Mara Swapnnu Bharat - 26 books and stories free download online pdf in Gujarati

મારા સ્વપ્નનું ભારત - 26

પ્રકરણ છવ્વીસમું

ગ્રામોધોગો

ગામડાંના ઉધોગોનો લોપ થાય તો હિંદુસ્તાનનાં સાત લાખ ગામડાં ની પાયમાલી અધૂરી રહી હોય તો પૂરી થઈ જાય.

ગ્રામોધોગો વિષે મેં જે યોજનાની રૂપરેખા આપી છે તેના પર દૈનિક પત્રોમાં ટીકાઓ થઈ છે તે મેં વાંચી છે. કેટલાકે મને એવી સલાહ આપી છે કે મનુષ્યની શોધકબુદ્ધિએ કુદરતની જે શક્તિઓને તાબે કરી છે તેનો ઉપયોગ કરવામાં આવે એમાં જ ગામડાંની મુક્તિ રહેલી છે.

ટીકાકારો કહે છે કે પ્રગતિમાન પશ્ચિમમાં જેમ પાણી, હવા, તેલ અને વીજળીનો પૂરેપૂરો ઉપયોગ થાય છે તેમ આપણે પણ કરવો જોઈએ. તેઓ કહે છે કે આ ગૂઢ કુદરતી શક્તિઓ પર કાબૂ મેળવવાથી દરેક અમેરિકનમ તેત્રીસ ગુલામો રાખી શકે છે, એટલે કે તેત્રીસ ગુલામ પાસેથી મળે એટલું કામ આ શક્તિઓ પાસેથી લઈ શકે છે.

એ રસ્તે હિંદુસ્તાનમાં ચાલીએ તો હું બેધડકપણે કહું છું કે દરેક માણસને તેત્રીસ ગુલામ મળવાને બદલે આ દેશના એકએક માણસની ગુલામી તેત્રીસ ગણી વધશે. જે કામ કરવા ધાર્યું હોય તેને માટે પૂરતા માણસો ન હોય ત્યારે એ કામ સંચાથી લેવું એ સારું છે પણ જેમ હિંદુસ્તાનમાં છે તેમ કામને માટે જોઈએ તે કરતાં વધારે માણસો પડેલાં હોય ત્યારે સંચા વાપરવાથી નુકસાન છે. થોડાક ચોરસવાર જમીનના ટુકડા માટે હું હળ ન વાપરું. આપણાં ગામડાંમાં ઊભરાઈ જતાં કરોડો માણસોને શ્રમની ચક્કીમાંથી ફુરસદ કેમ અપાવવી એ સવાલ આપણે ત્યાં નથી.

આપણી સામે તો સવાલ એ છે કે એમને વરસમાં છ મહિના જેટલો વખત પરાણે આળસમાં ગાળવો પડે છે એ વખતનો ઉપયોગ કેવી રીતે કરવો.

કેટલાકને સાંભળીને વિચિત્ર લાગશે, પણ હકીકત એ છે કે એકએક મિલ ગામડાંની પ્રજાને ભયરૂપ છે, ને તેની રોજી પર તરાપ મારનાર છે. મેં આંકડા ઝીણવટથી ગણ્યા નથી, પણ એટલું તો કહી જ શકાય કે ગામડાંમાં બેસીને ઓછામાં ઓછા દસ મજૂરો જે કામ કરે છે તેટલું ત કામ મિલનો એક મજૂર કરે છે. બીજા શબ્દમાં કહીએ તો ગામડાના દસ માણસની રોજી છીનવીને આ એક માણસ ગામડામાં કમાતો તેના કરતાં વધારે કમાય છે.

આમ કાંતવાની ને વણવાની મિલોએ ગામડાંના લોકોનું ગુજારાનું એક મોટું સાધન છીનવી લીધું છે. એ મિલો વધારે સારું ને સોંઘું કપડું તૈયાર કરતી જ હોય તોયે એ કંઈ ઉપલી દલીલનો જવાબ નથી. કેમ કે એ મિલોએ જો હજારો મજૂરોનો ઉધોગ છીનવી લઈ તેમને બેકાર બનાવ્યા હોય તો સોંઘામાં સોંઘું મિલ-કાપડ ગામડાંમાં વણાયેલી મોંઘામાં મોંઘી ખાદી કરતાં મોંઘું છે. કોલસાની ખાણમાં કામ કરનાર મજૂર જ્યાં વસે છે ત્યાં જ કોલસાનો ઉપયોગ કરી શકે છે, એટલે એને કોલસા મોંઘા પડતા નથી. એ જ રીતે જે ગ્રામવાસી પોતાના ખપપૂરતી ખાદી બનાવી લે છે તેને તે મોંઘી પડતી નથી. પણ જો મિલામાં બનેલું કાપડ ગામડાંનાં માણસોને બેકાર બનાવે છે, તો ચોખા ખાંડવાની ને આટો દળવાની મિલો બજારો સ્ત્રીઓની રાજી છીનવી લે છે, એટલું જ નહીં પણ સાટે આખી પ્રજાના આરોગ્યને હાનિ પહોંચાડે છે. જ્યાં લોકોને માંસાહાર કરવાનો વાંધો ન હોય ને એ આહાર પોસાતો હોય ત્યાં મેંદાથી અને પૉલ્શ કરેલવા ચોખાથી કદાચ કંઈ નુકસાન ન થતું હોય;પણ હિંદુસ્તાનમાં જ્યાં કરોડો માણસો એવાં છે જેમને માંસ મળે તો તે ખાવામાં વાંધો નથી પણ જેમને માંસ જોવા મળતું નથી, ત્યાં તેમને આખા ઘઉંનો આટો પૉલિશ કર્યા વિનાના હાથે ખાંડેલા ચાખામાં રહેલાં પૌષ્ટિક અને ચેતનદાયી તત્વો ન મળવા દેવાં એમાં પાપ છે. હવે તો ડૉકટરોએ અને બીજાઓએ મળીને લોકોને મેંદો અને પૉલિશ કરેલા સંચે ખાંડેલા ચોખા વાપરવાથી થતા નુકસાનનું ભાન કરાવવુમ જોઈએ.

મેં આ કેટલીક મોટી સહેજે નજરે ચડે એવી વાતો તરફધ્યાન ખેચ્યું છે તે એમ બતાવવા માટચે કે ગ્રામવાસીઓને કામ આપવું હો. તો તે યંત્રો વાટે ન બની શકે; પણ તેઓ અત્યાર સુધી જે ઉધોગો કરતા આવ્યા છે તેને સજીવન કરવા એ જ એનો સાચો રસ્તો છે. ૧

ગ્રામોધોગની યોજનાની પાછળ કલ્પના તો એ છે કે આપણે રોજની જરૂરિયાતો ગામડાંમાં બનેલી ચીજોથી પૂરી પાડવી જોઈએ; અને જ્યારે એમ જણાય કે અમુક ચીજો તો ગામડાંમાં મળતી જ નથી, ત્યારે આપણે જોવું જોઈએ કે એ ચીજો થોડીક મહેનત અને સંગઠનથી ગામડાંના માણસો બનાવી શકે ને એમાંથી કંઈ નફો કરી શકે એમ છે કે નહીં.

નફાનો અંદાજ કાઢવામાં આપણે પોતાનો નહીં પણ ગ્રામવાસીનો ખ્યાલ રાખવો જોઈએ. એમ બને કે શરૂઆતમાં આપણે સામાન્ય ભાવ કરતાં જરાક વધારે આપવું પડે અને બદલામાં હલકી ચીજ મળે. પણ જો આપણે એ ચીજો બનાવી આપનાર માણસના કામમાં રસ લેતા થઈશું, એ માલ સુધારે એવો આગ્રહ રાખીશું, અને એને એ સુધારવામાં મદદ કરીશું તો એ ચીજો જરૂર સુધરશે. ૨

હું કહું કે ગામડાંનો નાશ થશે તો હિંદુસ્તાનનો પણ નાશ થશે.

પછી એ હિંદુસ્તાન નહીં રહે. જગતમાં એનું જે વિશિષ્ટ કાર્ય છે તે લુપ્ત થઈ જશે. ગામડું સજીવન ત્યારે જ થાય જ્યારે એનું શોષણ થતું અટકે.

વિશાળ ઉધોગોની સાથે હરીફાઈ અને ખપતના પ્રશ્નો આવશે એટલે ગ્રામવાસીઓનું સીધું કે આડકતરું શોષણ થયા વિના નહીં જ રહેવાનું.

