DHULO TO HARKHPADUDO (DTH) - 26 books and stories free download online pdf in Gujarati

ધૂલો તો હરખપદૂડો (DTH) - 26

ધૂલો તો હરખપદૂડો (DTH) - પ્રકરણ ૨૬


આપણે જોયું કે પિતલીની મમ્મીએ સુષમા નામની કુંવારી ઇન્ટિરિયર ડિઝાઇનર સાથે બિઝનેસના કામના બહાના હેઠળ અમિત સાથે લગ્નોત્સુક મિટીંગ ગોઠવી આપી હતી. મજાની વાત એ હતી કે એક પાર્ટી આને લગ્નોત્સુક મિટીંગ સમજીને તો બીજી બિઝનેસ મિટીંગ સમજીને વાત કરતી હતી. એમાંથી જ સર્જાયાં હતાં ગડબડ ગોટાળા. સુષમાએ વાત આગળ વધારવા પચીસ હજાર રૂપિયાની માંગણી કરી લીધી હતી. હવે આગળ...


લગ્નોત્સુક પાર્ટીને ભવિષ્યની નવોઢા અને એ સમયની સૌભાગ્ય કાંક્ષીણી કન્યા એક પછી એક, આંચકાઓ પર આંચકા આપી રહી હતી. પ્રથમ તો એ લગ્નોત્સ મિટીંગ માટે એકલી આવી હતી. દ્વિતીય, એના વસ્ત્ર પરિધાન પ્રસંગોપાત બિલકુલ નહોતા. એનો વ્યવહાર બેફિકરાઈ ભર્યો જણાતો હતો.


વળી આ સુષમાએ એક વ્યવસાયીક માંગણી કરી હતી કે એ એમના ઘરમાં આવે એ પહેલાં મીનામાસીને બીજે ક્યાંક અથવા દિકરી જમાઈના ઘરે એટલે કે સધકી સંધિવાતના ઘરે મોકલી દેવાના જેથી એના માથે કચકચ નહીં રહે. એ સમયે વાતાવરણમાં ભેંંકાર શાંતિ છવાઈ ગઈ હતી.


તે છતાં, બાકી બધું ગૌણ ગણીએ તો હવે એની પાસે એક જ ખાસિયત બચી હતી અને એ હતી કે એ એક કુંવારી છોકરી હતી. માત્ર અને માત્ર આ લાયકાત માટે લગ્નોત્સુક પાર્ટી એને હજી સ્વીકારવા તૈયાર હતી. પણ છેવટે એણે એક વધુ બોમ્બ વિસ્ફોટ કર્યો, "ઠીક છે. જો તમારી આગળ વધવાની ઈચ્છા હોય તો મને પચીસ હજાર રૂપિયાનો ચેક મોકલાવી દેજો. ઓનલાઈન ટ્રાન્સફર પણ ચાલશે. મારા બેન્ક એકાઉન્ટની વિગતો વોટ્સએપ પર મોકલાવી દઈશ. આભાર."


મીનામાસીને ગભરાટ છૂટી ગયો. એ પસીના પસીના થઈ ગયાં. એ સંતુલન ખોરવાઈ જાય એમ હચમચી ગયાં. બધાને હવે ચિંતા કરવા અચાનક એક નવો વિષય મળી ગયો. બધાં સુષમાથી નારાજ થઈ મીનામાસીની સેવા કરવાનો પ્રયાસ કરવા ઉત્સુક બની ગયાં. જોકે હકીકતમાં કોઈને પણ ખબર નહોતી એમને શું થયું હતું! એટલે આ ટોળુ સાગમટે મૂંઝવણમાં મૂકાઈ ગયું.


ભાવલા ભૂસકાએ સધકી સંધિવાતને કહ્યું, "સાધના, આપણાં ડોક્ટર ઘર્મેશભાઈને ફોન લગાડી, અરજન્ટલી બોલાવી લે."


