Mara Swapnnu Bharat - 24 books and stories free download online pdf in Gujarati

મારા સ્વપ્નનું ભારત - 24

પ્રકરણ ચોવીસમું

ગ્રામસ્વરાજ

ગ્રામસ્વરાજનો મારો ખ્યાલ એવો છે કે દરેક ગામ એક સંપૂર્ણ પ્રજાસતાક હોવું જોઈએ. પોતાના જીવનની અત્યંત મહત્વની જુૃરિયાતો માટે એ પ્રજાસતાક પોતાના પાડોશીઓથી સ્વતંત્ર હશે, પરંતુ જે બાબતોમાં સહકાર્ય અનિવાર્ય હશે તે બધાં કાર્યોમાં પડોશીઓ સાથે પર-સ્પર સહાયથી કાર્ય કરશે. એ મુજબ પોતાની જરૂરિયાત જેટલું ધાન્ય અને પોતાના કાપડ માટેનો કપાસ ઉગાડવાની તેની પહેલી ફરજ ગણાશે.

પોતાનાં ઢોરને ચરવાને માટે તેમ જ બાળકોની રમતગમતો અને મોટેરાં-ઓના આમોદપ્રમોદને સારુ તે જમીન અલગ રાખશે. તે પછી જો ગામ પાસે જમીન ફાજલ રહેશે તો તેમાં ઉપયોગી, બજારમાં વેચી શકાય, એવો પાક લેવાશે-ઉપયોગી એટલે કે તેમાં ગાંજો, તમાકુ, અફીણ વગેરે જેવા પાકો નહીં આવે. દરેક ગામ પોતાનું એ નાટકઘર, પોતાની નિશાળ અને સભાગૃહ નભાવશે. ગામની દરેક વ્યક્તિને સ્વચ્છ પાણી મળે એવી જોગવાઈ કરવામાં આવશે. પૂરતી દેખરેખ નીચે નભાવવામાં આવતા કૂવાઓ અથવા તળાવોથી આ કાર્ય પાર પડી શકશે. પાયાની કેળવણીના છેવટના ધોરણ સુધીની કેળવણી ફરજિયાત હશે. બની શકે ત્યાં સુધી દરેકદરેક પ્રવૃતિ સહકારી પદ્ધતિના સિદ્ધાંતો પ્રમાણે ચાલશે. આજે છે તેવીા અસ્પૃશ્યતાની ચડતીઊતરતી શ્રેણીઓવાળી જ્ઞાતિવ્યવસ્થા ત્યાં નહીં હોય.

દરેક ગ્રામસમાજની સતા પાછળનું સાધન અથવા બળ સત્યાગ્રહ અથવા અસહકારની પદ્ધતિવાળી અહિંસા હશે. ગામમાં રાખવામાં આવતીયાદીમાંથી ગામની ફરજિયાત ચોકી માટે વારા પ્રમાણે ચોકીયાતો પસંદ કરવામાં આવશે. નિયમ પ્રમાણેની નક્કી કરવામાં આવેલી ઓછામાં ઓછી ચોક્કસ લાયકાતવાળાં ગામનાં પુખ્ત ઉંમરનાં સર્વ સ્ત્રી અને પુરુષો દર વર્ષે પાંચ જણની એક પંચાયત ચૂંટી કાઢશે અને તે ગામની સરકાર તરીકે ગામનાં બધાં જાહેર કાર્યો કરશે. આ પંચાયતને જરૂરની બધી સત્તા અને અધિકાર આપવામાં આવશે. હાલના માન્ય અર્થમાં શિક્ષાની કોઈ પધ્ધતિનો અમલ નહીં હોય, એટલે આ પંચાયત પોતાના અમલના એક વર્ષને માટે ગામની ધારાસભા, ન્યાયાધાશ, અને કાર્યવાહક મંડળ બનશે.

કોઈ પણ ગામ આજે જ આવું પ્રજાસત્તાક બની શકે અને તેમાં હાલની સરકાર-જેનો ગામ સાથેનો એકમાત્ર સક્રિય સંબંધ જમીનની મહેસૂલ ઉઘરાવી ખેંચી જવા પૂરતો જ છે- પણ બહુ અંત-રાય નહીં નાખે.

પડોશનાં ગામો સાથેના અને જે હોય તે કેન્દ્ર સાથેના સંબંધોનો વિચાર મેં નથી કર્યો, મારો હેતુ તો ગ્રામસ્વજરાજ અથવા ગ્રામસરકારની રૂપરેખા રજૂ કરવાનો જ છે. દરેક વ્યક્તિની સ્વતંત્રતાના પાયા પર રચાયેલી આ વ્યવસ્થામાં સંપૂર્ણ લોકશાહી રહેલી છે. એમાં પ્રત્યેક વ્યક્તિને હાથે પોતાની સરકારનું ઘડતર થાય છે. તે અને તેની સરકાર અહિંસાના નિયમને વશ છે. તે અને તેનું ગામ આખી દુનિયા-ના બળનો સામનો કરી શકે છે, કેમ કે, પોતાના ગામના અને તેની આબરૂના રક્ષણને સારુ દરેક ગ્રામવાસી મરણને ભેટવા તૈયાર હોય એ નિયમથી બધાં ગ્રામવાસીઓ બંધાયેલાં હશે.

