Shamanani Shodhama - 31 books and stories free download online pdf in Gujarati

શમણાંની શોધમાં - પ્રકરણ 31

          સાડા ત્રણ સુધી રાહ જોઈને શ્યામ કંટાળ્યો. સાડા ત્રણ પછી પણ ઘડિયાળનો કાંટો ફરતો હતો અને ચાર્મિ હજુ પાછી ફરી નહોતી એટલે શ્યામ અકળાઈ ઉઠ્યો. જો એ પકડાઈ ગઈ હશે તો? તો એને જરૂર મારી નાખશે કેમ કે ચાર્મિએ એમના બે માણસોને અને બે કુતરાને માર્યા છે.

          સાડા ચાર વાગ્યે ચાર્મિ પાછી આવી ત્યારે શ્યામને જંગ જીત્યાનો અહેસાસ થયો. ચાર્મિના ચહેરા પર થોડોક થાક દેખાતો હતો.

          “કામ થઈ ગયું?” રૂમમાં ચક્કર મારતો શ્યામ એના પાસે ધસી જઈ તરત બોલ્યો.

          “યસ, થઇ ગયું પણ લોકેશન સુધી પહોચવામાં બહુ મુશ્કેલી થઇ.”

          “કેમ? એ લોકો આપણી શોધમાં નીકળેલા હતા..? શું એ કોઈનો સામનો થયો હતો?” શ્યામે ઊંચા શ્વાશે ઘણા બધા સવાલો કરી નાખ્યા.

          “ના, ના, એવું કઈ નથી થયું પણ એકદમ શોર્ટ એડ્રેસને લીધે એ સ્થળ શોધવામાં મુશ્કેલી થઇ હતી.. શું કરીએ? હેડ મેઈલમાં પૂરું એડ્રેસ મૂકી પણ ન શકે.” ચાર્મિ ચેરમાં ગોઠવાઈ અને બેગ ખોલી. બેગમાંથી કેટલાક વર્તમાનપત્રો બહાર નીકાળ્યા.

          થોડીવારમાં ગુરપ્રિત પણ આવી ગઈ.

          “ગુરપ્રિત, તુમ થકી તો હોગી પર પ્લીઝ, થોડી ચાય બના દેના..” ચાર્મિ બોલી.

          “કયો નહિ..? ઔર હા મેરા તો યે રોજકા હે મેં થકતી નહિ હું.” ગુરપ્રીતે ચા બનાવી. ત્રણેયે ચા પીધી.

          “અબ કોચિંગ લેને જાના હે?” ચાર્મીએ પૂછ્યું.

          “નહીં, અભી સિર્ફ એક હી કોચિંગ મિલા હે.” ગુરપ્રીતે જરાક ઉદાસી સાથે કહ્યું.         

          ચા પીધા પછી ચાર્મિએ ન્યૂઝ પેપર સ્ટડી કરવાનું ચાલુ કર્યું. ગુરપ્રિત ટીવી ચાલુ કરીને કોઈ પંજાબી સીરીયલ જોવા લાગી. આજના ન્યુઝપેપરમાં પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલ વ્યક્તિનો પોસ્ટમોર્ટમ બાદનો ફોટો છપાયો હતો. એના લમણામાં પોલીસની બુલેટ ઉતરી જવાથી એ સ્થળ પર જ મરી ગયો હતો એવું ડોક્ટરના હવાલાથી લખેલ હતું. ગુનેગારની ઓળખ હજુ પણ પોલીસ પ્રસ્થાપિત કરી શકી ન હતી. એક મહિલા અને એક પુરુષ ગુનેગાર ભાગવામાં સફળ થયા એ વાત ફરી રીપીટ કરવામાં આવી હતી. અંધારાના કારણે પોલીસ ભાગવામાં સફળ થયેલ ગુનેગારોને ઓળખી શકી નથી.

          પોલીસ ભાગેલ ગુનેગારોને પકડવા પ્રયત્નો કરી રહી છે એ સાથે સમાચાર પુરા થતા હતા.     

