Mara Swapnnu Bharat - 15 books and stories free download online pdf in Gujarati

મારા સ્વપ્નનું ભારત - 15

પ્રકરણ પંદરમું

સર્વોદય

નીતિ પાળવી એ આપણાં મનને તથા આપણી ઈનદ્રિયોને વશ રાખવી એ છે. એમ કરતાં આપણે આપણને ઓળખીએ છીએ. આ જ ‘સું’એટલે સારો ધારો છે. તેથી જે વિરુદ્ધ તે કુધારો છે.

ઘણા અંગ્રેજી લેખકો લખી ગયા છે કે, ઉપરની વ્યાખ્યા પ્રમાણે હિંદુસ્તાનને કંઈ જ શીખવાનું નથી રહેતું. આ વાત બરોબર છે. આપણે જોયું કે માણસની વૃતિઓ ચંચળ છે. તેનું મન ફાંફાં માર્યા કરે છે. તેના શરીરને જેમ વધારે આપીએ તેમ વધારે માગે છે. વધારે લઈને પણ સુખી નથી થતું. ભોગ ભોગવતાં ભોગની ઈચ્છા વધતી જાય છે. તેથી પૂર્વજોએ હદ બાંધી. ધણા વિટારો કરીને જોયું કે સુખદુઃખ મનનાં કારણ છે. તવંગર તે તવંગરીના કારણથી સુખી નથી ; ગરીબ તે ગરીબાઈના કારણથી દુઃખી નથી. તવંગર દુઃખી જોવામાં આવે છે, ગરીબ સુખી જોવામાં આવે છે.

કરોડો તો ગરીબ જ રહેશે. આમ જોઈ તેઓએ ભોગની વાસના છોડવી.

હજારો વરસ પહેલાં જે હળ હતું તેથી આપણે ચલાવ્યું. હજારો વરસ પહેલાં જેવાં આપણાં ઝૂંપડાં હતાં તે આપણે કાયમ રાખ્યાં. હજારો વરસ પહેલાં જેવી આપણી કેળવણી હતી તે ચાલતી આવી. આપણે નાશકારક હરીફાઈ રાખી નહી ; સહુ સહુનો ધંધો કરતા રહ્યા. તેમાં તેઓએ દસ્તૂર મુજબ દામ લીધું. આપણને કંઈ સંચા વગેરે શોધતાં ન આવડે તેમ ન હતું

; પણ આપણા પૂર્વજોએ જોયું કે સંચા વગેરેની જંજાળમાં માણસો પડશે તો પછી ગુલામ જ બનશે ને પોતાની નીતિ તજશે. તેઓએ વિચારપૂર્વક કહ્યું કે આપણે હાથેપગે જે બને તે જ કરવું. હાથપગ વાપરવામાં જ ખરું સુખ છે, તેમાં જ તંદુરસ્તી છે.

તેઓએ વિચાર્યું કે મોટાં શહેરો સ્થાપવાં તે નકામી ભાંજગડ છે.

તેમાં લોકો સુખી નહીં થાય. તેમાં સોનેરી ટોળીઓ અને સફેદ ગલીઓ જાગશે, રાંક માણસો તવંગરોથી લૂંટાશે. તેથી તેઓએ નાનાં ગામડાંથી સંતોષ રાખ્યો.

તેઓએ જોયું કે રાજાઓ અને તેઓની તલવાર કરતાં નીતિબળ વધારે બળવાન છે. તેથી તેઓએ રાજાને નીતિવાન પુરુષો-ઋષિઓ અને ફકીરો-ના કરતાં ઊતરતા ગણ્યા.

આવું જે પ્રજાનું બંધારણ છે તે પ્રજા બીજાને શીખવવાને લાયક છે, તે બીજાની પાસેથી શીખવા લાયક નથી.

