Mara Swapnnu Bharat - 35 books and stories free download online pdf in Gujarati

મારા સ્વપ્નનું ભારત - 35

પ્રકરણ પાંત્રીસમું

ગામડાનું આરોગ્ય

જ્યાં શરીરની ચોખ્ખાઈ, ઘરની સફાઈ અને ગામની સ્વચ્છતા હોય, યુક્તાહાર અને ઘટતી કસરત હોય, ત્યાં ઓછામાં ઓછા રોગ થાય છે. અને ઉપર ગણાવેલી સફાઈ સાથે દિલની સફાઈ હોય, તો રોગ અસંભવિત બની જોય, એમ કહી શકાય. દિલની સફાઈ રામનામ વગર ન થાય. આટલી વાત ગામડાંના લોકો સમજી જાય, તો વૈદ હકીમ કે દાકતરની જરૂર રહેતી નથી.

કુદરતી ઉપચારના મૂળમાં એ વાત રહેલી છે કે, માનવજીવનની આદર્શ રચના જળવાઈ રહે. અને માનવજીવનની આદર્શ રચનામાં ગામડાંની કે શહેરની આદર્શ રચના સમાઈ જાય છે. અલબત્ત, એ આદર્શ રચનાનું મધ્યબિંદુ તો ઈશ્વર જ હોય. ૧

કુદરતી ઉપચારના મૂળમાં એ વાત રહેલી છે કે, તેમાં ઓછામાં ઓછું ખરચ અને ઓછામાં ઓછી ધમાલ હોય. કુદરતી ઉપચારનો આદર્શ એ છે કે, ઉપચાર થઈ શકે એવાં સાધનો બનતા સુધી ગામડાંમાં જ હોવાં જોઈએ, અને ન હોય તો પેદા કરી લેવાં જોઈએ. કુદરતી ઉપચારમાં જીવનપરિવર્તનની વાત તો છે જ. આ કંઈ વૈદનું પડીકું લેવાની અથવા ઈસ્પિતાલમાં જઈને મફત દવા લેવાની કે ત્યાં રહેવાની વાત નથી. મફત દવા લેનારો ભિખારી બને છે. કુદરતી ઉપચાર કરનારો કદી ભિખારી બનતો નથી. તે પોતાની પ્રતિષ્ઠા વધારે છે ને સારા થવાનો ઉપાય પોતાની મેળે કરી લે છે, તથા શરીરમાં ઝેર કાઢી નાખી ફરી વાર માંદો ન પડે, એવો પ્રયત્ન કરે છે.

પથ્ય ખોરાક, યુક્તાહાર, એ અનિવાર્ય અંગ છે ખરું. આપણે જેવા કંગાળ છીએ તેવાં આપણાં ગામડાં કંગાળ છે. ગામડાંમાં શાકભાજી, ફળ, દૂધ વગેરે પેદા કરવાં, એ કુદરતી ઉપચારનું ખાસ અંગ છે. તેમાં જે સમય જાય છે, તે વ્યર્થ જતો નથી એટલું જ નહીં, તેનાથી બધા ગ્રામવાસીઓને અને અંતે આખા હિંદુસ્તાનને લાભ છે. ૨

આનો (કુદરતી ઉપચારનો) સાર એ કે, આપણે સ્વચ્છતાના નિયમો જાણી લઈને પાળીએ અને યોગ્ય ખોરાક લઈએ, તો આપણે પોતે આપણા દાક્તર બની ગયા. જે માણસ જીવવા માટે ખાય છે, પંચમહાભૂતો એટલે કે, માટી, પાણી, આકાશ, સૂર્ય અને વાયુનો મિત્ર બનીને અને તેમના સરજનહાર પ્રભુનો દાસ બનીને રહે, તે બીમાર નહીં પડે. પડે, તોપણ ઈશ્વરને આધારે રહી શાંતિથી મરણને ભેટશે. પોતાના ગામના ખેતરની કોઈ ઔષધિ મળી, તો લેશે. કરોડો માણસો આમ જ જીવે છે ને મરે છે. તેમણે દાક્તરનું નામ સુધ્ધાં સાંભળ્યું નથી, પછી મોઢું તો ક્યાંથી જ જોયું હોય ? આપણે આવા બનીએ અને આપણી પાસે ગામડાંનાં બાળકો તથા તેમના વડીલો આવે છે, તેમને પણ આમ જ રહેતાં શીખવીએ. દાકતરો કહે છે કે, સોમાંથી નવ્વાણું જણ ગંદકીથી, ન ખાવાનું ખાવાથી, ખાવો જોઈએ તે ખોરાક ન મળવાથી અને ભૂખથી મરે છે. જો આ નવ્વાણુંને આપણે જીવનકળા શીખવીએ, તો બાકીના એકને આપણે ભૂલી શકીએ. અને તેને કોઈ ડૉકટર જરૂર મળી રહેશે. તેની ફિકર આપણે કરવાની ન હોય. આજે તો આપણને નથી ચોખ્ખું પાણી મળતું, નથી

