલો જલ્દી રીપ્લાય ન આવવો જોઈએ.?”

          “મોસ્ટલી તો તરત જ આવી જાય છે પણ ક્યારેક હેડ બહાર ગયેલા હોય કે કોઈ મીટીંગમા હોય તો મોડો રીપ્લાય આવે છે..”

          ચાર્મિએ મેલ ઓપન કર્યો.   

Encrypted mail from: head.detectivedepartment@dp.org

To: c31540i@dp.org

      Location

 

          એણે લોગ આઉટ કરીને લેપટોપ બંધ કર્યું.

          દસેક મિનીટ પછી ફરીથી લેપટોપ ઓન કરીને લોગ ઇન કર્યું.

          ચાર્મિએ મેઈલનો રીપ્લાય આપવાના બદલે નવો મેઈલ કરવાનું પસંદ કર્યું.

          સામેથી આવેલ રીપ્લાય પણ મેઈલનો રીપ્લાય તો ન જ હતો. ફ્રેશ મેઈલ જ આવ્યો હતો. કદાચ કોઈ એકાદ મેઈલ હેક થઇ જાય તો પણ આખો વાર્તાલાપ હેક ન થાય એ માટે આવું કરતા હશે. દરેક મેઈલ મળ્યા પછી કે મોકલ્યા પહેલા લોગ ઇન – આઉટ થવું પણ સિક્યોરીટીના ભાગરૂપે જ હતું જે શ્યામને સમજતા વાર ન લાગી.

 

To: head.detectivedepartment@dp.org

Encrypted mail from: c31540i@dp.org

Mumbai London

Hawda Hawda Delhi

Imphal

 

          “તું આ શું લખી રહી છે..? તુમ્હારા દીમાગ ખરાબ હો ગયા હે કયા...?”

          “આ એક કોડ છે.”

          “કેવો કોડ? હું કાઈ સમજ્યો નહિ?”

          “આ કોડને સમજવાની એક ખાસ રીત હોય છે. જે વ્યક્તિ એ રીત જાણતી હોય એ જ આ કોડને સમજી શકે છે.” ચાર્મિના ગુજરાતીમાં અમુક હિન્દી શબ્દો ભળી જતા હતા.

          “એ રીત શું છે?”

          “વર્ડ્સ એન્ડ લેટર્સની પોઝીસન સમજવી.”

          “કેવી પોઝીસન?”

          “ફર્સ્ટ ફર્સ્ટ એન્ડ સેકન્ડ સેકન્ડ.” એ બોલી પણ શ્યામને કઈ સમજાયું નહિ.

          “હું હજુ કઈ સમજ્યો નહિ..”

          “જો. મેં પહેલા Mumbai લખ્યું જેનો મતલબ છે એનો પ્રથમ અક્ષર લેવાનો છે - M. ત્યારબાદ મેં London લખ્યું જેનો બીજો અક્ષર મતલબ – O. હવે બીજી લાઈનમાં મે Hawda લખ્યું જેનો ફર્સ્ટ લેટર મતલબ - H. હવે બીજી વાર Hawda લખ્યું જેનો બીજો અક્ષર મતલબ - A. પછી Delhi ત્રીજો શબ્દ છે મતલબ એનો ત્રીજો અક્ષર – L. લાસ્ટ લાઈનમાં Imphal ફર્સ્ટ વર્ડ છે માટે એનો ફર્સ્ટ લેટર - I(આઈ) લેવાનો છે.”

          “ઓકે સમજી ગયો.” એણીએ MOHALI  લખ્યું હતું એ શ્યામને હવે સમજાયું.

