Mara Swapnnu Bharat - 34 in Gujarati Fiction Stories by Mahatma Gandhi books and stories PDF | મારા સ્વપ્નનું ભારત - 34

Featured Books
Share

મારા સ્વપ્નનું ભારત - 34

પ્રકરણ ચોત્રીસમું

ગ્રામસફાઈ

મજૂરી ને બુદ્ધિ વચ્ચે ફારગતી થઈ છે તેથી ગુનો ગણાય એટલી હદ સુધી આપણાં ગામડાંઓ તરફ આપણે બેદરકાર થયા છીએ. એટલે શોભીતાં ને રળિયામણાં નાનાં નાનાં ગામો ઠેર ઠેર પથરાયેલાં હોય તેને બદલે આપણે ત્યાં ઉકરડા જોવાના મળે છે. ઘણાં, કહો કે લગભગ બધાં, ગામોમાં પેસતી વખતે જે અનુભવ થાય છે તેનાથી આનંદ ઊપજતો નથી.

ભાગોળે જ આજુબાજુ એવી ગંદકી હોય છે ને તેમાંથી એવી બદબો ઊઠે છે કે ઘણી વાર ગામમાં પેસનારને આંખ મીંચી જવી પડે છે ને નાક દબાવવું પડે છે. મોટા ભાગના મહાસભાવાદીઓ ગામડાંના વતનીઓ હોવા જોઈએ. તેમ હોય, તો તેમણે આપણાં ગામડાંઓ ને બધી રીતે ચોખ્ખાઈના નમૂના બનાવવાં જોઈએ. પણ ગામડાંના લોકોના નિત્ય એટલે કે રોજરોજના જીવનમાં ભાગ લેવાની અથવા તેની સાથે એકરૂપ થવાની તેમણે પોતાની ફરજ કદી માની નથી. રાષ્ટ્રીય કે સામાજિક સફાઈને આપણે જરૂરી ગુણ માન્યો નથી ને કેળવ્યો નથી. આપણે રિવાજથી અમુક ઢબે નાહીએ છીએ એટલું જ, બાકી જે નદી, તળાવ કે કૂવાને કાંઠે આપણે શ્રાદ્ધ ને એવા બીજા ધર્મવિધિ કરીએ છીએ, ને જે જળાશયોમાં આપણે પવિત્ર થવાને સ્નાન કરીએ છીએ તેમનું પાણી બગાડતાં કે ગંદુ કરતાં આપણને છીત થતી નથી. આપણી આ ખામીને હું એક મોટો દુર્ગુણ ગણું છું અને આપણાં ગામડાંઓની તેમ જ આપણી પવિત્ર નદીઓના પવિત્ર કાંઠાઓની નામોશી ઉપજાવે તેવી અવદશા અને ગંદવાડમાંથી પેદા થતા રોગો આપણે તે દુર્ગુણના ફળરૂપે ભોગવીએ છીએ. ૧

ગામડાંમાં આપણે કરવાનું એ છે કે તળાવ-કૂવા સાફ કરવાં ને રાખવાં, અને ઉકરડા કાઢી નાખવા. ગ્રામસેવકો જો જાતે કામ શરૂ કરશે, દરરોજ પગારદાર ભંગીની પેઠે કામ કરશે, અને લોકોને એટલું સમજાવશે કે એમની પાસેથી પણ એ કામમાં જોડાવાની અને અંતે જાતે એ બધું કામ ઉપાડી લેવાની અપેક્ષા રખાય છે, તો ગ્રામસેવકો ખાતરી રાખે કે ગામડાંના લોકો વહેલામોડા એમને સહકાર આપ્યા વિના નહીં રહે.

રસ્તા ને શેરીઓ પરથી બધો કચરો ફેંકી દેવો જોઈએ, ને એનું વર્ગીકરણ કરવું જોઈએ. એમાં કેટલીક ચીજો એવી હોય છે જેનું ખાતર બની શકે;કેટલીક એવી હોય છે જેને દાટી જ દેવી જોઈએ, અને કેટલીક એવી હોય છે કે જેમાંથી તરત જ પૈસા પેદા થઈ શકે. જેટલાં હાડકાં મળી આવે તે કાચા સોના જેવાં ગણાય, ને એમાંથી ઉપયોગી વસ્તુઓ બને, અથવા એને વાટીને ભૂકો કરવાથી એનું સુંદર ખાતર બને. ચીંથરાં ને નકામા કાગળમાંથી કાગળ ને. અને મળનું ગામડાંનાં ખેતરને માટે સોના જેવું ખાતર બને. મળને ઠેકાણે પાજવાની રીત એ છે કે પેશાબ તેમ જ મળને નકામી માટી જોડે ભેળવવાં અને તેને વધારેમાં વધારે એક ફૂટ ઊંડો ખાડો કરીને જમીનમાં દાટી દેવાં. ડૉ. પૂરે ગામડાંની સફાઈ વિષેની એમની ચોપડીમાં લખ્યું છે કે મળ જમીન-માં ૯થી ૧૨ ઈંચ કરતાં વધારે ઊંડાઈએ દાટવો ન જોઈએ(આ ચોપડી અત્યારે મારી પાસે નથી, પણ આ પ્રમાણે લખેલું મને યાદ છે). લેખકનું કહેવું એમ છે કે નકામી જમીનમાં સૂક્ષ્મ જંતુઓ છે અને પ્રકાશ અને હવા પણ આટલે ઊંડે સહેજે પહોંચી શકે છે.

એ જંતુઓ અને હવા તથા પ્રકાશ મળીને એક અઠવાડિયાની અંદર મળનું સુંદર નરમ ખાતર બનાવી દે છે. કોઈ પણ ગ્રામવાસી આ વસ્તુ અજમાવીને જોઈ શકે છે. આમ કરવાનો એક રસ્તો એ છે કે સ્થાયી જાજરૂ રાખીને તેમાં માટીનાં કૂંડાં કે લોઢાની ડોલો રાખવાં, અને તેમાંનાં મળમૂત્ર દરરોજ યોગ્ય રીતે તૈયાર કરેલી જગાએ ઠાલવી દેવાં. અથવા બીજો રસ્તો એ છે કે જમીનમાં ખાડા કરીને તૈયાર રાખ્યા હોય ત્યાં શૌચક્રિયા કરવી.

મળને ગામની સાર્વજનિક જમીનમાં અથવા તો કોઈ માણસોની ખાનગી માલિકીની જમીનમાં દાટી શકાય. આ કામ ગામલોકોના સહકાર વડે જ થઈ શકે. બીજું કશું ન જ બને તોયે કોઈ સાહસિક ગ્રામવાસી મળને ભેગા કરીને પોતે એમાંથી ધન ઉપજાવી શકે. આજે આ લાખો રૂપિયાની કિંમતનું ખાતર દરરોજ વેડફાઈ જાય છે, હવાને બગાડે છે અને બદલામાં રોગો પેદા કરે છે.

ગામડાંનાં તળાવના પાણીને લોકો નાહવા, કપડાં ધોવા અને પીવા તથા રાંધવા માટે ફાવે તેમ વાપરે છે. ધણાં ગામડાંનાં તળાવનો ઢોર પણ ઉપયોગ કરે છે. ભેંસ ઘણી વાર એમાં આળોટતી દેખાય છે. આશ્ચર્યની વાત તો એ છે કે ગામડાંનાં તળાવનો આટલો ઘોર દુરુપયોગ થતો હોવા છતાં ગામડાં હજુ ચેપી રોગોથી નાશ પામ્યાં નથી. બધા જ ડૉકટરો એવો પુરાવો આપે છે કે ગામડાંને સ્વચ્છ પાણી જ મળે એવી વ્યવસ્થા આપણે કરી નથી શકતા તકે જ ગામડાંના ઘણા રોગોનું મૂળ કારણ છે.

એટલું તો સૌ કબૂલ કરશે કે આ કામ એવું છે કે એમાં રસના ઘૂંટડા આવે, ઘણી કીમતી કેળવણી મળે અને એમાંથી હિંદુસ્તાનની દુઃખી પ્રજાને પાર વિનાનો લાભ થાય. આ કામને પહોંચી વળવાના ઉપાયનું જે વર્ણન મેં કર્યું છે તે પરથી મને આશા છે એટલું સ્પષ્ટ સમજાયું હશે કે જો કલમ કે સીસાપેનના જેટલાં જ સહેલાઈથી ને ગર્વથી સાવરણી ને પાવડો ચલાવવાને તત્પર એવા ઉત્સાહી ગ્રામસેવકો આપણને મળી રહે તો ખરચનો સવાલ તો લગભગ આખો ઊડી જ જાય. સાવરણી, ટોપલી, પાવડો ને કોદાળી, અને કદાચ ચેપ અટકાવનારી વસ્તુ એટલો જ સરંજામ આપણને જોઈએ. સૂકી રાખ એ કોઈ પણ રસાયણશાસ્ત્રી આપી શકે એના જેટલી જ અસરકારક રીતે ચેપ અટકાવનારી વસ્તુ હશે. પણ આ બાબતમાં પરગજુ રસાયણ શાસ્ત્રીઓએ આપણને કહેવું જોઈએ કે ગામડાંના લોકો ગામડાંમાંથી જ મેળવી શકે એવી સૌથી અસરકારક અને સસ્તી ચેપ અચકાવનારી વસ્તુ કઈ ગણાય. ૨