ચોખ્ખી માટી મળતી, નથી ચોખ્ખી હવા મળતી. આપણે સૂર્યથી સંતાઈને રહીએ છીએ. આ બધાનો વિચાર કરીએ અને યોગ્ય ખોરાક યોગ્ય રીતે લઈએ, તો કેટલાય યુગોનું કામ થયું સમજજો. તેનું જ્ઞાન મેળવવાને માટે નથી ડિગ્રી જોઈતી,નથી કરોડો રૂપિયા જોઈતા. કેવળ ઈશ્વર પર શ્રદ્ધા, સેવાની ધગશ અને પંચમહાભૂતોનો થોડો પરિચય તથા યુક્તાહારનું જ્ઞાન જોઈએ. આટલું તો આપણે શાળાકૉલેજના શિક્ષણ કરતાં ઓછી મહેનત અને ઓછા સમયમાં મેળવી શકીએ. ૩

રોગમાત્ર જાણીજોઈને કુદરતના નિયમનો ભંગ કરવાથી અગર અજાણતામાં તેમનો ભંગ થવાથી થાય છે. તેથી, એનો અર્થ એવો થયો કે, વખતસર તે નિયમોનું પાલન પાછું શરૂ થાય, તો રોગ નાબૂદ થાય. જે માણસ કુદરતના નિયમોનો ભંગ કરી તેને કસોટીએ ચડાવે, તેણે કાં તો કુદરત તરફથી મળતી સજા ભોગવી લેવી અથવા તે સજામાંથી બચાવાને જરૂર હોય, તે મુજબ દવા કે વાઢકાપ કરાવવી. પણ, જે સજા પોતાની કરણીથી માણસ વહોરી લે છે, તેને ભોગવી લેવાથી તેનું મન મજબૂત બને છે; તે સજામાંથી છટકવાના ઉપાય કરવામાંથી મનની તાકાત ઘટે છે. ૪

દેશને ખાતર દાકતરી ધંધો કરનારા અને વિજ્ઞાનીઓ શું કરે છે તે મારે જાણવું છે. ખાસ રોગોની સારવારની નવી પદ્ધતિઓ શીખવાને તેઓ જરાજરામાં પરદેશ દોડી જતા દેખાય છે. મારી તેમને દરખાસ્ત છે કે હવે હિંદના સાત લાખ ગામડાં તરફ તેઓ પોતાનું લક્ષ વાળે. એમ કરતાંની સાથે તેમને જણાશે કે પશ્ચિમની ઢબે નહીં પણ પૂર્વના દેશોની ઢબે ગામડાંની સેવાને માટે દાકતરી ધંધાની કેળવણી પામેલાં એકે-એક સ્ત્રીપુરુષની અહીં જરૂર છે. એ પછી તમે લોકો ઘણી દેશી પદ્ધતિઓને અનુકૂળ થઈ તેમને અપનાવશો. પશ્ચિમમાંથી તૈયાર દવાઓ આયાત કરવાની હિંદને કશી જરૂર નથી કેમ કે ખુદ ગામડાંમાં ઉગાડવામાં આવતી ભાતભાતની ઔષધિઓનો અખૂટ ભંડાર આપણે ત્યાં મોજૂદ છે. પરંતુ ઔષધિઓ વાપરવા કરતાં પણ દાકતરોએ લોકોને જીવનની સાચી પદ્ધતિની કેળવણી આપવાની જરૂર વધારે છે. ૫

આ વાત (કુદરતી ઉપચારની) કેવળ ગામડિયાઓ સારુ, ગામડાંઓ સારુ છે. એટલે એમાં સૂક્ષ્મદર્શક યંત્ર, ‘ક્ષ’કિરણો વગેરેને કશું સ્થાન નથી. કિવનાઈન, ઈમેટિન, પેનિસિલીન, જેવી દવાઓને પણ નેચર-ક્યોરમાં સ્થાન નથી. ગ્રામસફાઈ, ઘરસફાઈ, અંગસફાઈ અને આરોગ્ય-રક્ષણને પ્રથમ સ્થાન છે અને સંપૂર્ણ છે. એટલું થઈ શકે, તો વ્યાધિ ન આવી શકે, એ એની પાછળની કલ્પના છે. અને વ્યાધિ આવ્યો હોય, તો તેને કાઢવાને ખાતર કુદરતના બધા નિયમોને જાળવવા છતાં રામનામ એ મૂળ ઉપચાર છે. એ ઉપચાર સાર્વજનિક ન થઈ શકે, જ્યાં લગી રામનામની સિદ્ધિ પોતાનામાં ઉપચારકને ન આવી હોય. એટલે રામનામરૂપી ઉપચાર એકાએક સાર્વજનિક ન થઈ શકે.