Sachi Samjanthi aave Samadhan... books and stories free download online pdf in Gujarati

સાચી સમજણથી આવે સમાધાન...

જ્યાં જ્યાં બે-ત્રણ બેનો પેટ છૂટી વાતો કરતી સંભળાય, ત્યાં અચૂક સાંભળવામાં આવશે, “શું કરું, સાસુનું મારે બહુ સહન કરવું પડે છે”, તો કોઈ વળી કહેશે, “નણંદ સાસરે જતી નથી ને મને બહુ વીતાડે છે, ક્યાં સુધી મારે સહન કરવાનું ?” તો કોઈ કહેશે, “મારા પતિ બહુ ગુસ્સાવાળા છે, વાત વાતમાં વાંક દેખે ને ધમકાવી નાખે, બધાની વચ્ચે, ને હવે સમજણા થયેલા છોકરાંઓની વચ્ચે પણ ! પરણી ત્યારથી સહન કરતી આવું છું !” તો કોઈ માજી કહે, “વહુ બહુ વસમી આવી છે તે બહુ રંજાડે છે, હવે મરતા સુધી મારે વહુનું સહન કર્યે રાખવાનું ?”

“સ્ત્રી સહનશીલતાની મૂર્તિ છે, ભારતની સ્ત્રીઓ સહન શીલતાની દેવી છે. “સ્ત્રીમાં સહનશક્તિ અપાર છે” વિગેરે વિગેરેથી સ્ત્રીઓને નવાજવામાં આવે છે. આમ, સ્ત્રીઓ માટે ઘણું ઘણું યુગોયુગોથી કહેવામાં આવી રહ્યું છે. કદાચ એ માસસાયકોલોજી ઊભી થઈ ગઈ છે. અથવા તો કદાચ એમ કરી-ઠોકી દેવાયું છે, કે સહન કરો. તમે સ્ત્રી છો ને, સહનશીલતાની દેવી છો ! પણ જરા સ્ત્રીઓના હૃદયોને તો તપાસો ! શું ખરેખર તેઓ સહન કરી લે છે ? સહન કરવું એટલે લાગણીઓને દબાવી દેવી એ જ ને ? શું પછી એનો ભાર સ્ત્રીઓના હૃદયમાં ધરબાયેલો નથી રહેતો ? સ્ત્રીઓ શું ચોખ્ખા મને સહના કરી લે છે ? શું એની લાગણીઓ અંતરમાં દુભાયેલી નથી રહેતી સહન કર્યા પછી ? ખરા અર્થમાં ચોખ્ખા મને સહન થાય તો જ કામ સરે અને જ્યાં મન ચોખ્ખું રહ્યું, ભાર વિહોણું, એનો ખરા અર્થમાં સહન કર્યું ના કહેવાય, પણ એનો એણે સમતાપૂર્વક નિકાલ કરી નાખ્યો કહેવાય. આધ્યાત્મિક જાગૃતિનો જરાક સહારો લેવાય તો સહન કરવાનું નથી, પણ સમતાપૂર્વક નિકાલ કરી નાખવાનો છે. સહન કરવું એટલે સ્પ્રિંગને દબાવ્યા કરવું. હવે એ સ્પ્રિંગને દબાવાની લિમિટ હોય છે. લિમિટ પૂરી થાય એટલે એ સ્પ્રિંગ છટકે ! છટકે એટલે આજ સુધીનું સહન કરેલું બધું જ પાછુ ફેંકે ! ને મોટો ભડકો કરી નાખે !

માટે સહન કરવા કરતા બનેલા અણબનાવ ઉપર વિચારણા કરવી સારી. એના પર મનન, ચિંતન કરવું તટસ્થતાથી, પોતાની જાત માટે પણ નિષ્પક્ષપાતીપણે વિચારીને એનો નિવેડો લાવવો જોઈએ, કે આ ઝેરીલા પ્રસંગમાં આપણે ક્યાં ભૂલ ખાધી, કે આપણને આટલું બધું ભોગવવાનું આવ્યું ! જીવન જીવવાની કળા સમજવામાં મારી ક્યાં ખામી છે કે મારે સહન કરવાનું આવ્યું ? જો મેં જરાક સવળી સમજણ વાપરી પોતાના અહમને બેસાડી દીધો હોય, તો વાત કેટલી ટૂંકી થઈ જાત ! મોટા ભાગે, ‘મારું સાચું, તારું ખોટું’ એમાં જ અહમ ટકરાય છે ! હવે આમા કાયમનું સત્ય હોય તો આખી જિંદગી લઢીએ, પણ આ તો ટેમ્પરરી સત્ય છે. વાત તો નદીના પાણીના પ્રવાહની જેમ વહી ગઈ, પણ મેં પકડી રાખ્યું તેથી હું જ ઝલાઈ ગઈ ને ભોગવવાનું મને જ આવ્યું. માટે સમજણ ફેરવી નાખો ને ! આમ, અક્રમ વિજ્ઞાની શ્રી દાદા ભગવાને આપેલ ‘એડજસ્ટ એવરીવેર’નો પ્રિન્સિપલ અગર તો “અથડામણ ટાળો”નું સૂત્ર અપનાવતા જઈશું, તો જરૂર ઘર સ્વર્ગ સમાન થઈ પડશે.

બાકી, આજની સ્ત્રીઓ ભણેલી-ગણેલી છે, સ્માર્ટ છે. તો એ ભણતર-ગણતરનો, સ્માર્ટનેસનો ઉપયોગ જીવનને સમજી સમજીને, વિચારી વિચારીને ફુલમય બનાવવાનું છે. અવિચારથી તો જીવનમાં કાંટા પથરાયા છે ! માટે, માત્ર સહન કર કર કરશો તો સ્પ્રિંગની જેમ કૂદશે. અવિચારે સહન કરવું પડે છે. વિચારે કરીને તો સમજાશે કે આમાં ભૂલ ક્યાં થાય છે ? પછી મહીં સમાધાન કરી આપશે. જ્યાં સુધી મહીં સમાધાન ના થાય, મન ચોખ્ખું ના થાય, ત્યાં સુધી એકાંતમાં પા-અડધો કલાક બેસીને, આમાં ક્યાં ભૂલ છે ને ચિંતવના કરો. ટી.વી. કે અન્ય ધાર્મિક ક્રિયાઓમાં સમય વાપરીએ છીએ, તેમ દરરોજ પંદર-વીસ મિનિટ આખા દિવસના પ્રસંગોને વિચારીને, ઉકેલ લાવવાનો રસ્તો ખોળી કાઢીએ, તો આ સમય આખા દિવસનો શ્રેષ્ઠ સમય શું નહીં ગણાય ? પ્રભુનો કાયદો છે કે જગતમાં કોઈ દોષિત છે જ નહીં, જે ભોગવવાનું આવે છે તેમાં મારી કંઈક ભૂલ છે માટે જ. અને તે ભૂલ તપાસો તો જડી આવશે. અને અંતે તમને તમારી કોઈ ભૂલ ના દેખાય, સામાની જ ભૂલ દેખાય તો છેવટે ‘હું એમને માફ કરી નથી શકતી’ એ ય મારી જ ભૂલ છે કરીને પણ શું મન ચોખ્ખું ના કરી લેવાય ? ચોખ્ખું મન એટલે સામા માટે જરા પણ અભાવ કે દ્વેષ ના રહે. અભેદતાનું જ વાતાવરણ અંદર-બહાર રહે તો સમજવું, કે અણબનાવનો પ્રસંગ ચોખ્ખા મને ધોવાઇ ગયો ! અને મુક્ત થયા કર્મથી ! માટે મનનું સમાધાન આવશ્યક છે. મહીં આત્માની અનંત શક્તિ છે. માંગો તે મળે તેમ છે. માંગણી કરતા નથી, તે ભૂલ છે ! આ તો અંદર શક્તિ ખોળતા નથી ને બહાર શક્તિ ખોળીએ છીએ ! બહાર શું શક્તિ છે અંદરની વિસાતમાં ?!

સહન કરવું એટલે ઘરમાંનું ગટરનું પાણી, ગટરને દાટા માર માર કરીને અટકાવવું ? અરે, એ દાટા ક્યાં સુધી ટકશે ? અને જેટલી વાર ટક્યા પણ ઘર તો ગંધાયા જ કરે ને ? વિચારક વ્યક્તિ તો એ ગટરના પાણીનો નિકાલ કરીને નિરાંત અનુભવે. એનો નિકાલ કરવાનો રસ્તો કેવો શોધી કાઢીએ છીએ ?! છેવટે, પ્લંબરને એના એક્સપર્ટને મળીનેય નિકાલ કરાવી નાખીએ છીએ. એમ આમાં અંતે સમાધાનને ના પામતું હોય તો કોઈ સાત્વિક, તટસ્થ ને અનુભવી વ્યક્તિની સલાહ લઈને નિકાલ કરો. નિકાલ થતો હોય તો સમજવું, કે સાચી સલાહ મળી. ને કચરો વધતો હોય તો ત્યાંથી ખસી જવું ! સમજી વિચારીને સોલ્યુશન લાવો. સાચી સમજણથી તો બધો જ ઉકેલ આવી જાય. ગમે તેવું પઝલ સોલ્વ થાય એવું છે.

એવો જગતનો કાયદો જ નથી, કે કોઈને લીધે આપણે સહન કરવું પડે. જે કંઈ સહન કરવાનું થાય છે બીજાના નિમિત્તે, એ આપણો જ હિસાબ છે. પણ આપણને ખબર નથી પડતી કે આ કયા ચોપડાનો ને ક્યાંનો માલ છે, એટલે આપણે એમ જાણીએ કે આણે નવો માલ ધીરવા માંડ્યો. નવો કોઈ ધીરે જ નહી, ધીરેલો જ પાછો આવે. આ જે આવ્યું તે મારા જ કર્મના ઉદયથી આવ્યું છે, સામો તો નિમિત્ત છે. પછી આપણને આ સમજ ઈટસેલ્ફ જ ‘પઝલ’ ‘સોલ્વ’ કરી આપે. અને આમ, જીવનમાં દરેક પઝલને પેન્ડીંગ ના રાખતા બહારથી અને અંદરથી પણ પૂર્ણપણે સોલ્વ કરતા જઈએ તો જરૂર ઘર સ્વર્ગ સમાન થશે અને બાળક તો આ સ્વર્ગના દેવી-દેવતાઓ સ્વરૂપે ઝળકશે !