"એવી કોઈ જરૂર નથી. બધાં પાછળ હટી જાવ. એમને હવા લાગવા દો." પાછળથી એક સત્તાવાર જાહેરાત સંભળાઈ. સૌ ચમકી ગયાં. આ એલાન સુષમાએ કર્યુ હતું.


પરિસ્થિતિ એવી નિર્માણ થઈ ગઈ હતી કે સૌ, આમાં પોતાનું કોઈ કામ નથી એ ધોરણે ચૂપચાપ પાછળ હટી ગયાં.


સુષમાએ હવે આ સિચ્યુએશન પર પોતાનો સિક્કો જમાવી દીધો. એણે બૂમ પાડી, "એક ટોવેલ, ટંબલરમાં પાણી અને વિકાસ વેપોરબની ડબ્બી લઈ આવો." સધકી સંધિવાત કિચન તરફ દોડી તો પિતલીએ સધકીના બાથરૂમ તરફ દોટ મૂકી.


સધકી વિકાસ વેપોરબની ડબ્બી અને નવો નક્કોર હાથવગો ટોવેલ લઈ આવી. સુષમાએ એના હાથમાંથી વિકાસ વેપોરબની ડબ્બી લઈ થોડો હાથ ઉપર લગાડી મીનામાસીના ચહેરા પર મસાજ કરવાં લાગી. જોકે આની ધારી અસર જોવા મળી. મીનામાસીના ચહેરા પર સ્મિત રેલાઈ ગયું. એમને ખરેખર શાતા વળી હતી.


પિતલી પલટવાર પણ ત્યાં ટંબલર ભરેલ પાણી લઈને તૈયાર મુદ્રામાં ઊભી હતી. સુષમાએ એના હાથમાંથી એ ટંબલર લઈ, થોડી પાછળ હટી, મીનામાસીના ચહેરા પર થોડી દૂરથી પાણીની છાલક ઉડાવી. ત્યારબાદ એણે સધકી સંધિવાત પાસેથી ટોવેલ લઈ, પાણી લૂછવાને બહાને ફરી ઘસીને ઘસીને મસાજ કરી.


પછી એણે મીનામાસીને ધીરેથી પૂછપરછ કરી, "બા, હવે તમને સારું લાગે છે?"


મીનામાસીને લાગણીના ગદગદિયાં થઈ ગયાં. એ આ પ્રાથમિક સારવાર કરતાં આ 'બા' શબ્દના સંબોધનથી ગળગળાં થઈ ગયાં. એમની આ લાગણી આંખોમાંથી અશ્રુ સ્વરૂપ ધારણ કરી વહેવા લાગી. આ જોઈને સુષમા સહિત સૌ એમ સમજ્યાં કે મીનામાસીને હજી તકલીફ થઈ રહી હતી.


સુષમાએ ફરી કમાન હસ્તક કરી લીધી. એ મીનામાસીની નજીક જઈ અને નમી ગઈ. એણે એમનો હાથ પોતાના ખભા ઉપર મૂક્યો અને બોલી, "બા, મને પકડી લો."


મીનામાસીને, કે ત્યાં હાજર કોઈને પણ, ઝાઝી સમજ પડી નહીં. છતાં મીનામાસી એ કહે એ યંત્રવત કરવા ઉત્સુક હતાં. એણે અચાનક મીનામાસીના પગ નીચે, ગોઠણ પાસેથી, હાથ નાંખી એમને એક ઝટકા સાથે અચાનક ઊંચકી લીધાં અને બરાડો પાડ્યો, "બેડરૂમ કઈ તરફ છે?"


"આ તરફ." સધકીએ ઝડપભેર હાથથી ઇશારો કર્યો અને જવાબ આપ્યો. એ ઉતાવળે આગળ દોડી. એની પાછળ સુષમા મીનામાસીને ઊંચકીને મક્કમ પગલે ચાલી. એની પાછળ બાકીના સૌ વરઘોડાની જેમ ધીમી ચાલે પાછળ ચાલ્યાં.


થોડી ક્ષણો પહેલાં સધકી સંધિવાત અહીં ટોવેલ શોધવા આવી હતી ત્યારે એણે રણસંગ્રામ ખેલી અને કોરા ટોવેલની શોધ કરી હતી. પણ ઉતાવળમાં ટોવેલની શોધખોળ દરમ્યાન એણે ઘણાં બીજા કપડાંઓની ધરપકડ કરી એમને જમીનસ્ત તથા પથારી વ્યસ્ત કરી દીધાં હતાં. એ કપડાંનો પથારો સંપૂર્ણ રીતે આખા બેડ ઉપર શરણાગતિ સ્વીકારીને ઘાયલ અવસ્થામાં કણસી રહ્યો હતો. સધકીએ ઝડપથી એ શરણાર્થીઓને ભેગાં કરી એક ખૂણામાં નવેસરથી શરણાર્થી વસાહત પ્રસ્થાપિત કરવા કમર કસી. એ વસ્ત્ર સમૂહ પરાસ્ત હોવા છતાં આ આક્રમણથી પિડીત લડવૈયાઓ તરત તાબે થવા તૈયાર નહોતા. જેમ જેમ એ નવા બે ત્રણની ધરપકડ કરતી તેમ તેમ અગાઉ ઝબ્બે થયેલા બે ત્રણ સરકી જતાં. ટૂંકમાં સધકી એક મહાન જાદુગરની અદાથી ત્રણ દડાની ઉછળ કૂદ રમત રમતી દેખાઈ.


જોકે પિતલીએ પલટવાર કરી તાત્કાલિક ધોરણે એની સંગે આ મહાયુદ્ધમાં જોડાઈને શત્રુઓ ઉપર વિજયી યલગાર કર્યો. આમ બંને એ ખભે ખભાં મેળવી, આ તમામ શરણાર્થીઓની બેડરૂમના એક ખૂણે પુન:પ્રતિષ્ઠા કરી. આ સમગ્ર બેડ સફાઈ ઓપરેશન દરમ્યાન બીજા મૂક પ્રેક્ષક બની જીવંત સર્જીકલ સ્ટ્રાઇક જોઈ રહ્યા હતા તે સમયે સુષમા મીનામાસીને તેડીને, ચલિત થયાં વગર આત્મવિશ્વાસથી ભરપૂર તથા સંપૂર્ણ શાતા જાળવીને, ઊભી હતી.


ભાવલા ભૂસકાએ ભૂસકો ભરી સધકી સંધિવાતન પર ક્રોધિત થઈને ઠપકો આપ્યો, "તને કેટલી વાર કીધુ છે કે આ પથારો પાથરવાની પદ્ધતિ બદલી નાખ, પણ સાંભળે કોણ!" સધકીએ એની તરફ આંખો કાઢી ઊભી રહી. ત્યારબાદ એના ધ્યાનમાં આવ્યુ કે ત્યાં બીજા મહેમાનો પણ હાજર હતાં. આ જ લગ્ન જીવનનું સિક્રેટ છે કે બધાની સામે ઊંચા અવાજે વાત કરી તો એકાંતમાં એનું આવી બને. જોકે હકીકતમાં એ વખતે પરિસ્થિતિ નાજુક જ હતી.


જેવો બેડ ખાલી થયો કે સુષમાએ મીનામાસીને નિરાંતે પણ એમને કોઈ પણ રીતની તકલીફ ના પડે એ બાબતનું ધ્યાન રાખી એમને માનભેર સૂવાડી દીધાં. જે કામ અમિતે કરવુ જોઈતુ હતુ એ સુષમાએ કરી બતાવ્યું.


સધકીએ ફટાફટ રિમોટ કંટ્રોલ ડિવાઇસ શોધી એર કન્ડિશન ચાલુ કરી દીધું. પિતલીએ પલટવાર કરી બેડરૂમનો દરવાજો બંધ કરી દીધો. હવે બધાંની મીટ સુષમા તરફ મંડાણી. એની સેવા જોઈને અમિતના મનમાં રાસડા રમાઈ ગયા, "આશા ભર્યા અમે આવિયાને મારી સુષમાએ રમાડ્યાં ખાસ રે, આવેલ આશા ભર્યા."


સુષમાએ એમના માથા પર પ્રેમ પૂર્વક હાથ પસરાવી એક સુંદર સ્મિત આપ્યું એટલે મીનામાસીને હવે સ્વસ્થ હોવાની પ્રતીતિ થઈ રહી હતી. એમણે સામે સુષમાના માથે પ્રેમથી હાથ ફેરવ્યો. સુષમાએ એમનો હાથ રોકી, એક પછી એક બંને હાથ અને પગ દબાવી સેવા કરી તો મીનામાસી રંગમાં આવી ગયાં. એમને સારું લાગ્યું એટલે બધાંને ગમ્યું. સૌ આ લગ્નોત્સુક સૌભાગ્ય કાંક્ષીણી એવી સુષમાથી પૂર્ણ પણે પ્રભાવિત થઈ ગયાં.


મીનામાસી તો એની ઉપર વરસી પડ્યાં, "દિકરી, પચીસ હજાર તો શું આખેઆખો ફ્લેટ તારે હવાલે કરી દઈશ. તું એક વાર અમારા ઘરમાં તો આવી જા."


આ વખતે સુષમાએ ભાંગરો વાટ્યો, "તે હું પણ ક્યારની એ જ કહી રહી છું કે મને તમારે ઘરે લઈ જાવ પણ આ કોઈ માનતાં કે સમજતાં જ નથી."


મીનામાસીએ તરત પોતાના લાંબી બાંયના બ્લાઉઝની અંદર બનાવેલા ચોર પોકેટમાંથી એક નાનકડી પર્સ બહાર કાઢી એમાંથી પોતાની ઉભરાતી લાગણીઓ વ્યક્ત કરતી ફૂલ ગુલાબી રંગી એક બે હજાર રૂપિયાની નોટ કાઢી સુષમાના હાથમાં આપી, "આ લે બેટા, શુકન."


અમિત તરત શરમાઈ ગયો અને હાજર બધાં એને અભિનંદન આપવા લાગ્યાં. પણ...


પણ સુષમાએ મીનામાસીનો હાથ પાછો ઠેલ્યો, "હું બે હજારમાં બંધાઈ નહીં શકું. હું પૂરા પચીસ હજાર જ લઈશ. ભલે હમણાં ના હોય તો આવતીકાલે આપજો."


વાત ફરી એક વખત જબરજસ્ત વળાંક પર આવી ચૂકી હતી. લગ્નોત્સુક સૌભાગ્ય કાંક્ષીણીએ લગ્ન માટે સીધેસીધી દહેજની માંગણી કરી તો હતી. પણ એ ટોકનની રકમમાં પણ બાંધછોડ કરવા તૈયાર નહોતી.


શું આ 'અમિત ઠેકાણે પાડો' મિશન અંતર્ગત રસિલાબેન દ્વારા ઊભી કરાયેલી બંને પાર્ટીઓની આ મસમોટી ગેરસમજ ક્યાં લઈ જશે? બધું સમુંસૂતરું પાર ઊતરશે કે પછી ફરી એક વખત એક નવી ભવાઈ ભજવાશે? આપના દરેક પ્રશ્નનો મજેદાર જવાબ મળશે ફક્ત જોડે રહેજો. અને હા, 'ધૂલો તો હરખપદૂડો (DTH) : પ્રકરણ ૨૭ તથા આગળના દરેક પ્રકરણ વાંચવાનું ચૂકશો નહીં. આભાર (ક્રમશ...).


લેખક: ગિરીશ ભવાનજી મેઘાણી (GBMSIR).