Hindu Dharmnu Hard - 14 books and stories free download online pdf in Gujarati

હિંદુ ધર્મનું હાર્દ - 14

(14)

૬૭. હું દુષ્કર્મોને ધિક્કારું છું, વ્યક્તિઓને નહીં

(‘શું હું અંગ્રેજોને ધિક્કારું છું’ માંથી)

આ સંસારમાં કોઇનો પણ તિરસ્કાર કરવા હું મને અસમર્થ માનું છું. ઇશ્વરપરાયણતાથી ખૂબ સંયમ કેળવીને મેં ચાળીસ વર્ષ થયાં કોઇનો પણ દ્ધેષ કરવાનું છોડી દીધું છે. આ બહુ મોટો દાવો છે એ જાણું છું.

છતાં અત્યંત નમ્રતાપૂર્વક હું તેને રજૂ કરું છું. પણ જ્યાં જ્યાં દુષ્કર્મ વર્તતું હોય ત્યાં ત્યાં તેને ધિક્કારવા તો હું સમર્થ છું જ અને ધિક્કારું પણ છું. અંગ્રેજોએ જે શાસનપ્રણાલી હિંદુસ્તાનમાં ઊભી કરી છે તેને હું ધિક્કારું છું, તેનો હું પૂરેપૂરો દ્ધેષી છું. અંગ્રેજ વર્ગ હિંદુસ્તાનમાં શિરજોરી કરી રહ્યા છે તેનો પૂરેપૂરો દ્ધેષી છું. હિંદુસ્તાનને નિર્દયપણે ચૂસવાની નીતિને હું હ્ય્દયથી ધિક્કારું છું અને તે જ પ્રમાણે જે ઘૃણિત પ્રથાને માટે કરોડો હિંદુઓ જવાબદાર થઇ પડ્યાં છે તે અસ્પૃશ્યતાને પણહું ધિક્કારું છું. પણ નથી હું ધિક્કારતો શિરજોરી કરનાર અંગ્રેજને કે નથી ધિક્કારતો હિંદુને. જે જે પ્રેમના ઉપાયો મારાથી લઇ શકાય તેમ છે તે તે ઉપાયો વડે તેમને સુધારવા હું પ્રયત્ન કરું છું. મારા અસહકારના મૂળમાં તિરસ્કાર નહીં પણ પ્રેમ છે. મારો જાતિગત ધર્મ મને કોઇનો પણ તિરસ્કાર કરવાનો સખત પ્રતિબંધ કરે છે. આ સાદો પણ ભવ્ય સિદ્ધાંત હું બાર વર્ષનો હતો ત્યારે મારા પાઠ્યપુસ્તકમાંથી શીખ્યો છું. હજી સુધી તે વખતની મારી શ્રદ્ધા મને વળગી રહી છે. દિવસે દિવસે તે વધારે મક્કમ થતી જાય છે. મને તેની ધૂન છે. માટે હું દરેક અંગ્રેજને કે જેને આ મિત્રોની માફક ગેરસમજ થયેલ હોવાનો સંભવ છે તેને ખાતરી આપવાની રજા લઉં છું કે કદી પણ હું અંગ્રેજોના દ્ધેષનો અપરાધી નહીં

બનું, - ૧૯૨૧માં જે ઘોર યુદ્ધ મેં કર્યું તેવું ફરી કરવું પડે તોપણ. પણ એ યુદ્ધ અહિંસામય હશે, નિર્મળ હશે, અને સત્યને આધારે લડાશે.

મારા પ્રેમમાં કોઇ પણ બહિષ્કૃત નથી. હું મુસલમાનો અને

હિંદુઓને હિંદુમુસલમાનોનું વર્તન એકંદરે ગમતું હોય તેટલા જ ખાતર જો હું તેમને ચાહતો હોઇશ તો જ્યારે હું તેમની રીતભાતથી નારાજ થઇશ ત્યારે તરત જ તેમનો તિરસ્કાર કરવા મંડીશ. અને ગમે ત્યારે હું બંનેના વર્તનતી નાખુશ થાઉં એવું બને. બીજાની ભલાઇ ઉપર જે

પ્રેમનું અસ્તિત્વ છે તે પ્રેમમાં વણિકવૃત્તિ જ હોય; જ્યારે ખરો પ્રેમ

આત્મવિસ્મરણ કરાવે છે અને કશો બદલો નથી માગતો. ખરો પ્રેમ

આદર્શ હિંદુ પત્નીના પ્રેમ જેવો છે. દાખલા તરીકે સીતાજી. રામચંદ્રજીએ જ્યારે તેમને ભભૂકતી જવાળામાં પ્રવેશ કરવાની આજ્ઞા કરી ત્યારે પણ તેમના અંતરમાં રામચંદ્રજીને વિશે નિર્મળ પ્રેમ જ હતો. તેમાં સીતાજીનું તો કલ્યાણ જ હતું, કેમ કે તે જાગ્રત હતાં. તેમણે સબળતાથી બલિદાન કર્યું, નિર્બળતાથી નહીં. પ્રેમ એ દુનિયાનું વધુમાં વધુ અસરકારક હથિયાર છે; છતાં તે કલ્પી નહીં શકાય એટલું નમ્ર છે.

૬૮. ઈશ્વરના અસ્તિત્વને માનવું એ શું ખોટી માન્યતા છે ?

(‘ફ્રન્ટીઅર નોંધ-૩’ માંથી - પ્યારેલાલ)

ઇસ્લામિયા કૉલેજના એક અધ્યાપક એમને પોતાને ને એ જમાનાના ઘણા લોકોને મૂંઝવે છે તે - ઇશ્વર વિશેની આસ્તિકતાના -

પ્રશ્ન લઇને ગાંધીજી પાસે આવ્યા હતા. એમણે ગાંધીજીને પૂછ્યું,

“આપને ઇશ્વરના અસ્તિત્વ વિશે આસ્થા છે, એને માટે આધાર શો છે ? આપના અનુભવ શોછે ?”

ગાંધીજી કહે : “આનેવિશે દલીલ કદી ન થઇ શકે. તમે એ વાત દલીલથી બીજા આગળ સિદ્ધ કરી બતાવવાનું કહો તો હું હારી જાઉં. પણ હું તમને એટલું કહી શકું છું કે તમે ને હું આ ઓરડામાં બેઠા છીએ એ વાતની મને જેટલી ખાતરી છે એના કરતાં વધારે ખાતરી ઇશ્વરના અસ્તિત્વ વિશે છે. વળી હું તમને મારી એ સાક્ષી પણ આપી શકું છું કે હું કદાચ હવા ને પાણી વિના જીવી શકું પણ ઇશ્વર વિના ન જીવી શકું. તમે મારી આંખો ભલે ફાડી નાખો, પણ એથી હું મરી નહીં જાઉં. તમે મારું નાક કાપી નાખો, પણ એથી હું નહીં જાઉં. પણ તમે મારી ઇશ્વર વિશેની આસ્થા ઉડાવી દો, તો મારા બાર વાગી જવાના. તમે આને વહેમ કહેવો હોય તો ભલે કહો, પણ હું કબૂલ

કરું છું કે એ વહેમ સેવવો મને ગમે છે, જેમ હું નાનો હતો ત્યારે કંઇક ડર આવી પડે ત્યારે હું રામનામ લેતો. મારી એક ઘરડી દાઇએ

મને એ શીખવેલું.”

“પણ એ વહેમ આપને માટે જરૂરનો હતો એમ આપને લાગે છે ?”

“હા, મને ટકાવી રાખવાને જરૂરનો હતો.”

૬૯. બુદ્ધિ અને તેનું સ્થાન

(‘ગાંધજીના તારીખ વગરના પ્રો.પી.જી. મૅથ્યુસને લખેલા પત્ર’ માંથી) બુદ્ધિને પોતાનું સ્થાન છે જ, પણ તેણે હૃદયને સ્ખાને બેસી ન જવું જોઈએ. તેમ તમારા જીવનના અથવા તમારી ઓળખાણના કોઈ એક બુદ્ધિશાળી માણસના કોઈ પણ ચોવીસ કલાકોને તપાસી જશો, તો તમને જણાશે કે એ સમય દરમિયાન થયેવાં લગભગ બધાં કાર્યો લાગણીથી થયેલાં હોય છે, બુદ્ધિથી નહીં. આમાંથી ધડો એ મળે છે કે બુદ્ધિ એક વાર ખીલી ગયા પછી પોતાના સ્વભાવ પ્રમાણે પોતાની મેળે જ તેનું કામ કરે છે, અને જો હૈયું ચોખ્ખું હોય તો જે કંઈ વહેમ ભરેલું કે ણનીતિતમય હોય તેનો તે ત્યાગ કરે છે. બુદ્ધિ એ ચોકીદાર છે અને જો તે બારણે સદા જાગ્રત અને અચલિત દશામાં રહે તો તે પોતાને સ્થાને છે એમ કહેવાય. અને હું દાવો કરું છું કે આ કાર્ય તે આશ્રમમાં બજાવે જ છે. જીવન એટલે કર્તવ્ય એટલે કર્મો. જ્યારે બુદ્ધિથી - તર્કથી કર્મોનો છેદ ઉડાવી દેવામાં આવે, ત્યારે બુદ્ધિ પચાવી પાડનાર બની જાય છે અને એને દૂર કરવી જ રહી.

૭૦. ધર્મનું પ્રામાણ્ય

(‘સાપ્તાહિક પત્ર’ માંથી)

સ૦ ધર્મનું પ્રામાણ્ય આપ શામાં માનો છો ?

સ૦ (છાતી તરફ આંગળી કરીને) અહીં છે. હું દરેક ધર્મશાસ્ત્ર વિશે, તેમ ગીતા વિશે પણ, મારી બુદ્ધિ ચલાવું છું શાસ્ત્રવચનને મારી બુદ્ધિથી જગા

લેવા નથી દેતો. હું માનું છું ખરો કે જગતના મુખ્ય ધર્મગ્રંથો ઈશ્વરપ્રેરિત છે, પણ એ બેવડી ચાળણીમાંથી ગળાઈને આવે છે એટલે પૂરા શુદ્ધ નથી રહેતા.

એક તો એ કોઈ માનવી ઋષિ કે પેગંબરની મારફતે આવે છે ને પછી ભાષ્યકારોની ટીકાઓમાં થઈને પસાર થાય છે. એમાથી કશું ઈશ્વરની પાસેથી પરબારું નથી આવતું. એક જ વચન મૅથ્યુ એક રૂપમાં આપે તો જૉન બીજા રૂપમાં આપે. હું ધર્મગ્રંથોને ઈશ્વરપ્રણીત માનું છું. છતાં મારી બુદ્ધિ ચલાવ્યા વિના રહેતો નથી. પણ મારી સ્થિતિ વિશે તમારા મનમાં ગેરસમજ ન થાય.

હું શ્રદ્ધાને પણ માનું છું. હું માનું છું કે કેટલીક વસ્તુઓ બુદ્ધિથી પર છે, ત્યાં બુદ્ધિ ચાલી શકતી નથી - જેમ કે ઈશ્વરનું અસ્તિત્વ. ગમે તેટલી દલીલ મારી એ શ્રદ્ધાને ચળાવી ન શકે; અતિપ્રખર બુદ્ધિવાળો માણસ મને દલીલમાં માત કરે તોયે હું તો કહ્યા જ કરું કે ‘તોયે ઈશ્વર તો છે જ.’

૭૧. વહેમ વિ. શ્રદ્ધા

શાંતિનિકેતનના કવિ જેમ તે મહાન સંસ્થાના તેમ મારા પણ ગુરુદેવ છે. સ્વેચ્છાએ સ્વીકારેલા દક્ષિણ આફ્રિકાના અમારા લાંબા દેશવટાથી અમે પાછાં આવ્યાં ત્યારે મને અને મારાંને ત્યાં આશરો મળ્યો હતો. પણ અમારી વચ્ચે અમુક દૃષ્ટિભેદ હતા એમ ગુરુદેવ અને મેં તરત જોઈ લીધું હતું. પરંતુ મતભેદને કારણે અમારો પરસ્પર પ્રેમ કદી ઓછો થયો નથી; અને બિહારના ભૂકંપને મેં અસ્પૃશ્યતાના દંડરૂપે ગણ્યો તે વિશે ગુરુદેવે હમણાં જ નિવેદન કર્યું છે તેનાથી પણ તે ઘટવાનો નથી. એમને મારી ભૂલ થઈ લાગે તો પોતાનો વિરેધ દર્શાવવાનો સંપૂર્ણ અધિકાર હતો. મને એમને વિશે ઊંડું માન છે.

એટલે બીજા કોઈ ટીકાકાર કરતાં એમની વાત હું વધારે તત્પરતાથી ધ્યાનમાં

લઉં એમ છું. પણ એમનું નિવેદન હું ત્રણ વાર વાંચી ગયો તે છતાં મેં આ પત્રમાં લખ્યું છે તેને હું વળગી રહું છું. તરત જોવા થાય અટલે નીચે હું તેની નકલ આપું છું.

(આ લેખમાં જણાવ્યા મુજબનું ડૌ. રવિન્દ્રનાથ ટાગોરનું નિવેદન નીચે પ્રમાણે છે :

“અમુક લોકો અસ્પૃશ્યતાની રૂઢિને અંધપણે અનુસરે છે. એને લીધે એના વિનાશક કોપને સારુ જાણે ખાસ પસંદ કરેલા બિહારના અમુક ભાગ ઉપર ભગવાનનો રોષ ઊતર્યો એમ મહાત્માજીને કહેતા જાણીને મને સખેદ

આશ્ચર્ય

માટે વિશેષ દુઃખની વાત છે કે આપણા દેશબંધુઓનો મોટો ભાગ આવી અશાસ્ત્રીય દૃષ્ટિ સહેજે સ્વીકારે છે. ભૌતિક આપત્તિનું અનિવાર્ય અને એક જ કારણ ભૌતિક જ હોય છે, એવી સીધી વાત મારે કરવી પડે છે તેમાં મને હીણપદ

જેના અમલમાં ભગવાન પોતે વચ્ચ્‌ પડતા નથી એવા વિશ્વનિયમની અનિવાર્યતા આપણે ન માનીએ તો આવા સંકટના પ્રસંગે ભગવાનની ગતિમાં આપણે ન્યાય જોઈ શકીએ નહીં.

સૃષ્ટિના બનાવને નીતિતનિયમ સાથે સંબંધ છે, એમ માનીએ તો માણસના ભૂંડા હાલ કરીને એને સદાચાર શીખવનારી કુદરત કરતાં માણસ નીતિદૃષ્ટિએ શ્રેષ્ઠ છે એમ આપણે કબૂલ કરવું પડે. કારણ કે જે વધારે શિક્ષાને પાત્ર હોય એવા દૂર રહેવાને કારણે સુરક્ષિત બીજા લોકો ઉપર છાપ પાડવા સારુ કોઈ સુધરેલો રાજ્યકર્તા અસ્પૃશ્ય જાતિનાં બાળક અને મોટેરાં સહિત જે હાથમાં આવે એના ુપર અવિવેકીપણે હાથ ચલાવે એમ આપણે કદી કલ્પી શકીએ નહીં. ઘોર અન્યાયથી મુક્ત હોય એવો માનવઈતિહાસનો કોઈ કાળ આપણે બતાવી શકતા નથી તોપણ આપણે જોઈએ છીએ કે દુરાચારના ગઢ

હજી અડગ ઊભા છે, દયાજનક દર્દ્રતા અને ભૂખે મરતા ખેડૂતના અજ્ઞાન ઉપર તાગડધિન્ના કરનારાં કારખાનાં તેમ જ જ્યાં જે વારંવાર ગુનો કરવાના પરવાનારૂપ હોય છે એવા ગુનેગારને દંડવાના કાયદા જ્યાં ચાલતા હોય છે એવા જગતના સર્વ ભાગમાંનાં કેદખાનાં હજી અચળ ઊભાં છે. આ ઉપરથી

ચોખ્ખું જણાય છે કે સમાજના નૈતિક પાયામાં ભયાનક તરડ દેખાવા મંડે અને સંસ્કૃતિઓની નીચે સુરંગ ફૂટે ત્યાં લગી જેમ નિર્દયતાનો અસહ્ય ભાર ભરાતો જાય છે તે ભારની ગુરુત્વાકર્ષણના નિયમ ઉપર લેશમાત્ર અસર થતી નથી.

ખરેખર કરુણ વાત તો એ છે કે સૃષ્ટિના બનાવનો મહાત્માજીએ જે દુરુપયોગ કર્યો છે તે એમના કરતાં એમના વિરોધીઓના માનસને ઘણો વધારે અનુકૂળ

છે અને તેઓએ એમને અને એમના અનુયાયીઓને આ દિવ્યકોપને સારુ

જવાબદાર ગણવાને આ તક સાધી હોત તો મને લેશમાત્ર આશ્ચર્ય ન થા.

આપણે તો એવી શ્રદ્ધામાં પૂરા સુરક્ષિત છીએ કે આપણાં પાપ ગમે તેટલાં

પ્રચંડ હોય તોપણ તેનાથી સૃષ્ટિનું મંડાણ વણસી શકે નહીં. ધર્મી અને પાપી, ધર્માંધ અને રૂઢિભંજક આપણે તેના ઉપર આધાર રાખી શકીએ. એની અદ્‌ભૂત પ્રેરણાથી મહાત્માજીએ એના દેશબંધુઓના મનમાંથી ભય અને દુર્બળતા કાઢી નાખ્યાં છે તેને સારુ આપણે એમના અત્યંત ઋણી છીએ, એટલે જ સ્વતંત્રતા અને સ્વમાન સામે આપણને તગડનારી બધી અંધશક્તિનું

મૂળ છે તે જડતાને પોષે એવો કોઈ શબ્દ એમના મુખમાંથી નીકળે ત્યારે આપણને બહુ આઘાત થાય છે.”

તિનવેલીમાં ભૂકંપ અને અસ્પૃશ્યતાનો મેં પ્રથમ સંબંધ જોડ્યો ત્યારે હું પૂર્ણ વિચારપૂર્વક અને અંતરના ઊંડાણમાંથી બોલ્યો હતો. જે હું માનતો હતો તે મેં કહ્યું, ભૌતિક બનાવનાં ભૌતિક તેમ જ આધ્યાત્મિક પરિણામ પણ આવે છે એમ મેં બહુ દિવસથી માન્યું છે. આનાથી ઊલટો સિદ્ધાંત પણ હું એટલો જ સાચો માનું છું.

ભૂકંપ મારે મન ઈશ્વરનો તરંગ અથવા કેવળ અંધશક્તિઓના

મેળાપનું પરિણામ નહોતો. ભગવાનના સર્વ કાયદા તેમ જ તેનો અમલ

આપણે સમજતા નથી. વિદ્વાનમાં વિદ્વાન વિજ્ઞાની કે જ્ઞાનીનું જ્ઞાન રજના પરમાણુ જેવું છે. જો ભગવાન મારે સારુ મારા પાર્થિવ પિતા જેવી વ્યક્તિ નથી તો તે એના કરતાં અનંતગણો અધિક છે. મારા જીવનની ઝીણામાં ઝીણી વિગતોમાં એનું શાસન ચાલે છે. પાન પણ એની ઈચ્છા વિના હાલતું નથી એમ હું અક્ષરસઃ માનું છું. એકેએક શ્વાસ હું લઉં છું તે એની આજ્ઞાને આધીન છે.

તે અને તેનો કાયદો એક છે. એ કાયદો ભગવાન છે. ભગવાન ઉપર આરોપેલો ગુણ કેવળ ગુણ નથી. તે પોતે જ ગુણરૂપ છે. ભગવાન સત્ય, પ્રેમ, કાયદજો અને મનુષ્યની ચાતુરી જેને કલ્પી શકે એવી લક્ષાવધિ

વસ્તુ છે. જેના અમલમાં ભગવાન પોતે વચ્ચે પડતા નથી, એવા વિશ્વનિયમની અનિવાર્યતા ગુરુદેવની સાથે હું પણ માનું છું; કારણકે ભગવાન જ વિશ્વનિયમ છે. પણ મારું વક્તવ્ય એ છે કે આપણે એ નિયમ જાણતા નથી અથવા પૂરો જાણતા નથી, અને આપણને જે આફત લાગે છે તે કેવળ

આપણા અજ્ઞાનને લીધે જ આફતરૂપ ભાસે છે.