ભારતવર્ષના આદર્શ ગામડાની રચના એવી હશે કે સંપૂર્ણ સ્વચ્છતા જાળવવાની અનુકૂળતા રહે. તેમાં પૂરતાં હવા-અજવાળાંવાળી ઝૂંપડીઓ હશે, ને તે આસપાસના પાંચ માઈલના ઘેરાવામાંથી મળતી સાધન-સામગ્રીથી બનેલી હશે. ઝૂંપડીઓને વાડા રાખેલા હશે જેથી તેમાં વસનાર માણસો તેમના ઘરના ઉપયોગ પૂરતાં શળાકભાજી ઉગાડી શકે ને ઢોર રાખી શકે. ગામડાના રસ્તા ને શેરીઓ જેટલાં ધૂળ વિનાનાં બનાવી શકાય એટલાં બનાવશે. ગામમાં ગામની જરૂરિયાત પૂરતા કૂવા હશે ને તેમાંથી પાણી ભરવાની સૌને છૂટ હશે. સૌને માટે ઉપાસનાનાં સ્થાનો હશે, એક સાર્વજનિક સભાસ્થાન હશે, ઢોરને ચરવા માટે ગોચર હશે, સહકારી પદ્ધતિએ ચાલતું દુગ્ઘાલય, ઔધોગિક શિક્ષણને કેન્દ્રમાં રાખીને

ચાલતી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ, અને ઝઘડા પતાવવા માટે પંચાયતો એ ગામડામાં હશે. ગામડું પોતાના ખપ પૂરતાં અનાજ, શાક- ભાજી ને ફળ પકવી લેશે, ને પોતાના વાપર પૂરતી ખાદી પેદા કરી લેશે.

આદર્શ ગામડાં વિષેની મારી કલ્પનાની આ રૂપરેખા છે. આજના સંજોગોમાં તો ગામડાની ઝૂંપડીઓમાં સહેજસાજ સુધારા થઈ શકે એટલું જ; બાકી તે જેવી ને તેવી રહેશે. જ્યાં સારો જમીનદાર હોય ત્યાં અથવા જ્યાં લોકોમાં સહકારની ભાવના હોય ત્યાં, આદર્શ ઝૂંપડાં સિવાયનો લગભગ આખો કાર્યક્રમ એક કે અનેક જમીનદાર સહિત સર્વ ગ્રામવાસીઓ મળીને કરી શકે એકલા ખરચથી, સરકારની મદદ વિના, પાર પાડી શકાય એવો છે.

સરકારની મદદ હોય તો તો ગામડાંની પુનર્ઘટનાનું કામ પર વિનાનું થઈ શકે. પણ મારું કામ હાલ તુરત તો એ શોધી કાઢવાનું છે કે ગ્રામવાસીઓમાં પરસ્પર સહકારની ભાવના હોય ને તેઓ જો સાર્વજનિક હિતને ખાતર સ્વેચ્છાએ શ્રમ કરે તો તેઓ સ્વાવલંબનથી કેટલું કરી શકે.

મારી પાકી ખાતરી છે કે જો એમને બુદ્ધિપૂર્વક દોરનાર કોઈ હોય તો તેઓ વ્યક્તિઓની આવકથી ભિન્ન એવી આખા ગામડાની આવક બમણી તો કરી જ શકે. આપણાં ગામડાં માં સાધનસામગ્રીનો અખૂટ ભંડાર પડેલો છે. એ બઘધાને જ વેપારી દ્રષ્ટિએ ઉપયોગ ન થઈ શકે; પણ સ્થાનિક ને ઘરગથ્થુ ઉપયોગ તો લગભગ એમાંથી એકએક ચીજનો થઈ શકે. સૌથી મોટી દુઃખની વાત તો એ છે કે ગામડાંના લોકો એમની સ્થિતિ સુધારવાને જરાયે રાજી જ હોતા નથી.

ગ્રામસેવક સૌથી પહેલાં સફાઈના પ્રશ્નનો નિકાલ કરશે.

ગ્રામસેવક ને હંફાવી રહેલી ને લોકોનાંશરીરની પાયમાલી કરીને રોગનાં ઘર ઘાલનારી અનેક વસ્તુઓમાં સૌથી વધારે ઉપેક્ષા આની થઈ છે.

ગેરમસેવક જો સ્વેચ્છાએ ભંગી બને તો તે ગામના મળ ઉઠાવી તેનું ખાતર બનાવવાના ને ગામની શેરીઓ વાળવાના કામથી આરંભ કરશે. શૌચાદિક માટે ક્યાં જવું ને એ ક્રિયાઓ કેવી રીતે કરવની એ તે લોકોને કહેશે, અને સફાઈની ઉપયોગિતા સમજાવી એ વિષે બેદરકારી રાખવાથી થતા ભારે નુકસાનનો ચિતાર તેમને આપશે. ગ્રામવાસીઓ પોતાનું કહેલું સાંભળે કે ન સાંભળે તોયે ગ્રામસેવક પોતાનું કામ કર્યે જશે.