          “ગુરપ્રિત, હમ બાજારસે કુછ સામાન ખરીદકે આતે હે.” ચાર્મિએ સમાચાર વાંચ્યા બાદ કહ્યું.

          “ક્યાં ખરીદના હે...?”

          “યુહી કુછ ચીજે લાની હે.. ખાસ કુછ નહિ..”

          “ઠીક હે.”

          શ્યામ અને ચાર્મિ રૂમની બહાર નીકળી સીડીઓ ઉતર્યા.

          “કોઈ આપણને જોઈ જશે તો..?”

          “કોઈ આપણે જોઈ લે એ માટે તો જઈ જ રહ્યા છીએ.”

          “હું કઈ સમજ્યો નહિ..”

          “દેખ.. હું જાણવા માંગું છું કે કોઈ આપણને માર્કેટમાં જોઈ લે તો શું રીએકશન આવે છે.” ચાર્મિ બોલી. થોડીવાર સુધી બંને મુંગા બની ચાલતા રહ્યા.

                                                                                                   *

          શ્યામ અને ચાર્મિ છોટે માર્કેટ પહોચ્યા ત્યારે ત્યાં રોજની ભીડ પોતાની ખરીદીમાં વ્યસ્ત હતી. માર્કેટનું નામ જ માત્ર છોટે માર્કેટ હતું બાકી ત્યાં દરેક ચીજ મળી રહેતી હતી.. શ્યામ સમજી ન શક્યો કે કોઈએ એ માર્કેટનું નામ છોટે માર્કેટ કેમ રાખ્યું હશે ખરેખર એ નામ બડે માર્કેટ હોવું જોઈતું હતું.

          ચાર્મિએ એક રેડીમેડ સ્ટોરમાંથી શ્યામ માટે બે જીન્સ, એક શર્ટ અને હુડી ગરમ સ્વેટર ખરીદ્યું. પોતાના માટે પણ બે જોડ જીન્સ અને શર્ટના બદલે ટી-શર્ટ ખરીદી. ગુરપ્રિત માટે એક અનસ્ટીચ્ડ ડ્રેસ ખરીદવાનું એ ન ભૂલી.

          કાઉન્ટર પર પેમેન્ટ કરી તેઓ નજીકના એક શુઝ સ્ટોર પર ગયા. ચાર્મિએ પોતાના માટે કેનવાસ શુઝ પસંદ કર્યા. ચાર્મિએ શ્યામને એની પસંદ વિશે પૂછ્યું એટલે એણે પણ કેનવાસ જ કહ્યું. આમ પણ શ્યામને કેનવાસ અને પાર્ટી શુઝ એમ બે જ નામ આવડતા હતા. ચાર્મિએ પેમેન્ટ કર્યું. નોટબંધીના કારણે શુઝના વેપારીએ સાંજના સમયે એમના હાથે બોણી કરી હતી એટલે શુઝ એમને સસ્તા ભાવે મળી ગયા.

          આમ તો કપડાનું બીલ પણ સામાન્ય કરતાં ઓછું જ હતું. કદાચ નોટ-બંધીના કારણે નાના વેપારીઓ ભાવ ઘટાડવા મજબુર થયા હશે. ઓછો નફો લઈને પણ દુકાનના સ્થિર ખર્ચા તો કાઢી જ લેવા એવી ગણતરી એ લોકો રાખતા હશે એવું એમને લાગ્યું.

          શ્યામને કોમર્સના વિદ્યાર્થીઓને ભણાવતો એ કોસ્ટ એકાઉન્ટીંગના ફિક્સ્ડ એક્સ્પેન્સીસ અને વેરીએબલ એક્સપેન્સીસ પ્રકરણો યાદ આવ્યા. એ મનોમન મલક્યો.

          વળતાં ચાર્મિ એક ઢાબા પાસે અટકી.

          “અહી કેમ અટકી ગઈ...?”