દુકાળ, રેલ, ધરતીકંપ અને એવા ઉત્પાત ભૌતિક કારણમાત્રથી ઉત્પન્ન થયેલા લાગે તોપણ મારે મન એનો મનુષ્યના આચાર સાથે ગમે તેમ

પણ સંબંધ હોય છે. એટલે મને તત્કાળ સ્ફુર્યું કે ભૂકંપ અસ્પૃશ્યતાના પાપની શિક્ષારૂપ હતો. અસ્પૃશ્યતા વિરુધ્ધ પ્રચારરૂપ મારા અપરાધને કારણે ભૂકંપ થયો એમ કહેવાનો સનાતનીને અવશ્ય સંપૂર્ણ અધિકાર છે. મારા મંતવ્યમાં પશ્ચાતાપ અને આત્મશુદ્ધિને માટે આમંત્રણ છે. કુદરતના કાયદાના અમલ

વિશે મારું સંપૂર્ણ અજ્ઞાન હું કબૂલ કરું છું. પણ જોકે નાસ્તિક આગળ ઈશ્વરનું અસ્તિત્વ સાબિત કરવા હું અશક્ત છું, છતાં જેમ હું ઈશ્વરને માન્યા વિના રહી શકતો નથી, તે જ પ્રમાણે અસ્પૃશ્યતા અને ભૂકંપનો સંબંધ મને સહેજે સૂઝી આવે છે તોપણ હું તેને સિદ્ધ કરી શકું તેમ નથી. મારું માનવું ખોટું ઠરે તોપણ એનાથી મને અને મારા જેવા શ્રદ્ધાળુને લાભ જ છે. કારણ કે અસ્પૃશ્યતા મહાપાતક છે એમ માનીને ચાલતાં આત્મશુદ્ધિ પ્રત્યે અમારો

પ્રયત્ન વધારે તીવ્ર બનશે. આવી કલ્પનામાં ભય છે તે હું રૂડી રીતે જાણું છું.

પણ મારા સ્વજન ઉપર વિપત્તિ આવે ત્યારે મારા મંતવ્યની ઘોષણા જો હું ઉપહાસની બીકથી ન કરું તો હું અસત્ય અને કાયરતાના દોષે ભરાઉં.

ભૂકંપની ભૌતિક અસર તરત ભુલાશે અને થોડે અંશે એનો ઉપાય પણ બનશે. પણ જો અસ્પૃશ્યતાના પાપ સારુ ઈશ્વરી કોપરૂપ હોય અને જો આપણે તે પાપનું પ્રાયશ્ચિત ન કરીએ તો બહુ ભૂંડી થાય. ગુરુદેવને જે શ્રદ્ધા છે કે આપણાં પાપ ગમે એટલાં પ્રચંડ હોય તોપણ તેનાથી સૃષ્ટિનું મંડાણ વણસી શકે નહીં, તે શ્રદ્ધા મને નથી. ઊલટું હું તો એમ માનું છું કે એ

મંડાણને ભાંગવામાં કોઈ પણ કેવળ ભૌતિક કારણ કરતાં આપણાં પાપ વધારે

મોટો ભાગ ભજવે છે. જડ અને જીવ વચ્ચે અભેદ્ય સંબંધ છે. એનાં પરિણામના આપણા અ૫ાનને લીધે તે સંબંધ બહુ ગૂઢ લાગે છે અને આપણને ભયભીત કરે છે, પણ અજ્ઞાનથી સંબંધ છૂટી જાય નહીં. એ સંબંધનો જેણે સાક્ષાત્કાર કર્યો છે એવા ઘણાએ એક-એક ભૌતિક આપત્તિમાંથી આધ્યાત્મિક ઉન્નતિ સિધ્ધ કરી છે.

સૃષ્ટિના બનાવ અને માણસની નીતિ વચ્ચે જે સંબંધ છે તેમાં મને એવી ગાઢ શ્રદ્ધા છે કે તેથી કરીને હું ભગવાનની વધારે સમીપ જઈ શકું છું.

નમ્ર બનું છું, અને એની આગળ ઊભા રહેવાને સારુ વધારે તૈયાર બનું છું.

મારા અગાધ અજ્ઞાનને કારણે મારા વિરોધીઓ ઉપર પ્રહાર કરવામાં જો એવી

માન્યતાને હું વાપરું તો તે માન્યતા અધમ વહેમ ગણાય.

(‘પ્રાર્થના કરીએ’માંથી)

માણસ જ્યારે હેઠો પડે છે ત્યારે તે ઉઠાડવા માટે ભગવાનને પ્રાર્થના કરે છે. એ નોધારાંનો આધાર છે, એવી એક તામિલ

કહેવત છે. ક્વેટામાં ભયાનક વિપત્તિ માણસને દિઙમૂઢ બનાવી દે છે.

પુનર્ઘટના સર્વ પ્રયત્નો એની આગળ ફાંફાં છે. એ આફત વિશે પૂર્ણ સત્ય તો કદાચ કદી નહીં જાણી શકાય. મરી ગયેલા માણસો ફરી જીવતા થઈ શકવાના નથી.

મુષ્યથી થઈ શખે એટલે પ્રયત્ન તો કરવો જ જોઈએ. જે લોકો પાછળ રહી ગયા છે તેમને મદદ અપાવી જ જ જોઈએ. જેયલી પુનર્ઘટના થઈ

શકે એવી હશે તેટલી કરવામાં આવશે જ. પણ આ બધું ને એ જાતનું બીજું ઘણું પ્રાર્થનાની અવેજીમાં કદી ન ચાલી શકે.

પણ પ્રાર્થના કરવી જ શા માટે ? ઈશ્વર જો હોય તો તેને આ બનાવી ખબર નહીં હોય ? એને પ્રાર્થના કરીએ તો જ શું એ પોતાનું કર્તવ્ય કરી શકે ?

ના, ઈશ્વરને કશાની યાદ અપાવવાની જરૂર નથી. એ તો દરેક જણના હૃદયમાં વસે છે. એની રજા સિવાય કંઈ જ બનતું નથી. આપણી

પ્રાર્થના એ તો આપણા હૃદયનું શોધન છે. પ્રાર્થના આપણને યાદ દેવડાવે છે કે એના આધાર વિના આપણે નિરાધાર છીએ. પ્રાર્થના વિના - ઈશ્વરના આશીર્વાદ વગર મનુષ્યનો ગમે એટલો પુરુષાર્થ ફોગટ છે એવા ચોક્કસ ભાન વગર - કોઈ પણ પુરુષાર્થ પૂરો થવાનો નથી. પ્રાર્થના આપણને નમ્રતા શીખવે છે, એ આત્મશુદ્ધિ કરવાનું, અંતરને શોધવાનું ઉદ્‌બોધન કરે છે.

બિહારના ધરતીકંપ વખતે મેં જે કહેલું તે મારે અત્યારે પણ કહેવું જોઈએ. દરેક ભૌતિક આપત્તિ પાછળ ઈશ્વરનો હેતુ રહેલો હોય છે.

સંપૂર્ણતાએ પહોંચેલું વિજ્ઞાન આજે જેમ ગ્રહણો વિશે આપણને કહે છે તેમ

એક દિવસ ધરતીકંપ ક્યારે થવાનો છે એની પણ અગાઉથી ખબર આપી શકે એ સંભવિત છે. આ માનવીબુદ્ધિનો એક નવો વિજય થશે. પણ એવા અનંત વિજયો થાય તોયે તેથી આત્માની શુદ્ધિ થવાની નથી. એ શુદ્ધિ વિના જગતમાં કશાની કિંમત નથી.

આપણે જેમ બિહારની વિપત્તિ ભૂલી ગયા છીએ તેમ આ નવી વિપત્તિ પણ ભૂલી જવાના. જેઓ અંતરશુદ્ધિની જરૂર માને છે તેમને મારી વિનંતી છે કે તેઓ પ્રાર્થના કરે કે આપણે આવી આફતોની પાછળ રહેલો ઈશ્વરી હેતુ સમજી શકીએ, એ વિપત્તિઓ આપણને નમ્ર બનાવે, અને જ્યારે આપણા સરજનહારનું નોતરું આવે ત્યારે એની સામે ઊભા રહેવાને આપણને તૈયાર કરે, અને આપણાં માનવી ભાઈભાંડું ગમે તે હોય તોય તેમની આપત્તિમાં ભાગ લેવાને આપણે હમેશાં તત્પર રહીએ.

Share

NEW REALESED