આ પ્રજામાં અદાલતો હતી, વકીલો હતા, તબીબો હતા, પણ તે બધાં રીતસર નિયમમાં હતાં. સહુ જાણતું હતું કે, એ ધંધા કંઈ ભારે ન હતા. વળી વકીલો, તબીબો વગેરે લોકોમાં લૂંટ નહીં ચલાવતા; એ તો લોકોના આશ્રિત હતા. લોકોના ઉપરથી થઈ ન રહેતા. ઈન્સાફ તો ઠીક ઠીક થતો. અદાલતને ન જવું એ લોકોની નેમ હતી. તેઓને ભમાવવાને સ્વર્થી માણસો ન હતા. આટલો સડો પણ માત્ર રાજારજવાડાની આસપાસમાં જ હતો. આમ (મામાન્ય) પ્રજા તો તેથી નિરાળી રીતે પોતાના ખેતરનું ઘણીપદું કરતી. તેઓની આગળ ખરું સ્વરાજ હતું. ૧

સત્યનું પાલન કરવા ઈચ્છનાર અહંકારી કેમ થઈ શકે ? બીજાને સારુ પ્રાણ પાથરનાર પોતાની જગા ક્યાં રોકવા જાય ? આ નમ્રતા એટલે પુરુષાર્થરહિતતા ન હોય ? એવો અર્થ હિંદુ ધર્મમાં કરી નંખાયો છે ખરો.

ખરું જોતાં નમ્રતા એટલે તીવ્રતમ પુરુષર્થ. પણ તે બધો પરમાર્થને કારણે હોય. ઈશ્વર પોતે ચોવીસે કલાક એકશ્વાસે કામ કર્યા કરે છે, આળસ મરડવા સરખીયે ફુરસદ લેતો નથી. તેવા આપણે થઈ જઈએ, તેનામાં ભળી જઈએ, એટલે આપણો ઉધમ તેના જેવો જ અતંદ્રિત થયો-થવો જોઈએ. ૨

ઈશ્વરને નામે કરેલું અને તેને અર્પણ કરેલું એકે નાનું કે હલકું નથી. એવી રીતે થયેલું બધું કામ એક જ કોટીનું બની જાય છે. ઈશ્વરને નામે અને કેવળ ઈશ્વરના પ્રતિનિધિ તરીકે એની આપેલી સંપતિનો ઉપયોગ કરતો રાજા અને ઈશ્વરની સેવાને અર્થે કામ કરનાર ભંગી બંને સરખા મોટા છે. ૩

અહિંસાનો પૂજારી ઉપયોગિતાવાદના સિદ્ધાંતને ફૂલ ન જ ચઢાવી શકે. એ તો સમસ્ત સૃષ્ટિના શ્રેયને અર્થે મથશે અને એ આદર્શને સત્ય

કરવાના પ્રયત્નમાં મરશે. આમ બીજા જીવે એટલા ખાતર પંડે મરવા તે હંમેશા ખુશી હશે. જાતે મરીને તે બાકીના સૌની સેવા કરશે અને તેમાં જ તેની પોતાની જાતની સેવા પણ આવી ગઈ હશે. સમસ્તની આવી સર્વોચ

સેવામાં ‘વધારે સંખ્યાનું વધારે ભલું’તો આવી જ ગયું અને તેથી ઘણી વેળા આવો શ્રેયવાદી અને ઉપયોગિતાવાદી બંને પોતાના માર્ગમાં એકબીજાના પગલામાં પગલું મૂકીને માર્ગ આક્રમતા નજરે પડશે. પણ આમ

છતાં એક એવો વખત આવે જ છે, જ્યારે તેમણે નોખા પડવું રહેશે.

બલકે એકબીજાની સામે કામ કરવાનો પણ તેમને વખત આવે.

ઉપયોગિતાવાદી જો તેના સિદ્ધાંતને ચુસ્તપણે અનુસરે તો પોતાની જાતનો ભોગ કદી નહીં આપે, ન આપી શકે. ૪

પ્રેમ અથવા અહિંસામાં સેવાનું મૂળ ન હોય ત્યાં સુધી તે થઈ ન શકે. સાચા પ્રેમને કોઈ સીમા નથી. તે સમુદ્રના જેવો છે ને માણસના અંતરમાં તેની એવી ભરતી ચડે છે કે તે બધીયે મર્યાદાઓ ને સરહદો ઓળંગી ફેલાતો ફેલાતો આખીયે સૃષ્ટિને વ્યાપી વળે છે. વળી, આવી સેવા રોટલો મેળવવાને માટેની મજૂરી કે જેને ગીતામાં યજ્ઞ કરીને ઓળખવામાં આવી છે તેના વગર અશક્ય છે. પુરુષ અથવા સ્ત્રી સેવાને અર્થે મજૂરી કરે પછી જ તેને જીવનનો અધિકાર પ્રાપ્ત થાય. ૫

જે શૂન્યતાને નથી પામ્યો તે ભક્ત કહેવાવાને લાયક નથી.

આપણે તેની પાસે જ્યાં લગી ખાલી હાથે ન જઈએ, આપણી અશક્તિનો નમ્રતાપૂર્વક તેની પાસે સ્વીકાર ન કરીએ, ત્યાં સુધી આપણને મલિન વૃતિઓરૂપી અસંખ્ય રાક્ષસોની સામે વિજય મેળવવાને શક્તિ મળતી નથી.

તેથી જ ભક્તકવિએ ગાયું છે :

ભક્તિ શીશતણું સાટું

આગળ વસમી વાટું. ૬

આ સત્યનીઆરાધનાને ખાતર જ આપણી હસ્તી. તેને જ કારણે આપણી પ્રત્યેક પ્રવૃતિ. એને જ કારણે આપણે પ્રત્યેક શ્વાસોચ્છ્‌વાસ લઈએ.

આમ કરતાં શીખીએ તો આપણને બીજા બધા નિયમો સહેજે હાથ આવે, ને તેમનું પાલન પણ સહેલું થઈ પડે. સત્ય વિના કોઈ પણ નિયમનું શુદ્ધ

પાલન અશક્ય છે. ૭

સત્યશોધક, અહિંસક પરિગ્રહ ન કરી શકે. પરમાત્મા પરિગ્રહ કરતો નથી. તેને’જોઈતી’વસ્તુ તે રોજની રોજ પેદા કરે છે. એટલે જો આપણે તેની ઉપર વિશ્વાસ રાખીએ તો સમજીએ કે આપણને જોઈતી વસ્તુ તે રોજની રોજ આપે છે, ને આપશે. ૮

સાધન અને સાધ્ય

તેઓ તો કહે છે કે ‘સાધન એ આખરે સાધન જ છે.’હું કહું છું કે ‘સાધનમાં જ બધું સમાઈ ગયું.’જેવાં સાધન તેવું સાધ્ય. સાધ્ય અને સાધન વચ્ચે અંતર નથી. જગતકર્તાએ તો સાધનના ઉપર આપણને જૂજજાજ પણ કાબૂ બક્ષ્યો તો છે, સાધ્યના ઉપર બિલકુલ નહીં. એટલે જેટલાં શુદ્ધ સાધન રાખશો તેટલા જ પ્રમાણમાં સાધ્યની શુદ્ધિ હોવાની. આ વિધાનને એકે અપવાદ નથી. ૯

હિંસાના સાધનથી હિંસાવાળું સ્વરાજ મળશે અને તે જગતને અને હિંદુસ્તાનને બંનેને જોખમ થઈ પડશે. ૧૦

ગંદા સાધનથી ગંદુ જ સાધ્ય સિદ્ધ થવાનું. તેથી રાજાને મારીને રાજાપ્રજા સરખાં ન જ થાય, માલિકને મારીને મજૂર માલિક નહીં બને.

આમ બધાને વિષે ઘટાવી શકાય.

અસત્યથી સત્યને ન બહોંચાય. સત્યને પહોંચવા નિરંતર સત્ય આચર્યે છૂટકો. અહિંસા ને સત્યની તો જોડી ખરી ના ?નહીં જ. સત્યમાં અહિંસા છુપાયેલી છે, અહિંસામાં સત્ય. તેથી જ મેં કહ્યું છે કે એ બન્ને એક સિક્કાની બે બાજુ છે. બેયની કિંમત એક જ. વાચવામાં જ ફેર;એક બાજુ અહિંસા, બીજી બાજુ સત્ય. આ અહિંસા ને સત્ય પવિત્રતા વિના નભી જ ન શકે. શરીરની કે મનની અપવિત્રતાને છુપાવો એટલે અસત્ય ને હિંસા દાખલ થયાં જ છે.

સત્યવાદી, અહિંસક, પવિત્ર સમાજવાદી જ જગતમાં કે હિંદુસ્તાન માં સમાજવાદ ફેલાવી શકે.