          “સાંજે ગુરપ્રિતને હેરાન નથી કરવી જમવાનું પેક કરાવી લઈએ. શું પેક કરાવું..?”

          “ગમે તે લઇ લે અને ગુરપ્રિતને શું પસંદ છે એ તો તને જ ખબર હોય ને...?”

          “ભલે..”

          શ્યામ અને ચાર્મિ ઢાબાના કાઉન્ટર પાસે પહોચ્યા. શ્યામને પેલા ખડતલ વ્યક્તિના શબ્દો યાદ આવ્યા, અબ પલ ઢાબેકી મુલાકાત અગલે જનમ હી કરના. પણ એ ખડતલ ખોટો હતો. તેઓ એક ઢાબા આગળ હતા જોકે એ પલ ઢાબા નહોતો.

          “વીરે, ચીટ્ટે છોલે ઔર પંજ પરાઠે પેક કરના...” ચાર્મિએ ઓર્ડર આપ્યો.

          “અચાર...” શ્યામે યાદ અપાવ્યું.

          “ગુરપ્રિત કે કમરે પે હે....” ચાર્મિએ જવાબ આપ્યો.

          માત્ર ફિલ્મો કે નવલકથાઓમાં જ નહિ હકીકતમાં પણ જાસૂસો એક નજરમાં બધી વસ્તુઓ ધ્યાનમાં લઇ લે છે. શ્યામે ગુરપ્રિતના રૂમમાં કોઈ વસ્તુ પર ધ્યાન આપ્યું જ નહપતું.

                                                                                                        *

          રૂમ પર આવીને તેમણે પહેલા ચણા અને પરાઠાને પ્રાધાન્ય આપ્યું. એમણે  એક એક પરોઠો ખાધો. ગુરપ્રીતે બે પરોઠા ખાધા. ત્રીજો પરોઠો બગડશે એવો ડર બતાવીને ગુરપ્રીતે એમની સામે ધર્યો. એણે અને ચાર્મિએ સમ ભાગે એ પરોઠાને ન્યાય આપ્યો.

          શ્યામને હજુ પણ ભૂખ તો હતી પણ એને ખબર હતી કે જમ્યા પછી અહીંથી નીકળવાનું હતું અને રસ્તામાં કંઈ થાય તો ભરપેટ જમ્યા પછી દોડવું મુશ્કેલ થઇ જાય. હાથ અને પગના ઘામાં હવે દુખાવો થતો ન હતો પણ એ દોડી શકશે કે કેમ એ પણ એક પ્રશ્ન હતો. જમ્યા પછી ચાર્મિએ ગુરપ્રિતને કપડા બતાવ્યા અને ડ્રેસ ગુરપ્રિતને આપ્યો.  

          શ્યામે બાથરૂમમાં જઈને એની સાથળ પર ડ્રેસિંગ કર્યું. નવા જીન્સ અને શર્ટ એને અનકમ્ફર્ટેબલ ફિલ થતા હતા. એ બાથરૂમમાંથી બહાર આવ્યો. હાથ પરનું ડ્રેસિંગ એણે ચાર્મિ જોડે જ કરાવ્યું. ચાર્મિએ એના લોહીવાળા જુના કપડા ભેગા જ એના અને શ્યામના જુના કપડા ભર્યા.

          ચાર્મિ નવા જીન્સ અને ટી-શર્ટમાં એકદમ આકર્ષક લાગતી હતી. ચાર્મિએ એક બેગમાં કપડા અને દવાઓ ભરી. ગુરપ્રિતનું ધ્યાન ચૂકવીને ચાર્મિએ બેગમાંની ગન પોતાની જીન્સના ગર્ડ્લમાં સરકાવી દીધી.

          એક બેગ ચાર્મિએ અને એક બેગ શ્યામે હાથમાં લીધી. તેઓ ગુરપ્રિતને થેન્ક્સ અને બાય કહીને નીકળ્યા.