          કોડ એવી ભાષા છે કે જો તમને કોડ કઈ રીતે લખવામાં આવ્યો છે એ ખબર હોય તો તમે એક સેકન્ડમાં સમજી શકો પરંતુ જેને કોડના ફોમ્યુલા ખબર ન હોય એને કોડ ઉકેલતા ઘણો સમય નીકળી જાય. ઉપરાંત કોડ ઉકલ્યા પછી પણ એ વ્યક્તિ સંપૂર્ણપણે પોતાના જવાબ પર વિશ્વાસ ન કરી શકે કારણકે કોડ ઉકેલતી વખતે  કેટલાય શકય જવાબો મળે પણ એમાંથી સાચો કયો એ એક પ્રશ્ન જ રહી જાય. હા, કોઈ કાબેલ ઓફિસર હોય તો ભૂતકાળ કે અન્ય કોઈ બાબતોના આધારે શકય જવાબોમાંથી એકાદ જવાબ અલગ તારવી શકે. જોકે એ પણ અંતે તો એક અનુમાન જ હોય છે.

          મેઈલ સેન્ડ કરીને ચાર્મિ લોગ આઉટ થઇ ગઈ અને લેપટોપ બંધ કર્યું. એ વિચારોમાં ખોવાયેલી લાગતી હતી.

          ગુરપ્રિત પાછી આવી ત્યારે એમને ભાન થયું કે બપોરનો એક વાગી ગયો હતો. ગુરપ્રિત શાકભાજી લઈને જ આવી હતી. ગુરપ્રીતે જમવાનું બનાવવાની તૈયારી કરી. ચાર્મિએ એને થોડા ઘણી મદદ કરી અને બંનેએ જમવાનું બનાવ્યું.

          જમ્યા પછી શ્યામને થોડી આળસ આવી રહી હતી પણ એણે ઊંઘવાનો વિચાર મનમાં આવવા દીધો નહિ. ત્રણ વાગ્યા સુધી ચાર્મિ અને ગુરપ્રિત મેગ્પી બની ગઈ. પંજાબીમાં એ બંને કલબલ કરતી રહી.

          ત્રણ વાગ્યે ગુરપ્રિત નજીકમાં જ કયાંક હોમ ટ્યુશન લેવા ગઈ. ગુરપ્રિત ગઈ એટલે એણે ચાર્મિ જોડે એક પેનકિલર માંગી. એણે પેનકિલર લીધી. એને હાથ કે પગના બદલે અત્યારે સીવર હેડેચનો અનુભવ થઇ રહ્યો હતો. આ બે મેગ્પીઓ ભેગી થાય તો ગમે તેને હેડેચ લાવી શકે તેમ હતી એ વિચારીને એ મનમાં જ મલક્યો.

          ચાર્મિએ ફરી લેપટોપ ચાલુ કર્યું. બે અલગ અલગ મેઈલ હેડ તરફથી આવ્યા હતા. એકમાં લખેલ હતું -

૩ / 5510 ચડ્ડા & બ્રધર્સ,

સેક્ટર - 70, દિલ્હી.

 

બીજા મેઈલમાં લખેલ હતું:

 રોઝવુડ & સિસ્ટર્સ

 

          દિલ્હી એટલે મોહાલી સમજવાનું હતું અને રોઝવુડ & સિસ્ટર્સ એ કેશ કલેક્ટ કરવા માટેનો પાસવર્ડ હતો. ચાર્મિએ મેઈલના જવાબ આપ્યા વિના જ લોગ આઉટ કરીને લેપટોપની બધી હિસ્ટ્રી ડીલેટ કરી. એન્ક્રિપ્શન સોફ્ટવેર અનઇન્સ્ટોલ કરીને લેપટોપ બંધ કર્યું. શ્યામ સમજી ગયો કે હવે ચાર્મિને મેઈલ કરવાની જરૂર નહોતી.

          “હું રોકડ લઈને આવું છું. સાડા ત્રણ વાગ્યા છે મને એકાદ કલાક જેટલો સમય થઇ જશે અને જો એનાથી વધુ સમય થાય તો પણ તું અહીંથી બહાર ન નીકળીશ. મને શોધવા નીકળવાની ભૂલ ન કરતો.” ચાર્મિએ તૈયાર થઇ એને સમજાવ્યુ.

          “ઓકે.”

          ચાર્મિ રૂમની બહાર ગઈ એટલે શ્યામે બેડ પર શરીરને લંબાવ્યું. એને ઊંઘ આવતી હતી પણ ઊંઘવાનું એને યોગ્ય ન લાગ્યું.

ક્રમશ: