Mara Swapnnu Bharat - 33 books and stories free download online pdf in Gujarati

મારા સ્વપ્નનું ભારત - 33

પ્રકરણ તેત્રીસમું

સહકારી ધોરણે પશુપાલન

દરેક ખેડૂત પોતાના ઘરમાં ગાયબળદ રાખી તેનું પાલન સારી રીતે અને શાસ્ત્રીય પદ્ધતિએ કરી શકે નહીં. ઘણાં કારણમાં વ્યક્તિગત પાલન પણ ગોવંશની ક્ષતિ થવામાં એક કારણ છે. એ ભાર વ્યક્તિગત ખેડૂતની શક્તિ ઉપરાંતનો છે.

હું તો ત્યાં સુધી કહું છું કે દરેક કાર્યમાં આજે જગત સામુદાયિક શક્તિસંગઠન તરફ જઈ રહ્યું છે. એ સંગઠનનું નામ સહકાર. ઘણી ચીજો આજે સહકારથી થાય છે. આપણા દેશમાં સહકાર આવ્યો તો છે, પણ એવા વક્ર રૂપમાં કે એનો ખરો લાભ હિંદુસ્તાનના ગરીબોને મળ્યો જ નથી.

આપણી વસ્તી જેમ જેમ વધતી જાય છે તેમ તેમ ખેડૂતની વ્યક્તિગત જમીન ઓછી થતી જાય છે. પરિણામે દરેક ખેડૂત પાસે પૂરતી જમીન રહી નથી. જે છે તે પણ અગવડભરી છે. આવો ખેડૂત પોતાના ઘર કે ખેતરમાં પોતાનાં ગાયબળદ રાખી શકતો નથી. રાખે તો ઢોર તેને પોતાને જ ખાઈ જાય છે. આ જ હાલત આજે હિંદુસ્તાનની છે. ધર્મ, દયા કે નીતિની દ્રષ્ટિ છોડીને વુચારનાર અર્થશાસ્ત્રી તો પોકારીને કહે છે કે હિંદુસ્તાનમાં લાખો પશુઓનું અસ્તિત્વ મનુષ્યને ખાઈ રહ્યું છે. કારણ કે તેથી લાભ તો થતો નથી, પણ તેને ખવડાવવું તો પડે છે. તેથી એને મારી નાખવાં જોઈએ. પણ ધર્મ કહો, નીતિ કહો કે દયા કહો, આવાં નકામાં ગણાતાં પશુઓને મારતાં રોકે છે.

આ સ્થિતિમાં શું કરવું ઘટે? જવાબ એ જ છે કે બને તેટલે પ્રયત્ને પશુઓને જીવતાં રાખવાનું અને બોજારૂપ ન બનવા દેવાનું કરી શકાય એમ કરવું. એ પ્રયત્નોમાં સહકારનું સ્થાન ઘણું મહત્ત્વનું છે.

સહકાર અથવા સામુદાયિક પદ્ધતિએ પશુપાલન કરવાથી-૧. જગ્યા બચે. ખેડૂતને પોતાના ઘરમાં પશુ રાખવાં ન પડે.

આજે તો જે ઘરમાં પોતે રહે છે તેમાં જ તેનાં ઢોર પણ રહે છે. આથી હવા બગડે છે અને ગંદવાડ રહે છે. માણસ પશુ સાથે એક જ ઘરમાં રહેવાને સર્જાયો નથી. એમાં નથી દયા કે નથી જ્ઞાન.

૨. પશુની સંખ્યા વધતાં એક ઘર પૂરું પડતું નથી. આથી ખેડૂત વાછડાને વેચી દે છે અને પાડાને મારી નાખે છે કે મરવા માટે છોડી દે છે.

આ અધમતા છે. સહ અધમતા છે. સહકારથી આ અટકે.

૩. પશુને રોગ થાય તો તેનો શાસ્ત્રીય ઈલાજ વ્યક્તિગત પદ્ધતિમાં થઈ જ શકતો નથી. સહકારમાં ચિકિત્સા સહેલી થાય છે.

૪. દરેક કિસાન સાંઠ રાખી ન શકે. સહકારમાં ઘણી ગાયો માટે સારો સાંઠ સહેલાઈથી રાખી શકાય.

૫. દરેક ખેડૂતને ગોચર જમીન તો બાજુએ રહી, વ્યાયામની (ઢોરને પગ છૂટા કરવાની)યે જમીન રાખવી અસંભવ છે. સહકારથી સહેલાઈથી બંને સગવડો મળી શકે.

૬. ઘાસ વગેરેનું ખર્ચ વ્યક્તિગત ખેડૂતને ઘણું આવે. તેની સરખામણીમાં સહકારમાં ઓછું પડે.

૭. વ્યક્તિગત ખેડૂત પોતાનું દૂધ સહેલાઈથી વેચી શકતો નથી.

સહકારમાં સારી કિંમત મળે અને દૂધમાં પાણી વગેરે નાખવાની લાલચ- માંથી ઊગરે.

૮. વ્યક્તિગત ખેડૂતનાં ઢોરની પરીક્ષા કરવી અસંભવ છે. પણ આખા ગામનાં ઢોરોની પરીક્ષા સહેલી છે. અને તેની ઓલાદ સુધારવા-નો ઉપાય સહેલો થાય.

૯. સામુદાયિક અથવા સહકારી પદ્ધતિના પક્ષમાં આટલાં કારણો પૂરતાં લાગવાં જોઈએ.પણ સૌથી મોટી અને સચોટ દલીલ તો એ છે કે વ્યક્તિગત પદ્ધતિને પરિણામે આપણી તેમ જ પશુઓની દયાજનક દશા થઈ છે. તેને ફેરવીએ તો જ આપણે બચી શકીએ અને પશુનેય બચાવી શકીએ.

મારી તો ખાતરી છે કે જો જમીનનેયે આપણે સામુદાયિક પદ્ધતિ-

થી ખેડીએ તો જ તેમાંથી આપણે પૂરો લાભ ઉઠાવી શકીએ. એક ગામની જમીન સો ટુકડાઓમાં વહેંચાઈ જાય તેના કરતાં શું એ વધારે સારું નથી કે સો ખેડૂતો ગામની બધી જમીન સહકારથી ખેડે અને આવક વહેંચી લે ? જે ખેતીને તે જ પશુનેય લાગુ પડે છે.

એ બીજી વસ્તુ છે કે સહકાર પદ્ધતિ પર લોકોને લાવવામાં મુશ્કેલીઓ છે. સાચી ચીજો કરવામાં મુશ્કેલીઓ હોય છે જ. ગોસેવાનાં સર્વે કામોમાં મુશ્કેલીઓ છે. મુશ્કેલીઓ દૂર કરવામાં જ સેવાનો માર્ગ સાફ થઈ શકે છે. અહીં તો એટલું જ બતાવવું હતું કે સામુદાયિક પદ્ધતિ શી ચીજ છે, અને તે વૈયકિતિક પદ્ધતિથી શી રીતે વધારે સારી છે. એટલું જ નહીં, બલ્કે વૈયક્ક ભૂલભરેલી છે અને સામુદાયિક સાચી છે. વ્યક્તિ પોતાની સ્વતંત્રતાની રક્ષા પણ સહકારનો સ્વીકાર કરીને જ કરી શકે છે.

અહીં સામુદાયિક પદ્ધતિ અહિંસા છે, વૈયક્તિક હિંસા છે. ૧

છાણ, કચરો, માણસોનો મળ વગેરેના મિશ્રણમાંથી સોના જેવું ખાતર બને છે. આ ખાતર ખૂબ કીંમતી ચીજ છે. આ ખાતર નાખવાથી જમીનની ફળદ્રુપતા વધે છે. આવું ખાતર બનાવવું એ પણ એક ગ્રામઉધોગ જ છે. પરંતુ ભારતના કરોડો લોકો ગ્રામઉધોગ જ છે. પરંતુ ભારતના કરોડો લોકો ગ્રામઉધોગોનો પુનરુદ્ધાર કરવામાં અને એ રીતે ભારતને આબાદ કરવામાં સહકાર ન આપે તો બીજા ગ્રામઉધોગોની જેમ આ ઉધોગ પણ પ્રત્યક્ષ પરિણામ નહીં બતાવી શકે.