Mara Swapnnu Bharat - 25 books and stories free download online pdf in Gujarati

મારા સ્વપ્નનું ભારત - 25

પ્રકરણ પચીસમું

પંચાયતરાજ

સ્વતંત્રની શરૂઆત પાયામાંથી થાય, એટલે કે હિંદુસ્તાનનું એકએક ગામ રાજ્યઅમલની પૂરીપૂરી સતા ધરાવનારું પ્રજાસતાક અથવા પંચાયત હોય. એનો અર્થ એ થયો કે, દરેક ગામ પોતાની તાકાત પર નભતું હોય, પોતાનો કુલ વહેવાર ચલાવવાને અને જરૂર પડે તો આખી દુનિયાની સામે પોતાનું રક્ષણ કરી લેવાને સમર્થ હોય. બહારથી આવતા કોઈ પણ પ્રકારના હુમલાની સામે પોતાનું રક્ષણ કરવાની તેને કેળવણી મળી હોય, અને તે રક્ષણના પ્રયાસમાં ખપી જવાની તેની તૈયારી હોય.

આમ સરવાળે જુઓ, તો રાજ્યનો પાયાનો ઘટક વ્યક્તિ બને છે.

પડોશીઓ અથવા બહારની દુનિયા પર આધાર રાખવાની અથવા તેમની રાજીખુશીથી જે મદદ આપે, તે લેવાની વાત આમાં સમાઈ જાય છે. આ સ્થિતિ સ્વેચ્છાએ પરસ્પર સહાય કરનારાં બળોની એકબીજા પરની અસરનું ફળ હશે. એ અનિવાર્ય છે કે, આવી જાતનો સમાજ ખૂબ સંસ્કારી હોય અને તેમાં દરેક સ્ત્રી પુરુષ પોતાને શું જોઈએ છે, તે વિષે ખબરદાર હોય, અને સૌથી વિશેષ તો એવી સમજવાળાં હોય કે, એક જ જાતની મજૂરીથી જે બીજાને ન મળી શકે, તે આપણને પણ ન મળે.

આ સમાજની રચના સ્વાભાવિક રીતે જ સત્ય અને અહિંસાના પાયા પર થાય અને મારો એવો અભિપ્રાય છે કે, ઈશ્વર એટલે કે, દુનિયાએ જાણેલાં સર્વ પ્રકારનાં બળોમાં જે વસે છે, પોતાની શક્તિ વડે જ જેની હસ્તી છે, જે વસ્તુમાત્રનું જ્ઞાન ધરાવે છે, જે કોઈના પર આધાર રાખતી નથી, અને જે બીજાં બળોનો કલ્પી શકાય તેવો નાશ થયા પછી, અથવા તેમની અસર જણાતી અટકી જશે, ત્યાર પછી પણ પોતાનું કાર્ય કરતી હશે તે જીવંત શક્તિ પર સમજપૂર્વક શ્રદ્ધા રાખ્યા વિના એ સત્ય ને અહિંસા સંભવિત નથી. સર્વને પોતાના તેજ-થી પ્રકાશિત કરતી, સર્વવ્યાપી ચેતનમયી શક્તિ વિષેની શ્રદ્ધા વિના હું મારી પોતાની હસ્તીનું કારણ આપી શકતો નથી.

અસંખ્ય ગામડાંઓની બનેલી આ સમાજરચનાની આકૃતિ એકએકથી ઊંચે જતાં વર્તુળોની નહીં, પણ એકબીજાથી વિશાળ થતાં જતા અને નાનાને મોટામાં સમાવી લેતાં વર્તુળોની હશે. જીવનનો ઘાટ, જ્યાં ટોચ પાયાને કચડીને ઊંચી રહે છે તેવા પિરામિડનો નહીં હોય. તેનો ઘાટે સમુદ્રનાં અનંત સીમા સુધી વિસ્તરતાં જતાં મોજાંઓનાં વર્તુળનો હશે, જેના કેન્દ્રમાં પોતાના ગામને સારુ ખપી જવાને હરહમેશ તત્પર એવી વ્યક્તિ હશે, અનેો ગામ વળી બીજાં ગામોના બનેલા પોતાના વર્તુળને માટે ખપી જવાને તત્પર રહેશે, અને આખરે આ રચનામાં સર્વ વર્તુળો મળીને એક જ પ્રાણવાળું એક શરીર બનશે. એ રચનામાં જે વ્યક્તિઓનો સમાવેશ થશે, તે પોતાના અહંકાર અથવા ઘમંડમાં કોઈ બીજાના પર આક્રમણ નહીં

કરે, હમેશ નમ્ર રહેશે અને સમુદ્રના વિશાળ વર્તુળમાં સમાયેલા સમસ્ત જીવનની ભવ્યતા પોતાના અંતરમાં અનુભવી, તે વર્તુળના અંગરૂપ ઘટક બની રહેશે.

તેથી, આ વર્તુળાત્મક રચનામાં બહારની સીમા પર આવેલું સૌથી મોટું વર્તુળ પોતાની અંદર સમાતાં વર્તુળને કચડી નાખવાને પોતાનું સામથ્ય નહીં વાપરે, પણ અંદરના સર્વને બળ આપશે અને પોતાનું સામથ્ય પણ કેન્દ્રમાં રહેલી વ્યક્તિઓમાંથી મેળવશે. કોઈ પણ એવો ટોણો મારશે કે, આ તો આદર્શ થયો, સંપૂર્ણતાનું તરંગી ચિત્ર થયું, અને તેને વિષે વિચાર કરી નાહક વખત બગાડવાની જરૂર નથી. યુકિલડની વાયાખ્યાનું બિંદુ દોરી બતાવવાને માણસ સમર્થ નથી, છતાં તેનું કદી ઘટે નહીં તેવું મૂલ્ય છે.

તેવી રીતે માણસજાતને જીવવું હોય, તો મારા આદર્શ ચિત્રની પણ કદી ઓછી ન થાય તેવી કિંમત છે. એ સાચા ચિત્રની અણિશુદ્ધ સંપૂરણ સિદ્ધિ કદી ન થવાની હોય, તોપણ હિંદુસ્તાન તેને માટે જીવે. આપણને જે કંઈ જોઈતું હોય, તેના જેવું કંઈકેય મેળવી શકીએ તે પહેલાં આપણી પાસે તેનો સંપૂર્ણ ખ્યાલ હોવો જોઈએ. હિંદુસ્તાનમાં એકએક ગામનું પ્રજાસત્તાક સ્થાપવાની વાત સ્વીકારો, તો જ્યાં છેલ્લે આવનારો પહેલાના જેવો હોય, અથવા બીજા શબ્દોમાં કહીએ તો, જેમાં કોઈ પહેલો નથી ને કોઈ છેલ્લો નથી, તે મારું ચિત્ર વાસ્તવિક અને સત્ય છે, એવો હું દાવો કરું છું.

આ ચિત્રમાં દરેક ધર્મનું સરખા દરજજાનું તેમ જ ઘટતું સ્થાન રહેશે. આપણે સૌ એક ભવ્ય તરુવરનાં પાંદડાં જેવા છીએ અને તેનાં મૂળ પાતાળમાં પૃથ્વીના હ્ય્દય સુધી પહોંચેલાં હોવાથી, તેના થડને હલાવવાને કોઈ સમર્થ નથી. ગમે તેવા જોરદાર, તોફાની પવનથી તે હાલે તેમ નથી.

માણસની મજૂરીની જગ્યા લઈ લઈ તેને નકામી બનાવે અને સત્તાને થોડા લોકોના હાથમાં એકઠી કરી આપે, તેવાં યંત્રોને આ ચિત્ર- માં સ્થાન નથી. સુસંસ્કૃત માનવી સમાજકુટુંબમાં મજૂરીનું સ્થાન અનન્ય છે. જે યંત્ર હરેક વ્યક્તિને સહાયરૂપ થાય, તેને અહીં સ્થાન છે. પણ, મારે કબૂલ કરવું જોઈએ કે, આવું યંત્ર કેવું હોય, અથવા હોવું જોઈએ, તેનો વ્યવસ્થિત વિચાર કરવા હું કદી બેઠો નથી. સિંગરના સીવવાના સંચાનો મેં વિચાર કર્યો છે, પરંતુ તે પણ ઉપરચોટિયો અથવા કામ-ચલાઉ કે તૂટક જ કહેવાય. મારું ચિત્ર પૂરું કરવાને હમણાં જ એ વિચાર કરવા બેસવાની જરૂર નથી. ૧

જ્યારે પંચાયતરાજ થશે ત્યારે પંચ બધું કરાવી લેશે. જમીનદાર, પૂંજીપતિ કે રાજા પોતાની તાકાત ત્યાં લગી જ નભાવી શકે જ્યાં લગી પ્રજા પોતાની તાકાત નથી ઓળખતી, લોક રૂઠે તો રાજા વગેરે શું કરી શકે? પંચના રાજ્યમાં પંચ બધું પોતાના કાયદા વડે કરાવી લેશે.