          થોડુક ચાલ્યા પછી તેમને એક ઓટો મળી ગઈ.

          ચાર્મિ મોહાલીનું ભૂગોળ સારી રીતે જાણતી હોય એમ એને લાગ્યું. થોડીવાર સુધી એણીએ ઓટો ડ્રાયવરને ગાઈડ કરીને એક નિર્જન રોડ પર ઓટોને અટકવરાવી.

          શ્યામ ચાર્મિની પાછળ ઓટોમાંથી ઉતર્યો ત્યારે ચાર્મિ ચાલવા લાગી. એ પણ એની સાથે ચાલ્યો. આપણે ક્યાં જઈ રહ્યા છીએ એમ પૂછવાનું એને યોગ્ય ન લાગ્યું કેમ કે એ જયાં કહે ત્યાં એને એની સાથે સાથે જવાનું હતું.

          નિર્જન રસ્તા પર એક સ્થળે ચાર્મિ અટકી. એણીએ એના હાથમાં રહેલી બેગ લીધી અને રોડની સાઈડના ડામર વગરનાં ભાગ પર બેગ મૂકી ગજવામાંથી લાઈટર કાઢી એ લોહીવાળા એના કપડા, ચાર્મિના કપડા અને પેલાનું જેકેટ બધાને આગ લગાડી દીધી.

          ચાર્મિએ સિગારેટ સળગાવીને સિગારેટનું પેકેટ અને લાઈટર શ્યામ તરફ ધર્યા. શ્યામે પણ સિગારેટ સળગાવી.

          એમની સિગારેટ પૂરી થઇ એટલામાં કપડા અને બેગ રાખનો ઢગલો થઇ ગયા હતા. ઠંડી વધી રહી હતી એટલે કે તરત ઓળખાઈ ન જવાય એ માટે જે હોય તે પણ ચાર્મિએ હુડી સ્વેટર પહેરીને પોતાના વાળ અને મસ્તક સ્વેટરના હુડ નીચે છુપાવી દીધા.

          શ્યામે પણ જેકેટ પહેર્યું અને ચાર્મિની જેમ હુડમાં એના વાળ છુપાવી દીધા.

          “ચલ..”

          “મુજે કબ યહાં રાત બીતાની હે...” એણે જવાબ આપ્યો અને બંને ચાલવા લાગ્યાં.

          અડધો કલાક ચાલ્યા પછી એમને હાઈવે પર પહોચી ગયા હોય એવું લાગ્યું કેમકે વાહનોની અવર જવર વધુ હતી.

          ચાર્મિએ હાથ કરી એક ઓટો રોકી. બંને ઓટોમાં ગોઠવાયા.

                                                                                                           *

          ક્રિસ્ટી છેલ્લા કેટલાય સમયથી એક બંધિયાર સ્થળે આંખો ખોલતી હતી. શરૂઆતના દિવસોમાં એજન્ટ મલિક એને ટોર્ચર કરતો હતો પણ છેલ્લા કેટલાક દિવસોથી એની પૂરી દેખરેખ રોઝી કરતી હતી. એને રોઝી પર્ત્યે ભારોભાર નફરત હતી કેમકે એને પોતે જ વિક્ટરની ટીમમાં લઇ આવી હતી અને એ જ રોઝીએ એજન્ટ મલિક સાથે ભળી જઈ એમની સાથે દગો કર્યો હતો. રોઝીને પણ નવાઈ લાગતી હતી કે એજન્ટ મલિક એને કેમ મહિનાઓથી દેખાયો ન હતો?

          શું દુનિયામાં કોઈને ખબર નહોતી કે એજન્ટ મલિક ક્યા હતો? સાયમનની બુલેટ ટ્રેનમાંથી કુદતા પહેલા એના માથાના ભાગે વાગી હતી અને એ પોતાની યાદદાસ્ત ગુમાવી બેઠો હતો. એ નદીમાં કુદી પડ્યો હતો જ્યાંથી તણાઈ એ એક રહેણાક વિસ્તારમાં પહોચી ગયો હતો જ્યાં તેનો ઈલાજ થયો હતો અને એ કોઈ પણ ઓળખ વિના એક ગુમસુદા જીવના જીવતો હતો.