તેથી અમારે ગામડાંને સ્વાવલંબી, સ્વયંપૂર્ણ બનાવવામાં બધી શક્તિ વાપરવાની છે, ને મોટે ભાગે જે ચીજો વાપરવાની હોય તે જ બનાવવાની છે. ગ્રામોધોગનું આ રૂપ જળવાઈ રહે તો ગ્રામવાસીઓ પોતે બનાવીને વાપરી શકે એવાં આધુનિક યંત્રો અને ઓજારો વાપરે એમાં કશો વાંધો નથી. માત્ર એ બીજાને ચૂસવાનાં સાધન તરીકે ન વાપરવાં જોઈએ. ૩

આપણે ગામડાંમાં વસતું હિંદ જે ભારતવર્ષના જેટલું જ પ્રાચીન છે તેની વચ્ચે અને શહેરો કે જે વિદેશી સત્તાએ ઊભી કરેલી સૃષ્ટિ છે તેની વચ્ચે પસંદગી કરવી રહી છે. આજે શહેરો ગામડાં પર સત્તા ચલાવી રહ્યાં છે અને તેને ચૂસી રહ્યાં છે. પરિણામે ગામડાં નાશ પામતાં જાય છે. મારું ખાદી-માનસ મને એમ સૂચવે છે કે એ વિદેશી સત્તાના અસ્ત સાથે શહેરોએ પણ હિંદના ગામડ.ાંની સેવાના વાહનરૂપ બનવું પડશે. ગામડાંની ચૂસ એ જ મોટી સંગઠિત હિંસા છે. જો આપણે અહિંસાની ભૂમિકા ઉપર સ્વરાજ્યની રચના કરવી હોય તો આપણે ગામડાંઓને તેમનું યોગ્ય સ્થાન પાછું આપ્યે જ છૂટકો છે. ૪

ખાદી

મારે મન ખાદી હિંદુસ્તાનની આખી વસ્તીની એકતાનું, તેના આર્થિક સ્વાતંત્ર્‌ય ને સમાનતાનું પ્રતીક છે અને તેથી જવાહરલાલના કાવ્યમય શબ્દોમાં કહું તો ‘હિંદની આઝાદીનો પોશાક છે’.

વળી ખાદી-માનસનો અર્થ થાય છે જીવનની જરૂરિયાતોની પેદાશ તેમ જ વહેંચણીનું વિકેન્દ્રીકરણ. તેથી આજ સુધીમાં જે સિદ્ધાંત ઘડાયો છે તે એ છે કે દરેકેદરેક ગામે પોતપોતાની સઘળી જરૂરિયાત જાતે પેદા કરી લેવી અને ઉપરાંત શહેરોની જરૂરિયાત પૂરી કરવાને ખાતર થોડીક વધારે પેદાશ કરવી.

મોટા ઉધોગો તો અલબત એકકેન્દ્રી તેમ જ રાષ્ટ્રને હસ્તક રાખવા પડશે. પણ આખું રાષ્ટ્ર મળીને જે વિરાટ આર્થિક પ્રવૃતિ ગામડાંઓમાં ચલાવશે તેનો આ તો નજીવો ભાગ રહેશે.

ખાદીની બનાવટમાં આટલી બાબતો આવેછે : કપાસ ઉગાડવો, કપાસ પણવો, તેને ઝૂડવો, સાફ કરવો ને લોઢવો, રૂ પીંજવું, પૂણીઓ બનાવવી, કાંતવું, સૂતરની પવાયત કરવી કે તેને કાંજી પાવી, સૂતરને રંગવું, તેનો તાણો પૂરવો ને વાણો તૈયાર કરવો, વણાટ અને ધોલાઈ.

આમાંથી રંગાટી કામ સિવાયનાં બાકીનાં બધાં કામો ખાદીને અંગે જરૂરી તેમ જ મહત્ત્વનાં છે, ને કર્યા વિના ચાલે તેવાં નથી. એમાંનું એકએક કામ ગામડાંઓમાં સારી રીતે થઈ શકે તેવું છે; અને હકીકતમાં અખિલ ભારત ચરખા સંઘ હિંદભરનાં જે અનેક ગામડાંઓમાં કાર્ય કરે છે તે બધાંમાં એ કામો આજે ચાલુ છે.

ગામડાંઓમાં ચાલતા અનેક ઉધોગો પૈકીના આ મુખ્ય ઉધોગનો અને તેની આજુબાજુ વીંટળાયેલા હાથકારીગરીના અનેક ધંધાઓના વગર વિચારે ને ફાવે તેમ તેમ જ નિર્દયપણે નાશ કરવામાં આવ્યો ત્યારથી આપણાં ગામડાંઓમાંથી બુદ્ધિ ને નૂર ઊડી ગયાં, તે બધાં ઝાંખાં ને ચેતન વગરનાં થઈ ગયાં, અને તેમની દશા તેમનાં પોતાનાં ભૂખે મરતાં ને દૂબળાં ઢોર જેવી થઈ ગઈ. ૫

બીજા ગ્રામોધોગો

ખાદીની સરખામણીમાં ગામડાંમાં ચાલતા ને ગામડાંઓને જરૂરી બીજા ધંધાઓની વાત જુદી છે. એ બધા ધંધાઓમાં આપમેળે ખુશીથી મજૂરી કરવાની વાત બહુ કામ આવે તેવી નથી. વળી એ દરેક ધંધામાં કે ઉધોગમાં અમુક થોડી સંખ્યાનાં માણસોને જ મજૂરી મળી શકે. એટલે આ ઉધોગો ખાદીના મુખ્ય કાર્યને મદદરૂપ થાય તેવા છે. ખાદી વિના તેમની હયાતી નથી અને તેમના વિના ખાદીનું ગૌરવ કે શોભા નથી. હાથે દળવાનો, હાથે છડવાનો ને ખાંડવાનો, સાબુ બનાવવાનો, કાગળ બનાવવાનો, દીવાસળીઓ બનાવવાનો, ચામડાં કમાવવાનો, તેલની ઘાણીનો અને એવા જ બીજા સમાજજીવનને જરૂરી તેમ જ મહત્ત્વના ધંધાઓ વિના ગામડાંની અર્થરચના સંપૂર્ણ નહીં થાય; એટલે કે તે સ્વયંસંપૂર્ણ ઘટક નહીં બને. મહાસભાવાદી આ બધા ધંધાઓમાં રસ લેશે, અને વધારામાં તે ગામડાંનો વતની હશે અથવા ગામડે જઈને રહેતો હશે તો આ ધંધાઓને નવું ચેતન ને નવું વલણ આપશે. દરેક જણે, દરેક હિંદીએ જ્યારે ને જ્યાં જ્યાં મળે ત્યાં કેવળ ગામડાંમાં બનેલી વસ્તુઓ વાપરવાનો પોતાનો ધર્મ માનવો જોઈએ. આવી વસ્તુઓની માગ ઊભી થાય તો આપણી મોટા ભાગની જરૂરિયાતો ગામડાંઓ પૂરી પાડી શકે એમાં જરાયે શંકા નથી. ગામડાંઓને વિષે આપણને લાગણી થશે ને તેમાં બનેલી વસ્તુઓ આપણને ગમતી થશે તો પશ્ચમની નકલ-માં મળતી સંચામાં વનેલી ચીજો આપણને નહીં ખપે, અને જેમાં ગરીબી, ભૂખમરો ને આળસ કે બેકારી નહીં હોય તે નવીન ભારતના આદર્શની સાથે મેળ ખાય એવી અભિરુચિ આપણે કેળવીશું. ૬

કંપોસ્ટ ખાતર

હિંદુસ્તાનના લોકો સ્વેચ્છાપૂર્વક સહકાર આપે તો આ દેશ, અનાજની તંગી નાબૂદ કરી શકે એટલું જ નહીં પણ હિંદુસ્તાનની જરૂરિયાત કરતાં વધારે ખોરાક પેદા કરી શકે. જીવતું ન્મિશ્ર ખાતર જમીન-ને હમેશાં ફળદ્રુપ બનાવે છે. એનાથી જમીનના રસકસ કદી ઘટતા નથી. રોજરોજનાં મળમૂત્રનો મિશ્ર ખાતર બનાવવામાં બરોબર ઉપયોગ કરવામાં આવે તો એમાંથી સોના જેવું ખાતર જમીન માટે મળી રહે છે, જેથી કરોડો રૃપિયાનો બચાવ થાય છે અને અનાજ અને કઠોળનું એકંદરે ઉત્પન્ન અનેકગણું વધે છે. આ ઉપરાંત મળને ખાતર તરીકે ઉપયોગમાં લેવાથી આજુબાજુના વિસ્તારો સ્વચ્છ રહે છે. અને સ્વચ્છતા-માં પવિત્રતા છે, એટલું જ નહીં, તે સ્વાસ્થ્યને પોષક છે. ૭

ચામડાં કેળવવાનો ઉધોગ

ગામડાંમાં ચામડાં કેળવવાનો ધંધો ભારતવર્ષના જેટલો જ પ્રાચીન છે. ચામડાં કેળવવાનો ધંધો હલકો ક્યારથી ગણાવા લાગ્યો એ કોઈ કહી નહીં શકે. પ્રાચીન કાળમાં તે હલકો નહીં જ ગણાતો હોય. પણ આજે આપણે જાણીએ છીએ કે આ ધંધો જે સૌથી ઉપયોગી અને અનિવાર્ય એવા ધંધામાંનો એક છે, તે કરનાર દસેક લાખ માણસને વંશપરંપરાના અસ્પૃશ્ય બનાવી દેવામાં આવ્યા છે. જે દિવસે મજૂરી પ્રત્યે લોકોને તિરસ્કાર પેદા થયો ને તેથી તેની ઉપેક્ષા થવા લાગી તે દિવસે આ અભાગી દેશની દુર્દશા બેઠી. જે કરોડો લોકો દેશના હીર સમા હતા, ને જેમના ઉધમ પર આ દેશની જિંદગી જ ટકી રહેવાનો આધાર હતો તે નીચ વર્ણના ગણાવા લાગ્યા, અને ખોબા જેટલા નવરા બેઠાડુ લોકો ઊંચ વર્ણ થઈ બેઠા. એનું માઠું પરિણામ એ આવ્યું કે ભારતવર્ષની નીતિ ને સંપત્તિ બંને પાયમાલ થઈ ગયાં. એ બે પાયમાલી-માં મોટી કઈ હતી એની અટકળ બાંધવી અશક્ય નહીં તો મુશ્કેલ તો છે જ. પણ ખેડૂતો અને કારીગરો વિષે બેદરકારી રાખવાનો ગુનો આપણે કર્યો તેને લીધે આપણે ભિખારી થઈ ગયા, આપણી બુદ્ધિ જડ થઈ ગઈ, અને આપણામાં આળસે ઘર ઘાલ્યું.

ભારતવર્ષમાં સુંદરઆબોહવા છે, અદ્‌ભૂત સૃષ્ટિસૌન્દર્ય છે, ઊંચા પહાડો,

પ્રચંડ નદીઓ અને વિશાળ સમુદ્રકાંઠો ઈશ્વરે ભારતવર્ષને આપ્યાં છે. અહીં કુદરતે રિધ્ધિસિદ્ધિના એટલા તો ભંડાર ભર્યા છે કે આ દેશનાં ગામડાંમાં એ બધાનો પૂરો ઉપયોગ થતો હોય તો દારિધ અને રોગ પેસવા જ નામ્યાં હોત. પણ આપણે ત્યાં બુદ્ધિ ને અંગમહેનત વચ્ચે વેર બંધાયું તેને લીધે આપણી આવરદા દુનિયાના બધા દેશોમાં ઓછામાં ઓછી થઈ ગઈ, આપણી બુદ્ધિ મંદમાં મંદ બની ગઈ, અને આખા જગતમાં કોઈ દેશ નથી

ચુસાતો એટલા આપણે ચુસાઈ રહ્યા છીએ. આપણાં ગામડાંના ચામડાં કેળવવાના ઉધોગની દુર્દશા એ કદાચ મેં મૂકેલા આરોપનો સૌથી સચોટ પુરાવો ગણી શકાય.

આજે હિંદુસ્તાનમાંથી દર વરસે નવ કરોડ રૂપિયાનું કાચું ચામડું પરદેશ ચડે છે, અને એમાંનું ઘણું તૈયાર માલ રૂપે આ દેશમાં પાછું આવેછે. આનો અર્થ એ છે કે આપણી સંપત્તિ જ નહીં પણ બુદ્ધિ પણ શોષાઈ રહી છે. ચામડાં કેળવવામાં અને રોજના વાપર માટે કેળવાયેલા ચામડાની અગણિત ચીજો બનાવવામાં આપણને જે તાલીમ મળવી જોઈએ તે મેળવવાની તક આપણે ગુમાવીએ છીએ.

અહીં સો ટકા સ્વદેશીના પ્રેમીને માટે કામ પડેલું છે, અને એક મહાપ્રશ્ન ઉકેલવામાં શાસ્ત્રીય જ્ઞાનનો ઉપયોગ કરવાનો અવકાશ રહેલો છે.

આ એક કામથી ત્રણ અર્થ સરે છે. એથી હરિજનોની સેવા થાય છે, ગ્રામવાસીઓની સેવા થાય છે, અને મધ્યમ વર્ગના જે બુદ્ધિશાળી લોકો રોજગારીની શોધમાં હોય તેમને આબરૂભેર કમાણી કરવાનું સાધન મળે છે.

વળી બુધ્યધિશાળી લોકોને ગામડાંની પ્રજાના સીધા સંસર્ગમાં આવવાની સુંદર તક મળે છે એ લાભ તો જુદો જ. ૮

આરંભ કેમ કરવો ?

કેટલાક સજ્જનો કાગળ લખીને, અને કેટલાક મિત્રો મળીને મને પૂછે કે, ‘અમારે ગ્રામોધોગના કામનો આરંભ કેવી રીતે કરવો, ને સૌથી પહેલાં શું કરવું ?’

ચોખ્ખો જવાબ તો એ છે કે ‘તમારી જાતથી આરંભ કરો,ને તમારે માટે જે વસ્તુ સહેલામાં સહેલી હોય તે પહેલી કરો.’

પણ આ જવાબથી પૂછનારાઓને સંતોછ થતો નથી. તેથી હું વધારે સ્પષ્ટતાથી વાત કરું.

દરેક માણસ પોતાના ખોરાકની ચીજો, વસ્ત્રો, અને રોજના વાપરની બીજી બધી વસ્તુઓ તપાસે; અને એમાં જે પરદેશની કે શહેરની બનાવટની હોય તે તજીને ગ્રામવાસીઓએ તેમનાં ધરમાં કે ખેતરમાં તેમનાં સાદાં ને સહેજે વાપરી ને સુધારી શકાય એવાં ઓજારો વડે બનાવી હોય એવી વસ્તુઓ વાપરે. આ. પરિવર્તન કરવામાં જ એને ઘણી કીમતી કેળવણી મળી રહેશે, અને એ સંગીન શરૂઆત થશે.

આ પછીનું પગથિયું તેને આપોઆપ જડી જશે. દાખલા તરીકે, આ આરંભ કરનાર આજ સુધી મુંબઈના કારખાનામાં બનેલું ટૂથબ્રશ વાપરતો હોય. તેને બદલે એને હવે ગામડાંમાં બનેલી વસ્તુ વાપરવી છે.

તેને સલાહ આપવામાં આવે છે કે તેણે બાવળનું દાતણ વાપરવું. તેના દાંત નબળા હોય કે પડી ગયા હોય તો દાતણને એક ગોળ પથરા-થી કે હથોડીથી કૂટીને તેનો કૂચો બનાવે. બીજા છેડા પર ચપ્પુથી કાપ મૂકી રાખે. પછી બે ચીર થાય તેના વતી તે ઊલ ઉતારે. કારખાનામાં બનેલાં અતિશય મેલાં ટૂથબ્રશને બદલે આ દાતણ તેને સસ્તાં ને બહુ જ ચોખ્ખાં લાગશે. શહેરમાં બનેલા ટૂથપાઉડરને બદલે કોલસાની ઝીણી ચાળેલી ભૂકી અને ચોખ્ખા મીઠાનું સરખે ભાગે મિશ્રણ કરીને તે વાપરશે. તે મિલનું કપડું છોડીને ગામડાંમાં હાથે કાંતી-વણીને તૈયાર થયેલી ખાદી વાપરશે; મિલના ખાંડેલા ચોખાને ઠેકાણે હાથના ખાંડેલા, અણછડ ચોખા, અને ખાંડને ઠેકાણે ગોળ ખાશે.

આ તો પત્રમાં જે વસ્તુઓ બતાવાઈ ચૂકી છે તેમાંથી મેં માત્ર દ્રષ્ટાંતો આપ્યાં છે. એ ગણાવવામાં મારો ઉદ્દેશ આ પ્રશ્નને મારી સાથે ચર્ચનારાઓએ જણાવેલી મુશ્કેલીઓની ચર્ચા કરવાનો પણ છે.