Live Till You Die - Book Review in Gujarati Book Reviews by Dr. Ranjan Joshi books and stories PDF | મરો ત્યાં સુધી જીવો - પુસ્તક સમીક્ષા

Featured Books
Categories
Share

મરો ત્યાં સુધી જીવો - પુસ્તક સમીક્ષા

પુસ્તકનું નામ:- મરો ત્યાં સુધી જીવો

સમીક્ષક:- ડૉ. રંજન જોષી

લેખક પરિચય:-

'મરો ત્યાં સુધી જીવો' પુસ્તકના લેખક ગુણવંત શાહનો જન્મ રાંદેર, સુરતમાં ૧૨મી માર્ચ ૧૯૩૭ના રોજ થયો હતો. તેમણે ૧૯૬૧-૭૨ દરમિયાન વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ખાતે પ્રવક્તા અને વાચક તરીકે સેવા આપી. વર્ષ ૧૯૬૭-૬૮ દરમિયાન તેમણે અમેરિકાની મિશિગન યુનિવર્સિટી ખાતે મુલાકાતી પ્રાધ્યાપક તરીકે પણ કાર્ય કર્યુ. ત્યારપછી ૧૯૭૨-૭૩ દરમિયાન તકનીકી શિક્ષક તાલીમ સંસ્થા, મદ્રાસમાં પ્રાધ્યાપક તેમજ શિક્ષણ ખાતાના વડા તરીકે સેવા આપી. વર્ષ ૧૯૭૩-૭૪ દરમિયાન તેમણે SNDT વિમેન્સ યુનિવર્સિટી, બોમ્બે ખાતે પ્રાધ્યાપક તરીકે સેવા આપી. તેમણે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત ખાતે પ્રાધ્યાપક તરીકે તેમજ શિક્ષણ વિભાગના વડા તરીકે પણ સેવા આપી છે. હાલમાં તેઓ દૈનિક દિવ્ય ભાસ્કરમાં સાપ્તાહિક કૉલમ અને પ્રમુખ ગુજરાતી સામયિક નવનીત સમર્પણમાં લેખનકાર્ય કરી રહ્યા છે.

તેમના નિબંધસંગ્રહોમાં કાર્ડિયોગ્રામ, રણ તો લીલાંછમ, વગડાને તરસ ટહુકાની, વિચારોના વૃંદાવનમાં, મનનાં મેઘધનુષ, ગાંધીની ચંપલ, બત્રીસે કોઠે દીવા, સંભવામિ યુગે યુગે, કબીર ખડા બાજારમેં, પરોઢિયે કલરવ, નિરખીને ગગનમાં, એકાંતના આકાશમાં, પ્રભુના લાડકવાયા, નિખાલસ વાતો, ગાંધીની લાકડી, પતંગિયાની આનંદયાત્રા, પતંગિયાની અવકાશયાત્રા અને અન્ય બીજાં પુસ્તકોનો સમાવેશ થાય છે. તત્વજ્ઞાન પર તેમણે મહંત, મુલ્લા, પાદરી, કૃષ્ણનું જીવનસંગીત, વિચારોનાં વૃંદાવનમાં, અસ્તિત્વનો ઉત્સવ, ઇશાવાસ્યમ, ટહુકો, વગેરે જેવા ગ્રંથો લખ્યા છે. જાત ભણીની જાત્રા અને બિલ્લો ટિલ્લો ટચ એ તેમનાં આત્મકથાત્મક પુસ્તકો છે જ્યારે વિસ્મયનું પરોઢ તેમનું ગદ્યકાવ્ય છે. તેમના ચરિત્રગ્રંથોમાં મા, ગાંધી: નવી પેઢીની નજરે, મહામાનવ મહાવીર, કરુણામૂર્તિ બુદ્ધ, સરદાર એટલે સરદાર, શક્યતાના શિલ્પી શ્રી અરવિંદ અને ગાંધીનાં ચશ્માંનો સમાવેશ થાય છે. તેમની નવલકથાઓમાં રજકણ સૂરજ થવાને શમણે અને મૉટેલનો સમાવેશ થાય છે. કોલંબસના હિંદુસ્તાનમાં તેમનું પ્રવાસપુસ્તક છે. શિક્ષણની વર્તમાન ફિલસૂફીઓ, સાવધાન, એકવીસમી સદી આવી રહી છે, કૃષ્ણનું જીવનસંગીત વગેરે તેમનાં પ્રકીર્ણ ગ્રંથો છે. ભારત સરકાર દ્વારા તેમને ૨૦૧૫માં ભારતના ચતુર્થ ઉચ્ચ પુરસ્કાર એવા પદ્મશ્રી વડે સમ્માનિત કરવામાં આવ્યા હતા. ગુજરાતી સાહિત્ય સભા દ્વારા સ્થાપિત અને ગુજરાતી સાહિત્યમાં સૌથી ઉચ્ચ ગણાતો રણજિતરામ સુવર્ણચંદ્રક તેમને ૧૯૯૭માં મળ્યો હતો.