          જયારે દુનિયામાં વિક્ટર જેવા મલિકના કેટલાય દુશ્મનો શ્યામને મલિક સમજવા લાગ્યા હતા એના બે કારણ હતા એક તો શ્યામ એ જ ટ્રેનની એ જ સીટ પર મુસાફરી કરી ચંડીગઢ ગયો હતો જે સીટ મલિક માટે હતી અને બીજું એ કે મલિકે પોતાના આખરી મિશન દરમિયાન કોડ નામ શ્યામ રાખ્યું હતું.

          મલિક ગાયબ થયાં પછી રોઝી જ ક્રિસ્ટીને સંભાળતી હતી. મલિકની ગેરહાજરીમાં ક્રિસ્ટીનું શું કરવું એ રોઝી નક્કી કરી શકે એમ નહોતી.

          એ દિવસે પણ રોઝી એના માટે જમવાનું લઈને આવી અને એ સમયે એની બહુ નજીક ચાલી ગઈ એ બહુ મોટી ભૂલ હતી. એને બદલે જો મલિક હોત તો એ ભૂલ ક્યારેય ન કરોત પણ રોઝી મલિકની જેમ કોઈ સાતીર ખેલાડી નહોતી.

          રોઝી એક ભૂલ કરી બેઠી. એ ક્રિસ્ટીના એકદમ નજીક ચાલી ગઈ પણ ક્રિસ્ટી એ મોકો ચુકવાની ભૂલ કરી શકે એમ નહોતી. છેલ્લા કેટલાય મહિનાઓથી એ મોકાની તલાસમાં હતી.

          રોઝી પ્લેટ મુકવા નીચે નમી એ જ સમયે ક્રિસ્ટીએ મહામહેનતે દીવાલમાંથી શોધી ખેચી કાઢેલ નેઈલ (ખીલ્લો) એની ગરદનમાં પરોવી નાખ્યો.

          રોઝી ચીસ પાડવા માંગતી હતી પણ એના ગળામાંથી અવાજ ન નીકળી શકયો બસ એક નાનકડા ગર્ગલ સાથે એ જમીન પર ઢળી પડી.

          ક્રિસ્ટીએ એના ખિસ્સા ફંફોસી બહાર નીકળવા માટે જરૂરી ચાવીઓ મેળવી લીધી અને થોડાક સમય બાદ એ બંધિયાર સ્થળની બહાર હતી.

          કદાચ એના નસીબ એ દિવસે બહુ સારા હતા કેમકે બહાર રહેલી રોઝીની મોઘી કારનીચાવી કારમાં જ ભરાવેલી હતી.

          ક્રિસ્ટી ત્યાંથી તો આઝાદ હતી પણ દુનિયાનો સૌથી મોટો ડર એની રાહ જોતો હતો. એ કારને એક્સીલેટર આપી રોડ પર દોડાવતી હતી પણ એના ચહેરા પર ત્યાંથી આઝાદ થયાંની કોઈ ખુશી નહોતી કેમકે એ જાણતી હતી કે વિક્ટર ભૂલ કરનારને ક્યારેય માફ નથી કરતો. ક્રિસ્ટીએ પકડાઈ જવાની ભૂલ કરી હતી, એજન્ટ મલિકને એ બાબતોની માહિતી આપી હતી જે બાબતો વિકટર દુનિયાથી છુપાવતો હતો અને એની સૌથી મોટી ભૂલ રોઝીને ટીમમાં દાખલ કરવી હતી. એ બધી ભૂલ બદલ વિક્ટર કઈ સજા નક્કી કરશે એ ક્રિસ્ટી જાણતી હતી. એ સજા હતી - મૃત્યુદંડ.

ક્રમશ: