Mara Swapnnu Bharat - 16 in Gujarati Fiction Stories by Mahatma Gandhi books and stories PDF | મારા સ્વપ્નનું ભારત - 16

Featured Books
Categories
Share

મારા સ્વપ્નનું ભારત - 16

પ્રકરણ સોળમુ

વાલીપણાનો સિદ્ધાંત

ધારો કે વારસામાં, અથવા તો વેપારઉધોગ વાટે મને ઠીક ઠીક ધન મળ્યું છે. મારે જાણવું જોઈએ કે એ બધા ધનનો હું માલિક નથી, મારો અધિકાર તો આજીવિકા મળી રહે એટલું લેવાનો જ છે, અને એ આજીવિકા પણ બીજા કરોડો માણસને મળી રહી છે એના કરતાં વધારે ન હોવી જોઈએ. મારી બાકીની સંપતિ પર માલિકી સમાજની છે, ને તેનો ઉપયોગ સમાજના કલ્યાણને સારુ થવો જોઈએ. જમીનદારો અને રાજાઓ જે સંપતિનો કબજો ભોગવે છે એને વિષે સમાજવાદી સિદ્ધાંત દેશની આગળ મૂકવામાં આવ્યો ત્યારે મેં આ ટ્રસ્ટીપણાના સિદ્ધાંતનું પ્રતિપાદન કર્યું.

સમાજવાદીઓને તો આ ખાસ હક્કો ને સુખ-સગવડો ભોગવનારા વર્ગો નાબૂદ કરવા છે. હું એ વર્ગો પાસે એવી અપેક્ષા રાખું છું કે તેઓ તેમનાં લોભ અને માલિકીની ભાવના છોડે, અને પોતે ધનિક હોવા છતાં શ્રમજીવી વર્ગોની હારમાં આવીને બેસે. મજૂરે એમ સમજવું રહ્યું છે કે મજૂર તેની પોતાની સંપતિ એટલે કે શ્રમ કરવાની શક્તિનો જેટલો માલિક છે એના કરતાં ધનિક માણસ એના ધનનો ઓછો માલિક છે.

આ વ્યાખ્યા પ્રમાણેના ખરા ટ્રસ્ટી કેટલા માણસ બની શકે એ સવાલ અસ્થાને છે. આ સિદ્ધાંત જો સાચો હોય તો એનો અમલ ઘણા કરે છે કે ફકત એક જ જણ કરે છે એ નજીવી વસ્તુ છે. સવાલ તો અંતરની આસ્થાનો છે. તમે જો અહિંસાનો સિદ્ધાંત સ્વીકારતા હો તો તમારે એનું પાલન કરવાનો પ્રયત્ન કરવો જ જોઈએ-પછી ભલે તમે એમાં સફળ નીવડો કે ન નીવડો. આ સિદ્ધાંતમાં બુદ્ધિને અગમ્ય એવું કંઈ જ નથી. હા, એનું આચરણ કરવું કઠણ છે એમ તમે કહી શકો છો. ૧

તમે કહી શકો છો કે ટ્રસ્ટીશિપ કાયદાશાસ્ત્રની એક કલ્પના માત્ર છે. પણ જો લોકો એને વિષે સતત વિચાર કરે અને તેનો અમલ કરવાનો પ્રયાસ કરે તો જીવનમાં પ્રેમની આણ વર્તશે. સંપૂર્ણ ટ્રસ્ટીશિપ યુકિલડના બિંદુની વ્યાખ્યા જેવી કલ્પના છે અને તેના જેટલી જ અપ્રાપ્ય છે. પરંતુ આપણે કોશિશ કરીએ તો દુનિયામાં સમાનતા આણવા માટે બીજી કોઈ પણ પદ્ધતિ કરતાં આ રીતે આગળ જઈ શકીશું...મારી પાકી ખાતરી છે કે જો રાજ્ય મૂડીવાદને હિંસાથી દાબી દેશે તો રાજ્ય પોતે હિંસાના વમળમાં ફસાઈ જશે અને અહિંસાનો વિકાસ કરવામાં ક્યારેય સફળ નહીં

થાય. રાજ્ય હિંસાને કેન્દ્રિત અને સંગઠિત રૂપમાં રજૂ કરે છે. વ્યક્તિને આત્મા છે, પણ રાજ્ય એક આત્મહીન યંત્ર છે એટલે તેની પાસે હિંસા છોડાવી શકાય નહીં, કારણ તેનું અસ્તિત્વ જ તેને આધારે ટકેલું છે. તેથી હું ટ્રસ્ટીશિપનો સિદ્ધાંત પસંદ કરું છું. રાજ્ય પોતાની સાથે મતભેદ રાખનાર સામે વધારેપડતી હિંસા વાપરે એવી બીક હંમેશા રહે છે. આ પ્રશ્ન સાથે સંબંધ ધરાવતા લોકો ટ્રસ્ટી તરીકે વર્તશે તો હું ઘણો રાજી થઈશ;પણ તેઓ તેમ કરવામાં નિષ્ફળ જશે તો હું માનું છું કે આપણે રાજ્ય મારફત ઓછામાં ઓછી હિંસા કરીને તેમની સંપતિ પડાવી લેવી પડશે....(તેથી જ મેં ગોળમેજી પરિષદમાં કહ્યું હતું કે દરેક સ્થાપિત હિતની તપાસ થવી જોઈએ અને આવશ્યક હોય ત્યાં...જ્યાં જેવી જરૂર હોય તે રીતે, બદલો આપીને કે આપ્યા વગર, રાજ્યે તે જપ્ત કરવાનો હુકમ કરવો જોઈએ.) અંગત રીતે, રાજ્યના હાથમાં સતા આવે તે કરતાં ટ્રસ્ટીશિપની ભાવનાનો વિકાસ થાય તે મને ગમે. કારણ કે મારા અભિપ્રાય મુજબ રાજ્યની હિંસા કરતાં ખાનગી માલિકીની હિંસા ઓછી નુકસાનકારક છે. છતાં રાજ્યની માલિકી અનિવાર્ય જ હોય તો હું તે બને તેટલી ઓછી રાખવાના મતને ટેકો આપું. ૨

સમાજનું સંગઠન અહિંસાની પદ્ધતિથી ન થઈ શકે એમ કહેવાની આજકાલ ફૅશન થઈ પડી છે. હું તેમાં સંમત થતો નથી. કુટુંબમાં પિતા જ્યારે પોતાના અપરાધી પુત્રને તમાચો મારે છે ત્યારે પુત્ર તેનું વેર લેવાનો વિચાર નથી કરતો. તે તેના પિતાની આજ્ઞા પાળે છે. તે પોતાને પડેલા તમાચાને કારણે ફરીથી અપરાધ કરતાં ડરે છે એટલા માટે નહીં, પણ તે પોતાના પિતાના પ્રેમને લાગેલો આઘાત જુએ છે તેથી. મારા અભિપ્રાય મુજબ સમાજની વ્યવસ્થા આ રીતે ચાલે છે, અથવા ચાલવી જોઈએ.

ઉપરનો દાખલો એ તેનું નાનું સ્વરૂપ છે. કુટુંબ માટે જે સાચું છે તે સમાજ માટે પણ સાચું હોવું જોઈએ ; કારણ કે સમાજ એ વિશાળ કુટુંબ જ છે.

અહિંસા એ કેવળ વ્યક્તિગત સદ્‌ગુણ છે એવું હું માનતો નથી.

એ સામાજિક સદ્‌ગુણ પણ છે ને બીજા સદ્‌ગુણોની માફક એને પણ પ્રયત્નપૂર્વક કેળવવો પડે છે. બેશક સમાજના માંહોમાંહોના વ્યવહારમાં મોટે ભાગે અહિંસાથી જ કામ ચાલે છે. એ અહિંસાનો વિસ્તાર કરીને તેનો વિશાળ, એટલે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં પણ પ્રયોગ કરવો જોઈએ એટલી જ મારી માગણી છે. ૪

મારો ‘વાલીપણા’નો સિદ્ધાંત કામચલાઉ ઉકેલ નથી. ધોખાની ટટ્ટી તો નથી જ નથી. મારો તો વિશ્વાસ છે કે બીજા બધા ઉકેલોથી એ વધુ ચિરંજીવ નીવડશે. એની પાછળ તત્વજ્ઞાન અને ધર્મની પ્રતિષ્ઠા રહેલી છે.

ધનિકોએ એ સિદ્ધાંતને અપનાવ્યો નથી કે એનો અમલ નથી કર્યો એ બીના એની વ્યર્થતા સિદ્ધ નથી કરતી. એ તો ધનમિકોની નબળાઈ માત્ર સિદ્ધ કરે છે. અહિંસાની રીતમાં બૂરાઈ કરનાર જો કરેલી બૂરાઈનું ક્ષાલન કરતો નથી તો પોતાને જ હાથે પોતાનો અંત સાધે છે. કારણ કે કાં તો અહિંસક અસહકારને પરિણામે અંતે એની ભૂલ જોવાની ફરજ પડે છે, નહીં તો એના તમામ સંબંધો છૂટી જઈને એ સાવ એકલો અટૂલો થઈ પડે છે. ૫

સામાન્ય રીતે શ્રીમંત માણસો પોતે શી રીતે ધન કમાય છે તે બાબતમાં સારાનરસાના કશો નિયમ નથી પાળતા, એ વિધાનને ટેકો આપતાં મને સંકોચ નથી લાગતો. પણ અહિંસક પદ્ધતિને લાગુ પાડવામાં એમ માનીને ચાલવાનું હોય છે કે ગમે તેવા અધોગતિને પામેલા માણસને પણ પ્રેમળ અને કુશળ ઉપાયો વડે સુધારી શકાય. સારું પરિણામ આવશે જ એવી આશા રાખી મનુષ્યમાં રહેલા સદ્‌અંશને આપણે જગાડ્યા કરવો ઘટે. દરેક માણસ પોતાનું બધું બુદ્ધિકૌશલ્ય પોતાનો જ સ્વાર્થ સિદ્ધ કરવા નહીં, પણ સાર્વજનિક હિત માટે વાપરે, તેમાં સમાજનું ભલું જ થાય એમાં શંકા નથી. હું એવા પ્રકારની જડ સમાનતા પેદા કરવા નથી ઈચ્છતો જેમાં દરેક માણસ પોતાની શક્તિઓનો પૂરેપૂરો ઉપયોગ કરવા અસમર્થ થાય અથવા તેવો તેને બનાવવામાં આવે. એવો સમાજ છેવટે નાશ જ પામે.

તેથી હું સૂચવું છું કે મેં ધનિકોને જે સલાહ આપી છે કે તેઓ ભલે કરોડો કમાય(અલબત, પ્રામાણિકપણે) પણ તે જગતની સેવામાં અર્પણ કરે, તે સાચી જ છે. () નો મંત્ર અસામાન્ય જ્ઞાનમાંથી સ્ફૂરેલો છે. આજની સમાજરચનામાં દરેક માણસ પોતાના પડોશીનું શું થાય છે તેનો જરાયે ખ્યાલ કર્યા વિના પોતાનાં જ સુખ અને સ્વાર્થ માટે જીવે છે. તેની જગ્યાએ સર્વોદય સાધનાર સમાજરચના સ્થાપવી હોય તો તેને માટે આ જ નિશ્ચિત રીત છે.