Adipurush books and stories free download online pdf in Gujarati

આદિપુરુષ

આદિપુરુષ

- રાકેશ ઠક્કર

નિર્દેશક ઓમ રાઉતે રામાયણ પર ફિલ્મ આદિપુરુષ બનાવવાની ભૂલ કરી છે પણ દર્શકોએ એને જોવાની ભૂલ કરવાની જરૂર નથી. તેનું સૌથી મોટું કારણ એ છે કે ફિલ્મમાં મોર્ડન સિનેમાની છૂટના નામ પર ઘણા પ્રસંગોને અલગ રીતે રજૂ કરવામાં આવ્યા છે. તેથી તાનાજી માટે રાષ્ટ્રીય પુરસ્કાર જીતનાર નિર્દેશક ઓમ રાઉતે કયા આધારે અમુક દ્રશ્યોને મૂળ રામાયણથી બદલ્યા છે એનો ખુલાસો કરવો જોઈએ.

રામાયણના પ્રસંગોમાં છૂટ લેવા સાથે પાત્રોની છબિ સાથે પ્રયોગ કરવાની પણ ભૂલ કરી છે. અભિનયની રીતે સૌથી સારો પ્રયત્ન રાવણ ના પાત્રમાં સૈફ અલી ખાને કર્યો છે. પરંતુ રાવણના પાત્રને બીજા બધા કરતાં વધારે ઊંચાઈનું રાખ્યું છે. ચાલવાની પદ્ધતિ સ્વીકારી શકાય એવી નથી. કોઈ વિડીયો ગેમના પાત્ર જવું લાગે છે. દેખાવ સાવ વિચિત્ર છે. એ કેટલીય જગ્યાએ વિચિત્ર અવાજ કાઢે છે. રાવણના વસ્ત્રો અને શસ્ત્રોને વધુ પડતાં આધુનિક રાખ્યા છે. એટલું જ નહીં કોઈ પિશાચ જેવા પ્રાણીની સવારી કરતો બતાવ્યો છે. રાવણનું દસ માથા સાથેનું દ્રશ્ય તો સૌથી નબળું અને નકલી લાગે છે.

સૌથી વધુ આદરણીય અને શાંત વ્યક્તિત્વ ધરાવતા શ્રી રામના પાત્રને પરંપરાથી વિપરીત રજૂ કર્યું છે અને એમાં પ્રભાસ સહેજ પણ યોગ્ય લાગતો નથી. સહજ પણ લાગતો નથી. એના ચહેરા પર કોઈ ભાવ જ આવતા નથી. તેનો ચહેરો કોમ્પ્યુટરથી ચાલતો હોય એવો ભાસ થાય છે. બાકી હતું એ VFX એ પૂરું કરી નાખ્યું છે. પ્રભાસને આક્રમક બનતો દેખાડ્યો છે એ શ્રી રામના પાત્ર સાથે બંધબેસતું નથી. એમ થાય કે બાહુબલી નો પ્રભાસ અલગ અને અસલ હતો. આદિપુરુષ માં એના ચહેરાવાળો કોઈ રોબોટ હોય એવું લાગે છે. પ્રભાસ પર ફિલ્મની મોટી જવાબદારી હતી. એમ લાગે છે કે આ પાત્ર માટે એણે વિશેષ કોઈ તૈયારી કરી ન હતી. બોલિવૂડની કોઈ સામાન્ય ફિલ્મની જેમ કામ કર્યું છે. કારકિર્દીમાં આવી ભૂમિકા મેળવવા કલાકારો તરસી જતા હોય છે.

સીતાના પાત્રમાં ક્રિતી સેનનની પસંદગી ખોટી જ છે. એનું રૂપ વધુ પડતું આધુનિક છે. એક મહિલા સમીક્ષકે તો એમ કહીને નિર્દેશકનો ઉધડો લીધો છે કે સિનેમાના નામે સીતામાને ગમે તે કપડાં પહેરાવશો? એની ભૂમિકા ફિલ્મ શરૂ થયાના અડધા કલાક સુધી થોડીઘણી છે. પછી તો ગીતો જ ગાતી દેખાય છે. હનુમાનની ભૂમિકામાં માત્ર શરીરની રીતે જ દેવદત્ત ફિટ લાગે છે. દેવદત્ત પર કોમેડી દ્રશ્યો રાખવામાં આવ્યા છે એ જચતા નથી. ફિલ્મના લેખકે લક્ષ્મણની ભૂમિકાની તો સદંતર અવગણના જ કરી છે.

સામાન્ય રીતે કોઈપણ ફિલ્મ સમીક્ષકના કેટલા સ્ટાર મેળવે છે એ જોઈને દર્શકો થિયેટરમાં જાય છે. આદિપુરુષ ના કિસ્સામાં એવું બન્યું છે કે સમીક્ષકોએ માઈનસમાં કેટલા સ્ટાર આપ્યા છે એ જાણીને સમજી શકાશે કે ફિલ્મ ના જોઈને કશું ગુમાવ્યું નથી પણ બચાવ્યું છે. ઘણા સમીક્ષકોએ માઇનસ પાંચ સ્ટાર આપીને પંદર ખામીઓ કાઢી બતાવી છે. અને દરેક સમીક્ષકે અલગ ખામીઓ બતાવી છે. એ પરથી ખ્યાલ આવશે કે નિર્માતાએ કહેવાતા પાંચસો કરોડ રૂપિયાનો ધુમાડો જ કર્યો છે. ફિલ્મે કેટલા કરોડની કમાણી કરી એનું આ ફિલ્મ માટે દર્શકોને ખાસ મહત્વ નથી.

આજની પેઢી માટે રામાયણ પર ફિલ્મ બનાવવામાં આવી હોવાનું કહેવાયું છે પણ એમને ખોટી વાતો શા માટે બતાવવામાં આવી હશે? લોકોના દિલમાં જે પ્રસંગો છપાયેલા છે એને તોડી મરોડીને રજૂ કર્યા છે. રાવણ જ્યારે સીતાનું અપહરણ કરે છે ત્યારે રામને એ જોતાં બતાવ્યા છે. હનુમાનને ખબર ન હતી એટલે સંજીવની શોધવાને બદલે આખો પર્વત ઊંચકી લાવ્યા હતા એ નાના છોકરા જાણે છે ત્યારે ફિલ્મમાં એવું બતાવવામાં આવ્યું છે કે હનુમાન એમ વિચારીને પર્વત ઉપાડી લાવે છે કે બીજા લોકોને પણ ઔષધિની જરૂર પડી શકે છે.

નિર્દેશકે રાવણની લંકાને સોનાની બતાવી નથી. કોઈ વિચિત્ર વિદેશી રંગ આપ્યો છે. ઘણી જગ્યાએ દર્શકોને ગેમ ઓફ થ્રોન્સ ની યાદ આવી જશે. સીતામાતાને બેડીઓમાં જકડીને લાવવાનું દ્રશ્ય લેખકોએ કયા આધારે મૂક્યું હશે?

ત્રણ કલાકની ફિલ્મ ઇન્ટરવલ સુધી ઠીક ચાલે છે. પછી કંટાળાજનક બની જાય છે. અંતની 40 મિનિટની લડાઈ પણ કાર્ટૂનો વચ્ચે છે. એક જ પ્રકારની લડાઈ આવ્યા કરે છે. બીજો ભાગ તો સહનશક્તિ હોય તો જ જોઈ શકાય એમ છે. બાકી રામાનંદ સાગરની રામાયણ સિરિયલ જોતાં કેટલાય એપિસોડ પૂરા થઈ જાય તો પણ સમયનો ખ્યાલ રહેતો નથી. અને દરેક એપેસોડ પછી ઉત્સુકતા વધી જાય છે.

ફિલ્મનો કેટલોય ભાગ અંધારામાં છે. તેથી એમ કહેવું પડે કે VFX પર આટલો બધો ખર્ચ કર્યો હતો તો થોડો લાઈટીંગ પર કરવામાં શું વાંધો હતો. રામાયણમાં આટલા બધા પ્રસંગો રાતના કે વહેલી સવારના અંધારામાં બન્યા હોવાનું વાંચવામાં આવ્યું નહીં હોય.

જેમણે ઉત્સુક્તાથી પણ ફિલ્મને જોઈ હશે એને રામાયણને રામાયણ તરીકે ન બતાવ્યાનું દુ:ખ વધી જશે. અને અસલ જગ્યાએ શૂટિંગ જ કર્યું નથી. માત્ર લીલો પડદો મૂકી VFX ની મદદથી સ્ટુડિયોમાં ફિલમાંકન કર્યું છે. ક્યાંય પ્રાણીઓ સાથેનું સુંદર જંગલ દેખાતું નથી. ક્યાં તો લેખકોએ રામાયણ વિષે સંશોધન કર્યું નથી અથવા દર્શકોને બહુ હળવાશથી લીધા છે.

ફિલ્મનું ટ્રેલર આવ્યું ત્યારથી એની ટીકાઓ થતી રહી હતી. એમાં સુધારા કરવાની વાત કરીને આઠ મહિના રજૂઆત લંબાવી દીધી હતી. છતાં કોઈ ફેરફાર કર્યો હોય એવું દેખાતું નથી. ફિલ્મની સ્ક્રીપ્ટ પર કોઈ મહેનત જ કરવામાં આવી નથી.

આવી ધાર્મિક કહી શકાય એવી ફિલ્મમાં તેરે બાપ કી જલેગી કે બુઆ કા બગીચા સમજા હૈ ક્યા જેવા ઘટિયા સંવાદ નવાઈ ઉપજાવે છે. આજના જમાનાના સંવાદ એ વખતે કોઈ કેવી રીતે બોલ્યું હોય શકે. સંવાદનું સ્તર ઘણી જગ્યાએ નીચું છે. આદરણીય પાત્રોને તુંતા થી બોલાવવામાં આવ્યા છે. સેન્સર બોર્ડે આવા સંવાદ કેમ પાસ કર્યા હશે? એવો પ્રશ્ન અવશ્ય થશે.

ફિલ્મમાં નિર્દેશકે ઘણી જગ્યાએ હદ પાર કરી દીધી છે. ઓમ રાઉતે રામ-સીતાની ફિલ્મને સુપર હીરો ફિલ્મ બનાવવાનો પૂરો પ્રયત્ન કર્યો છે. સંચિત- અંકિતનું બેકગ્રાઉન્ડ સંગીત સારું છે. અજય-અતુલનું સંગીત માત્ર જય સિયારામ રાજારામ ગીતમાં જ સારું છે.

એક સમીક્ષકે લખ્યું છે કે રામાયણને મોર્ડન રૂપમાં જોવી હોય તો એક વખત જોઈ શકાય એમ છે. પણ પ્રશ્ન એ છે કે આધુનિક રૂપમાં જોવાની શું જરૂર છે? જો ફિલ્મ જોવી હોય તો સૌથી મોટી શરત એ છે કે વર્ષોથી જે રામાયણને જાણીએ છીએ એને ભૂલવી પડશે.

ઓમ રાઉતે આઝાદી લીધી પણ વાર્તા જ બદલી નાખી છે. જે પારિવારિક દર્શકો રામાયણ જોવાના આદિ છે એ તો આમ પણ કાર્ટૂન પાત્રોના ઉપયોગને કારણે ફિલ્મ સાથે જોડાઈ શકે એમ નથી. એમ કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી કે ફિલમમાં ગણીને દસ સાચા માણસો દેખાય છે. બાકી બધા કાર્ટૂન પ્રકારના જ પાત્રો છે. આદિપુરુષ ને સુપરડુપર બોરિંગ ફિલ્મ કહી શકાય.