અહીં જે ચિત્ર દોરેલું છે તેમાં સ્વભાવતઃ એવું કશું નથી કે જેથી તેની સિદ્ધિ અશક્ય બને. આવા પ્રકારના ગામના આદર્શ નમૂનાને પહોંચતાં કદાચ આખી જિંદગી કાર્ય કરવું પડે. સાચી લોકશાહી અને ગ્રામજીવનનો આશક જો એકાદ ગામ પકડીને તેના જ ઘડતરને પોતાની સર્વ સૃષ્ટિ અને સમગ્ર કાર્ય ગણીને બેસી જાય તો તેને સારાં પરિણામો મળી શકશે. તેણે શરૂઆત ગામના ભંગી, કાંતણ-શિક્ષણ, ચોકિયાત, વૈદ અને શાળા-શિક્ષક એ બધાનાં કાર્યો એકી સાથે આરંભીને કરવી જોઈએ.

એની સાથે તરત કોઈ ન જોડાય તો ગામનું ભંગીકામ અને કાંતણ કરતા રહીને તે સંતોષ મેળવશે. ૧

ગામડાંના રહેવાસીઓમાં એવી કાળજી ને કુશળતા આવવી જોઈએ કે, જેથી તેમની પેદા કરેલી અથવા બનાવેલી વસ્તુઓની કિંમત બહાર પણ અંકાય. જ્યારે ગામડાંઓનો પૂર્ણ વિકાસ થશે, ત્યારે દેહાતીઓની બુદ્ધિ અને તેમના આત્માને સંતોષી શકાય એવી કળા ને કુશળતાવાળાં સ્ત્રીપુરુષો ગામડાંમાં હશે જ. ગામડાંમાં કવિ, ચિત્રકાર, શિલ્પી, ભાષા-વિશારદ, શોધક વગેરે હશે. ટૂંકમાં જીવનની એવી એકે ચીજ નહીં હોય, જે ગામડાંમાં ન હોય. ગામડાં આજે ઉજ્જડ છે, વેરાન છે, ઉકરડા જેવાં છે; આવતી કાલે તે સુંદર બગીચા જેવાં બનશે, અને ત્યાંના લોકોને છેતરવાનું મુશ્કેલ બનશે.

આ કલ્પનાનાં ગામડાંની રચનાનો આરંભ આજથી થવો જોઈએ.

ગ્રામરચના હંગામી નહીં, પણ સ્થાયી, કાયમની થવી જોઈએ.

કેળવણીમાં ઉધોગ, તંદુરસ્તી, ભણતર અને કળાનું મિશ્રણ છે, સુમેળ છે. નયી તાલીમની દ્રષ્ટિમાં ઉધોગ અથવા ઉધમ અને ભણતર, સ્વાસ્થ અને કળાના વિભાગ નથી પણ એ બધાનો મેળ મળીને ગર્ભ રહે ત્યાંથી માંડીને ઘડપણ લગીમાં માણસ ખીલીને પૂર્ણ વિકસિત ફૂલ જેવું સુંદર બને, એનું નામ નવી તાલીમ. એથી હું ગ્રામરચનાના આરંભમાં જ વિભાગો ન પાડું, પણ ઉપર ગણાવેલી ચારે બાબતોનો વિકાસ ને મેળ

એકસાથે સધાય, તેવો પ્રયત્ન આદરું. એથી કોઈ ઉધોગને કેળવણીથી નોખો ન ગણું, પણ તેને જ કેળવણી આપવાનું વાહન કે સાધન ગણું અને તેથી આવી યોજનામાં મવી તાલીમની સંસ્થાને ભેળવી લઉં. ૨

મેં જે જાતનો ગ્રામઘટક કલ્પ્યો છે, તે દેશના બળવાનમાં બળવાન અંગના જેટલો જ બળવાન હશે. મારા ખ્યાલ મુજબના ગામડાની વસ્તી મેં એક હજારની લીધી છે. પોતાની બધી જરૂરિયાતો પોતાની જાતે મેળવી લેવી એવા સિદ્ધાંતના પાયા પર તેની સ્વયંસંપૂર્ણ વ્યવસ્થા ગોઠવો તો પાયાનો એ ઘટક બરાબર કામ આપશે. ૩

ભારતવર્ષના આદર્શ ગામડાની રચના એવી હશે કે સંપૂર્ણ સ્વચ્છતા જાળવવાની અનુકૂળતા રહે. તેમાં પૂરતા હવાઅજવાળાવાળી ઝૂંપડીઓ હશે, ને તે આસપાસના પાંચ માઈલના ઘેરાવામાંથી મળતી સાધન-સામગ્રીથી બનેલી હશે. ઝૂંપડીઓને વાડા રાખેલા હશે જેથી તેમાં વસનાર માણસો તેમના ઘરના ઉપયોગ પૂરતાં શાકભાજી ઉગાડી શકે ને ઢોર રાખી શકે. ગામડાના રસ્તા ને શેરીઓ જેટલાં ધૂળ વિનાનાં બનાવી શકાય એટલાં બનાવાશે. ગામમાં ગામની જરૂરિયાત પૂરતા કૂવા હશે ને તેમાંથી પાણી ભરવાની સૌને છૂટ હશે. સૌને માટે ઉપાસનાનાં સ્થાનો હશે, એક સાર્વજનિક સભાસ્થાન હશે, ઢોરને ચરવા માટે ગોચર હશે, સહકારી પદ્ધતિએ ચાલતું દુગ્ધાલય, ઔધોગિક શિક્ષણને કેન્દ્રમાં રાખીને ચાલતી પ્રાથમિક ને માધ્યમિક શાળાઓ, અને ઝઘડા પતવવા માટે પંચાયતો એ ગામડામાં હશે. ગામડું પોતાના ખપ પૂરતાં અનાજ, શાકભાજી ને ફળ પકવી લેશે, ને પોતાના વાપર પૂરતી ખાદી પેદા કરી લેશે. આદર્શ ગામડા વિષેની મારી કલ્પનાની આ રૂપરેખા છે.