DHULO TO HARKHPADUDO (DTH) - 13 books and stories free download online pdf in Gujarati

ધૂલો તો હરખપદૂડો (DTH) - 13

ધૂલો તો હરખપદૂડો (DTH) - પ્રકરણ ૧૩


આપણે જોયું કે પોતાના મિત્ર વર્તુળની માસિક શનિવારીય બેઠક જે ભાવલા ભૂસ્કાને ઘરે ગોઠવાઈ હતી. એમાં સૌએ સાથે મળીને ધૂલા હરખપદૂડાના પ્લાન મુજબ ભાવલાને ટેમ્પરરી ટેન્શન આપી, બીલ મયુરીઆ કળાકાર પર ફાડી દીધું. એટલે ભાવલાએ ગ્રુપ વિડિયો કોલ કર્યો જેમાં બૈજુ બાવરીના ફોન પર ઝઘડાના અવાજો સંભળાયા. હવે આગળ...


બૈજુ બાવરીએ ભાવલાનો એ કોલ તો જાણે રિસીવ બટન અજાણતા દબાઈને રિસીવ કરી લીધો હોય એમ લાગ્યું. એનો મોબાઈલ કદાચ એની પર્સમાં જ હશે એટલે ફક્ત અંધકાર જ દ્રશ્યમાન હતું પણ ઓડિયોમાં કોઈ મોટો ઝઘડો ચાલતો હોય એવા શોરબકોર, ગાળાગાળીનો કોલાહલ ઝીલાતો હતો. જોકે એકાએક મયુરીઆની ચીસ સાથે એ કોલ કપાઈ ગયો.


આખી મિત્ર મંડળી સ્તબ્ધ થઈ ગઈ. બધાં એન્જોય કરવાની કગાર પરથી ચિંતાની ખીણમાં ખાબકી ગયાં. મૂકલાએ પરિસ્થિતિ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યો. આમ પણ એ આ ગ્રુપનો તાજ વગરનો લીડર હતો. એણે સ્પીકર ઓન રાખી મયુરીઆને સામાન્ય કોલ લગાડ્યો. પણ એ કોલ સંપર્ક ક્ષેત્રથી બહાર હોવાનો પ્રિરેકોર્ડેડ સંદેશો વાગ્યો. અને બધાં આવનાર સંકટનો સંકેત સમજીને સમસમી ઊઠ્યાં.


ભોજપુરી પણ નહીં અને બિહારી પણ નહીં, એવી કોઈ એની આસપાસ હોય એવી એકદમ નજીકની ભાષામાં આ સંદેશો વાગ્યો. મૂકલા મુસળધાર સમેત સૌને મુંઝવણ અનુભવાય એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું હતું.


બૈજુ બાવરીનો મોબાઈલ પણ હવે સ્વીચ્ડ ઓફ હોય એવો મેસેજ આવતો પણ હિન્દી, અંગ્રેજી ઉપરાંત ત્રીજી સ્થાનિક ભાષા એ જ હતી. સૌ વિનીયા વિસ્તારી તરફ જોવા લાગ્યાં. એણે ધ્યાન ધરીને પોતાના વોટ્સએપ યુનિવર્સિટીનું જ્ઞાન પ્રદાન કર્યુ, "બોસ, આ ભાષા તો બંગાળી હતી. એ લોકો વેસ્ટ બંગાળમાં ગયા છે."


સોનકીએ સણસણાટ કર્યો, "ગપગોળા હાંકવાનું રહેવા દે. મને બંગાળી સમજાય છે, આ ભાષા બંગાળી તો નહોતી."


ત્યાં સુધી પિતલીએ બૈજુને કોલ કરી, એ સંદેશને રેકોર્ડ કરી, સર્ચ એન્જિન પર નાખી પલટવાર કર્યો, "સોનકી સાચી છે. આ ભાષા, એ સંતાલી ભાષા હતી."


હીરકીએ હણહણાટ કર્યો, "આ કયા દેશની ભાષા છે? શ્રીલંકા?"


કેતલાએ જવાબ આપ્યો, "ના ભાઈ ના. શ્રીલંકાની ભાષા તો સિંહાલી છે. પણ આ કોઈ બીજી જ હતી."


પિતલી બોલી, "આ ભાષા ઝારખંડ રાજ્યમાં બોલાય છે. ત્યાં સંતાલ પરગણા નામનો જીલ્લો પણ છે."


ઈશા હરણીએ હરણફાળ ભરી, "પણ આ બંને ઝારખંડ કેવી રોતે પહોંચી ગયાં અને શું કામ? ત્યાં કોણ છે આપણું?"


હું બાકી રહી ગઈ એ ધોરણે સધકીને સંધિવાત ઊપડ્યો, "કોને એટલે! આપણાં માહીને મળવા નાં ગયા હોય?"


મૂકલાએ મલકાટ કર્યો, "એ તો કોઈને પણ મળવા જાય તો નાહીને જ જાયને!" એના જોકને સમજ્યા વગર હીરકીએ એને કોણી મારી હણહણાટ કર્યો, "શું તમે પણ! આ ઈશા, મહેન્દ્ર સિંહ ધોનીની વાત કરે છે."


આ વખતે વિનીયાએ પોતાના વોટ્સએપીયા જ્ઞાન સાથે ઝંપલાવ્યુ, "પણ ધોની તો હમણાં ચેન્નાઈ છે." અને બધાં એક સાથે હસી પડ્યાં. ફક્ત ધૂલો આ વખતે હરખપદૂડો ના થયો, "આપણી ચિંતા અને ચર્ચા, મયુરીઓ અને બૈજુ બાવરી માટે છે કે ધોની માટે?"


પળ વાર પહેલાં હસતા સૌના મુખ પર વિચારોના વાદળ વરસી ગયાં. એ ક્ષણિક સ્મિત હવે ફિકર બની ફરી વળી. ભાવલા ભૂસકાએ ભાલ પિટી લીધુ, "કેવો મનહૂસ દિવસ છે આજનો!"


આ સાંભળી સધકીને સંધિવાત ઊપડ્યો, "હા, મારા અમિતભાઈ સાથે કેવું અશુભ બની ગયુ. એકદમ અપશુકનીયાળ દિવસ છે આજનો."


ભાવલો એ અપશુકનીયાળ અમિતીયાનું નામ સાંભળી ભડક્યો, "દિવસ ક્યારનો પતી ગયો છે. હવે તો મધરાત પડી ગઈ છે. હવે તમે આ જમવાનું ગરમાગરમ કરી સર્વ કરો ત્યાં સુધી અમે આ ઝારખંડનું કોકડું ઊકેલવા પર ધ્યાન કેન્દ્રિત કરીએ." આમ આ ચર્ચા પર પૂર્ણવિરામ મુકાયો એટલે બધી સહેલીઓ કિચનમાં જતી રહી અને આ પુરુષ મિત્રવર્ગ મૂકલાની ફરતે ગોઠવાયો.


મૂકલાએ હવે આ કોયડા રૂપી ધોડાની લગામ પોતાના હાથમાં ઝાલી, "તમે બધાએ બરાબર સાંભળ્યુ કે એ ચીસ આપણા મયુરીઆની જ હતી?" બધાના જવાબ હકારમાં આવ્યા.


"હવે કોને ખબર છે અથવા હોઈ શકે કે એ બંને ખરેખર ક્યાં ગયા છે?" મૂકલા જાસૂસની કરતબ કમાલ કરવા લાગી.


"સરપ્રાઇઝ આપવાના બહાને એમણે અલગ અલગ લોકોને અલગ અલગ સ્થાન વિશે જાણ કરી હતી એટલે નિશ્ચિત પણે ફક્ત એનો બુકિંગ એજન્ટ જ કહી શકે." વિનીયાએ વિસ્તારપૂર્વક અહેવાલ રજૂ કર્યો.


"વિનીયા, એટલી ખબર તો મને પણ છે." મૂકલાનો મૂડ મુસળધાર બની ગયો, "અક્કલના દુશ્મન, આજે શનિવારીય રાત છે. હવે રવિવારે એ બુકિંગ એજન્ટની ઑફિસ ઓફ હોય છે એટલે ઠેઠ સોમવારે સવારે નવ વાગ્યે જ ખબર પડે. ત્યાર સુધી રાહ જોવી છે તારે?"


વિનીયાએ શરણાગતિ સ્વીકારી લીધી, "ના, તું હવે કોઈ રસ્તો સુઝાડ."


મૂકલાએ સૌને વિવિધ પ્રશ્નો કરી આ ઉખાણું ઉકેલવા ઉધામા કર્યા પણ ઉકેલ ઉચાળા ભરી જતો. એણે ખૂબ બારીક છણાવટ કર્યા બાદ જાહેર કર્યુ, "મને ફરી એક વાર એને કોલ કરવા દે. સ્પીકર ઓન હશે એટલે તમે સૌ પણ કાન લગાવીને સાંભળવા પ્રયાસ કરજો."


એકદમ પીન ડ્રોપ સાઇલન્સ છવાઈ ગઈ એટલે મૂકલાએ સ્પીકર ચાલુ રાખીને મયુરીઆને કોલ જોડ્યો. પરિણામ એ જ આવ્યુ. એનો મોબાઈલ રેન્જ બહાર હતો અને એ જ પ્રિરેકોર્ડેડ, ત્રણ ભાષામાં સંદેશ રિપીટ થયો. હવે એણે બૈજુને કોલ કર્યો પણ એમાં પણ એ જ પરિણામ, એ જ પ્રિરેકોર્ડેડ, ત્રણ ભાષામાં રેકોર્ડેડ સંદેશ, પણ આ મોબાઈલ સ્વીચ્ડ ઓફ હોવાનો મેસેજ સંભળાતો.


બધા સાંભળી રહ્યા પણ કોઈ ખાસ ક્લુ મળી નહીં. જોકે મૂકલો મુસળધાર મલકાઈ ઊઠ્યો. બધી મહિલાઓ ગરમાગરમ જમવાનું તૈયાર કરીને પણ ખાવાના મૂડમાં નહોતી. એમના વતી હીરકીએ હણહણાટ કર્યો, "કાંઈ ખબર પડી?"


મૂકલાએ મેસેજ પાસ કર્યો, 'એ લોકો પકડાઈ ગયાં છે. મહિલા મંડળને જાણ કરી દે. હમણાં બધાં એન્જોય કરતાં કરતાં જમી લઈએ. પછી વાત.'


થોડીવારમાં થાળીઓ પિરસાઈ ગઈ. સૌ જમવા બેસી ગયાં. સધકીની રસોઈ સ્વાદિષ્ટ બની હતી. એણે રાજસ્થાની દાળ-બાટી, માલપૂઆ, ખીચીયા, બાજરીના શેકેલા પાપડ, કોબી ટમેટા સલાડ, કોથમીરની ચટણી, ખજૂરની ચટણી, ભાવનગરી ગાંઠિયા તથા ઘરે બનાવેલી બિસ્કિટ કેક પર સહેલી વૃંદ તૂટી પડી.


એમને મોજથી જમતાં જોઈ મૂકલા મુસળધાર સિવાય પુરુષ મિત્રવર્ગ અચંબિત થઈ ગયો. આ તરફ એમના ગળે કોળિયો ઊતરતો નહોતો તો આ લેડિઝ વિંગ મીજબાનીની જિયાફત માણતી હતી. સતત હસી મજાકની છોળ ઊડી રહી હતી. બધા વિચારમાં પડી ગયા, 'શું આમને માટે મિત્રવર્ગ કરતાં મીજબાની માણવી મહત્વની છે! શું મયુરીઓ કળાકાર તથા બૈજુ બાવરી માટે કોઈ લાગણી નહીં હોય!'


છેવટે ભાવલાથી રહેવાયુ નહીં. એણે ભૂસ્કો લગાવ્યો, "આ તમને લોકોને શરમ જેવું કાંઈ છે કે નહીં? અહીં આપણાં મિત્રોની ખબર નથી મળી રહી. આપણે સૌએ મોટા ઝઘડાના અવાજ, મયુરીઆની ચીસ વગેરે સાંભળ્યું તો પણ તમારો પાર્ટી મૂડ બદલાયો નથી? શું આપણાં મિત્રોની ખેર ખબર, પૂછપરછ એકદમ ક્ષુલ્લક બાબત છે? શું આપણી દોસ્તી એટલે ફક્ત ખાણીપીણી?"


એક ક્ષણ માટે સોપો પડી ગયો. પણ જવાબમાં હિરકી હણહણાટએ સામે ઘૂરકી, "એ ભાવલા બોલતા પહેલાં વિચાર તો કર. તું અમને સમજે શું છે?" આ આખા મિત્ર વર્તુળમાં મૂકલો મુસળધાર અને હિરકી હણહણાટ એ કપલ સૌથી સિનિયર કપલ હતું. એમને બધાં જ માન આપતાં હતાં. એ હિસાબે એકમાત્ર હિરકી હણહણાટ જ બાકીના પુરુષ મિત્રવર્ગને તુંકારે સંબોધન કરતી હતી. બાકીની મહિલાઓ એમને આપકારે સંબોધન કરતી. જોકે એમાં એક અપવાદ પણ હતો, એ બધી પોતાના વરને તો તુંકારે જ બોલાવતી.


હીરકીએ ખુલાસો કર્યો, "તારા ભાઈએ એમની ભાળ મેળવી લીધી છે. સમજ્યો?" આ આખા મિત્ર વર્ગમાં ફક્ત હિરકી, મૂકલાને 'તમારા ભાઈ' તરીકે સંબોધન કરતી જ્યારે બાકીની પોતાના વરને નામથી જ બોલાવતી. જોકે આ ઠપકો અને ખુલાસો સાંભળી સૌ મૂકલા મુસળધાર તરફ ફર્યા.


શું મૂકલાએ ખરેખર આ અતિ વિકટ સમસ્યાનું સમાધાન શોધી લીધુ હતુ? કે ફક્ત બધાં બરાબર જમી લે માટે ગપગોળો ચલાવ્યો હતો? મયુરીઆ કળાકાર અને બૈજુ બાવરી પર આવેલી આફત ટળી ગઈ હતી? આપના દરેક પ્રશ્નનો મજેદાર બ્રેકિંગ ન્યૂઝ જેવો ઉત્તર મળશે. બસ જોડે રહેજો. આભાર (ક્રમશ...)


લેખક: ગિરીશ ભવાનજી મેઘાણી (GBMSIR).