 

પુસ્તક વિશેષ:-

પુસ્તકનું નામ : મરો ત્યાં સુધી જીવો

લેખક : ગુણવંત શાહ

પ્રકાશક : આર.આર.શેઠની કંપની, અમદાવાદ

કિંમત : 175 ₹.

પૃષ્ઠ સંખ્યા : 151

 

બાહ્ય મૂલ્યાંકન:-

મુખપૃષ્ઠ પર વ્હાઇટ બેકગ્રાઉન્ડમાં ખીલેલું ફૂલ અને ફૂલ જેવું ખીલેલું તંદુરસ્ત માનવશરીર દેખાય છે, જે વાચકને વિષયવસ્તુથી પરિચિત કરાવે છે. બૅક કવરપેજ પર હોલિસ્ટિક હેલ્થ શીર્ષક અંતર્ગત ગુણવંત શાહ લિખિત પ્રસ્તાવના છપાઈ છે. ફોન્ટ સરળતાથી વાંચી શકાય તેવા રાખવામાં આવ્યા છે. કાગળની ગુણવત્તા ઉચ્ચ છે, જાડા પેજ છે જેના લીધે આગળનું લખાણ પાછળ દેખાતું નથી. પુસ્તકનું કદ નાનું છેે જેના લીધે તેને લઈને ગમે ત્યાં જઈ શકાય અને એને એક હાથમાં લઈને આરામથી વાંચી શકાય છે.

 

પુસ્તક પરિચય:-

ગુણવંત શાહ લિખિત અને ડો. મનીષા મનીષ સંપાદિત આ પુસ્તક ગુજરાતી બેસ્ટસેલર પુસ્તક છે જેની અત્યાર સુધીમાં 64000થી વધુ નકલો વેચાઈ ચૂકી છે. 'સાજુ, તાજું અને રળિયામણું જીવન' એ પુસ્તકની ટૅગલાઇન છે. પુસ્તક પરમાત્માના ઘર સાથે ઉઘડે છે અને એ ઘર એટલે આપણું શરીર અને ત્યાર બાદ ડૉ. મનીષા મનીષનું સંપાદકીય એકદમ મજાનું નિખાલસ લેખન તમને પુસ્તકના પાને પાના વાંચવા પ્રેરશે સાથે સાથે એકદમ રસપ્રદ પ્રકરણો 'મરો ત્યાં સુધી જીવો' થી શરૂ કરીને 'ખારેક ખાધી એ વાત ને કેટલા વર્ષ થયા?', 'તબિયત બગાડવાની હઠ', 'ઓપરેશન થિયેટરમાં', 'બ્રહ્મ સત્યમ્ જગત સ્ફૂર્તિ', 'લાલ લોહીની લીલા', 'જીવનની બે પાંખો : પ્રેમ અને ધ્યાન' જેવા તન અને મનને પ્રસન્ન કરનારા માત્ર ખૂબ અભ્યાસુ કલમથી જ નહીં પણ હૃદયથી લખાયેલા કુલ સાડત્રીસ લેખો તમને આ પુસ્તકના પ્રેમમાં પાડશે એની ખાતરી છે.

 

શીર્ષક:-

આ પુસ્તકનું શીર્ષક 'મરો ત્યાં સુધી જીવો' છે. આજના સમયમાં લોકો જીવવા માટે પોતાની જિંદગી જીવી તો લે છે પરંતુ જિંદગી જીવવાનો સાચો અર્થ લોકોને ખબર નથી. લોકોએ તાજું સાજું અને રળિયામણું જીવન કેવી રીતે જીવવું તેનો સાચો અર્થ આ પુસ્તકમાં દર્શાવ્યો છે. માનવીનું સ્વાસ્થ્ય કેવી રીતે નીરોગી રહી શકે અને તે નિરોગી રહે તે માટે મનુષ્યએ શું કરવું જોઇએ તેની વાત આ પુસ્તકમાં કરવામાં આવી છે. તેથી આ પુસ્તકનું શીર્ષક યોગ્ય છે. ક્યાંક આજની ફાસ્ટ લાઇફ સ્ટાઇલમાં ડિપ્રેશનમાં રહેતો માણસ જિજીવિષા છોડી દે છે, આત્મહત્યાના પ્રયાસો કરે છે તેના માટે પણ આ પુસ્તક અને આ શીર્ષક બંને ઉપકારક છે, 'મરો ત્યાં સુધી જીવો'.

 

પાત્રરચના:-

અહીં નવલકથા કે નવલિકાની જેમ કોઈ પાત્ર વિશેષ નથી. પરંતુ અહીં જનસામાન્યની વાત હોઈ જનસામાન્ય જ પાત્રો છે.

 

સંવાદો/વર્ણન:-

ગુણવંત શાહનું એકદમ જીવંત લેખન વાંચતા એવું લાગે કે જાણે લેખક આપણી સાથે વાતો કરી રહ્યા છે અને સડસડાટ ક્યાં છેલ્લા પાને પહોંચીએ એનો ખ્યાલ પણ નથી આવતો. આપણી આત્મજાગૃતિના માધ્યમથી સ્વાસ્થ્યની વસંત ખીલવવી હોય તો આ પુસ્તક વાંચવું પડે. પાને પાને ખીલેલા મનગમતા ફૂલો આપણા જીવનને ખૂબ ઉચ્ચતમ વિચારોથી મધમધ કરશે. કેવા વૈચારિક પુષ્પો અહીં લેખકે ખીલવ્યા છે માણો:

“ઈશ્વર રોગ મટાડે છે, પણ ફી તો દાક્તર લઈ જાય છે." – ફ્રેન્કલીન

“હે પ્રભુ ! તમે તેજસ્વીરૂપ છો , મને તેજ આપજો . તમે બળ સ્વરૂપ છો , મને બળ આપજો." – વેદ "સોનાચાંદીના ટુકડાં એ સાચી સંપત્તિ નથી, આરોગ્ય એ જ સાચી સંપત્તિ છે." – ગાંધીજી

"ઉંઘ એટલે પાંપણની પીંછીઓએ આંખની કીકીઓમાં કરેલું ઝીણું નકશીકામ." – જગદીશ જોશી.

"તંદુરસ્તી જો (દવાની) બોટલમાં મળતી હોત તો દરેક જણ તંદુરસ્ત હોત." – ચેર

આવા અનેક મહાપુરુષોના અનુભવ વાક્યો અને વેદ પુરાણોના સૂચક અને જીવનમાં ઉતારવા લાયક સુવાક્યો પાનામાં ઉગેલા પુષ્પો સ્વરૂપે આપણાં જીવતરને સુગંધિત કરે છે. કેટલાક રસપ્રદ વિધાનો પણ માણો:

"વાનગીઓના નામરૂપ જૂજવાં પણ અંતે તો ખાંડની ખાંડ હોય છે."

"હૃદયરોગ મફતમાં નથી મળતો, એને માટે વર્ષો સુધી તૈયારી કરવી પડે છે. હૃદયરોગ એટલે અપમાનિત હૃદયનો હાહાકાર."

"કલાપીની ગ્રામમાતા હવે કદાચ પ્યાલામાં શેરડીના રસને બદલે કોકાકોલા રેડશે."

"સ્વાદ જો દેહ ધારણ કરે તો મહાત્મા ગાંધી પર જરૂર બદનક્ષીનો દાવો માંડે."

 

લેખનશૈલી:-

લેખકની શૈલી સરસ, સરળ છે. સામાન્ય માણસને પણ શીરાની જેમ ગળે ઉતરી‌ જાય એવી સીધી સાદી વાતો એટલે 'મરો ત્યાં સુધી જીવો'.

 

વિશેષ મૂલ્યાંકન:-

પુસ્તકમાં 'લીલા મરચાંનો આઈસ્ક્રીમ' લેખમાં લેખકે આપણને આપણો સ્વાદ આપણા કહ્યામાં હોય ત્યાં સુધી એ સહજ સ્વાદ ગણાય પરંતુ જ્યારે કહ્યામાં ન હોય ત્યારે પ્રશ્નો ઊભા થાય છે તેની વાત કરી છે. લેખ 'તબિયતની જાળવણી એટલે લયની જાળવણી'માં લેખકે કહ્યું છે કે માણસને રોજ શરીરને એકાદવાર પરસેવો વળે એટલો શ્રમ કરવો જોઈએ રોજ કસરત કરવી એ આપણા આરોગ્ય વીમાનું પ્રીમિયમ છે. 'અખંડ સૌભાગ્યવતી કિડની દેવી'માં કહ્યું છે કે લોકોને દિવસમાં એક કલાક ઝડપભેર ચાલવાનું કહે છે. રોગથી બચવા માટે ધૂમ્રપાન અને શરાબથી બચવાનું છે. કારણકે ગુટખાનું પાઉચ કેન્સરની મોહક આમંત્રણ પત્રિકા છે. 'ડાઇનિંગ ટેબલ ઉવાચ'માં વૈજ્ઞાનિક પ્રયોગ પર આધારિત અથવા વર્ષોના પરંપરાગત અનુભવોનો ટેકો હોય તે સિવાયની દવાઓ કે સારવાર જોખમકારક બની શકે છે એવું લખાયું છે. 'વાઇરલ ઇન્ફેક્શન'માં લેખક સમજાવે છે કે મનની સ્વસ્થતાનો શરીરની તંદુરસ્તી પર સીધો પ્રભાવ પડે છે. જેનું મન ભાંગી પડે તેનું શરીર પણ ભાંગી પડે છે. મનની પ્રસન્નતા પાચન શક્તિને જાળવી લેનારી છે. આમ પુસ્તકના વિષયવસ્તુમાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની જાળવણી અંગેની વાત કરવામાં આવી છે.

 

મુખવાસ:-

સ્વસ્થ જીવનની જડીબુટ્ટી જેવું પુસ્તક એટલે "મરો ત્યાં સુધી જીવો'.